(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.)

સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે સારી રીતે સમજી લીધા હતા અને એ બધાં ક્ષેત્રોમાં વિશ્વને નેતૃત્વ પ્રદાન કર્યું હતું. એમનામાં એક અનોખા જ આજન્મ સંન્યાસીની અદ્વૈત અનુભૂતિ ગર્જના કરી ઊઠી છે.

“જાગો, ઊઠો, સ્વપ્નોમાં ખોવાયેલા ન રહો. આ ધરતી તો સ્વપ્નોની જ ધરતી છે, જ્યાં કર્મ વિચારોની સુત્રહીન માળાઓ ગૂંથે છે. ફૂલો મધુર હોય કે વિષાકત- નથી તેનાં મૂળ કે નથી તેના થડ. તેઓ શૂન્યમાંથી પેદા થાય છે અને સત્ય વગેરેને તે શૂન્યમાં વિલીન કરી દે છે! સાહસિક બનો અને સત્યનું દર્શન કરો. તેની સાથે તાદાત્મ્ય સ્થાપો. છાયાઓ અને આભાસોને શાંત થવા દો

બીજી તરફ આ માયાનિર્મિત જગતમાં સ્વપ્નોમાં ખોવાયેલાં મનુષ્યો માટે અદ્વૈતજ્ઞાનને વ્યાવહારિક રૂપ દેવા માટે આ જગદ્ગુરુએ ઉપદેશ આપ્યો હતો.

‘જો સ્વપ્નો જ જોવાં હોય તો શાશ્વત પ્રેમ અને નિષ્કામ સેવાઓનાં જ સ્વપ્નો જુઓ.’

સ્વપ્નમાં દેખાતા છાયાભાસોમાં પણ સત્ય આત્માનાં દર્શનનો આ અનોખો પથ સ્વામી વિવેકાનંદજીએ જ આપ્યો હતો. સ્વપ્નવત્ મિથ્યા આ જગતમાં સ્વામીજીએ “માનવ”ને સૌથી વડો માન્યો કારણકે એ પ્રકૃત રૂપથી પરમ સત્ય જ છે. શ્રી શરતચંદ્ર ચક્રવર્તી મહાશય સાથે વાર્તાલાપ કરતાં તેમણે કહ્યું હતું: “તમે નિશ્ચિત રીતે માનજો કે આ માનવશરીરથી વધારે મોટું બીજું કોઈ તીર્થ નથી. આ શરીરમાં જેટલો આત્માનો વિકાસ થાય છે તેટલો બીજે ક્યાંય થતો નથી. શ્રી જગન્નાથનો રથ છે ને? તમે એમ માનો કે આ શરીરરૂપી રથનું એક સ્થૂળ રૂપ છે. આ શરીરરૂપી રથમાં આપણે આત્માનાં દર્શન કરવાનાં રહેશે.” આવી રીતે શાશ્વત પ્રેમ અને નિ:સ્વાર્થ સેવા દ્વારા જીવમાં શિવનાં દર્શન કરીને સ્વામીજીએ ‘માનવ’ અને માનવસમાજની કલ્પના કરી હતી. તથા પ્રકૃત સમાજવાદનું સ્વપ્ન નિહાળ્યું હતું. સ્વામીજીએ સમસ્ત વિશ્વના પ્રાચીન અને આધુનિક ઇતિહાસનો ગહન અભ્યાસ કર્યો હતો. દેશવિદેશોના ભ્રમણ દ્વારા માનવસમાજના વર્તમાન સ્વરૂપનું દર્શન કરીને સ્વામીજીએ માનવસમાજના ઉજ્જ્વળ અને ગૌરવમય ભવિષ્યની કલ્પના કરી હતી.

સ્વામીજીએ વિશ્વના ઇતિહાસમાં એ જોયું કે જગતમાં કેટલીક વ્યકિતઓ અન્ય સાધારણ વ્યકિતઓથી વધારે બુદ્ધિમાન અને ચાલાક હોય છે. ખૂબ ચતુરાઈપૂર્વક તેઓ જેવું ઈચ્છે તેવું અનુસરણ સામાન્ય માનવીઓ પાસે કરાવે છે. આ સાધારણ માનવીઓ અતૂટ પરિશ્રમ કરે છે. અને આ મૂઠ્ઠીભર શાસકવર્ગ તે પરિશ્રમ અને કાર્યનું ફળ ભોગવે છે. થોડા સમય સુધી આ શાસકવર્ગ સામાન્ય માનવીના હિતની ચિંતા કરે છે. પણ તે પછી તો સ્વાર્થપરાયણ થઈને વિદ્યા, ધન, શકિત, અધિકાર અને સગવડોને પોતાના વર્તુળમાં જ રાખી લે છે. અને બધી જ રીતે યોગ્ય હોવા છતાં આ સાધારણ મનુષ્ય દરિદ્ર, મૂર્ખ અને અવહેલના પામતો દુ:ખમય જીવન વ્યતીત કરતો રહે છે.

ફરી-ફરીને પૃથ્વીનું શાસન પુરોહિતશકિત, સૈન્યશકિત અને ધનશકિત દ્વારા ચાલતું રહ્યું છે. ચીની, સુમેરી, બેબિલોનની, મિશ્ર, ખાલ્ડિયન, આર્ય, ઈરાની, યહુદી અને અરબી જાતિઓમાં પ્રથમ યુગમાં પુરોહિતોનું આધિપત્ય હતું. મિસરની, બેબિલોનની અને ચીની જાતિઓમાં રાજશકિતની સફળતા બાદ ઘણા સમય પછી ભારતમાં રાજશક્તિની સફળતા અને ઉન્નતિ થઈ પછી અંગ્રેજ જાતિ સર્વવિજયી વૈશ્યક્તિના રૂપમાં સમગ્ર વિશ્વ પર તૂટી પડી. પ્રત્યેક દેશનો સામાન્ય માનવી પદદલિત થયો હતો. પુરોહિતશકિત, રાજયશકિત અને ધનશકિત એ સૌએ તેનું શોષણ કર્યું હતું. પુણ્યભૂમિ ભારતના જનસાધારણની તો વધારે ભયાવહ દશા હતી. સદીઓથી વિદેશી શાસનના ક્રૂર હાથો દ્વારા જર્જરિત થયેલ રાજાઓ, જમીનદારો અને મહાજનો દ્વારા શોષિત, સામાજિક અસમાનતાઓ, જાતિ-વર્ણ ભેદો, પુરોહિતો અને સામાજિક નિયમોથી દબાયેલા તે સામાન્ય માનવીનું ફકત હાડપિંજર જ બાકી રહી ગયું હતું. તે એ પણ ભૂલી ગયો હતો કે પોતે મનુષ્ય છે. આ અર્ધનગ્ન, ધાનભૂખ્યા, નિરક્ષર અને છતાંય પવિત્ર હૃદયવાળા જનસાધારણની દીનહીન દશા જોઈને સ્વામીજી વિચલિત થઈ ગયા. ભારતને અંતિમ છેડે કન્યાકુમારી પર ધ્યાનસ્થ અવસ્થામાં આ યુગાચાર્યે જનસાધારણની ઈશ્વરભાવથી સેવા કરીને તેની ઉન્નતિનાં સ્વપ્નો સેવ્યાં હતાં.

ત્રણેય વર્ગોના આધિપત્ય પછી હવે શ્રમજીવી વર્ગના આધિપત્યનો સમય આવી ગયો છે. સ્વામીજીની દૃષ્ટિએ જનસાધારણ એટલે ઝુંપડીઓમાં રહેનાર. શ્રમજીવી વર્ગની સંખ્યા અધિક હોવાથી તે જ સમાજનું મુખ્ય અંગ છે. છતાં અત્યાર સુધી તેઓનો જ ભોગ લેવાયેલો છે. હવે દુનિયાને તેઓ ભોગવે. આ સમાજવાદી વિચારધારાનું સ્વામીજીએ હાર્દિક સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું: “પરંતુ હવે એ દિવસો નથી રહ્યા. નીચલા વર્ગના લોકો ર્ધીરેધીરે આ વાત સમજી રહ્યા છે. અને તેની વિરુદ્ધ સામુહિક રીતે એકત્ર થઈને પોતાના બધા અધિકારો પ્રાપ્ત કરવા માટે દૃઢપ્રતિજ્ઞ થઈ ગયા છે. યુરોપ અને અમેરિકામાં નીચલા વર્ગના લોકોએ જાગૃત થઈને આ દિશામાં પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. આજે ભારતમાં પણ તેનાં લક્ષણ દૃષ્ટિગોચર થઈ રહ્યાં છે. હવે હજાર પ્રયત્નો કરવા છતાં પણ ઉચ્ચવર્ગના લોકો આ નીચલા વર્ગના લોકોને વધારે દબાવીને રાખી શકશે નહીં. હવે આ નીચલા વર્ગના લોકોને ન્યાય-સંગત અધિકારો મેળવવામાં તેમને મદદ કરવામાં જ ઉચ્ચવર્ગનું ભલું સમાયેલું છે.. પ્રત્યેક અભિજાત વર્ગનું કર્તવ્ય હવે એ છે કે પોતાના કુલીનતંત્રની કબર જેમ બને તેમ જલ્દી ખોદે. તે તેના માટે સારું છે. જેટલું તે મોડું કરશે તેટલું તે વધારે સડી જશે. અને તેનું મૃત્યુ પણ એટલી જ ખરાબ અને બદતર હાલતમાં થશે.” જાતિવિશેષ, મુઠ્ઠીભર ધનિક માણસો કે શાસકવર્ગ એ સ્વામીજીની દૃષ્ટિએ સમાજ નથી. લાખો અને કરોડોની સંખ્યામાં જનસાધારણ છે, એ સમાજ છે. સામાજિક નિયમો કે સંગઠનો એ સમાજના જનસાધારણના હિતાર્થે હોવાં જોઈએ. સમાજવાદ એવો સિદ્ધાંત છે કે જેમાં સમાજનું આધિપત્ય હોય છે. “પ્રજાનું શાસન પ્રજા દ્વારા, પ્રજાને હિતાર્થે.”

સ્વામીજીની દૃષ્ટિએ સમાજવાદ અન્ય શાસન પદ્ધતિઓ કરતાં સારો છે. આ જ ભાવને પ્રગટ કરતા તા. ૧ નવેમ્બર ૧૮૯૬ના રોજ લંડનથી કુ. મેરી હેલને લખેલ પત્રમાં લખ્યું છે. “હું સમાજવાદી છું.” પરંતુ સ્વામીજીએ આ પદ્ધતિને પૂર્ણ રીતે નિર્દોષ વ્યવસ્થા નથી માની. એટલે તેમણે આ જ પત્રમાં લખ્યું હતું: “હું સમાજવાદી છું એ એટલા માટે નહીં, કે આ વ્યવસ્થાને હું સંપૂર્ણપણે નિર્દોષ માનું છું. પરંતુ એટલા માટે કે રોટલો જ ન મળે તેના કરતાં અડધોય મળે તે સારું છે.”

તો શું સ્વામીજીએ આના કરતાં પણ વધારે શ્રેષ્ઠ સમાજવાદની કલ્પના કરી હતી? શું તેમણે પ્રચલિત સમાજવાદના દોષોથી મુક્ત કોઈ નિર્દોષ સમાજવાદની કલ્પના કરી હતી?

સ્વામીજીની દૃષ્ટિએ સમાજનું નેતૃત્વ વિદ્યા, બાહુબળ કે ધન દ્વારા ભલે પ્રાપ્ત થયું હોય, પરંતુ તે શકિતનો આધાર તો પ્રજા કે જનબળ જ છે. શાસકવર્ગ આ શક્તિના આધાર રૂપ જનસાધારણથી દૂર રહીને, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ક્ષમતા, અધિકાર અને સગવડોને પોતાના પૂરતાં જ મર્યાદિત રાખી જનસાધારણના શોષણ માટે વાપરશે, તે શાસકવર્ગ તેટલો જ દુર્બળ, ક્ષીણ અને નિસ્તેજ થઈને શાસન ખોઈ બેસશે. હવે વ્યવસાયી વર્ગનો વિલીન થવાનો વારો છે અને એમ જ થયું અને યુરોપ તથા અમેરિકામાં પ્રજાનું રાજ્ય થયું. જનસાધારણે ક્ષમતા પોતાના હાથમાં લઈ લીધી હતી. સ્વામીજીએ જોયું કે આ વ્યવસ્થામાં પણ બીજાઓ કરતાં વધારે બુદ્ધિવાળા છે એવા મુઠ્ઠીભર લોકો રાજનીતિને નામે દેશવાસીઓનું લોહી ચૂસીને સમસ્ત યુરોપના દેશોનો નાશ કરી રહ્યા હતા. પાર્લામેન્ટ, સેનેટ, વોટ, બહુમતી વગેરે દ્વારા કોઈ લાભ નથી કારણ કે સાધારણ લોકોને ઘેટાંની જેમ અનુસરણ કરાવનાર તે ગણ્યા-ગાંઠયા ‘શાયલૉક’ જ હતા. કહેવાતા સમાજવાદની ખોખલી દીવાલો જોઈને સ્વામીજીએ કહ્યું હતું “આજે પશ્ચિમનો સંસાર બસ આવા ગણ્યા-ગાંઠયા શાયલૉકો દ્વારા શાસિત છે અને આ તમે ત્યાંની વૈધાનિક સરકાર, સ્વતંત્રતા, આઝાદી, સંસદ, વગેરેની જે વાતો સાંભળો છો તે બધી મજાક છે. સ્વામીજીની નિરાશાનું કારણ હતું જનસાધારણનું શોષણ. ચતુર્થ અને અંતિમ પદ્ધતિમાં પણ પ્રજાના પોતાના રાજયમાં પણ, પ્રજાનું શોષણ? આનું સમાધાન?”

સ્વામીજીના મતે આનું સમાધાન ત્યારે જ થઈ શકે જ્યારે ‘માનવ’ને તેની વાસ્તવિક મર્યાદા આપવામાં આવે, તેના પ્રાકૃત સ્વરૂપના ઊંડાણમાં જોવામાં આવે.

સ્વામીજીના મતાનુસાર સંસારના સામાજિક જીવનનો પાયો નાખવામાં બે પ્રકારના પ્રયત્નો થયા છે. એક ધર્મને સહારે અને બીજો સામાજિક પ્રયોજનને સહારે-એક આધ્યાત્મિકતા પર આધારિત હતો અને બીજો ભૌતિકવાદ પર. એકની દીવાલ હતી અતીન્દ્રિયવાદ તો બીજાની પ્રત્યક્ષવાદ. એકે માણસને દેહ-ઈંદ્રિય જ માન્યો જયારે બીજાએ અતીન્દ્રિય આત્મા.

ભૌતિવાદ પર આધારિત સમાજ ઉન્નતિ, અત્યધિક ધનધાન્ય અને ભોગપ્રાપ્તિનાં સાધનોને જ મહત્ત્વ આપે છે. આધ્યાત્મિકતા શૂન્ય હોવાને કારણે ભૌતિક ઉન્નતિની સાથે-સાથે માનવજાતિના અંતરમાં પડેલા પારસ્પરિક દ્વેષ અને ઈર્ષ્યાના ભાવો પ્રબળ થઈ ઊઠે છે. “જેની લાઠી તેની ભેંસ” જેવી કહેવત અનુસાર મુઠ્ઠીભર લોકો ક્ષમતાવાન થઈને દેશની જનતાને પોતાની આંગળી પર નચાવે છે. અને એને પોતાની સ્વાર્થસિદ્ધિ માટેનું યંત્ર ગણે છે. બીજી જાતિઓ અને દેશોને પોતાના ગુલામ બનાવવા માગે છે. આવો સમાજ કેવળ ભૌતિક સુખોની વહેંચણી દ્વારા સામ્યવાદ લાવવાની ચેષ્ટા કરે છે અને તે માટે બળપૂર્વક અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરે છે. પ્રકૃત આત્મજ્ઞાનથી વિમુખ બ્રાહ્મણવર્ગો પણ ભૌતિકવાદનું અનુસરણ કરવાને કારણે જનસાધારણ પર નિઃશૃંસ અત્યાચાર કરતા રહ્યા.

સ્વામીજીના મતે જે સમાજ ભૌતિકવાદ પર આધારિત છે તે વધુ સમય ટકી શકતો નથી. ઉપનિષદ-કથિત આત્મજ્ઞાન જ સમસ્ત સામાજિક તથા ધાર્મિક સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. દક્ષિણ ભારતના પરમકડી નામના સ્થાનમાં તેમણે કહ્યું હતું: “આવતાં પચાસ વર્ષમાં જે યુરોપ આજે સમસ્ત ભૌતિક શકિતના વિકાસનું કેન્દ્ર બની બેઠું છે તે પોતાની સ્થિતિમાં પરિવર્તન લાવવાના પ્રયત્ન જો નહીં કરે, પોતાનો આધાર જો નહીં બદલે તથા આધ્યાત્મિકતાને જ જીવનાધાર નહીં બનાવે તો બરબાદ થઈ જશે, ધૂળમાં મળી જશે અને જો યુરોપને કોઈ શકિત બચાવી શકે તેમ હોય તો તે ફક્ત ઉપનિષદોનો ધર્મ જ છે.”

અજ્ઞાન જ પારસ્પિરક ઘૃણા, અત્યાચાર અને શોષણનું મૂળ છે અને જ્ઞાન અર્થાત્ સર્વભૂતોમાં એકાત્મબોધ જ મૈત્રી, કરુણા, પ્રેમ, ત્યાગ અને સેવાની જનની છે. આ જ આધ્યાત્મિક જ્ઞાનને વ્યાવહારિક રૂપ દેવા માટે સ્વામીજીએ “શિવજ્ઞાને જીવ સેવા”નો ઉપદેશ દીધો છે. આ ઉપદેશ જ પ્રકૃત સમાજવાદ લાવી શકે છે.

આ ભાવ દ્વારા સ્વામીજી ઉચ્ચ શ્રેણીના લોકોમાં ભગવદ્ભાવ દ્વારા પ્રેમ, સહાનુભૂતિ તથા સેવાનો સંચાર નિમ્નશ્રેણીના લોકો તરફ કરવા માગે છે. જનસાધારણમાં નારાયણ બુદ્ધિ હોવાને કારણે તેમનું શોષણ રોકી શકાય છે.

સ્વામીજીએ એવા સમાજની કલ્પના કરી હતી કે જ્યાં આધ્યાત્મિકતા જ સામાજિક, રાજનૈતિક તથા શાસનની પદ્ધતિનો આધાર હોય. આ સમાજમાં બ્રાહ્મણયુગનો પ્રચારભાવ અને શૂદ્રયુગની સમાનતા તો રહેશે પરંતુ તેના દોષ નહીં રહે. દરિદ્રોને ભોજન મળશે. જ્યાં ધનવાનો દાની અને સહૃદયી હશે અને તેઓ દરિદ્રોના ઉત્થાનની ભાવના રાખતા હશે. જન સાધારણ શિક્ષિત થઈ બ્રાહ્મણોના પ્રપંચની બુરાઈઓ અને સામાજિક અત્યાચારોથી શૂન્ય થઈ અધિક અન્ન અને વધુને વધુ સગવડો પ્રાપ્ત કરશે. વ્યકિત સમાજનું એક અંગ છે. વ્યક્તિ અને સમાજનો પરસ્પર ગાઢ સંબંધ છે. વ્યકિતથી સમાજ બને છે અને સમાજથી વ્યક્તિનો વિકાસ થાય છે. વ્યક્તિની ગર્ભિત શક્યતાઓની અભિવ્યક્તિથી તેનું ચારિત્ર્ય ઘડાય છે અને ચારિત્ર્યવાન વ્યક્તિઓથી સમાજનો પાયો મજબૂત થાય છે. સમાજ વ્યક્તિને ભોજન, વસ્ત્ર અને રહેઠાણ જેવી જીવનની આવશ્યકતાઓ પૂરી પાડે છે અને તેના માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટેના સાધનો મેળવી આપે છે, વ્યકિતને શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક શકિતઓ વ્યક્ત કરવા માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરે છે.

પ્રાકૃતિક રીતે આપણી પાસે વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ વગેરે એકઠાં થયેલ હોય તે, સ્વામીજીની દૃષ્ટિએ લોકોમાં વહેંચી દેવા જરૂરી છે. કોઈએ સોંપેલ ધનમાં પોતાપણું આવી જાય તે વિનાશકારી છે. જેવી રીતે હૃદયમાંથી સમગ્ર શરીરમાં થતા રુધિરાભિસરણનું અટકી જવું તે મૃત્યુ છે તેવી જ રીતે ઉપર્યુક્ત વિદ્યા, બુદ્ધિ, ધન વગેરેનું યોગ્ય સંચાલન થાય તો જ સમાજ જીવિત રહી શકે, સ્વસ્થ રહી શકે, નહીં તો મૃત્યુ અનિવાર્ય છે.

જો કે દરેક મનુષ્ય પોતપોતાના પ્રારબ્ધ અને સંસ્કારોને વશ હોવાથી એકસરખો તો હોઈ શકતો જ નથી, પરંતુ સમાન સંભાવનાઓને કારણે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું તે સમાજનું કર્તવ્ય છે. એટલે જ સ્વામીજીએ એવા સમાજનું સ્વપ્ન જોયું હતું કે જેમાં પ્રત્યેક વ્યક્તિને ધન, વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કરવાની સમાન તકો પ્રાપ્ત થાય. એવો સમાજ કે જેમાં પ્રત્યેક વ્યકિત વિકસિત થઈ શકે, પોતાનો ઉદ્ધાર કરી શકે; શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાધીનતા તરફ અગ્રેસર થઈ શકે; સામાજિક કે બીજા કોઈ નિયમો આ સ્વાધીનતાની સ્ફૂરણામાં અડચણકર્તા નહીં, પરંતુ મદદરૂપ થવા જોઈએ.

સ્વામીજીની દૃષ્ટિએ ‘સ્વતંત્રતા’ વિકાસની પહેલી શરત છે અને સ્વતંત્ર ચિંતનશક્તિ જ સમાજવાદનો દૃઢ પાયો છે. બીજા કોઈને કષ્ટ ન પડે એ રીતે મનુષ્ય પોતાની સ્વતંત્રતાનો ઉપભોગ કરવો જોઈએ.

સમાજનું વ્યક્તિ પરનું સતત શાસન અને સંસ્થા તથા નિયમોના બંધનને કારણે જબરદસ્તીથી કરેલો કે કરાવાયેલ આત્મત્યાગ મનુષ્યને ડરપોક અને નકામો બનાવી દે છે. માનસિક ક્રિયાવિહીન અવિકસિત હૃદય હોય તો નિર્જીવ યંત્રની જેમ સમાજ કુંઠિત થઈ જાય છે. સામાજિક નિયમો, શાસકો તથા શાસ્ત્રોનો આદેશ, ભય અને કુસંસ્કારવશ માનવો તે મૃત્યુ સમાન છે. દેવતાતુલ્ય પ્રજાપ્રેમી અને ન્યાયપ્રિય રાજા હોય તો પણ બધી બાબતોમાં તેના પર નિર્ભર રહેવાથી અને તેની આશાએ બેસી રહેવાથી પ્રજા દુર્બળ નકામી અને આત્મરક્ષા માટે અયોગ્ય બનીને સર્વનાશ વહોરી લે છે.

એટલે, સ્વામીજીની દૃષ્ટિએ સમાજ ત્યારે જ શક્તિશાળી થઈ શકે, જયારે તેના જનસાધારણ સ્વતંત્ર હોય, આત્મનિર્ભર હોય, એ સ્વતંત્ર રીતે ચિંતન કરતાં શીખે અને સ્વાયત્ત શાસનની યોગ્યતા પ્રાપ્ત કરે. એ ધાર્મિક, સામાજિક, રાજનૈતિક અથવા બીજાં બધાં બંધનોથી મુક્ત હોય. સ્વતંત્ર ચિંતન જ એક સબળ અને સ્વસ્થ જનમત તૈયાર કરી શકે છે. સ્વતંત્ર ચિંતન માટે જોઈએ સ્વાવલંબી થવાનું શિક્ષણ. ૨૦ ઑક્ટૉબર ૧૮૯૬ના લંડનના એક ભાષણમાં સ્વામીજીએ કહ્યું હતું: “તોડી નાખો માનવનાં બંધનો, તેને સ્વાધીનતાના પ્રકાશમાં આવવા દો, બસ, આ જ વિકાસની એક માત્ર શરત છે.”

આ સ્વાધીનતા ભયશૂન્ય મનુષ્ય જ પ્રાપ્ત કરી શકે છે. અને આત્મજ્ઞાન જ એક માત્ર નિભર્યતાનો સ્રોત છે. પોતાને અજર, અમર, પવિત્ર-આત્મા માનનાર વ્યક્તિ જ બળ, તેજ, શક્તિ અને નિર્ભયતા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે સમાજનું એક અદ્ભુત રૂપ હોય છે. સ્વામીજીએ કહ્યું છે કે એક માછીમાર જો પોતાને આત્મા સમજીને ચિંતન કરે તો તે એક સારો માછીમાર થશે. વિદ્યાર્થી જો પોતાને આત્મા તરીકે વિચારે તો તે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી થશે. વકીલ જો પોતાને આત્મા માને તો તે એક સારો વકીલ થાય. બીજાઓની બાબતમાં પણ આમ જ સમજવું. એટલે જનસાધારણને આત્મજ્ઞાનનું શિક્ષણ, સ્વતંત્ર, નિર્ભીક, સાહસી થવાનું શિક્ષણ, સ્વાવલંબી અને શકિતશાળી બનવાનું શિક્ષણ તેમજ ચારિત્ર્યવાન મનુષ્ય બનવાની કેળવણી મળવી જોઈએ. ત્યારે રાષ્ટ્ર ગતિશીલ થઈ શકે. ત્યારે અને ફકત ત્યારે ૭૪ જનસાધારણના હિત માટેની પ્રકૃત સમાજવાદી સૃષ્ટિ થશે. સ્વામીજીનું આ અનુપમ સ્વપ્ન પૂર્ણ થશે.

ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

Total Views: 13
By Published On: September 29, 2022Categories: Shashankananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram