કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો માને છે કે આધ્યાત્મિકતા એ મગજ, હૃદય અને હાથ (બુદ્ધિ, પ્રેમ અને ક્રિયા)નો સમાનલક્ષી કે એકસરખો વિકાસ છે. તેઓ કહે છે કે જે ધાર્મિક આદર્શ બુદ્ધિ અને ક્રિયાની વૃત્તિઓના વિકાસને એક બાજુ રાખે છે અથવા તેની ઉપર ભાર મૂકતો નથી તે ઘણુંખરું અપૂર્ણ અને કેવળ હૃદયના સંસ્કારમાં કંઈ ભલીવાર નથી અને અસામાન્ય છે.

આ સુમેળભર્યો ખ્યાલ ઘણાંને ગળે ઉતરી જાય છે. તે એટલો બધો માનવ-સહજ જણાય છે, પરંતુ જે સહજગમ્ય, કુદરતી કહેવાતું હોય તેનાથી તદન ઊલટું ન હોય તો તે ધર્મ કેમ કહેવાય? અસંખ્ય જન્મોના અનુભવ અને સંસ્કારોએ આપણને જે ખરેખર અકુદરતી છે તેને કુદરતીમાં ખપાવવાનું શીખવ્યું છે. કોઈપણ ધર્મ કદી ખરેખર કહેતો નથી કે માનવ જીવ સ્થૂળ કે શાંત છે.

તર્ક સુધ્ધાં આદેશે છે કે સૂક્ષ્મ અને અનંત, બધી વ્યાખ્યા, સીમા કે અભાવથી પર હોવું જોઈએ અને અનંતની પગદંડીઓ કદી શાંતની પગદંડીઓ જેવી હોય શકે નહિ. તેમ છતાં આપણને એવા મૂર્ખ બનાવવામાં આવ્યા છે અને ભરમાવવામાં આવ્યા છે કે પૂર્ણતાનો આપણો ખ્યાલ સીમિત અને અપૂર્ણના રંગ ઘણું ખરું ધારણ કરે છે. આપણે આપણા વર્તમાન સ્વભાવના નકારાત્મક ખ્યાલનો સામનો કરીએ છીએ. આપણે આપણી અપૂર્ણતાને બહુગણી મોટી કરીએ છીએ અને તેને પૂર્ણતા માનીએ છીએ.

બુદ્ધિ, હૃદય અને હાથના સમન્વયનો ખ્યાલ આ ભ્રમણાનું દૃષ્ટાંત છે. આપણી આધ્યાત્મિક પ્રગતિમાં એક એવી ભૂમિકા અચૂક આવે છે કે જ્યારે આ સમન્વય લાભદાયક હોય છે. અને તેનો અભ્યાસ કરવાનો હોય છે. પરંતુ તેને સ્વયં ધ્યેય ગણવો તે નુકસાનકારક છે. આપણે બુદ્ધિમત્તા વિષે વિચારીએ. શ્રીરામકૃષ્ણ કહેતા, “હિન્દુ પંચાગમાં લખ્યું હોય છે કે કોઈ અમુક દિવસે ૨૦ દોકડા વરસાદ થશે. પરંતુ પંચાગમાંથી પાણીનું એક ટીપું સુધ્ધાં નિચોવવા કોઈ સમર્થ નથી.” શ્રીરામકૃષ્ણદેવની આ ઉક્તિ આ બાબતના મૂળની જડને પકડે છે. જમીનનો નકશો સ્વયં જમીન નથી. જયારે આપણે ઈશ્વર વિષે ફિલસૂફી ડોળીએ ત્યારે આપણે ખરેખર ઈશ્વરને જોતાં નથી. ઈશ્વરનો ખ્યાલ સ્વયં ઈશ્વર નથી. આ અંતર મનમાં સ્પષ્ટ રીતે સમજવાનું છે.

આપણે યાદ રાખવું જોઈએ કે તર્ક અથવા બુદ્ધિ પદાર્થોના જ્ઞાનને પદ્ધતિસર કરવા સાથે સંબંધિત છે, નહિ કે તેમના દર્શન કરવાની સાથે. પરંતુ સૌ પ્રથમ પદાર્થોનું દર્શન કરવું જોઈએ, તે આવશ્યક છે. આપણે બાહ્ય પદાર્થો ઈન્દ્રિય અંત: પ્રેરણા દ્વારા જોઈએ છીએ કે માનસિક પદાર્થો માનસિક અંત: પ્રેરણા દ્વારા જોઈએ છીએ અને તે પછી આપણે તે દર્શનોને પદ્ધતિસર ગોઠવીએ છીએ, જે અપરોક્ષ પદ્ધતિ છે. તેવી જ રીતે આપણે આત્માને આધ્યાત્મિક અંત: પ્રેરણા દ્વારા જોવો જોઈએ. આ ધર્મ છે. આ આધ્યાત્મિકતા છે એટલે બુદ્ધિવાદ અને આધ્યાત્મિક અંત: પ્રેરણા એક સમાન હોઈ શકે નહિ. તેઓ સંપૂર્ણપણે એકબીજાથી ભિન્ન છે.

આપણે સૌએ સાંભળ્યું છે કે સર જગદીશચંદ્ર બોઝે કેવી રીતે વનસ્પતિમાં જીવન-ચેતન અને લાગણીશીલતા છે તેનું નિદર્શન કર્યું છે. સર જગદીશચંદ્ર બોઝના પ્રયોગોએ આપણને બૌદ્ધિક સમજ આપી છે કે જેમ આપણને લાગણી હોય છે તેમ વનસ્પતિને પણ લાગણી હોય છે. પરંતુ આપણે તેને તેમ કરતાં લાગણી અનુભવતાં હજીયે જોઈ શકતા નથી. તેમને જીવતા અને લાગણી અનુભવતા જોવા માટે આપણે આપણી ચેતનાને વધુ ઉચ્ચ અને સૂક્ષ્મ સપાટીએ ઊંચકવી જોઈએ. આપણે ચેતનાની દર્શનશક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. એ સિવાય વનસ્પતિ જીવંત હોવાની હકીકત આપણી સાથે હમેશાં બહુબહુ તો એક બૌદ્ધિક પ્રતીતિની બાબત બની રહેશે. બૌદ્ધિક પ્રતીતિ માટે કેવળ થોડાં ઉપકરણોનું એકીકરણ પૂરતું છે. પરંતુ વનસ્પતિ જીવન નિહાળવા માટે, વનસ્પતિને સુખ અને દુ:ખ હોય છે, આનંદ અને પીડા હોય છે તે અનુભવવા નવા પ્રકારની દર્શન શક્તિ-દૃષ્ટિકોણ કેળવવો જોઈએ બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતાની વચ્ચે જે પાયાનો તફાવત છે તે આમાં રહેલો છે.

ધાર્મિક બનવા માટે જે આવશ્યકતા છે તે નવી દર્શનશક્તિના વિકાસની છે, જે થકી આપણે આ વિશ્વને સ્થૂળ (ભૌતિક) સૂક્ષ્મ (માનસિક) તરીકે નહિ પરંતુ આધ્યાત્મિક તરીકે જોઈએ છીએ. બુદ્ધિ તેવી શક્તિ નથી એટલા માટે બુદ્ધિવાદ આપણને આધ્યાત્મિક રીતે મદદ કરતો નથી. એટલે આપણે જોઈએ છીએ કે બુદ્ધિના મહાબળિયાઓ આધ્યાત્મિક રીતે કેટલીકવાર બાળકો હોય છે. બુદ્ધિ વસ્તુઓના બાહ્ય દેખાવોથી સંતુષ્ટ થઈ જાય છે. આધ્યાત્મિકતા બાહ્ય દેખાવોને ચીરીને તેની આરપાર નીકળી જાય છે. અને વસ્તુઓના હાર્દને પહોંચે છે, જે દિવ્યતત્ત્વ છે. અને કહ્યું છે કે બુદ્ધિ અને ધર્મની વચ્ચે એક પાયાનો તફાવત એ છે કે બુદ્ધિ વસ્તુઓના ખ્યાલ સાથે સંબંધ રાખે છે અને ધર્મ તેમના દર્શન સાથે સંબંધ રાખે છે. પરંતુ તે દર્શન બાહ્ય પાસાંઓનું હોતું નથી, પરંતુ જે હમેશાં દિવ્ય છે તેના હાર્દ તત્ત્વનું હોય છે. તો પછી, આ બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા વચ્ચેનો બીજો મોટો તફાવત છે.

ત્રીજો તફાવત, બુદ્ધિ અને ધર્મ જે રીતે સમજે છે તે સત્ય પ્રત્યેની વ્યક્તિગત વૃત્તિ કે વલણમાં રહેલો છે. બુદ્ધિ એક જીવંત પદાર્થને સુધ્ધાં એક વિચારમાં બદલી નાખે છે, ધર્મ એક વિચારને સુધ્ધાં જીવંત પદાર્થ બનાવે છે. બુદ્ધિને ન ઈશ્વર એક વિચાર, કલ્પના કે ખ્યાલ છે, ધર્મને મન તે રેક આત્માનો આત્મા છે. ધર્મમાં, જે સત્ય આપણા વર્તમાન અનુભવમાં અર્ધજડ અને અર્ધજીવંત વિશ્વ તરીકે દેખાય છે તેને ધર્મમાં આપણે અનંત ચેતનાથી સભર સનાતન પુરુષ તરીકે સાક્ષાત્ કરવા શોધીએ છીએ. ધર્મને બુદ્ધિથી જુદા પાડતા આ તફાવતો છે.

જો આધ્યાત્મિકતા બુદ્ધિવાદથી આટલી બધી ભિન્ન હોય તો ધર્મની પૂર્વ તૈયારી તરીકે જ્ઞાનપ્રાપ્તિની શા માટે ભલામણ કરીએ છીએ? તેનું કારણ દેખીતું છે. જ્ઞાનનો ઉપયોગ વધતે-ઓછે અંશે લક્ષણમાં નકારાત્મક છે. કોઈ નક્કર લાભ માટે આપણને જ્ઞાનની જરૂર નથી. પરંતુ આપણા સ્વભાવના સ્થૂળ આવરણમાંથી આપણી જાતને મુક્ત કરવા આપણે જ્ઞાન ઇચ્છીએ છીએ. આધ્યાત્મિકતાના સંસ્કારને આપણે અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકીએ તેવી સ્વયંશુદ્ધિની અવસ્થાએ આપણે પહોંચવા માગીએ છીએ.

જ્યારે મન પૂરતા પ્રમાણમાં વિશુદ્ધ થાય છે, જ્યારે સ્વાધ્યાય, કર્મ, પ્રકૃતિ, પ્રેમ અને નૈતિક સંસ્કાર અને સમાજ સેવા દ્વારા આપણું મન વિષયોભોગ પ્રત્યે વિમુખ બની જાય છે ત્યારે તે આધ્યાત્મિક સત્યો ઝંખે છે અને અનેકમાં એકની, દ્વૈતો વચ્ચે અદ્વૈતની અને આ માયાવી પ્રપંચો વચ્ચે એક અને અદ્વિતીય સર્વવ્યાપક પરમાત્માની શોધ કરે છે.

તે પછી નવા માર્ગો ઉપર ચાલવાનો, મુશ્કેલ વળાંક વળવાનો, જિંદગી ઉપરની આપણી ચીલાચાલુ રહેણીકરણી અને દૃષ્ટિ બદલવાનો અને એક નવી આધ્યાત્મિક દૃષ્ટિ લાવવાનો સમય આવી ગયો ગણાય. હકીકતમાં, ત્યાં સુધીમાં આપણું મન આપોઆપ નવા માર્ગોએ જવા લાગે છે. આપોઆપ ક્રમશ: એક નવું દર્શન ઊઠી આવે છે. હવે આપણે જે કરવાનું છે તે એ કે જૂના માર્ગો પૂરેપૂરા છોડી દેવા અને નવી દૃષ્ટિને સંપૂર્ણ બનાવવી. સંસારને હવે પૂરેપૂરો ભૂલી જવો જોઈએ. હવે પુસ્તકીયા વાંચન અથવા બૌદ્ધિક દંડ બેઠકનો ત્યાગ કરવો જોઈએ. કહેવાતી સમાજસેવા પણ હવે નહિ અને નૈતિક આદર્શવાદ અને કલાપ્રેમ વગેરે પણ હવે નહિ. હવે તો ઈશ્વરને સાક્ષાત્ કરવો, તેના પ્રેમનું ખોબા ભરીભરીને પાન કરવું અને તેનામાં સદૈવ ખોવાયેલા રહેવું (રત બની જવું) અને તે સિદ્ધ કરવા માટે ભગવદ્ભાવ અને ઈશ્વર ચેતના સિવાય આપણા મનમાંથી બધી લાગણીઓને નિર્મૂળ કરી નાખવી જોઈએ. હવે બુદ્ધિ અને હાથોને લડાવવાની ચિંતા કોણ કરે? હૃદય એ ઈશ્વરનું મંદિર છે. પ્રેમીઓના વ્યવહારમાં ફિલસૂફી માટે કોઈ અવકાશ ખરો? એક મનુષ્યને પ્રેમ કરવા જીવશાસ્ત્ર, શરીરવિજ્ઞાન બીજાં વિજ્ઞાન શાસ્ત્રોના જ્ઞાન આપણે માટે જરૂરી છે ખરાં?

સંપૂર્ણ આધ્યાત્મિકતાને સાક્ષાત્ કરવાના કાર્યમાં હૃદયના સહપંથીઓ તરીકે બુદ્ધિ-શક્તિ અને કર્મશક્તિને જરૂરી સમજે છે તે દર્શન અધૂરું છે. અદ્વૈત સાક્ષાત્કારમાં કોઈ વધુ જ્ઞાનનો અવકાશ જ શું? દ્વૈત કે અનેકવાદના જ્ઞાનને ત્યાં સ્થાન નથી. ઈન્દ્રિય જ્ઞાન તો કેવળ ત્યાં જ ઉપયોગી છે કે જ્યાં ઈન્દ્રિયો દ્વારા અનુભવાતો સંસાર વિદ્યમાન હોય છે. પરંતુ જ્યાં અનેક ઈન્દ્રિયો દ્વારા દેખાતો વિવિધ રંગી સંસાર અવિદ્યમાન છે ત્યાં કહેવાતા ઈન્દ્રિય જ્ઞાનને કોઈ સ્થાન નથી. આવું ઈન્દ્રિય જ્ઞાન આધ્યાત્મિક સાક્ષાત્કાર કરવા એક નિક મદદ સુધ્ધાં કરતું નથી અને કર્મ? કર્મ કેવળ આપણા વિદ્યમાન અસ્તિત્વ ને ઈન્દ્રિય જ્ઞાનની સ્થિતિમાં જ શક્ય છે. આ સ્થિતિ, આમ છતાં, આપણાં આધ્યાત્મિક અજ્ઞાનને આભારી છે અને આપણે તેને પાર કરવાની છે.

અલબત્ત, અમે અહીં પરમપદની વાત કરી રહ્યા છીએ. વચગાળાની ભૂમિકાઓમાં, આપણે બુદ્ધિ-શક્તિ અને કાર્યશક્તિ (મગજ અને હાથ) ચલાવ્યા સિવાય કંઈ કરી શકીએ નહીં. હકીકતમાં, આપણે હવે પછી જોઈશું તેમ તે હિતકર અને જરૂરી છે. અમે અહીં આપણે જે ભૂમિકાએ પહોંચવાનો પ્રયત્ન કરવો છે તેના સ્વરૂપની અને બુદ્ધિમત્તાવાદની સાચી દત દર્શાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.

હજુ ઘણા દિવસો સુધી આપણે બેવડી રમત રમવી પડશે અને તેની અંતિમ નિરર્થકતાનો અનુભવ કરતાં-કરતાં તેનો ઉપયોગ વધુ ઉચ્ચ આધ્યાત્મિક દર્શનોના સાક્ષાત્કાર માટે કરવો જોઈએ.

એનો અર્થ એવો નથી કે, આપણે ધર્મજીવનનો ગંભીરતાપૂર્વક અંગીકાર કરી શકીએ તેવી વિશુદ્ધિની ભૂમિકાએ પહોંચ્યા કે તુરત જ આપણે બૌદ્ધિક વૃદ્ધિની પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો છે અને મૂર્ખાંધ બનવાનું છે. ધર્મના નામે મૂર્ખ બને તેવા લોકો હોય છે. કારણ, એમ કહેવાય છે કે, બુદ્ધિ દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે નહિ. તેથી તેઓ એવા નિર્ણય ઉપર આવે છે કે ધાર્મિક બાબતો કોઈપણ વિચારના પાયા વિનાની હોવી જોઈએ અને મૂર્ખાંધ બનવું તે આધ્યાત્મિક પ્રગતિ કરવાનું પહેલું પગથિયું છે.

ધર્મ એટલે આવું કશું જ નહીં. આપણે સદંતર સદાકાળ માટે એક વાત સ્પષ્ટ રીતે સમજી લઈએ. જો કે ધર્મ તર્ક કે બુદ્ધિ દ્વારા ગમ્ય બની શકે નહીં તો પણ કેવળ વિષદ આધ્યાત્મિક અંત:પ્રેરણાના વિકાસ દ્વારા જ તે પ્રાપ્ત થઈ શકે. ધર્મજીવનના માર્ગો અને સિદ્ધાંતો કદી અવાસ્તવિક હોતા નથી. ધર્મના નામે અવાસ્તવિક અને મૂર્ખાઈ ભરેલી વાતો રજૂ કરવામાં આવતી હોય ત્યારે તેમને તદન નિરર્થક અને અસાર ગણીને નિર્ભયતાપૂર્વક ફગાવી દેવી જોઈએ. અલબત્ત, આપણે આવી રીતે તેને ફગાવી દઈએ તે પહેલાં આપણે તેનો શાંતિપૂર્વક અને સંભાળપૂર્વક ન્યાય કરવો જોઈએ.

ગમે તેમ કહો, આપણે બૌદ્ધિક પ્રવૃત્તિનો ત્યાગ કરી દઈએ એવો સમય હજુ આવ્યો ગણાય નહીં. જ્યારે ઈશ્વર માટે આપણું હૃદય પ્રેમથી ઉભરાઈ જાય તેવો અનુભવ આપણને થાય ત્યારે તે સમય આવ્યો ગણાય. અથવા ઓછામાં ઓછું જ્યારે આપણે આપણા જે આદર્શને પહોંચવા માગીએ છીએ અને તેનાં માર્ગો અને સાધનોના અમલમાં દૃઢ રીતે આરુઢ થઈ ગયા હોઈએ ત્યારે તે સમય આવ્યો ગણાય. આપણા મનમાં આદર્શ વિષે અડગ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગંભીર અને અખંડ સાધના શક્ય નથી. વિરોધાભાસી વિચારોથી આપણે ચલિત ન છૂટકે થઈએ છીએ. આજે ગૂઢ વિદ્યા, આવતી કાલે થિયોસોફી, ત્રીજે દિવસે કોઈ અન્ય વાદ આવશે અને આપણને ચિલત કરશે અને આપણે હવાઈદડાની જેમ એક દિશામાંથી બીજી દિશામાં ફેંકાયા કરીશું. માત્ર જુદાજુદા ધર્મોના મતો અને ફિલસૂફીના પરસ્પર સંઘર્ષણ કરતાં આકર્ષણો નહીં, પરંતુ બિનસાંપ્રદાયિક આદર્શો સુધ્ધાં ચોક્કસ ચલિત કરનાર બને છે.

આ દિવસોમાં લોકો સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કારિક, રાષ્ટ્રિય અને આંતર-રાષ્ટ્રિય પ્રવાહો સાથે એટલા ગાઢ રીતે સંબંધિત છે કે તેમના ધાર્મિક આદર્શો તેમની સાથે સમન્વયસાધક હોય નહિ તો આ અન્ય વૃત્તિઓ, રુચિઓ તેમના ધાર્મિક જીવનના નિયમિત પ્રવાહને ખંડિત કરે તેવી દરેક શક્યતા છે. એટલા માટે પોતાના ધાર્મિક આદર્શ વિષે બૌદ્ધિક સમજ-શક્તિ, તેની બધી વિગતો અને મર્માર્થોમાં કેળવવાની તાતી જરૂરત છે.

આમ, આપણે બુદ્ધિવાદના ત્રણ ભિન્ન-ભિન્ન મૂલ્યાંકનો જોઈએ છીએ. પ્રથમ ભૂમિકામાં તેની આભા મનની વિશુદ્ધિ કરે છે. તે જોતાં ચોક્કસ હિતકર છે. બીજી ભૂમિકામાં આપણને અનુભવ થાય છે કે તે આધ્યાત્મિક જ્ઞાન આપતું નથી, કે જે આપણે જુદા પ્રકારનાં દર્શન દ્વારા પ્રાપ્ત કરવાનું છે. આધ્યાત્મિક અંત:સ્ફૂરણા કે શક્તિયોગ તેને કહી શકાય.

પરંતુ બુદ્ધિવાદની અંતિમ નિરર્થકતા આપણે જાણતાં હોવા છતાં, ઈશ્વરના ઉભરાતા પ્રેમમાં આપણે ડૂબી ન જઈએ ત્યાં સુધી, આપણા પસંદ કરેલા આધ્યાત્મિક આદર્શો, મૂલ્ય અને સત્ય બાબત આપણે પૂરેપૂરા શ્રદ્ધાવાન બનવું જરૂરી છે કે જેથી તે પછી કોઈ સંઘર્ષ ઉદ્ભવે નહીં. ત્રીજી ભૂમિકામાં, આપણું મન સંપૂર્ણપણે એકાગ્ર બને છે. આપણે એકમાત્ર ઈશ્વરને ચાહવા અને સાક્ષાત્ કરવા માગીએ છીએ તે સિવાય બધું કંઈ ભૂલી જવા ઇચ્છીએ છીએ. તે પછી સંસાર અસાર અથવા નાખી દીધેલા કચરા જેવો નકામો જણાય છે. ત્યારે બુદ્ધિવાદ એક અવરોધ બને છે અને દુ:ખદ પણ.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ ય. મહેતા

Total Views: 19
By Published On: September 29, 2022Categories: Ashokananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram