સર્વ ત્યાગી સંન્યાસીઓ, જેમણે ‘બ્રહ્મ સત્ય જગત્‌ મિથ્યા’ના વેદાંતિક સિંહ-પડકારને સાદ આપીને ગૃહ-સંસાર ત્યાગ કર્યો છે, એમને માટે શું સંસારમાં રહેલ દુ:ખની એક સામયિક સત્તા સ્વીકારીને ગરીબ-ગુરબાઓની સેવા કરવી એ શું એમના સંન્યાસ-વ્રતની સાથે વિશ્વાસઘાત નથી? સ્વામી ગંભીરાનંદજી લખે છે:

અમે પહેલાં જ જણાવ્યું છે કે શ્રીરામકૃષ્ણના ભક્તો સ્વામીજીના આદેશનું પાલન કરવા માટે તત્પર હોવા છતાં પણ તેમાંના બધા કંઈ તેમની વિચારધારા કે કાર્યપદ્ધતિનો હૃદયપૂર્વક સ્વીકાર કરી શકતા નહોતા. સમિતિની સ્થાપનાને દિવસે જ એનું પ્રમાણ મળી ગયું હતું. સભા પૂરી થઈ. બહારના સભ્યો જતા રહ્યા પછી સ્વામીજીએ સ્વામી યોગાનંદને કહ્યું: ‘આ રીતે કાર્યનો પ્રારંભ તો થયો છે. હવે જોઈએ ઠાકુરની ઇચ્છાથી તે ક્યાં સુધી સફળ થાય છે?’ 

ત્યારે સ્વામી યોગાનંદ તરત જ બોલી ઊઠ્યા: ‘તમારું આ બધું કામ તો વિદેશી ઢંગ પ્રમાણે થઈ રહ્યું છે. શું આવા પ્રકારનો શ્રીરામકૃષ્ણનો ઉપદેશ હતો?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો: ‘તમને કેવી રીતે ખબર પડી કે આ બધો ઠાકુરનો ભાવ નથી? અનંતભાવોની સાક્ષાત્ મૂર્તિ જેવા શ્રીરામકૃષ્ણને તમે તમારા વિચારોની મર્યાદામાં પૂરી રાખવા ઇચ્છો છો? હું એ મર્યાદાને તોડી નાખીશ અને તેમના વિચારોને આખા જગતમાં ફેલાવી દઈશ. ઠાકુરે કદી મને પોતાનાં પૂજા-પાઠ કરવાનો આદેશ આપ્યો નથી. સાધન-ભજન, ધ્યાન-ધારણા તથા ધર્મના બીજા ઉચ્ચ આદર્શો તેમણે શીખવ્યા છે, તેનું આચરણ કરીને લોકોને તેનું શિક્ષણ આપવું પડશે. અનંત મત, અનંત પથ.અનેક પંથોથી ઊભરાતી આ દુનિયામાં એક નવો પંથ ઊભો કરવા માટે મારો જન્મ નથી થયો. શ્રીરામકૃષ્ણનાં ચરણમાં આશ્રય મેળવીને આપણે તો ધન્ય બની ગયા છીએ. ત્રણેય લોકમાં એમના વિચારો ફેલાવવા માટે જ આપણો જન્મ થયો છે.’

સ્વામીજી નિર્બંધપણે બીજું પણ ઘણું કહેવા લાગ્યા. આ બધું સાંભળીને સ્વામી યોગાનંદે કહ્યું: ‘તમે જેવું ઇચ્છશો તેવું જ થશે. અમે લોકો તો હંમેશાં તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તીએ છીએ. હું તો વચ્ચે વચ્ચે એ જોઈ રહ્યો છું કે ઠાકુર જ તમારા દ્વારા બધું કરી રહ્યા છે. તો પણ ક્યારેક ક્યારેક કોણ જાણે કેમ પણ મનમાં શંકા જાગી ઊઠે છે—ઠાકુરની કાર્ય કરવાની રીત અલગ પ્રકારે જોઈ છે ને? એટલે એવું લાગે છે કે આપણે બધા એમના ઉપદેશને છોડીને કોઈ બીજા માર્ગે તો નથી જઈ રહ્યા ને?’ 

સ્વામીજીએ જવાબમાં કહ્યું: ‘જાણો છો, સામાન્ય ભક્તોએ ઠાકુરને જેટલા જાણ્યા છે, તેટલા તેઓ ખરેખર નથી. તેઓ તો છે અનંત ભાવમય!… એમના કૃપા-કટાક્ષથી એક ક્ષણમાં લાખો વિવેકાનંદ ઉત્પન્ન થઈ શકે છે. છતાં પણ તેઓ એવું ન કરતાં પોતાની ઇચ્છાથી મારા દ્વારા, મને યંત્ર બનાવીને આ બધું કરાવી રહ્યા છે. હવે આમાં હું શું કરું? કહો જોઈએ?’ (યુગનાયક, 2.277-81)

શ્રીરામચંદ્ર દત્ત વગેરે અનેક વયોવૃદ્ધ ગૃહસ્થ ભક્તો તો પહેલેથી જ મઠ સ્થાપના વગેરેની ઉપયોગિતાનો સ્વીકાર કરતા નહોતા; હજુ પણ તેઓ પોતાની મુક્તિ માટેના પ્રયત્નોમાં જ પૂરેપૂરું લાગી રહેવું, એને જ ધર્મજીવનનો શ્રેષ્ઠ આદર્શ માનતા હતા. વળી તેઓ એમ પણ માનતા હતા કે આ પ્રયત્ન પણ પરંપરાગત પદ્ધતિથી જ થવો જોઈએ. એ ઉપરાંત, તેઓ સ્વામીજી દ્વારા પ્રચારિત ‘વ્યાવહારિક વેદાંત’ની સાથે શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશનો મેળ પણ જોઈ શકતા નહોતા. સંન્યાસીઓમાં પણ ઘણા સ્વામીજીના નવીન વિચારોને શંકાભરી નજરે જોતા હતા. તેઓ વિચારતા હતા કે સ્વામીજીના આ કર્મપ્રયાસોની સાથે વૈરાગ્ય-પ્રધાન અને સમાજ-વિમુખ સંન્યાસનો મેળ કેવી રીતે બેસી શકે? વળી જગતનો અસ્વીકાર કરનારા વેદાંતવાદની સાથે તેનો શું સંબંધ હોઈ શકે? 

પરંતુ સ્વામીજીને એમાં કોઈ વિસંગતતા જણાતી નહોતી. એમણે સરળ ભાષામાં કહ્યું: ‘જે જ્ઞાન દ્વારા ભવબંધનમાંથી મુક્તિ મળે છે, એનાથી શું જગતની ઉન્નતિ નહીં થાય? જરૂર થશે.’ એમને યાદ હતા શ્રીરામકૃષ્ણના એ ઉદ્‌ગારો, ‘ભૂખ્યા પેટે ધર્મ નહીં થાય,’ ‘કળિયુગમાં અન્નગત પ્રાણ છે.’ અને ઇતિહાસવિદ્ હોવાને લઈને તેઓ જાણતા હતા કે બૌદ્ધધર્મની પડતીના સમયમાં આંતરિક અનુભૂતિઓ ઉપર પૂરતું ધ્યાન ન આપતાં ફક્ત બાહ્યત્યાગ ઉપર જ વધારે ભાર આપવાને પરિણામે અનાધિકારી લોકોએ પણ સંન્યાસને જ ધર્મપ્રાપ્તિ માટેનું એક માત્ર સાધન માનીને તેને અપનાવ્યો હતો. તેનું પરિણામ એ આવ્યું કે કર્મપ્રયાસો રૂંધાઈ ગયા અને ધીમે ધીમે ભારતની અવનતિ થતાં તે આજની દુર્દશાની ચરમ સીમાએ પહોંચ્યું. 

કહેવત છે કે ‘સાપનું ઝેર સાપ જ ખેંચી શકે છે.’ બૌદ્ધ-સંન્યાસ-પરંપરા દ્વારા આ માર્ગે ચાલવાથી સમાજમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે, તેનું પ્રાયશ્ચિત્ત હિન્દુ-સંન્યાસી-સંપ્રદાયે કરવું પડશે. તેણે પોતાના જીવન દ્વારા એ બતાવી આપવું પડશે કે કર્મને પણ ભગવદ્-ઉપાસનામાં પરિણત કરી શકાય છે. શ્રીરામકૃષ્ણે જીવોના કલ્યાણ માટે દેહધારણ કર્યો હતો. આ યુગમાં શિવજ્ઞાનથી જીવસેવાનો સંદેશ સર્વપ્રથમ એમના જ શ્રીમુખે ઉચ્ચારાયો હતો. જ્યારે હાજરા મહાશયે એમને બધા ભક્તોની ચિંતા છોડીને ધ્યાન-સમાધિમાં જ સ્થિર રહેવા કહ્યું તો પણ તેઓ કોલકાતાના લોકોની દુર્દશાનો વિચાર કરીને તેમ કરી શક્યા નહીં અને દેવઘર તથા રાણાઘાટમાં તો એમણે પોતાના હાથે જ સેવાધર્મનું બીજ રોપ્યું હતું. 

એટલા માટે વિરાટ સામાજિક જીવનમાં વેદાંતને સક્રિય બનાવવા માટે સ્વામીજીએ સેવાધર્મને પોતાના સંઘના એક અનિવાર્ય અંગ તરીકે સ્વીકાર્યું હતું. પોતાના દેશ બાંધવોને જે રીતે તેમણે સર્વવ્યાપી વિરાટ પુરુષની પૂજા કરવાનું આહ્‌વાન કર્યું, તમસને છોડીને દેશની સેવામાં લાગી જવા કહ્યું, એ જ રીતે સંન્યાસી લોકોને પણ તેમણે સમજાવી દીધું કે નિ:સ્વાર્થભાવે જીવરૂપી શિવની સેવા કરવાથી એ શ્રેષ્ઠ ધર્મસાધન બનશે અને તેથી મુક્તિ મળશે. આથી ભયનું કોઈ જ કારણ નથી. શંકા સેવવી વ્યર્થ છે.

[સ્વામીજી કહે છે:] ‘દેશભક્તો કયા આદર્શથી પ્રેરાઈને દેશના કલ્યાણ માટે આત્મસમર્પણ કરશે? તેઓ કરશે, મહામાયાના દેહરૂપી સ્વદેશની સેવા સ્વીકારીને. સમાજનું દરેક અંગ બીજાની સમક્ષ કયા સંબંધના આધાર પર ઊભું રહેશે? સમાજરૂપી વિરાટ પુરુષના દેહની સેવામાં નિયુક્ત થઈને. કોનું આહ્‌વાન સ્વીકારીને સંન્યાસીઓ અધ્યાત્મ માર્ગે આગળ વધશે? સર્વવ્યાપી ભગવાનની પૂજાની પ્રેરણા લઈને.’

સ્વામીજી અત્યાર સુધી બધાને સમજાવી રહ્યા હતા કે આત્માભિમાનમાંથી કે યશની આકાંક્ષામાંથી ઉદ્‌ભવેલાં કાર્યો હંમેશાં નિકૃષ્ટ હોય છે પરંતુ અહંકારરહિત અને સેવાભાવમાંથી જન્મેલાં કાર્યો અત્યંત પ્રશંસનીય છે અને તે જ છે ચિત્તશુદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય. વિશેષ કરીને, શુદ્ધ સ્વભાવના લોકો સિવાય બીજા સામાન્ય લોકો રજોગુણને પાર કરીને સ્વ-ભાવમાં સ્થિર થયા વગર, ધ્યાન-ધારણા કે જ્ઞાન-વિચાર વગેરેના પૂર્ણ અધિકારી બની શકતા નથી. 

ઘણા લોકોની એવી માન્યતા છે કે ઈશ્વરને પ્રાપ્ત કર્યા પછી એમનો આદેશ મેળવીને લોક-કલ્યાણમાં લાગવું એ યોગ્ય છે, એ પહેલાં નહીં. પરંતુ આ વાત ફક્ત ગુરુઓના સંદર્ભમાં કહેલી છે કે જેઓ બીજાઓને ભગવદ્-માર્ગે જવાનો ઉપદેશ આપે છે, એમના માટે પોતાની અનુભૂતિ હોવી અત્યંત જરૂરી છે. પરંતુ જે લોકો ભગવદ્-પ્રાપ્તિના સાધનરૂપે ભક્તિ અને પૂજાના ભાવથી સેવાવ્રત અપનાવે એમને આ લાગુ પડતી નથી. વળી સાધનાના રૂપમાં પણ આ માર્ગને બીજા સુપરિચિત માર્ગો કરતાં નીચું સ્થાન આપી શકાય નહીં, કેમ કે, સેવાની સાથે તો ભક્તિ, જ્ઞાન, ત્યાગ, એકાગ્રતા વગેરે પણ એકબીજા ઉપર આધારિત ભાવથી જોડાયેલાં છે. (યુગનાયક, 2.268-70)

…સંન્યાસીનો જન્મ ‘બહુજનહિતાય બહુજનસુખાય’ થાય છે. સંન્યાસ ધારણ કરીને પણ જેઓ આ ઉદ્દેશને ભૂલી જાય છે—એમનું તો જીવન જ વ્યર્થ છે—વૃથૈવ તસ્ય જીવનમ્. બીજાઓને માટે પ્રાણાર્પણ કરવું, પીડિતોનાં આક્રંદોને શાંત કરવાં, વિધવાઓનાં આંસુ લૂછવાં, પુત્ર વિયોગથી દુ:ખી અબળાઓને દિલાસો આપવો, અજ્ઞાની સામાન્ય લોકોને જીવનસંગ્રામ માટે સક્ષમ બનાવવા, શાસ્ત્રોના ઉપદેશોનો પ્રચાર કરીને બધાનું ઐહિક અને પારલૌકિક કલ્યાણ કરવું અને જ્ઞાનનો પ્રકાશ આપીને બધાંની અંદર સુપ્ત રહેલા બ્રહ્મકેસરીને જાગૃત કરવો, એ માટે તો સંન્યાસીનો જન્મ થાય છે. (યુગનાયક, 2.273)

 

 

Total Views: 792

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોકસાહિત્યકાર, ભજનિક) October 18, 2022 at 3:13 pm - Reply

    ચિત્તશુદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય એટલે અહંકાર રહિત અને સેવાભાવમાંથી જન્મેલાં કાર્યો. અતિ મહત્વની આધ્યાત્મિક માહિતી.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.