ક્રમે, શ્રીરામકૃષ્ણની જીવનલીલાનો અંતિમ અધ્યાય આવી ઉપસ્થિત થયો. ભક્તોને મનપ્રાણ ભરી આશીર્વાદ આપીને પ્રભુ સ્વલોકે પ્રયાણ કરવા ઉપસ્થિત થયા. ગળાના અસાધ્ય રોગે એમનું શરીર અસ્થિચર્મસાર કરી મૂક્યું હતું. ન ખવાય, ન બોલાય. આ સમય હતો પોતાની અર્જિત શક્તિ નરેન્દ્રમાં સંચારિત કરી, એમને આધારસ્તંભ બનાવી, રામકૃષ્ણ સંઘનો પાયો નાખવાનો. નરેન્દ્ર સંબંધે તેમણે જુદે જુદે વખતે કહેલું કે, “માએ તને એમનું કાર્ય કરવા માટે સંસારમાં ખેંચી આણ્યો છે.” “મારી પૂંઠે પૂંઠે તારે ફરવું જ પડશે. તું જશે ક્યાં?” (લીલાપ્રસંગ-૫/૨૫૯) 

પરંતુ યુગનાયકના સિંહાસને આરૂઢ થવાનો નરેનનો પથ સહજ ન હતો. સ્વતંત્ર ચિંતન કરવા માટે ટેવાયેલ, ગહન-સાગરસમી પવિત્ર બુદ્ધિથી તેઓ સજ્જ હતા. ગમે તેટલા સિદ્ધ ઈશ્વરીય એમના ગુરુ હોય, તેઓ તો પોતાનો વિવેક જેમ માર્ગદર્શન કરે એમ ચાલવા કટિબદ્ધ હતા. અને એમણે વિચારી લીધું હતું કે તેઓ અધ્યાત્મ-રાજ્યના સર્વોચ્ચ શિખર નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરશે. છેવટે એમણે જાણ્યું કે નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ ઉચ્ચ એક અવસ્થા છે. આ સંઘર્ષને યાદ કરીને સ્વામીજીની પ્રમાણિત જીવની ‘યુગનાયક વિવેકાનંદ’માં ઉલ્લેખ છે:

“જે સમયની વાત કરી રહ્યા છીએ તે દરમ્યાન જ એક દિવસ નિર્વિકલ્પ સમાધિલાભની ઇચ્છા અત્યંત પ્રબળ થઈ ઊઠવાથી નરેન્દ્રનાથ એને માટે શ્રીરામકૃષ્ણને વળગી બેઠા. ઠાકુરે એમને વારવા માટે પહેલાં કહ્યું કે, ‘મને સારું થઈ જશે એટલે તું જે માગીશ તે આપીશ.’ પણ નરેન્દ્ર એનાથી પણ વાર્યા ના વળ્યા અને બોલ્યા કે, ‘પણ આપ જો ફરીથી સાજા ના થાઓ તો મારું શું થાય?’ ઠાકુર સહેજ અન્યમનસ્ક અને સ્વગતભાવે બોલ્યા, ‘સાલો શું બોલે છે?’ ત્યાર પછી ધીરજપૂર્વક પૂછ્યું કે, ‘અચ્છા, તારે શું જોઈએ છે તે કહે.’ નરેન્દ્રે જણાવ્યું કે ‘મને ઇચ્છા થાય છે કે શુકદેવજીની માફક એકધારા પાંચ-છ દિવસ સુધી લાગલગાટ સમાધિમાં ડૂબેલો રહું; ત્યાર પછી શરીરરક્ષાને ખાતર જરાક તરાક નીચે ઊતરી આવીને ફરી પાછો સમાધિમાં ચાલ્યો જાઉં.’ શ્રીરામકૃષ્ણ ત્યારે થોડાક ઉત્તેજનાભર્યા સ્વરે તિરસ્કાર કરીને બોલ્યા, ‘છિ: છિ:, તું આટલો મોટો આધાર, અને તારે મોઢે આવી વાત! મેં તો ધારેલું કે તું એક વિશાળ વડલાના વૃક્ષ સમાણો બનીશ, તારી છાયામાં હજાર હજાર લોકો આશ્રય પામશે. એ ક્યાં, અને એને ઠેકાણે તું કેવળ પોતાની જ મુક્તિ ઇચ્છે છે! આ તો અતિ તુચ્છ હલકી વાત! ના રે ના, આટલી ટૂંકી નજર ના રાખ. મને તો ભાઈ, બધું ય ગમે. મચ્છી ખાઉં તો તળેલી પણ ખાઉં અને બાફેલી પણ ખાઉં, રસાદાર પણ ખાઉં અને ખાટિયું કરીને પણ ખાઉં. એમને (ભગવાનને) સમાધિ અવસ્થામાં નિર્ગુણ ભાવે પણ અનુભવું અને વળી જુદાં જુદાં સ્વરૂપોની અંદર ઐહિક સંબંધોની અનુભૂતિનો આનંદ પણ માણું. એકદેશીપણું ના ગમે. તું પણ એવું જ કર—એકાધારે જ્ઞાની તેમ જ ભક્ત બંને થા.” (યુગનાયક, 1.179-80)

“શ્રીશ્રીઠાકુરના શ્રીમુખેથી જ વ્યક્ત થયેલું છે કે એમના જ આહ્વાનથી નરેન્દ્ર જગદંબાનું કાર્ય સાધવા માટે જગતમાં આવ્યા હતા. એ ઉદ્દેશ્યને પાર પાડવાના હેતુથી ઠાકુરે એમની સમાધિની ચાવી પોતાની મુઠ્ઠીમાં રાખેલી અને એ પ્રયોજનસિદ્ઘિને અનુકૂળ બને એવી રીતે જ એમણે નરેન્દ્રનો જીવનપ્રવાહ એને યોગ્ય વહેણમાં વાળેલો. આપણને એ પણ યાદ છે કે દક્ષિણેશ્વરમાં પ્રથમ મેળાપને દહાડે જ ઠાકુર નરેન્દ્રની સામે હાથ જોડીને ઊભા ઊભા સ્તવન કરી રહ્યા હતા, ‘નારાયણ, તમે મારે માટે રૂપ ધારણ કરીને આવ્યા છો!’ 

“એમણે વળી એમ પણ કહેલું કે, ‘માને મેં કહેલું કે, ‘મા મારાથી જવાશે ખરું! જઈને વાત કોની જોડે કરીશ? મા, કામિનીકાંચનત્યાગી શુદ્ઘ ભક્ત નહિ મળે તો પૃથ્વી ઉપર કેમ કરીને રહીશ?’ તેં (નરેન્દ્રે) રાત્રે આવીને મને ઉઠાડ્યો અને બોલ્યો કે, ‘હું આવ્યો છું.’ કાશીપુરમાં જ એક દિવસે એમણે એક કાગળ ઉપર લખી દીધેલું કે ‘નરેન શિક્ષણ આપશે.’ તેથી નરેન્દ્રે કહેલું કે ‘મારાથી એ બધું નહિ બને.’ તો પણ ઠાકુરે જવાબમાં કહ્યું કે, ‘તારાં હાડ કરશે.’” (યુગનાયક, 1.193-94)

“એમ કરતાં કાશીપુરના દિવસોનો છેડો આવી રહ્યો હતો. ઓગસ્ટ માસને અધવચ્ચે ભક્તોના મનમાં એ આશંકા પાકી થઈ ગઈ કે, શ્રીરામકૃષ્ણ દેહત્યાગ કરવાનો સંકલ્પ કરીને બેઠા છે. પણ ત્યારેય હજી એમનું કર્તવ્ય પૂરું નહોતું થયું. મહાસમાધિની પૂર્વેથી જ તેઓશ્રી રોજ સાયંકાળે નરેન્દ્રનાથને પોતાની પાસે બોલાવડાવીને બીજા બધા શિષ્યોને બહાર જવાનું કહીને બે-ત્રણ કલાક સુધી બંધબારણે ભાવિ કાજકર્મો સંબંધે અનેક પ્રકારના ઉપદેશ દેતા. એમ કરતાં મહાસમાધિના હવે માત્ર ત્રણ-ચાર દિવસો જ બાકી રહેલા છે એમ જાણીને એમણે એક દિવસ નરેન્દ્રને બોલાવીને પોતાની સન્મુખે બેસાડ્યા અને એક નજરે એમના ભણી જોતાં જોતાં સમાધિસ્થ થઈ પડ્યા. 

“નરેન્દ્રનાથ પાછળથી કહેતા હતા કે ત્યારે એમને અનુભવ થયેલો કે જાણે કે ઠાકુરના દેહમાંથી વીજળીના ઝબકારા જેવું એક સૂક્ષ્મ તેજકિરણ એમના શરીરમાં પ્રવેશી રહ્યું છે. અંતે એ પોતે પણ બાહ્યભાન ગુમાવી બેઠા. કેટલો વખત આ રીતે વીતી ગયેલો, એની સમજ એમને પડી નહિ. ચેતના પાછી આવતાં એમણે દીઠું કે ઠાકુરનાં નયનેથી આંસુ વહી રહ્યાં છે, એનાથી અત્યંત ચકિત થઈને એમ કરવાનું કારણ એમને પૂછ્યું ત્યારે ઠાકુર બોલ્યા કે ‘આજે જે કાંઈ હતું તે સર્વસ્વ તને આપી દઈને ફકીર બન્યો છું. તું એ શક્તિ વડે જગતનાં કામ કરીશ. કામ પૂરાં થઈ ગયા પછી પાછો ફરી જજે.’ 

“સાંભળીને નરેન્દ્રનાથ બાળકની જેમ રડવા માંડ્યા. ઊછળતા ભાવના આવેગને કારણે કંઠ રુંધાઈ જવાથી તેઓ કશું બોલી શક્યા નહિ.”  (યુગનાયક, 1.194-95) 

આ શક્તિસંચાર જ હતી પ્રભુના જીવનની અંતિમ ક્ષણ. થોડા દિવસો બાદ સ્વહસ્તે ત્યાગી યુવા શિષ્યોને પવિત્ર ગેરુઆ વસ્ત્ર પ્રદાન કરી ઓગસ્ટ, 1886માં તેઓએ મહાપ્રયાણ કર્યું. 

એ વર્ષના ડિસેમ્બર માસમાં આંટપુર ગ્રામમાં એક ચિર સ્મરણીય પ્રસંગ આવી ઉપસ્થિત થયો. યુગનાયકમાં લિપિબદ્ધ છે: “સંધ્યા વીતીને ઘણો સમય વહી ગયા બાદ બહાર ધૂણી જલાવીને ખીચોખીચ તારામઢ્યા ઉજ્જવળ મુક્ત આકાશની નીચે ત્યાગી શ્રીરામકૃષ્ણ-સંતાનવૃંદ ધ્યાનમાં મગ્ન થયું. ધ્યાનને અંતે તેઓ ઈશ્વરચર્ચામાં રત હતા એ સમયે નરેન્દ્રનાથ ઈસુ ખ્રિસ્તની ત્યાગ તપસ્યાપૂત અપૂર્વ જીવનકથા પ્રાણસ્પર્શી ભાષામાં આદિથી અંત સુધીની એકધારી કહેતા ગયા. તેના પછી સેન્ટ પોલથી આરંભીને વિભિન્ન ત્યાગી શિષ્યોના અથાક પરિશ્રમ અને આત્મવિસર્જનના ફળે કેવી રીતે ખ્રિસ્તી ધર્મ અને સંપ્રદાય પ્રચારિત અને પ્રસારિત થયો તેનો ઇતિહાસ વર્ણવીને તેઓ ગુરુભાઈઓને એક ત્યાગના ઐશ્વર્યથી શોભતા પ્રેરણામય નવીન રાજ્યે લઈ ગયા અને સૌની સમક્ષ આગ્રહપૂર્વકનું નિવેદન કર્યું કે, એ લોકો પોતે પણ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યમંડળની જેમ પવિત્ર જીવનનું ઘડતર કરીને એને જગતના કલ્યાણ માટે હોમી દઈ શકે. 

“નરેન્દ્રનાથની એ પ્રાણ સિંચનારી વાણીને પ્રભાવે ગુરુભાઈઓ પણ ઊઠીને ખડા થઈ ગયા અને પરસ્પરની સંમુખે ધૂણીની લપકતી અગ્નિશિખાને સાક્ષી રાખીને શ્રીભગવાનનાં પાદપદ્મોમાં પોતાનો અતૂટ સંકલ્પ જાહેર કર્યો—પોતે સંસારત્યાગ કરશે. સન્મુખે રહેલી અગ્નિશિખા એ એમના ભાવથી ઝળકતા મુખડા ઉપર પ્રતિભાસિત થઈને એમની આવેગભરી પ્રતિજ્ઞાને વધુ ઝળહળતી કરી, સમસ્ત વાયુમંડળ જાણે કે અપૂર્વ ભવગદ્પ્રેરણાથી થરથર કંપી ઊઠ્યું, અને સ્તબ્ધ નયનોને વિસ્ફારિત કરીને એ અનુપમ દૃશ્ય પ્રાણ ભરીને નિહાળી રહ્યું. ફરી પાછાં સાધારણ ભૂમિ પર એમનાં મન ઊતરી આવતાં તેઓ વિચાર કરતાં નવાઈ પામી ગયા કે, એ સંધ્યા તો હતી ઈસુ ખ્રિસ્તના ‘આવિર્ભાવની પૂર્વક્ષણ.’” (યુગનાયક, 1.211-12)

Total Views: 394
By Published On: September 28, 2022Categories: Krishnasakhananda Swami2 CommentsTags: , ,

2 Comments

  1. Rasendra Adhvaryu October 11, 2022 at 3:17 am - Reply

    ખુબ સુંદર ભાવવાહી વર્ણન.
    શરૂઆતનો શબ્દ ક્રમે ને બદલે કાળક્રમે ન રાખવાનું કારણ કાળ નો સ્પર્શ ભગવાન ને ક્યાંથી? એ કારણે નથી પ્રયોજાયો?

    • jyot October 16, 2022 at 3:33 am - Reply

      લેખ લખવાના સમયે કાળ પ્રભુને ન સ્પર્શે એ વિચાર્યું ન હતું. પણ તમારી explanation ગમી.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram