પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિમંત્રે દીક્ષિત યુવા સંન્યાસીઓને એકત્ર કરી, એમને દિવ્યપ્રેમની દોરીએ બાંધી, એક એવા સંઘનું નિર્માણ કે જે યુગપ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ-સભ્યતા માટે પથપ્રદર્શક બની રહે. આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત્‌ ભવિષ્યના સ્વામી વિવેકાનંદ. લીલાપ્રસંગકાર વર્ણિત કરે છે કે કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા”નો મંત્ર મેળવ્યો: 

“૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે, શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠેલા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે અનેક પ્રકારના સદ્‌બોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત-મજાકની વાતચીત પણ ચાલી રહી છે. વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને એ મતનો સાર ત્યાં બેઠેલા સહુને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા કે, ‘ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હરહંમેશ પ્રયત્ન કરતાં રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે—નામમાં રુચિ, જીવ પર દયા અને વૈષ્ણવપૂજન. જે નામ તે જ ઈશ્વર. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું; ભક્ત અને ભગવાન, કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશાં સાધુભક્તો પર શ્રદ્ધા, એમની પૂજા અને વંદના કરવી તથા કૃષ્ણનો જ આ જગત્સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો પર દયા (દાખવવી).’

“‘સર્વ જીવો પર દયા’ એમ કહેતાં જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા! કેટલીકવાર પછી અર્ધબાહ્યદશામાં આવીને કહેવા લાગ્યા, “જીવ પર દયા, જીવ પર દયા? હટ્ સાલા! મગતરામાં મગતરું તું, તે જીવ પર દયા કરવાનો? દયા કરનારો તું વળી કોણ? ના, ના, જીવ પર દયા નહિ; શિવજ્ઞાને જીવની સેવા!’

“ભાવાવિષ્ટ શ્રીરામકૃષ્ણનાં એ વચનો ભલે બધાંયે સાંભળ્યાં, પરંતુ એનો ગૂઢ મર્મ ત્યારે કોઈ ન તો સમજી શક્યા કે ન તો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ શમી ગયા પછી બહાર આવીને કહેલું, ‘શો અદ્ભુત પ્રકાશ આજે ઠાકુરનાં વચનોમાં હું જોવા પામ્યો છું! શુષ્ક, કઠોર અને નિર્મમ તરીકે પ્રસિદ્ધ એવા વેદાંતજ્ઞાનને ભક્તિની સંગાથે ભેળવી દઈને કેવા તો સહજ, રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું! અદ્વૈતજ્ઞાન મેળવવું હોય તો સંસારનો અને લોકોનો સંગ તમામ પ્રકારે છોડી દઈને વનમાં જવું જોઈએ તથા ભક્તિ, પ્રેમ વગેરે કોમળ ભાવોને હૃદયમાંથી જોરપૂર્વક ઉખેડી નાંખીને દૂર ફેંકી દેવા જોઈએ, એવી જ વાત આટલા દિવસ સુધી સાંભળતાં આવ્યા છીએ. પરિણામે એ રીતે એની પ્રાપ્તિ કરવા જતાં જગત્‌-સંસાર તેમજ એની અંદર આવેલી એકેએક વ્યક્તિને ધર્મમાર્ગમાં અંતરાયરૂપ જાણીને એમના ઉપર ઘૃણા ઉપજતાં સાધક અવળે માર્ગે ચડી જાય એવો વિશેષ સંભવ છે. 

“‘પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે, વનના વેદાંતને ઘરમાં લાવી શકાય, સંસારનાં સઘળાં કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધુંયે ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી; માત્ર સૌથી પહેલાં આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયુંઃ તે એ કે ઈશ્વર જ જીવ તથા જગતરૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળેપળે એ જેના સંપર્કમાં આવી રહ્યો છે, જે જે બધાંને પ્રેમ કરી રહ્યો છે, જેમના પ્રત્યે શ્રદ્ધા, સન્માન અથવા દયા દાખવી રહ્યો છે, તેમાંના એકેએક એમના જ અંશ છે, તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવસ્વરૂપ જાણી શકે, તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે શિવજ્ઞાને જીવોની સેવા કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે, શુદ્ધબુદ્ધ મુક્ત સ્વભાવવાળા તરીકે નક્કી જાણી શકશે.

“‘ઠાકુરની એ વાત વડે ભક્તિપથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહિ, ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશકુસુમવત્ રહે છે. શિવ અથવા નારાયણજ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરનાં દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્તસાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે, એ વાત કહેવાની જરૂર નથી. 

“‘કર્મ કે રાજયોગનું અવલંબન લઈને જે બધા સાધકો ચાલી રહેલા છે તેઓ પણ આ વચનોથી વિશેષ પ્રકાશ પામશે કારણ કે, કર્મ કર્યા વિના દેહધારી જ્યારે એક ઘડીપણ રહી શકતો નથી, ત્યારે શિવજ્ઞાને જીવસેવારૂપી કર્મનું અનુષ્ઠાન જ કરવું ઘટે અને એમ કરતાં એ કર્મો જ ઝડપથી લક્ષ્યે પહોંચાડી આપશે, એ વાત કહેવી પડે તેમ નથી. જે હોય તે, પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદ્‌ભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ, પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાળ સહુને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ!’” (લીલાપ્રસંગ, 3.221)

Total Views: 480

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.