(સ્વામી આત્મદિપાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. -સં.)

આજકાલ આપણે સહુ રામકૃષ્ણ મિશનનાં ૧૨૫ વર્ષ ઊજવીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫ વર્ષ પહેલાં સને ૧૮૯૭માં આ મહાન મિશનની સ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધી નિરંતર સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. સ્વામી વિવેકાનંદજી તો ભવિષ્યવેત્તા હતા. તેમણે કહેલું કે આ ભાવગંગા હજુય ૧૫૦૦ વર્ષ સુધી અવિરતપણે વહ્યા કરશે અને એમાં આપણા જેવા કેટલાય અવગાહન કરીને જીવન ધન્ય બનાવશે. આ મહાન મિશનની પૂર્વભૂમિકામાં શ્રીરામકૃષ્ણદેવ છે અને તેનું તાત્પર્ય શું તે આપણે સમજવાની કોશિશ કરીશું.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અવિર્ભાવને કારણે જ આ રામકૃષ્ણ મિશનરૂપી ભાવગંગા શ્રીરામકૃષ્ણદેવનાં ચરણોમાંથી આવિર્ભૂત થઈ અને સ્વામી વિવેકાનંદજીએ એમના જીવન-આદર્શોરૂપી ભાવગંગાને પોતાની અધ્યાત્મ-જટામાં ઉતારીને પોતે જ એના ભગીરથ થઈને ભારત માતાના ખોળે વહેતી મૂકી. અને આ જ છે રામકૃષ્ણ મિશનની એ અદ્ભુત વાસ્તવિકતા!

જ્યારે જ્યારે ભારતમાં અને કહીએ તો સમગ્ર વિશ્વમાં અંતર્હૃદયની આધ્યાત્મિક શક્તિનું અવમૂલ્યન કરવામાં આવ્યું, અવગણના કરવામાં આવી ત્યારે ત્યારે સમસ્યાઓ વધતી ગઈ. વ્યક્તિગત જીવન, સામાજિક જીવન વિવિધ સંકટોમાંથી પસાર થવા લાગ્યું. માનવો પોતાની નવી દૃષ્ટિ, વિચારધારા દ્વારા બધું જ જોવા લાગ્યા અને બાહ્યપ્રકૃતિનો જયઘોષ કરવા લાગી ગયા. આ નવી દૃષ્ટિ એટલે જૂનું જે કંઈ છે, તેને જડ વિજ્ઞાનની દૃષ્ટિથી તોડી પાડવાની ફેશન શરૂ થઈ. અર્વાચીન શિક્ષિતો ભારતની પ્રાચીન વ્યવસ્થાને શંકાની દૃષ્ટિએ જોવા લાગ્યા. ધર્મ અને ધાર્મિકતાને અવગણવાનું સામાન્ય થઈ પડ્યું. તેઓ માટે ભારત ‘ધર્મ, ધર્મ’ કરીને ધ્વંશના કિનારે પહોંચી ગયો હતો. અને માટે એ કહેવાતા ધર્મનો સમૂળગો વિચ્છેદ કરીને જ તેનું પુનરુત્થાન શક્ય હતું. ‘પ્રાચીન ધર્મગ્રંથોનો નાશ કરવો જરૂરી છે,’ આવા સૂત્રોચ્ચારથી ધાર્મિકતાની વિરુદ્ધ આંદોલનો થયાં. ભારતની ભૂમિ ઉપર ‘નવીન અને પુરાતન’નો ભયંકર સંઘર્ષ થયો.

સાથે ને સાથે રૂઢિચુસ્ત ધાર્મિક લોકો ધર્મના બાહ્ય આચરણને પ્રાકૃત ધર્મ ગણાવીને તેની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી પ્રચાર કરવા લાગ્યા. એના કારણે વિવિધ સંપ્રદાયોમાં દ્વેષાદ્વેષી, જાતિવાદ, સાંપ્રદાયિક ધર્મવાદ, વગેરે ઊભાં થયાં. છૂત-અછૂત માર્ગથી આખો દેશ ભરાઈ ગયો. આધુનિક ભારતીયો અને સમાજ સુધારાવાદીઓ આ બધાનો તર્ક-યુક્તિથી ભાંગીને ભૂકો કરી નાખવા લાગ્યા.

અને આવા સમયે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો. એમણે પોતાના જીવનમાં જગતના વિવિધ ધર્મોની અનુભૂતિ કરી અને આધુનિકતાવાદીઓને અંગુલિનિર્દેશ કર્યો કે ધર્મ એટલે માત્ર એક સિદ્ધાન્ત નથી, માત્ર બાહ્યાચાર નથી, પરંતુ તે છે આત્માનુભૂતિ. ધર્મ તો ઉપલબ્ધિનો વિષય છે, અનુભૂતિનો વિષય છે.

તેઓએ આધુનિક મતવાદીઓને સાચાે ધર્મ જીવી બતાવ્યો, યુક્તિ અને સ્વાનુભૂતિથી ધર્મનું મહત્ત્વ સમજાવ્યું. તેઓ કહેતા કે જો ધર્મનાં ઉચ્ચ તત્ત્વોની અવગણના કરવામાં આવશે તો જીવનની ચરમ પ્રાપ્તિ એટલે કે ઈશ્વર પ્રાપ્તિથી વંચિત રહી જવાશે.

સનાતન હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયો અને વિશ્વના મુખ્ય ધર્મોની સાધના કરીને શ્રીરામકૃષ્ણદેવે સર્વધર્મનો સમન્વય કર્યો હતો. ચરમ માનસિક શાંતિ મેળવવા માટે ધર્મનું અનુશીલન કરવું જ રહ્યું.શ્રીરામકૃષ્ણની આ જ વાણીનો—ધર્મોપદેશનો સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉદ્‌ઘોષ કર્યો હતો. ત્યારે ત્યાં ઉપસ્થિત ચિંતનશીલ શ્રોતાઓ સમજ્યા હતા કે ધર્મનું સુપેરે અનુશીલન નહિ થાય તો કેવાં ભયાવહ પરિણામો આવશે!

જેમ ૧૯મી સદીનો ઇતિહાસ નિરાશા અને હતાશાનો ઇતિહાસ ગણાય છે, તેમ નવીન જાગરણની પ્રભાનો ઇતિહાસ પણ છે. આ નવજાગરણના ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ એટલે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદા, અને સ્વામી વિવેકાનંદનું આગમન. એમના સિદ્ધાંતો અને જીવનને આદર્શ બનાવીને રામકૃષ્ણ મિશનનો આવિર્ભાવ થયો અને માનવીય સભ્યતાનો પથ-પ્રદર્શક બની રહ્યો.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અધ્યાત્મ જીવનની સાધનાપીઠ અને મહાન તીર્થધામ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદનું આગમન એ એક અત્યંત મહત્ત્વની ઘટના કહી શકાય.

ખરેખર તો ત્યારે જ આ રામકૃષ્ણ મિશનનું બીજારોપણ થઈ ગયેલ અને એનું વટવૃક્ષ થયું શ્રીઠાકુરની મહાસમાધિ પછી. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદની જુગલબંધી એટલે પ્રાચીન અને આધુનિકતાનું મહામિલન! શ્રીરામકૃષ્ણદેવનું જીવન એટલે પ્રાચીન ભારતની મહાન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ અને સ્વામી વિવેકાનંદનું જીવન એટલે પાશ્ચાત્ય શિક્ષણ અને મૂલ્યોનું મંથન કરીને તૈયાર થયેલ પણ ભારતની મહાન પ્રાચીન પરંપરાઓમાં ઘડાયેલી આધુનિકતાનું પ્રતિનિધિત્વ.

શ્રીરામકૃષ્ણદેવની આ જ આધુનિક વિચારશૈલીનો સમગ્ર વિશ્વ પર પ્રભાવ પડ્યો. આ જ રામકૃષ્ણ મિશનની પટ્ટભૂમિ છે. શ્રીરામકૃષ્ણદેવના આવા મહાન વિચારોને અમલમાં લાવી શકાય તે માટે એક સંઘની સ્થાપનાની જરૂર જણાઈ. આ મિશનને પરિપૂર્ણ કરવા માટેનું પ્રથમ પગલું શિકાગોમાં ધર્મ સભામાં તેમની ભાગીદારી હતી અને તે દ્વારા પશ્ચિમ પર તેમણે આધ્યાત્મિક વિજય મેળવ્યો હતો. સ્વામીજી સારી રીતે જાણતા હતા કે બૌદ્ધ સંઘની સફળતાનું રહસ્ય તેના સંગઠિત કાર્યમાં સમાયેલું છે. પશ્ચિમમાં સ્વામીજી ત્યાંના લોકોના સંયુક્ત અને સંકલિત પ્રયાસોથી મોહિત થયા હતા. તેથી પત્રો દ્વારા તેમણે વારંવાર તેમના ગુરુભાઈઓને તથા શિષ્યોને ભારતમાં સામૂહિક રીતે કામ કરવા વિનંતી કરી. તેમણે દક્ષિણ ભારતમાં આલાસિંગા પેરુમલ અને અન્ય ભારતીય ભક્તો અને પ્રશંસકોને ઉત્સાહિત કર્યા, અને તેમને માનવતા માટે ભગવાનની સેવામાં પોતાનું જીવન બલિદાન આપવા પ્રેરણા આપી.

સ્વામીજીના ભારત અને પશ્ચિમમાં વ્યાપક પ્રવાસોએ તેમને ખાતરી આપી કે ‘અસરકારક સંગઠન-સંઘ વિના કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી.’ આથી પશ્ચિમમાંથી કલકત્તા પાછા ફર્યા પછી તેમણે બાગબજાર ખાતે બલરામ બાસુના ઘરે ૧ મે, ૧૮૯૭ના રોજ સંન્યાસી ભાઈઓ, ભક્તો અને પ્રશંસકોની બેઠક બોલાવી. તેમણે જ્વલંત ભાષામાં સંઘની આવશ્યકતા અને ઉપયોગિતા સમજાવી અને પછી કહ્યું:

“જેના નામથી અમે સૌ સંન્યાસીઓ બન્યા છીએ, જેને આદર્શ તરીકે સ્વીકારીને આ સંસારમાં તમે સૌ ગૃહસ્થજીવન ગાળી રહ્યા છો, જેનું પવિત્ર નામ અને જેના અપૂર્વ જીવન અને ઉપદેશોનો પ્રભાવ આ બાર વર્ષોની અંદર જ પૂર્વ તેમજ પશ્ચિમમાં અભૂતપૂર્વ વેગથી પ્રસરી રહેલ છે, તેમનું નામ આ સંઘ સાથે જોડવામાં આવશે; એટલે આ સંઘનું નામ ‘રામકૃષ્ણ મિશન’ રહેશે. આપણે તો ગુરુદેવના દાસ છીએ. તમે સૌ આ કાર્યમાં સહાય આપી રહો.”

“કલૌ સંઘે શક્તિ—કલિયુગમાં સંઘમાં શક્તિ રહેલી છે.” આવા શાસ્ત્રના વિધાનને લક્ષ્યમાં રાખીને જ સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. રામકૃષ્ણ મિશન એ એક ધાર્મિક સંસ્થા છે જે એક વ્યક્તિના કાર્ય, જીવન, અને સિદ્ધાંતો પર ચાલતી, ૧૨૫ વર્ષ પછી આજે પણ અડીખમ ઊભી છે અને કોઈ પણ પ્રકારના નાતજાત અને રંગના ભેદભાવ વગર સેવાનો ઝંડો લહેરાવે છે. કારણ કે એમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જીવનશક્તિ સંચારિત થયેલ છે. સ્વામી વિવેકાનંદજી જાણતા હતા કે શ્રીરામકૃષ્ણદેવનું જીવન અને સંદેશ કેવળ એક દેશ કે એક સમાજ માટે નથી પણ સમગ્ર વિશ્વ માટે અનુસરણીય છે. તેઓ એ પણ જાણતા હતા કે, જયારે જ્યારે પણ માનવસભ્યતા જોખમોમાંથી પસાર થતી હશે, અને આધ્યાત્મિક શક્તિને અવગણીને સર્વનાશના પથે હશે ત્યારે ત્યારે તેને શ્રીઠાકુરના જીવનનો આદર્શ અને જીવન-સંચારિત સંદેશ મુક્તિનો પથ ચિહ્નિત કરશે, દેખાડશે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ જેવા પુણ્યાત્માઓ સમયે સમયે આવીને માનવસભ્યતાના કલ્યાણ માટે, એક યુગની જરૂરિયાતોને પૂરી કરવા પોતાનું જીવન-સર્વસ્વ અર્પી દે છે.

આ સંઘના મુખ્ય બે આદર્શો છે. ‘આત્મનો મોક્ષાર્થમ્‌ જગત્‌ હિતાય ચ’ અને ‘શિવજ્ઞાને જીવસેવા’.

‘સ્વની મુક્તિ અને વિશ્વનું ભલું’ તથા ‘હરેક જીવમાં શિવ રહેલા છે’, ‘જીવોની સેવા એ જ શિવની સેવા.’ આ બન્ને સૂત્રો, આધ્યત્મિક આદર્શોને અનુસરતી આ સંસ્થા માટે તે અનોખી પ્રતિબદ્ધતાથી ઓછાં નથી. સાથે સાથે સ્વામીજીએ મા શ્રીશારદાદેવીને ‘સંઘ જનની’ અથવા ‘સંઘમાતા’ તરીકે જાહેર કર્યાં હતાં. તેમણે કહ્યું: ‘શ્રીશ્રીમા એ સંઘનાં તારણહાર અને પાલનહાર છે.’ અને આમ નારીશક્તિનું જાગરણ કર્યું જે ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જીવન-આદર્શ જ હતો.

આજે આપણે સૌ આ સંઘ-મિશનના અંતર્ભુક્ત સભ્યો તરીકે ગૌરવ લઈ શકીએ અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં ચરણકમળમાં પ્રાર્થના કરીએ કે આ સંઘ-મિશન માટે આપણે આપણું સર્વસ્વ અર્પણ કરી શકીએ.

Total Views: 483

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.