(Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

જ્યારે સમાજનો મોટાભાગનો સમૂહ પોતાના જીવનમાં સત્ય અને ધર્મને વ્યવહારગત આદર્શોરૂપે સ્વીકારે છે ત્યારે જનસમૂહના મહત્તમ વિભાગનું સર્વોત્તમ કલ્યાણ સધાય છે. સૈકાઓ પર્યંત ઋષિ-મુનિઓ આ મૂલ્યો જનમાનસમાં આરોપિત કરવાના પ્રયાસ કરતા રહ્યા છે. પ્રામાણિકતા અને સત્યવાદિતા ભારતના જીવનનો આધાર હતી એ બાબતનું ઈ.સ.પૂર્વે ચોથી સદીથી માંડીને વર્તમાનકાળની ઓગણીસમી સદી દરમિયાન ભારતવર્ષની મુલાકાતે આવેલા વિદેશી મુસાફરોએ સમર્થન કર્યું છે.

છતાંય આ મૂલ્યો તેમજ જીવનમાં તેના આચરણની દૃઢ માન્યતાને જોરપૂર્વક નિભાવી રાખવા માટે શુદ્ધ ચારિત્ર્યવાન વ્યક્તિઓ દ્વારા સંચાલિત બળવત્તર અને સ્વયં-ઘોષિત સંઘની અવારનવાર આવશ્યકતા રહે છે. આધુનિક અવતાર શ્રીરામકૃષ્ણ અને તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદે આ કાર્ય યથાર્થપણે કર્યું છે. તે બંનેએ આપણને સામર્થ્યવાન ધાર્મિક-સાંસ્કૃતિક ભાવધારાની ભેટ ધરી છે જે પોતાના કાર્યક્ષેત્ર હેઠળ બધા દેશો, બધી જાતિઓ અને બધી સામ્યતાઓના વધુ ને વધુ લોકોને આવરી લઈને ધીમી પરંતુ નિશ્ચિત પ્રગતિ સાધી રહી છે.

આ સંઘ પ્રાચીન હિંદુ સંન્યાસ પરંપરાના પવિત્રતા અને ત્યાગના આદર્શોમાં દૃઢમૂળ છે. તેની કેટલીક વિલક્ષણતાને કારણે તે પરંપરાગત હિંદુ સંન્યાસધારા કરતાં વિશિષ્ટ જણાય છે. આ સંઘ દીર્ઘ સમયાવધિથી સમગ્ર હિંદુ જાતિના ધાર્મિક-આધ્યાત્મિક વિકાસના અતિ વ્યાપક ક્ષેત્રેને આવરી રહેલ છે. આટલું જ નહિ, અન્ય ધર્મોના અને અન્ય સંસ્કૃતિના લોકોને પણ આ સંઘે પોતાનામાં સ્થાન આપ્યું છે. પરિણામે સાંપ્રાદાયિકતા અને ધર્મઝનૂનને તે સંઘમાં સ્થાન નથી. ઉગ્ર તપસ્યા અને કોરા શાસ્ત્રજ્ઞાનને અલ્પ મહત્ત્વ આપી તેણે જરૂરિયાતમંદોની નિઃસ્વાર્થ સેવાની નૂતન વિભાવના ઉમેરીને તેને ઈશ્વર-ઉપાસનાનો ઉચ્ચ દરજ્જો આપ્યો છે. તેમજ સર્વજનની આધ્યાત્મિક ઉન્નતિને અવકાશ પ્રદાન કર્યો છે. તે રાજકારણ સાથેની સંલગ્નતાથી સાવ દૂર રહે છે. સ્વામી વિવેકાનંદ ઉપદિષ્ટ સાર્થક મૂલ્યોના જનમાનસમાં આરોપણ દ્વારા, આમૂલ સુધારણા મારફત, સંઘ સમાજને સહાયતા પહોંચાડી રહ્યો છે.

સંઘની આવી વિભાવનાઓને કારણે તે શાસ્ત્રાધ્યયન અને તેમના મહત્ત્વપૂર્ણ ઉપદેશોના પ્રચાર-પ્રસારના કાર્યને સર્વોત્તમ મહત્તા આપીને વિશેષતમ ધ્‍યાન આપ્યા વિના રહી શકતો નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદે આ સંન્યાસી સંઘને શાસ્ત્ર અધ્યયન અને તેના પ્રચાર-પ્રસારને મૂળભૂત પ્રવૃત્તિ ગણવા આદેશ કર્યો છે.

બૌદ્ધિક જ્ઞાનના સંપાદન અને જ્ઞાનના પ્રચાર બાબતે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ તદ્દન વિપરીત જણાય છે અને તેથી આપણને વિમાસણમાં મૂકી દે છે. શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ આત્મ-સાક્ષાત્કાર અને દિવ્યતાનું પ્રગટીકરણ અે બૌદ્ધિકતા અને પંડિતાઈ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. (આંબાવાડિયાના માલિક સાથે સૌથી પહેલાં મિત્રતા બાંધીને) આંબાનાં વૃક્ષોની ગણતરી કરવાની પરવા કર્યા વિના કેરીઓ ખાવી એ સારું છે. ઈશ્વર-પ્રાપ્તિ દ્વારા અધિકાર મેળવ્યા વિના જગતમાં ઉપદેશ-કાર્ય કરાય તો તેનો કોઈ લાભ થશે નહીં.

સંસ્કૃત ભાષાના શિક્ષણ અને મૂળભૂત શાસ્ત્રોના અધ્યયન પર સ્વામી વિવેકાનંદ વિશેષ ભાર મૂકે છે. તેથી પોતાના શિષ્યો વૈદિક મંત્રોના યથાર્થ સૂચિતાર્થોનું સંસ્કરણ કરે, તેનું મૌલિક અર્થઘટન કરે અને શાસ્ત્રો પર પોતાનાં ભાષ્ય રચવાનો પ્રયત્ન કરે એમ સ્વામી વિવેકાનંદ ઇચ્છે છે!

આ બે વિરોધાભાસી મંતવ્યોની યથાર્થ સમજણ અંગે કેવી રીતે મેળ બેસાડવો! શ્રીરામકૃષ્ણના ઉપદેશો હતા સર્વસામાન્ય આધ્‍યાત્મિક સાધકો માટે! સ્વામી વિવેકાનંદનો બોધ મુખ્યત્વે સંન્યાસી શિષ્યો માટે હતો. आत्मनो मोक्षार्थम्‌—આત્મસાક્ષાત્કાર માટે પોતાનાં જીવન સમર્પિત કરાયેલાં હોવાથી, તેઓ તેની અનુભૂતિ કરવા માટે તન-મનથી તત્પર રહેવા બંધાયેલા હતા. છતાંય સંન્યાસીઓ અને આધ્યાત્મિક નાયકો તરીકે જન-સાધારણને શિક્ષિત કરવાની પોતાની જવાબદારીનો ત્યાગ કરી શક્યા નહીં. શ્રીરામકૃષ્ણ ઉપદેશ કરે છે તેમ આત્મહત્યા કરવા માટે ટાંકણી પર્યાપ્ત છે, પરંતુ અન્ય સાથે લડવા માટે ઢાલ-તલવારની આવશ્યકતા રહે છે. બરાબર એ જ રીતે, જેઓએ જગતમાં ધર્મપ્રચાર કરવાનો છે, તેમણે પ્રચારક્ષેત્રે ઝંપલાવવા ૫ૂર્વે પોતાને સંપૂર્ણપણે જ્ઞાનસંપન્ન બનાવવા જોઈએ.

એવું નથી કે શ્રીરામકૃષ્ણે શાસ્ત્રાધ્‍યયનની બાબતની કયારેય હિમાયત કરી નથી. તેમણે માત્ર તેની મર્યાદાઓનો નિર્દેશ કર્યો છે. તેમણે અા બાબત સમજાવવા માટે એક દૃષ્ટાંત આપ્યું છે: કોલકાતામાં રહેતા એક મહાશયને ગામડામાં રહેતા તેના સંબંધીનો પત્ર મળ્‍યો. બિનકાળજીથી તે પત્ર આડાઅવળો મુકાઈ ગયો. ભારે તપાસને અંતે તે પત્ર મળ્યો. તેણે તે પત્ર વાંચી લીધો અને પછી ફેંકી દઈને તેમાં જણાવેલ યાદી મુજબની ચીજવસ્તુઓ ખરીદવા બજાર જવા નીકળી પડ્યો. જ્યાં સુધી ખરીદવાની ચીજોની યાદી જોઈ ન હતી ત્યાં સુધી પત્રની આવશ્યકતા હતી. એક વખત યાદી જાણી લીધા પછી પત્રને વધુ વખત વાંચવાની જરૂર ન હતી, પરંતુ જે મગાવ્યું હતું તે મેળવવાનું કાર્ય જ કરવાનું હતું. એવી જ રીતે, આત્મસાક્ષાતકાર માટે આવશ્યક સાધના પદ્ધતિઓની જાણકારી મેળવવા  પૂરતી જ શાસ્ત્રાધ્યયનની આવશ્યકતા છે.

તેમ છતાંય, શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને (સ્વામી વિવેકાનંદને) અષ્ટાવક્ર સંહિતા જેવા આધ્યાત્મિક ગ્રંથનું અધ્યયન કરાવ્યું હતું તે અર્થહીન ન હતું. શ્રીરામકૃષ્ણને એ જ્ઞાન હતું કે નરેન્દ્ર એક દિવસ સંન્યાસી અને વિશ્વાચાર્ય બનવાનો છે. એથી એના માટે તેને પ્રશિક્ષિત કરવાનું આવશ્યક હતું. જો કે નરેન્દ્રને એવા પ્રશિષ્ટ ગ્રંથનું અધ્યયન કરવા સમજાવવો, તે (પ્રતીકાત્મકરૂપે) એવા પ્રશિક્ષણનો ભાગ હતો.

સ્વામી વિવેકાનંદે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવાની હિમાયત કરી હતી. તેમણે પોતે પાણિનિ સૂત્રો અને પાતંજલ યોગસૂત્રોના ભાષ્યમાં પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ અસ્ખલિતપણે તે ભાષામાં સંભાષણ કરી શકતા હતા. અને તેમણે ભક્તિસભર તેમજ તત્ત્વજ્ઞાનપૂર્ણ અદ્‌ભુત સ્તોત્રોની સંસ્કૃત ભાષામાં રચના પણ કરી હતી. અદ્વૈતવાદી હોવાને કારણે તેઓ સ્વાભાવિકપણે શંકરાચાર્યના પ્રશંસક હતા.

તેમ છતાંય, તેઓ શાસ્ત્રોનાં ભાષ્યોના અર્થઘટન સંબંધે શંકરાચાર્ય તેમજ અન્ય આચાર્યોથી અલગ પડતા હતા. સ્વામીજીને લાગતું હતું કે તે આચાર્યોએ વેદ-વેદાંતના અર્થઘટનને પૂર્ણ ન્યાય આપ્યો નથી કેમ કે તેઓએ માત્ર એક જ ‘વાદ’નો પક્ષ લીધો હતો. સ્વામીજીને દૃઢ માન્યતા હતી કે આ શાસ્ત્રોમાં વિકાસની વિભિન્ન કક્ષાના વિભિન્ન સાધકોને અનુકૂળ ઉપદેશો સમાવિષ્ટ છે. સ્વામીજીને જણાયું હતું કે શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશના પ્રકાશમાં વેદ-વેદાંતના ઉપદેશોનું અર્થઘટન કરવું સાર્થક ગણાશે, કેમ કે માત્ર તેનાથી જ યથાર્થ મર્મ પ્રગટ થશે. આ પ્રયાસથી લોકોનાં વિભિન્ન જૂથો વચ્ચેના મતવાદો ક્રમશઃ ક્ષીણ થતા જશે અને તેવાં જૂથો વચ્ચે મહત્તર ઐક્ય અને સંવાદિતા પ્રસ્થાપિત થશે.

દુર્ભાગ્યે યુગોથી શાસ્ત્ર-સમાવિષ્ટ મહાન આધ્યાત્મિક સત્યો નિશ્ચિત વર્ગના લોકોના અધિપત્ય હેઠળ પુરાયેલાં રહ્યાં છે. તેથી સ્વામી વિવેકાનંદનું દૃઢતાપૂર્વક માનવું હતું—અને તે સાચું જ છે—કે તે સત્યોનો પુનરુદ્ધાર કરવો તેમજ મઠ-આશ્રમો, જંગલો અને ગુફાઓમાંથી બહાર લાવવાં તેમજ તેનું વિશ્વ-પ્રસારણ કરવંુુ. આ માન્યતાને અનુરૂપ તેમણે સ્વયં આ કાર્યનો આજે પ્રખ્યાત અેવાં ભાષણો, વાર્તાલાપો, વર્ગનોંધો અને પત્રો મારફત પ્રારંભ કર્યો. આ બધું સરળ અને અસંદિગ્ધ ભાષામાં રચાયેલ છે, સાથોસાથ ઉદ્દીપક અને ઉત્પ્રેરક છે. વેદાંતના વિવિધ પક્ષો અંગેના તેમના વાર્તાલાપો—હાલમાં ‘જ્ઞાનયોગ’ પુસ્તકરૂપે સંપાદિત—ઘણા બધા ગહન મુદૃાઓ પર નૂતન પ્રકાશ ફેંકે છે. {Statement of Fact} તરીકે વર્ણવીને તેમણે માયાની વિભાવનાને સરળ ભાષામાં પ્રસ્તુત કરી છે, એવુંં કંઈક જેની અનુભૂતિ કરી શકાય છે પણ સહજતાથી વ્યક્ત કરી શકાતું નથી.

સુમધુર ઢબે સંરચના પામેલ અને મુગ્ધ કરી દેતી વાર્તાઓથી ભરેલ તેમનું ‘કર્મયોગ’ નામનું પુસ્તક વાંચવા યોગ્ય છે. તેમાં એમણે નિર્ભયતાપૂર્વક હિમાયત કરી છે કે કર્મયોગ પ્રત્યક્ષપણે આત્મસાક્ષાત્કાર અને મુક્તિ પ્રતિ દોરી જાય છે. તેમના ‘રાજયોગ’ પુસ્તકમાં તેમણે ચિંતનીય અને ગૂઢ વિભાવનાઓનું સરળ અને બુદ્ધિગમ્ય ભાષામાં વિવેચન કર્યું છે. હકીકતમાં, આ પ્રવર્તન-કાર્ય છે. તેમના ‘ભક્તિયોગ’ નામના પુસ્તકમાં તેમણે યથાર્થ ભક્તિ અને ઉપરછલ્લી ભાવુકતા વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે પ્રસ્તુત કર્યો છે. અને ગોપીઓના શ્રીકૃષ્ણ-પ્રેમનો જોરદાર બચાવ કર્યો છે. સામાન્યજનો શાસ્ત્રોના મર્મને સમજી શકે અને આત્મસાત્ કરી શકે તે માટે સ્વામી વિવેકાનંદે વિદ્વત્તાપૂર્ણ અધ્યયન અને તેની આદર્શોના જનસમૂહમાં પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉચ્ચ પરંપરા પ્રસ્થાપિત કરી અને તે પરંપરાને રામકૃષ્ણ સંઘમાં તેમના સાથીદારો અને અનુગામીઓએ દૃઢતાપૂર્વક ટકાવી રાખી છે. સ્વામી અભેદાનંદ, રામકૃષ્ણાનંદ, સારદાનંદ, તુરીયાનંદ અને વિજ્ઞાનાનંદ મહાન ખ્યાતિ-પ્રાપ્ત પ્રકાંડ વિદ્વાનો હતા. સ્વામી અભેદાનંદે રચેલ સંસ્કૃત સ્તોત્રો અને ભગવદ્્ ગીતા તેમજ પાતંજલ યોગસૂત્રો પરનાં દળદાર ભાષ્યોએ તેમની વિદ્વત્તા બાબતે વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કરીને, રામકૃષ્ણ સંઘનું નામ રોશન કર્યું છે. સ્વામી સારદાનંદનું તંત્રો વિષયક વિવેચન-વિશ્લેષણ; વાર્તાલાપો અને પત્રો દ્વારા સ્વામી તુરીયાનંદે કરેલ વેદાંતનું સ્પષ્ટીકરણ; ધર્મ અને તત્ત્વચિંતન વિષયક નિબંધો-પ્રબંધો ધરાવતી સ્વામી રામકૃષ્ણાનંદની કૃતિઓ; પુરાણો અને હિંદુ ખગોળવિદ્યા અને જ્યોતિષવિદ્યાના ક્ષેત્રમાં સ્વામી વિજ્ઞાનાનંદની વિશિષ્ટ કૌશલ-નિપુણતાએ રામકૃષ્ણ સંઘના દરજ્જામાં વૃદ્ધિ કરી છે.

જનસાધારણમાં શાસ્ત્ર-જ્ઞાનનો પ્રસાર—ખાસ કરીને સામાન્ય શિક્ષણ મેળવેલ—એ સતત ચાલતી પ્રકિયા છે. રામકૃષ્ણ સંઘનાં વિભિન્ન કેન્દ્રો શાસ્ત્રશિક્ષણના નિયમિત વર્ગો, ધાર્મિક-તત્ત્વજ્ઞાનનાં મૂળભૂત તત્ત્વ વિષયક પ્રવચનો, અને શિબિરોનું આયોજન કરવા ઉપરાંત માત્ર અંગ્રેજી ભાષામાં જ નહીં પણ પ્રાદેશિક ભાષાઓમાંય પુસ્તકો અને સામયિકોના પ્રકાશનનું પ્રભાવક અને ગૌરવશાળી કાર્ય કરી રહ્યાં છે.

આ શાસ્ત્રો સાથે (મનોવિજ્ઞાન સહિત) આધુનિક વિજ્ઞાનની વિભાવનાઓનો સુમેળ સાધવાના પ્રયત્નરૂપે કેટલાંક પુસ્તકોનું અન્ય પ્રશંસનીય કાર્ય પણ કરાયું છે. આ કૃતિઓમાં વિશુદ્ધિ, ચોકસાઈ અને ગુણવત્તા પર સવિશેષ ધ્‍યાન રાખવાના કારણે અને અાકર્ષક મુખપૃષ્ઠ તેમજ વ્યાજબી કીમતોને કારણે, આ પુસ્તકો લોકપ્રિય બન્યાં છે. માત્ર એટલું જ નહિ, શૈક્ષણિક તેમજ વિદ્વત્‌ સમાજમાં પણ તેણે સમાદર અને સ્વીકૃતિ ઉપલબ્ધ કરી છે. 

સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓની આધારશિલા પર અવસ્થિત થઈને શ્રીરામકૃષ્ણે હિંદુધર્મ ઉપરાંત બીજા ધર્મોની સાધના કરીને સત્ય-પ્રાપ્તિ કરી હતી. તેમણે જાણી લીધું કે બધા જ ધર્મો એક સમાન આત્માનુભૂતિ પ્રતિ દોરે છે. આ અનુભૂતિનું સ્વાભાવિક પરિણામ એ હતું કે તેમને અન્ય ધર્મો પ્રતિ સમાદાર જાગ્યો. 

તેમના શિષ્યો અને એ શિષ્યોના શિષ્યોએ એ જ પરંપરાઓ જાળવી રાખી છે—અન્ય ધર્મોનાં શાસ્ત્રો પ્રતિ સદ્‌ભાવપૂર્વકની દૃષ્ટિ રાખવી. સ્વામી વિવેકાનંદે સ્વયં બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મનું ગહન અધ્યયન કર્યું હતું, એવું જ સ્વામી અભેદાનંદે અને સ્વામી રામકૃષ્ણાનંદે પણ. રામકૃષ્ણ સંઘ દ્વારા પ્રકાશિત કેટલાંક પુસ્તકોમાં વૈશ્વિક સ્વીકૃતિની ઝલક જોવા મળે છે. 

સારાંશરૂપે કહીએ તો રામકૃષ્ણ સંઘે યોગ્યતાપૂર્વક સ્વીકૃત કર્યું છે કે હિંદુ ધર્મમાં હિંદુ શાસ્ત્રોનું વિશિષ્ટ અગ્રીમ સ્થાન છે. બૌદ્ધિક યુક્તિ અને આત્માનુભૂતિની સાપેક્ષ ભૂમિકાને ઓળખતી વખતે સંઘે બુદ્ધિશક્તિની મૂળભૂત મર્યાદાઓને ધ્યાનમાં લીધી છે અને તેથી પ્રત્યક્ષ અનુભૂતિ પ્રતિ ઝોક દર્શાવ્યો છે. સંઘે તેનાં વિવિધ પ્રકાશનો, સામયિકો અને ઉપદેશલક્ષી કાર્યક્રમો દ્વારા શાસ્ત્રોના પાયાની વિભાવનાઓના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે પ્રશંસનીય સેવા બજાવી છે.

તેણે અન્ય ધર્મોનાં શાસ્ત્રો પ્રત્યે આદરભાવનું વલણ જાળવી રાખ્યું છે. અને ધર્મના સૈદ્ધાંતિક કે ધર્મઝનૂનના દૃષ્ટિબિંદુ આધારિત વિરોધાભાસને દૂર રાખ્યો છે. રામકૃષ્ણ ભાવધારાનું અગત્યનું અંગ એવું રામકૃષ્ણ મિશન તેના સાર્થક અસ્તિત્વનાં ૧૦૦ (હાલ ૧૨૫) વર્ષ પૂરાં કરી રહ્યું છે. આ સંયોગકાળે પ્રાર્થના કરીએ કે તે હજુય વિશેષ સુયોગ્ય સંસ્થા બની રહે.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.