શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે ‘બાબા’ કહી સંબોધતા. વિશ્વકલ્યાણ અર્થે અનુષ્ઠિત સાધન-યજ્ઞના અંતે ઠાકુરનું શુદ્ધ મન તીર્થસ્થાન-દર્શન માટે વિહ્વળ થયું. વીર મથુરબાબુએ સમસ્ત આયોજન પોતાના મસ્તકે લઈ ઠાકુર સાથે કાશી, વૃંદાવન, અને મથુરાના ઉદ્દેશે યાત્રા આરંભ કરી. શ્રીરામકૃષ્ણની પ્રમાણિત જીવની “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ”માં લિપિબદ્ધ છે:

“મથુરની સાથે કાશી, વૃન્દાવન વગેરે તીર્થોની યાત્રાએ જતી વખતે વૈદ્યનાથની નજીકના કોઈક એક ગામમાંથી પસાર થતાં ગ્રામવાસીઓનાં દુઃખદારિદ્ર્ય જોઈને ‘બાબા’નું હૃદય એકદમ કરુણાથી છલકાઈ ઊઠ્યું. મથુરને કહ્યું, ‘તમે તો માના દીવાન છો. આ બધાંને માથાદીઠ તેલ અને એક એક પહેરવાનું કપડું આપો. અને એક દિવસ ભરપેટ જમાડી દો.’


“પહેલાં તો મથુર જરા આઘાપાછા થવા લાગ્યા. બોલ્યા ‘બાબા, તીર્થોમાં ઘણોય ખર્ચો થશે, અને આ પણ કેટલાં બધાં છે. આટલાં લોકોને ખવડાવતાં કરતાં પછી પૈસા ખૂટી પડશે. તમે જ કહો, હવે શું કરવું?’

“પણ એ વાત સાંભળે જ કોણ? ગ્રામવાસીઓની દશા જોઈને તે ઘડીએ બાબાની આંખોમાંથી એકધારાં આંસુ વહ્યે જાય છે, હૃદયમાં અપૂર્વ કરુણાનો આવેશ થઈ આવ્યો છે. બોલ્યા, ‘આઘો જા, સાલા, તારી કાશીએ મારે નથી જવું. હું તો આ બધાંની સાથે જ રહીશ, એમનું કોઈ નથી, એમને છોડીને હું નથી જવાનો.’ એમ બોલીને બાળકની જેમ રીસાઈને કંગાળોની વચમાં જઈને બેસી ગયા! એમની આવી કરુણા જોઈને પછી મથુરે ત્યારે કોલકાતાથી ધોતિયાં, સાડી મગાવ્યાં અને ‘બાબા’ના કહેવા પ્રમાણે બધું કાર્ય આટોપ્યું.

“‘બાબા’ પણ ગ્રામવાસીઓનો આનંદ જોઈને રાજી રાજી થઈ ગયા અને તેમની પાસેથી વિદાય લઈને મથુરની સાથે કાશીએ સીધાવ્યા.” (લીલાપ્રસંગ, 2.198)

અન્ય એક સમયે મથુરબાબુ ઠાકુરને સંગાથે લઈને પોતાની જમીનદારી જોવા ગયા હતા. લીલાપ્રસંગકાર કહે છે: “મથુરની જમીનદારીનાં ક્ષેત્રોને જોતાં-જોતાં ફરી રહેલા હતા ત્યારે શ્રીરામકૃષ્ણ એક ઠેકાણે ગામનાં સ્ત્રી-પુરુષોની દુર્દશા અને દારિદ્ર્ય જોઈને એ લોકોનાં દુઃખે દુઃખી થઈ ઊઠ્યા અને મથુરની મારફત એમને નોતરું દઈને માથામાં નાખવા જેટલું તેલ, એક એક નવું વસ્ત્ર અને એક એક દિવસનું ભરપેટ ભોજનનું દાન કરાવેલું.” (લીલાપ્રસંગ, 1.422)

Total Views: 642

One Comment

  1. Fateshing Chaudhari October 8, 2022 at 5:29 am - Reply

    Khub saras

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.