(શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અનેકવિધ સેવા-યજ્ઞો વર્ષોથી ચાલી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીના ઉપદેશ મુજબ સૌથી મહાન સેવા છે- ‘જનસમુદાયને જ્ઞાનથી પરિચિત કરાવવાનું કાર્ય’. સ્વામીજી કહે છે, “લોકોના હાથમાં મારા વિચારો રાખી દો, બાકીનું કાર્ય હું કરીશ.” એ ઉપદેશને ધ્યાનમાં રાખીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતનાં વિભિન્ન ક્ષેત્રોનાં વિદ્યાલય, મહાવિદ્યાલય, લોકમેળા, સમૂહલગ્ન, સપ્તાહ-કથા, સોસાયટીના જાહેર કાર્યક્રમોમાં જઈને રામકૃષ્ણ વિવેકાનંદ-વેદાંત સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે. આશ્રમના પૂજ્ય સ્વામીજીઓની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સ્વયં-સેવકો દ્વારા આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. 

ખાસ કરીને, વિદ્યાલયોમાં ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદજીનાં પ્રેરણાદાયી પુસ્તકોના વાંચનથી હજારો વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર થાય છે. વિદ્યાર્થીજીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં સ્વામીજીનાં પુસ્તકો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ઘણા યુવાનો અમને કહે છે કે, “સ્વામીજીનું જીવન-ચરિત્ર અમારા માટે અત્યંત પ્રેરણાદાયી રહ્યું છે.” ‘યુવાનોને’, ‘ઊઠો!જાગો’, ‘શક્તિદાયી વિચાર’, ‘અગ્નિમંત્ર’ જેવી સ્વામીજીની નાની પુસ્તિકાઓ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રિય છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી જે પણ વિદ્યાલય-મહાવિદ્યાલયમાં જવાનું થાય છે, તે સંસ્થાને પુસ્તકો, સ્વામીજીની છબી અને આભારપત્ર ભેટ રૂપે આપવામાં આવે છે.

સ્વામીજીએ કહેલું કે, સાચું ભારત આપણાં ગામડાઓમાં વસે છે. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ અમને થયેલો છે. જ્યારે જ્યારે અંતરિયાળ ગામડાની શાળાઓમાં જવાનું થયું છે, ત્યારે ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતાં અમને જાણવા મળ્યું કે, નાનાં નાનાં બાળકો પણ સ્વામીજીને કેટલો પ્રેમ કરે છે! ૧૨મી જાન્યુઆરી, સ્વામીજીનો જન્મદિવસ તેઓ પોતાની શાળામાં ખૂબ જ ઉત્સાહ-આનંદથી ઊજવે છે. નાનાં બાળકો સ્વામીજી જેવો વેશ પરિધાન કરીને, સ્વામીજીએ લખેલા ‘સ્વદેશ મંત્ર’નું પઠન કરે છે, ત્યારે તો સ્વામીજી સાક્ષાત્‌ તેમનામાં પ્રગટ થયા હોય, તેવી જ અનુભૂતિ થાય છે! સ્વામીજીના જીવન પર કવિતા લખે, ચિત્રો બનાવે, અભિનય કરે, એવાં અનેક માધ્યમોથી સ્વામીજીના બાળજીવનના પ્રસંગોને યાદ કરીને, તેમાંથી પ્રેરણા મેળવીને ધન્યતાનો અનુભવે છે. અમે એક બાબત ખાસ નોંધી છે કે, શહેરની શાળા હોય કે કોઈ છેવાડાના ગામડાની શાળા, બધી જ જગ્યાએ મા ભારતીના મહાન યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદજીની છબી તથા શાળાના ગ્રંથાલયમાં તેમનાં પુસ્તકો અચૂક જોવા મળે જ! ખરેખર, આ એક જ બાબત એક ભારતીય તરીકે આપણને ગૌરવ પ્રદાન કરે છે કે, આપણે દેશના મહાન સંતો-ૠષિઓના અમૂલ્ય યોગદાનને હજુ ભૂલ્યા નથી!! 

શાળાના આચાર્ય-શિક્ષકો સાથે પણ વાર્તાલાપ કરતાં જાણવા મળે છે કે વિદ્યાર્થીકાળથી જ ઘણા ખરા શિક્ષકોના આદર્શ સ્વામી વિવેકાનંદજી જ રહ્યા છે. તેઓ જણાવે છે કે વિદ્યાર્થીજીવનમાં તેમણે સ્વામીજીનાં પુસ્તકો  વાંચીને જ એક આદર્શ-ચારિત્ર્યવાન  શિક્ષક બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી!

ગામડાની એક શાળામાં એક વાર ખૂબ જ રસપ્રદ ઘટના ઘટી! ચોથા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી બહુ જ તોફાની અને ચંચળ હતો. શાંતિથી વર્ગમાં બેસે જ નહીં, અને અન્ય વિદ્યાર્થીઓને પણ હેરાન કરે. એક વાર એ શાળામાં જવાનું થયું. શરૂઆતમાં પ્રાર્થના કરી, સ્વામીજીના બાળપણના કેટલાક પ્રસંગોની વાતો કરી અને અંતમાં બધાં બાળકોને ધ્યાન કરાવ્યું! પેલા તોફાની વિદ્યાર્થીએ શરૂઆતમાં થોડાં તોફાન કર્યાં, પછી શાંતિથી આંખો બંધ કરીને બેઠો. ધીરે ધીરે તેને ધ્યાનમાં મજા આવવા લાગી! તેણે શાંતિથી બધું સાંભળ્યું. તેને સ્વામીજીનો ફોટો તથા થોડાં પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યાં. તેના શિક્ષકે થોડા દિવસ પછી, અમને ફોન કરીને જણાવ્યું કે, એ બાળક ઘરે પણ સ્વામીજીના ફોટા સામે બેસીને સવારે ધ્યાન કરે છે! શાળામાં પણ શિક્ષકો પાસેથી સ્વામીજીની જ વાર્તા સાંંભળવાનો આગ્રહ રાખે છે. નાના કુમળા બાળમાનસ પર સ્વામીજીની વાતોની કેવી હકારાત્મક અસર થાય છે! આ ઘટના તેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

આમ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યભંડારના પ્રચાર-પ્રસારનું જે કાર્ય થઈ રહ્યું છે, તે ખરેખર ઉત્તમ છે. આગામી વર્ષોમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરવાનો દૃઢ સંકલ્પ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના જીવનને સંસ્કારિત કરવાના આ ઉમદા સેવાકાર્યમાં જાેડાયેલા સર્વે સ્વયંસેવકો પર શ્રીઠાકુર, શ્રીશ્રીમા તથા સ્વામીજીના આશીર્વાદ હંમેશાં વરસતા રહે, એ જ તેઓનાં શ્રીચરણોમાં પ્રાર્થના.

Total Views: 416

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.