(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ (૨૧મી સપ્ટેમ્બર) પ્રસંગે અહીં રજૂ કરીએ છીએ.)

શ્રીરામકૃષ્ણના લીલાસંવરણ પછી કાલીમહારાજ મઠના એક નાનકડા ઓરડામાં રહીને મોટા ભાગનો સમય જપ-ધ્યાન, શાસ્ત્ર પાઠમાં ગાળતા. આથી આ ઓરડાનું નામ ‘કાલી તપસ્વીનો ઓરડો’ પડી ગયું હતું. આ દિવસોમાં તેમણે ઠાકુર ઉપર એક સ્તોત્રની રચના કરી હતી. તેઓ સંપૂર્ણપણે આધ્યાત્મિક જીવન ગાળતા; સાત્ત્વિક ભોજન લેતા. કોઈની સાથે હળતા-ભળતા નહીં, પગમાં જોડા પહેરતા નહીં, કોઈ નિમંત્રણોમાં જતા નહીં, ગીતા, ઉપનિષદના એક-એક શ્લોક પર દિવસો સુધી ધ્યાન કરતા અને તેના ગૂઢાર્થ શોધી કાઢતા. તેમને ખાવાપીવાનું ભાન જ રહેતું નહીં. આથી શશીમહારાજ એમને પરાણે ખવડાવતા. એક વખત બપોરે માસ્ટર મહાશય મઠમાં આવ્યા ત્યારે તેમણે વરંડાની બળબળતી ધૂળ પર કાલીને નિશ્ચેષ્ટ પડેલા જોયા. આથી એમણે યોગીન મહારાજને કહ્યુઃ ‘મઠના કઠોર જીવનને સહી ન શકવાથી કાલીએ દેહત્યાગ કર્યો છે.’

ત્યારે સ્વામી યોગાનંદે કહ્યું: ‘એ ભલા શું મરવાનો હતો! એ તો આ જ રીતે ધ્યાન કરે છે.’

સંન્યસ્ત ગ્રહણ કર્યા પછી કાલીચરણ સ્વામી અભેદાનંદ બન્યા. તેમણે સ્વામી નિર્મલાનંદજીની સાથે ઉત્તર ભારતની યાત્રા પગપાળા કરી. ગ્રાંટ ફૂંક રોડ પર તેઓ બંને ચાલતા જ નીકળી પડ્યા. ધનનો સ્પર્શ કરવો નહીં, ખાવાનું પકાવવું નહીં, જોડા કે કુરતું પહેરવું નહીં, કોઈના ઘરમાં રાત રોકાવું નહીં, ત્રણ-પાંચ ઘરે જ ભિક્ષા માગીને જે કંઈ મળે તે એકવાર ખાવું – આ નિયમોનું તીર્થયાત્રમાં તેમણે ચુસ્તપણે પાલન કર્યું હતું. યાત્રા પૂરી કર્યા બાદ તેઓ ઋષિકેશમાં રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા. ત્યાં ધનરાજગિરિ પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો. એમની મેધાશક્તિ વિષે પાછળથી શ્રી ધનરાજગિરિએ સ્વામી વિવેકાનંદને કહ્યું હતું: “અભેદાનંદ! અલૌકિક પ્રજ્ઞા!”

મઠના પ્રારંભના દિવસો તંગીના હતા. આર્થિક વિપત્તિના હતા. ત્યારે સાધુઓને ખાવા-પીવાનું પણ પૂરતું મળતું નહીં. પરંતુ સ્વામી અભેદાનંદ આ બધાથી અલિપ્ત રહીને શાસ્ત્ર વાચન અને અભ્યાસમાં જ રત રહેતા. ખાવાનું મળે તોય ઠીક અને ન મળે તોય ઠીક. કશાની એમને પડી ન હતી. આખો વખત અભ્યાસ-વાચન- ચિંતન મનન અને ધ્યાનમાં પસાર થઈ જતો. આથી કેટલાક સાધુઓ એમના વિષે ફરિયાદ કરતા રહેતા. એમની વિરુદ્ધ થતી આવી ફરિયાદનો જવાબ આપતાં સ્વામી વિવેકાનંદે એક દિવસ આ સાધુઓને કહ્યું: “તમારો એક ગુરુભાઈ, જો વાંચવા-લખવાનું કરતો હોય તો તેમાં તમને આટલી બળતરા શા માટે થાય છે? લાવો જોઈએ તમારા કેટલા હાંડા પડ્યા છે ? હું માંજી આપું.” ત્યાર પછી સ્વામી અભેદાનંદ વિષે ફરિયાદ કરવાની કોઈની હિંમત ચાલી નહીં. સ્વામીજી તો કાલી મહારાજના વાચન અને અભ્યાસને સતત પ્રોત્સાહન આપતા રહેતા અને સ્વામી અભેદાનંદને પણ સ્વામીજી પર અનન્ય પ્રેમભાવ હતો. જયારે સ્વામીજી અમેરિકામાં હિંદુધર્મનો કીર્તિધ્વજ ફરકાવીને ભારત પાછા આવ્યા ત્યારે કલકત્તાના ટાઉનહોલમાં જે સભા ભરવામાં આવી, તેના આયોજકોમાં સ્વામી અભેદાનંદ મુખ્ય હતા. એમના આ કાર્યને બિરદાવતાં એક ભક્તે જણાવ્યું હતું: “તે પ્રસંગે કાલી તપસ્વીએ પ્રાણપણે પરિશ્રમ કર્યો હતો. રાત દિવસ ભૂતની જેમ કામ કરીને તેમણે ટાઉનહોલમાં સભા ભરાવી હતી.”

સ્વામી અભેદાનંદની કાર્યશક્તિ, અભ્યાસ પ્રીતિ, ઊંડું શાસ્ત્રજ્ઞાન, વિષયની છણાવટ કરવાની કુશાગ્ર બુદ્ધિ અને ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી, સ્વામી વિવેકાનંદ એમનામાં પાશ્ચાત્ય દેશોમાં હિંદુધર્મ અને સંસ્કૃતિનો પાયો રચનાર ભાવિ સ્થપતિને જોઈ શક્યા હતા અને એટલે જ એમણે લંડનમાં વેદાંત પ્રચાર માટે પોતાના સહકાર્યકર તરીકે એમને બોલાવ્યા. તેઓ ઈ.સ. ૧૮૯૬ના ઑગસ્ટમાં લંડન પહોંચી ગયા. હવે એમના જીવનનો નવો જ અભ્યાસ શરૂ થયો. અત્યાર સુધી ગુરુચરણમાં બેસીને અને એકાંત સાધના કરીને એમણે જે જ્ઞાનભંડાર પોતાના હૃદયમાં સંચિત કર્યો હતો એ જ્ઞાનભંડારથી વિદેશના લોકોને પ્રભુમય જીવનની ભેટ આપવાનો સમય હવે આવી પહોંચ્યો હતો.

“કાલી, તારે ખ્રિસ્તી થિયૉસૉફિકલ સોસાયટીમાં હિંદુધર્મ પર ૨૭મી ઑક્ટોબરે ભાષણ આપવાનું છે.” લંડન આવ્યાના બે મહિના બાદ સ્વામીજીએ સ્વામી અભેદાનંદને કહ્યું.

“પણ અહીં લંડનમાં હું આ બધા વિદેશીઓ સમક્ષ કેવી રીતે ભાષાણ આપી શકીશ? મને તો એનો મહાવરો પણ નથી.”

“બધું જ નક્કી થઈ ગયું છે અને એમાં હવે ફેરફારને કોઈ જ અવકાશ નથી. દૃઢતાથી સ્વામીજીએ કહી દીધું. સ્વામી અભેદાનંદજી જાણતા હતા કે સ્વામીજીના સંકલ્પ આગળ કોઈનુંય ચાલતું નથી. આથી પંચદશીના આધારે તેમણે એક નિબંધ તૈયાર કર્યો અને તેના આધારે વ્યાખ્યાન તૈયાર કર્યું. પણ એમનું એ વિદેશની ધરતી પરનું પહેલું જ વ્યાખ્યાન શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી ગયું અને સ્વામી અભેદાનંદ માટે પ્રવચનોનાં દ્વારો ખુલ્લા કરતું ગયું. ત્યારે સહુએ જાણ્યું કે સ્વામીજીની માનવ સ્વભાવની પરખશક્તિ કેવી સચોટ છે ! સ્વામી અભેદાનંદને પશ્ચિમની બધી જ રીતરસમો અને કાર્યપ્રણાલિનું જ્ઞાન આપી એમને સંપૂર્ણ રીતે તૈયાર કરીને સ્વામી વિવેકાનંદ સ્વદેશ ચાલ્યા ગયા અને લંડનમાં સ્વામી અભેદાનંદે વેદાંત પ્રચારનું કાર્ય પૂરજોશથી શરૂ કર્યું. વેદાંતના વ્યાખ્યાનના વર્ગો નિયમિત ચલાવવા લાગ્યા. પણ અમેરિકાનું તેડું આવતાં તેમને ત્યાં જવાનું થયું અને હવે તેમની કાર્યભૂમિ લંડન નહીં પણ અમેરિકા બની.

અમેરિકામાં એમનો કાર્યવ્યાપ વિસ્તર્યો. ન્યૂયોર્કમાં તેઓ ફળ અને દૂધ ઉપર રહેતા ને રાજયોગના વર્ગો ચલાવતા. તેમણે ત્યાં વેદાંતનાં વ્યાખ્યાનો આપવાં પણ શરૂ કર્યો. તેમનાં કેટલાંક વ્યાખ્યાનો તો એવાં અસરકારક હતાં કે શ્રોતાઓ તરફથી માગણી આવતાં એ વ્યાખ્યાનો બેથી વધુ વખત આપવા પડયાં હતાં. પુનર્જન્મવાદ પરનાં એમનાં ત્રણ પ્રવચનો અદ્ભુત હતાં. એક શ્રોતાએ તો એની બે હજાર નકલ પોતાના ખર્ચે છપાવી લોકોને વહેંચી હતી. વિષય વસ્તુની છણાવટ કરવાની તેમની શક્તિ અનોખી હતી. તેઓ ક્યારેય શ્રોતાઓના પરંપરાગત સંસ્કારો પર પ્રહાર કરતા નહીં. પણ ધીરગંભીર ભાવે પોતાની વિચારધારામાં શ્રોતાઓના મનને ખેંચી જતા. અને શ્રોતાઓને ખબર પણ ન પડે તે રીતે તેઓ સ્વામીજીની વાતોનો સ્વીકાર કરી લેતા. તેઓ પાશ્ચાત્ય દર્શન અને વિજ્ઞાનના જ્ઞાતા હોવાથી અમેરિકાના લોકોની વિચારધારા પ્રમાણે જ ધીમેધીમે આગળ વધતા અને એમાંથી જ પછી વેદાંતની ગહનતામાં શ્રોતાઓને ખેંચી જતા. એમનાં વ્યાખ્યાનોમાં શ્રોતાઓની સંખ્યા ક્યારેક-ક્યારેક તો છસ્સોથી પણ ઉપર પહોંચી જતી. એમના યોગના વર્ગોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી તેમને બે વાર વર્ગો લેવા પડતા. આમ વ્યાખ્યાનો, વર્ગો, પ્રવચનો, વાર્તાલાપો, મિત્રવર્તુળોમાં ગોષ્ઠિ વગેરે દ્વારા સ્વામી અભેદાનંદ વેદાંતને અમેરિકાના શિષ્ટ જનસમાજના હૃદય સુધી લાવી શક્યા. આથી જ જયારે સ્વામી વિવેકાનંદ બીજી વખત અમેરિકા આવ્યા ત્યારે સ્વામી અભેદાનંદનું કાર્ય જોઈને અત્યંત પ્રસન્ન થઈ ગયા.

તેમના અથાક પ્રયત્નથી ન્યૂયૉર્કમાં વેદાંત સમિતિનું પોતાનું મકાન રચાયું. તે ઉપરાંત બર્કશાયર જિલ્લામાં ૧૫૦ એકર જમીન ખરીદીને ત્યાં આશ્રમની સ્થાપના કરવામાં આવી. જેથી ત્યાં સંન્યસ્ત ગ્રહણ કરેલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ રહીને સાધન-ભજન કરી શકે, વેદાંતનો અભ્યાસ કરી શકે, વેદાંત પ્રચાર માટે તાલીમાર્થીઓને તાલીમ પણ આપી શકે. ન્યૂયૉર્કમાં વેદાંત સમિતિનો પાયો સુદૃઢ કરીને, ત્યાંની બધી જ જવાબદારી સ્વામી બોધાનંદને જ સોંપીને સ્વામી અભેદાનંદ બર્કશાયરના આશ્રમમાં રહેવા લાગ્યા. આથી તે પ્રદેશમાં પણ વેદાંતનાં મૂળ ઊંડા નખાયા.

સ્વામી અભેદાનંદના જીવનનાં પૂરાં પચ્ચીસ વર્ષ વિદેશની ભૂમિમાં વેદાંતનાં કાર્યમાં વીત્યાં. પચ્ચીસ વર્ષ બાદ ઈ.સ. ૧૯૨૧માં ૧૦મી નવેમ્બરે તેઓ હંમેશ માટે સ્વદેશ પાછા આવી ગયા. પ્રારંભમાં તીર્થયાત્રા કરી તેઓ બેલૂડમઠમાં રહ્યા. વિદેશોમાં અવિરત પરિશ્રમ કરનારા આ કર્મયોગીએ ધાર્યું હોત તો બેલૂડમઠમાં અત્યંત શાંતિમાં, નિવૃત્તિમાં પોતાની ઉત્તરાવસ્થા આરામથી વિતાવી શક્યા હોત. પરંતુ તેઓ શાંતિથી બેસી ન રહ્યા. કલકત્તામાં એમણે શ્રીરામકૃષ્ણ-વેદાંત આશ્રમની સ્થાપના કરી. પછી દાર્જિલિંગમાં પણ એની શાખા સ્થાપી. અહીં ફક્ત વેદાંતનું શિક્ષણ જ નહીં પણ શિક્ષણ અને સમાજસેવા માટે પણ તાલીમ આપવામાં આવતી હતી. અને આ આશ્રમ દ્વારા સમાજસેવાનાં કાર્યો પણ હાથ ધરવામાં આવતાં હતાં. વેદાંત આશ્રમની સઘળી વ્યવસ્થા કરી એનો કાર્યભાર શિષ્યોને સોંપીને તેઓ દાર્જિલિંગમાં રહેવા લાગ્યા. ક્યારેક-ક્યારેક કલકત્તા આવતા રહેતા અને ગુરુભાઈઓ, ભક્તો, શિષ્યો સાથે જ્ઞાનચર્ચા કરતા રહેતા. સ્વામી બ્રહ્માનંદે એમના વિષે કહ્યું હતુ: “કાલી જયારે બહારનું કામ ઓછું કરશે ત્યારે લોકો તેની આધ્યાત્મિક શક્તિને જોઈ શકશે.”

અને હવે એ ભવિષ્યવાણી સાચી પડી. હવે તેઓ વ્યાખ્યાનની છટાથી શ્રોતાઓને મુગ્ધ કરતા ન હતા પણ પોતાના અંતરના પ્રેમથી સહુને જકડી રાખતા હતા. જાણે તેઓ પોતાનામાંના એક જ હોય એવી આત્મીયતાનો હવે લોકોને એમની સાથે અનુભવ થતો હતો. પોતાના અંતરનાં પ્રેમ, જ્ઞાન, અને ભક્તિથી લોકોને શ્રીરામકૃષ્ણ ભાવધારામાં તરબોળ કરી એમના જીવનમાં શાંતિ ને શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જગાડવાનું કાર્ય હવે તેઓ કરી રહ્યા હતા.

સ્વામી વિવેકાનંદે વિદેશની ધરતી પર શ્રીરામકૃષ્ણ ભાવધારા વહેતી કરી એ ભાવધારાના અસ્ખલિત પ્રવાહો અનેક સ્થળે સ્વામી અભેદાનંદે વહેતા કર્યા. પાંત્રીસ વર્ષ સુધી અથાક પરિશ્રમ કર્યો અને એના પરિણામે તેમનું શરીર પછી વધારે પરિશ્રમ કરી શક્યું નહીં. અંતિમ દિવસોમાં એમને પથારીવશ રહેવું પડ્યું પણ એ સ્થિતિમાંય એમની સમીપ આવનાર સહુ કોઈ એમના અંતરના પ્રેમમાં તરબોળ થઈને પાછું જતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી પથારીમાં સૂતાં-સૂતાંય તેઓ ઠાકુરનું કાર્ય કરતા રહ્યા. ઈ. સ. ૧૯૩૯ની ૮મી સપ્ટેમ્બરે સવારે ૮ને ૩૬ મિનિટે એમણે સમાધિ દ્વારા મહાપ્રયાણ કર્યું. તેમણે સ્થૂલ શરીર છોડી દીધું પણ દેશ અને વિદેશમાં વેદાંતસમિતિ દ્વારા જે કાર્યો તેમણે કર્યાં છે તે દ્વારા તેઓ જીવંત છે. અને તેમનું જીવન શ્રીરામકૃષ્ણ મઠના સાધુઓ માટે અને સત્યના શોધકો એવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.