શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ ભક્તોનાં પાપ-તાપ ગ્રહણ કરીને ઠાકુર અવસાદગ્રસ્ત થયા. લીલાપ્રસંગકાર કહે છે:

“ત્યારે ઠાકુર પાસે ધર્મપિપાસુ માણસોનું આવવાનું કાંઈ સ્વલ્પ પ્રમાણ નહોતું રહ્યું. જૂના ભક્તો ઉપરાંત, બીજા પાંચ-સાત કે તેથીયે વધારે નવા માણસો ધર્મલાભની આશાથી દક્ષિણેશ્વર એમને બારણે હવે રોજ આવીને ઊભા રહેતા જણાતા. ૧૮૭૫ની સાલમાં શ્રીયુત્‌ કેશવ દક્ષિણેશ્વર આવ્યા. તેના થોડાક વખત પછીથી રોજ આ પ્રમાણે થતું આવેલું, તેથી લોકોપદેશ આપવાને ખાતર છેલ્લાં અગિયાર વરસોથી ઠાકુરના નિયમિતપણે નહાવા, ખાવા અને આરામ કરવામાં ખરેખર જ ઘણી વાર અસુવિધા ઊભી થયા કરતી હતી. તેના ઉપર વળી મહાભાવની પ્રેરણાને લીધે એમની ઊંઘ નહિ જેવી થતી. 

“દક્ષિણેશ્વરમાં એમની પાસે રહેતી વખતે અમે કેટલીયે વાર જોયું છે કે, રાતે લગભગ અગિયાર વાગે સૂવા જાય પછી થોડી જ વારે તેઓ ઊઠીને ભાવાવેશમાં આંટા મારી રહ્યા છે. ક્યારેક પશ્ચિમનું તો ક્યારેક ઉત્તર તરફનું બારણું ખોલીને બહાર જાય છે, કાં તો વળી ક્યારેક પથારીમાં હાલ્યા ચાલ્યા વગર સૂઈ રહેલા, છતાંયે સંપૂર્ણપણે જાગ્રત રહેલા છે. આ પ્રમાણે રાત દરમિયાન ત્રણ ચાર વાર બિછાનું છોડવા છતાંયે ચાર વાગતાં જ તેઓ રોજ ઊઠીને શ્રીભગવાનનું સ્મરણ, મનન, નામગુણગાન કરતાં કરતાં પરોઢિયાનું અજવાળું થવાની રાહ જોતા અને પછી અમને બૂમ મારીને ઉઠાડતા. એટલે આમ દિવસે ઘણા માણસોને ઉપદેશ આપવાના અતિશય પરિશ્રમથી અને રાત્રે ઊંઘ ન થવાથી એમના શરીરમાં હવે શ્રમ વરતાય એમાં નવાઈ શી? 

“વધારે પડતા પરિશ્રમથી પોતાનું શરીર ધીરે ધીરે કરતું ઘસાતું જાય છે એ વિશે અમારામાંથી કોઈનેય ઠાકુરે કશું કહ્યું નહોતું પણ તે છતાં એનો અણસાર અમને ક્યારેક ક્યારેક શ્રીજગદંબા સાથેના એમના મીઠા ઝઘડા સાંભળવા મળતાં આવતો, પણ અમે પૂરું સમજી શકતા નહિ. તેઓશ્રી બીમાર થયા એના થોડા વખત પહેલાં અમારામાંના એક જણે દક્ષિણેશ્વર પહોંચીને જોયું કે તેઓ ભાવાવિષ્ટ થઈને નાની પાટ ઉપર બેઠા બેઠા જાણે કે કોઈકને સંબોધીને મનમાંને મનમાં બોલી રહ્યા છે, ‘નર્યાં બધાં નઘરોળ લોકોને અહીં લાવે છે. એક શેર દૂધમાં એક સામટું પાંચ શેર પાણી, ફૂંકો મારી મારીને ઝાળ સંકોરતાં સંકોરતાં મારી આંખો ગઈ, હાડકાંનો ચૂરો થઈ ગયો, આટલું બધું મારાથી થવાનું નથી, તને શોખ થતો હોય તો કર તારી મેળે! બધાં સારાં માણસોને લઈ આવ કે એમને એકાદ બે વાત કહેતાં જ (ચૈતન્ય) થઈ જાય!’ 

“બીજે એક દિવસે એમણે પાસે બેઠેલા ભક્તોને કહેલું કે, ‘આજે માને કહેતો હતો કે, વિજય, ગિરીશ, કેદાર, રામ, માસ્ટર એવા કેટલાકને થોડી થોડી શક્તિ આપ, જેથી કોઈ નવો આવે તો એમની મારફત થોડો-ઘણો તૈયાર થઈને પછી મારી પાસે આવે.’ એ પ્રમાણે લોકશિક્ષણના કાર્યમાં સહાયતા કરવાની બાબતમાં એક ભક્ત-સ્ત્રીને એક સમયે એમણે કહેલું કે, ‘તું પાણી રેડ, હું ગાર કરું.’” (લીલાપ્રસંગ, 3.242-46)

પરંતુ શ્રીરામકૃષ્ણ માત્ર ઉપદેશ જ નહોતા આપતા—એટલું તો કોઈ પણ સિદ્ધ-મહાપુરુષ કરી શકે. તેઓ તો હતા યુગાવતાર સ્વયં અને આવ્યા હતા પોતાના અપાપવિદ્ધ દેહ ઉપર માનવ સભ્યતાનાં પાપ ગ્રહણ કરી આપણને મુક્તિ આપવા. આપણાં પાપ ગ્રહણ કરી કરીને જ તો એમને થઈ ગયો હતો અસાધ્ય રોગ અને આ રોગ જ તો છેવટે એમને દોરી ગયો હતો મહાપ્રયાણ તરફ. લીલાપ્રસંગકાર કહે છે:    

“શ્યામપુકુરમાં રહેતી વખતે ઠાકુરને એક દિવસ એક અદ્ભુત દર્શન થયેલું. એમણે જોયું કે, એમનું સૂક્ષ્મ શરીર સ્થૂળ દેહની અંદરથી બહાર નીકળીને ઓરડામાં આમથી તેમ આંટાફેરા મારી રહ્યું છે અને એના ગળાની પાછળ સાંધાના ભાગમાં કેટલાંક ઘારાં પડેલાં છે. આશ્ચર્ય પામીને તેઓ આવાં ઘારાં પડવાનું શું કારણ હશે તે વિચારી રહેલા, એ વખતે શ્રીજગદંબાએ એમને સમજાવી દીધું કે, જાતજાતનાં ખરાબ કર્મો કરી આવીને લોકો એમને સ્પર્શ કરીને પવિત્ર થયેલા છે, એમનાં પાપોનો ભાર એ પ્રમાણે એમનામાં સંક્રમિત થવાને લીધે એમને શરીરે ઘારાં પડ્યાં છે.

“જીવોનું કલ્યાણ કરવાને ખાતર પોતે લાખ-લાખવાર જન્મ લઈને દુઃખ ભોગવવાથી ડરતા નથી, એવી વાત અમે દક્ષિણેશ્વરમાં ઠાકુરને વખતોવખત બોલતા સાંભળ્યા હતા. એટલે ઉપર કહેલાં દર્શનથી જરાપણ વિચલિત થયા વગર આનંદપૂર્વક તેઓશ્રી એ વાત હવે અમને કહે, એમાં કશું વિચિત્ર અમને લાગ્યું નહિ અને એ સાંભળીને એમની અપાર કરુણાની કથાનું સ્મરણ અને આલોચના કરીને અમે મુગ્ધ થયા.” (લીલાપ્રસંગ, 3.300-303)

પરંતુ જો આ રોગ અસાધ્ય હોય તો ઠાકુર હતા સર્વ-દેવ-દેવી-સ્વરૂપાય યુગાવતાર. રોગ તો એમને રોકી શકવાનો ન હતો. 

“લોકશિક્ષણ પ્રદાન કરવાના અતિશય પરિશ્રમથી ઠાકુરનું શરીર થાકી ગયું હતું તે છતાં એમના મનનો એ બાબતનો ઉત્સાહ કદી પણ ઓછો થતો જોવામાં આવતો નહોતો. જેવી કોઈ અધિકારી વ્યક્તિ આવી ચઢે કે તરત જ કોણ જાણે કેવી રીતે એમને અંતરમાં ને અંતરમાં એની ખબર પડી જતી અને કોઈક એક દૈવી શક્તિના આવેશમાં આત્મહારા થઈને, એને ઉપદેશ દઈને તથા સ્પર્શ વગેરે કરીને એની આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ મોકળો કરી દેતા. જે ભાવનો એ ભાવિક હોય એ જ ભાવ એમના મનમાં તે ઘડીએ પ્રબળ બની જઈને બીજા બધા ભાવોને થોડીક પળોને માટે ઢાંકી દેતો અને એ અમુક ભાવે સિદ્ધિ પ્રાપ્ત કરવાની દિશામાં એ માણસ કેટલે દૂર સુધી જઈને હવે વધુ આગળ નથી વધી શકતો તે તેઓ દિવ્યદૃષ્ટિથી જોઈ શકતા અને એના માર્ગની તમામ અડચણોને આઘી કરીને એને વધારે ઊંચી ભાવભૂમિ ઉપર ચઢાવી દેતા.

“આ પ્રમાણે દેહત્યાગની પૂર્વક્ષણ સુધી તેઓ શિવજ્ઞાને જીવસેવા કરતા રહ્યા અને શાસ્ત્રમાં જેનું વર્ણન સર્વશ્રેષ્ઠ દાન તરીકે કરવામાં આવેલું છે, એ અભયપદની દિવ્ય જ્યોતિધારાનો અભિષેક કરીને આબાલવૃદ્ધ-વનિતા બધાંની જન્મોજન્મની વાસના-પિપાસાને હમેશને માટે દૂર કરી દેતા!” (લીલાપ્રસંગ, 3.242-46)

ઠાકુરના કેટલાક યુવા શિષ્યોએ નક્કી કર્યું કે ઠાકુર જ્યાં સુધી સાજા ન થઈ જાય ત્યાં સુધી તેઓ કોઈ નવા ભક્તોને ઠાકુરનાં દર્શન કરવા દેશે નહિ. પરંતુ શું સૂર્યનો પ્રકાશ દીર્ઘકાળ ઢાંકીને રાખી શકાય? એક અભિનેત્રી ઠાકુરને સાક્ષાત્ દેવ જાણીને મનમાં ને મનમાં બહુ જ શ્રદ્ધાભક્તિ કરતી અને એમનાં પુણ્યદર્શન કરવાની તક શોધતી હતી. ઠાકુરને ગંભીર વ્યાધિ થયાની વાત સાંભળીને તે હવે એમને એકવાર જોવાને ખાતર વ્યાકુળ બની ગઈ. તેણે કાલીપદ ઘોષ નામક એક ભક્તને દર્શન કરાવવા માટે વિનંતી કરી. લીલાપ્રસંગકાર કહે છે: 

“કાલીપદ તમામે તમામ વાતે ગિરીશચંદ્રને પગલે પગલે ચાલનારા હતા અને ઠાકુરને યુગાવતાર તરીકે માનવાથી, કુકર્મીઓ પશ્ચાત્તાપ અનુભવીને એમનાં શ્રીચરણોનો સ્પર્શ કરે તેનાથી એમના રોગમાં વૃદ્ધિ થશે, એ વાતમાં આસ્થા ધરાવતા નહોતા. તેથી ઠાકુરની પાસે એ અભિનેત્રીને લઈ આવતાં એમના મનમાં કોઈપણ જાતની દ્વિધા કે ડર ઊપજ્યાં નહિ. છૂપી મસલત કરીને નક્કી કર્યા પ્રમાણે એક દિવસ સંધ્યા થવાને સમયે તેઓ એને પુરુષની માફક ‘હેટ કોટ’ પહેરાવીને શ્યામપુકુરના રહેઠાણે પહોંચી ગયા અને પોતાના મિત્ર તરીકે એમનો પરિચય કરાવીને ઠાકુરની પાસે લઈ જઈને એની ખરી ઓળખ આપી. તે વખતે ઠાકુરના ઓરડામાં અમારામાંથી કોઈપણ હતું નહિ, તેથી એમ કરવામાં એમને કશી અડચણ પણ નડી નહિ. 

“અમારી નજરમાં ધૂળ ઝોંકવાને માટે જ અભિનેત્રી આવા વેશમાં આવી છે એ જાણીને રમૂજપ્રિય ઠાકુર હસવા માંડ્યા અને એનાં સાહસ અને ચતુરાઈની પ્રશંસા કરીને એની ભક્તિશ્રદ્ધા જોઈને રાજી થયા. ત્યાર પછી ઈશ્વરમાં વિશ્વાસુ બનીને એમના શરણાગત થઈને રહેવાને માટે એને બે ચાર ઉપદેશની વાતો કહીને થોડીક વારમાં વિદાય આપી. એ પણ આંસુ સારતી સારતી એમનાં શ્રીચરણોમાં માથું અડાડીને કાલીપદની સાથે ચાલી ગઈ. ઠાકુરની પાસેથી એ વાત અમને જાણવા મળી અને અમે છેતરાઈ ગયા એને લીધે તેઓ ઠઠ્ઠામશ્કરી અને આનંદ કરે છે એમ જોઈને અમે કાલીપદ ઉપર ખાસ ગુસ્સો કરી શક્યા નહિ.” (લીલાપ્રસંગ, 3.300-303)

Total Views: 651

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.