સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ રસાશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ આ વિશાળ આશ્રમ સાધના માટે અનુકૂળ તો હતો પણ શહેરથી બાર માઈલ દૂર હોવાથી હાડમારીઓનો પણ પાર નહોતો. જંગલમાંથી લાકડાં લઈ આવવાં, દૂરથી પાણી લાવવું, કેબિનનું નિર્માણ કરવું, બગીચાની દેખરેખ કરવી, રસોઈકામ, સાફસૂફી વગેરે બધાં જ કાર્યો જાતે કરવાં પડતાં. સ્વામી તુરીયાનંદજી બાર સાધકો સાથે ત્યાં રહેતા હતા. એકવાર તેમાંનાં એક યુવકે (હૉલેન્ડના કોર્નેલિયરા જે. હેબ્લોમ, પાછળથી સ્વામી અતુલાનંદજી, ગુરુદાસ મહારાજ તરીકે પ્રખ્યાત) સ્વામી તુરીયાનંદજીને ફરિયાદ કરી, “અમે તો બધું છોડીને આવ્યા હતા ધ્યાન-ભજન કરવા માટે, પણ અહીં તો આટલું બધું કામ કરવું પડે છે, ધ્યાન માટે સમય જ ક્યાં છે?” સ્વામી તુરીયાનંદજીએ શાંત ચિત્તે જવાબ આપ્યો, ‘‘દીકરા, સદા યાદ રાખજે, સાધકનું સમગ્ર જીવન નિરંતર ધ્યાનનું જીવન છે.”

આ એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ છે. “ધ્યાનનો નિયમિત અભ્યાસ કેમ નથી કરતા?” એના ઉત્તરમાં આપણે ‘સમય નથી મળતો’ એવું સરસ બહાનું રજૂ કરીએ છીએ. આ જાણે કે આપણું ટ્રમ્પ કાર્ડ (trump card) છે. આપણું દેનન્દિન જીવન અત્યંત સંઘર્ષમય અને વ્યસ્ત થઈ ગયું છે. વળી, આપણી રહેણીકરણી પણ પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જવાથી આ સમસ્યા વધુ ગૂંચવણભરી બની ગઈ છે. આજીવિકા માટે કાર્ય કરવામાં મોટો સમય ચાલ્યો જાય છે અને બાકીનો સમય વેડફાઈ જાય છે અદ્યતન મનોરંજનનાં સાધનોમાં, વહેવારનાં કાર્યો વગેરેમાં. આ સંદર્ભમાં સ્વામી તુરીયાનંદજીનો આ ઉપદેશ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. સાધકના જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યાનની બની જવી જોઈએ. પ્રત્યેક કાર્ય પૂજામાં પરિણત થઈ જાય તો જ આ શક્ય બને. એક બંગાળી ભજનમાં આ મનોભાવ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે; જેનો ભાવાર્થ આ છે:

મન બોલું ભજ કાલી, ઇચ્છા હોય જે તું આચર,
ગુરુદત્ત મહામંત્ર દિવાનિશિ જપ કર.

શયને પ્રણામજ્ઞાન, નિદ્રામાં કર માનું ધ્યાન,
આહારવેળા એમ વિચાર, આહુતિ શ્યામામાની.

જે કૈં સુણે કર્ણ થકી, બધા માના મંત્ર જાણ,
કાલી પંચાશત વર્ણમયી, વર્ણે વર્ણે મા વિરાજે.

આનંદથી રામપ્રસાદ રટે, મા વિરાજે સર્વ ઘટે,
નગર ફર તો એમ વિચાર, પ્રદક્ષિણા શ્યામા માની.

આ ભજનમાં જમતી વેળા, સુતી વેળા, ફરતી વેળા, દરેક કાર્યવેળા જગન્માતાનું ધ્યાન કરવાની શિખામણ પોતાના મનને આપવામાં આવી છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ આ જ ઉપદેશ આપે છે ‘મામનુસ્મર યુધ્ય ચ’ ‘મને સ્મરણ કરતાં-કરતાં યુદ્ધ કર.’ આ જીવન એક સંઘર્ષ છે – દરેક કાર્ય કરતી વખતે ભગવાનનું ચિંતન કરવાનો પ્રયત્ન કરીશું તો જ ધ્યાન વખતે મન એકાગ્ર થશે. અલબત્ત આ માટે નિયમિત ધ્યાનના અભ્યાસની પણ એટલી જ આવશ્યકતા છે. ધ્યાનના મહત્ત્વને સમજીને તેને આપણા જીવનમાં પ્રધાનતા આપીને, ગમે તેમ કરીને નિયમિત ધ્યાન માટે સમય ફાળવીશું તો જ દરેક કાર્ય વખતે આવું સ્મરણ-મનન શક્ય થશે. આ બન્ને વાતો એકબીજાની પરિપૂરક છે.

ઉપનિષદમાં કહ્યું છે, ‘અન્યા વાચો વિમુંચથ’ ‘બાકી બધી જ વાતોનો ત્યાગ કરો.’ માત્ર પરમાત્માનું જ ચિંતન, એ જ મોક્ષનો ઉપાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, “મનનો નિરર્થક વ્યય કરવો યોગ્ય નથી.” આપણે રૂપિયા પૈસાનો નકામો ખર્ચ ન થાય તે તરફ કેટલી નજર રાખીએ છીએ! પરંતુ મનનો કેટલો દુર્વ્યય થાય છે તે તરફ આપણું લક્ષ્ય નથી. સાધકના જીવનમાં પ્રત્યેક ક્ષણ મહત્ત્વપૂર્ણ હોય છે. આપણે કેટલી ક્ષણો નકામી ગુમાવી દઈએ છીએ! ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ કહેવત પ્રમાણે પ્રત્યેક ક્ષણનાં ધ્યાનનો અભ્યાસ આપણને ધ્યાનના ક્ષણોમાં એકાગ્રતા અર્પશે.

આપણે એમ ધારીએ છીએ કે વહેવારનાં કાર્યો પૂરાં થઈ જાય પછી નિરાંતે ધ્યાનનો અભ્યાસ કરીશું. ‘બસ, પછી તો બધો સમય એમાં જ દેવો છે ને!’ પણ એવું ક્યારેય બનશે નહિ. અત્યારથી જો થોડો-થોડો ધ્યાનનો અભ્યાસ ન કર્યો હોય તો પાકટ ઉંમરમાં વધારે ધ્યાનનો પ્રયત્ન કરવાથી અવળું પરિણામ પણ આવે. કદાચ મનનું સંતુલન પણ ગુમાવી બેસીએ. એટલે જ ધ્યાનનો અભ્યાસ નિયમિત રીતે કરવા માટે અને થોડો-થોડો વધારતા જ રહેવાની સલાહ આપવામાં આવે છે.

‘સાગરનાં મોજાં શમી જાય પછી સ્નાન કરીશું’ એમ વિચારવાવાળા કદી સાગરમાં સ્નાન નહીં કરી શકે, તેમ વહેવારના કાર્યો પૂરાં થયા પછી જ ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીશું એમ વિચારવાવાળા પણ કદી ધ્યાનનો અભ્યાસ નહીં કરી શકે. કારણકે વહેવારના કાર્યોનો અંત નથી. અને કદાચ એવો સમય આવે તો ત્યારે શારીરિક અને માનસિક શક્તિનો પણ અંત આવી ગયો હશે અને જીવનનો અંત નજદીક હશે.

૧૨ ફેબ્રુઆરી ૧૯૨૧. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી વારાણસીમાં હતા ત્યારે તેમણે એક શિષ્યને પૂછ્યું ‘સાધન-ભજન કેવાં ચાલી રહ્યા છે?’ શિષ્યે કહ્યું “કામકાજને પરિણામે જપ-ધ્યાન માટે સમય મળતો નથી.” મહારાજે કહ્યું, “મનના ગોટાળાને જ લઈને જપ-ધ્યાન થતાં નથી. એમ વિચારવું એ ભૂલ છે કે કામકાજને લઈને જપ-ધ્યાન માટે સમય મળતો નથી. કામ અને ઉપાસના એકસાથે કરવાનો અભ્યાસ કરવો જોઈએ. માત્ર સાધન-ભજન કરવાં એ ઉત્તમ તો છે જ, પરંતુ એ કેટલા લોકો કરી શકે?… ગીતામાં કહ્યું છે કે કર્મ કર્યા વગર જ્ઞાનપ્રાપ્તિ થતી નથી. કર્મમાંથી પસાર થવું જ પડશે… કર્મ અને ઉપાસના એકસાથે કરવાં જોઈએ. બે-ચાર વખત ન કરી શક્યા એનો અર્થ એ નથી કે કરી જ નહિ શકો. વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) કહેતા, “વાછડો ઊભો થવાનો પ્રયત્ન કરતાં-કરતાં સો વાર પડે છે. તો પણ છોડતો નથી, આખરે દોડતાં શીખી જાય છે…” આળસુ થવાથી સાધન-ભજન નહિ થાય. સોએ સો ટકા મન લગાડીને કામ કરો. આ જ કર્મનું રહસ્ય છે. કામ શરૂ કરતી વખતે એક વખત એમને પ્રણામ કરવા અને કામ કરતાં-કરતાં વચ્ચે અવકાશ મળે ત્યારે એમનું સ્મરણ-મનન કરવું. કામ પૂરું કરીને ફરીથી એમને પ્રણામ કરવા.”

કર્મને ઉપાસનામાં પરિવર્તિત કરવાની અને નિરંતર ધ્યાનના અભ્યાસની ચાવી આવી સરળ શૈલીમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આપી દીધી છે.

(ક્રમશ:)

Total Views: 19
By Published On: September 29, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram