ખોલો દ્વાર સમૃદ્ધિનાં: લે. સ્વેટ માર્ડન, રૂપાંતર યશરાય; પ્રકા. આર અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૯/-

૬૮ પાનાંની અને ૬ પ્રકરણોની આ નાની પુસ્તિકા પ્રેરક વાચન પૂરું પાડે છે. જીવનમાં સફળ થવા માટે કેટલાંક ચાવીરૂપ સત્યોને આકર્ષક અને પ્રેરક રૂપે એ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, એ પુસ્તિકાનું ઉઘડતું વાક્ય જોઈએ : બહારની નિર્ધનતાને જીતવા માટે પ્રથમ આપણે મનની નિર્ધનતાને જીતવી જોઈએ’ આ પ્રથમ વાક્યથી તે અંત સુધી લેખકનો ઝોક મનની નિર્ધનતા દૂર કરવા ઉપર, આત્મવિશ્વાસ તથા સંકલ્પશક્તિ મેળવવા ઉપર, પરિશ્રમ અને પ્રયત્ન ઉપર રહ્યો છે.

લેખક જણાવે છે કે, ‘સમૃદ્ધિની નદી તમારા દ્વારની પાસેથી જ વહી રહી છે… તેમને પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા તથા દૃઢ વિશ્વાસ હશે, તો ચોક્કસ તમે તે રત્નોને પ્રાપ્ત કરી લેશો (પૃ-૩). લેખક સાચું કહે છે કે જગતના મોટા ભાગના ગરીબ લોકો કેવળ ધનથી ગરીબ નથી, પરંતુ મનથી ગરીબ છે.’ (પૃ.૭) ધનસમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કે કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હૃદયમાં આત્મવિશ્વાસ તથા ઇચ્છાશક્તિ હોવી (હોવાં) જોઈએ’ (પૃ.૭).

આમ, લેખકનો ઝોક મનુષ્યોની આંતરિક શક્તિઓ વિકસાવવા પર છે. માનસિક નિર્ધનતાના રોગીઓનો ઈલાજ થઈ શકે એવાં શિક્ષણકેન્દ્રો રાજય સરકારો ખોલતી નથી તેનો લેખકને રંજ છે (પૃ.૧૨). પણ રાજય સરકારો નથી કરતી તે કાર્ય લેખક આ પુસ્તક દ્વારા કરે છે.

દરિદ્રતા દૂર કરવાનો ઉપાય સૂચવતાં લેખક કહે છે. ‘સ્વયંને કહો- “જો હું ઈશ્વર સંતાન છું, તો મને સંસારનો તમામ વૈભવ વારસામાં મળ્યો છે. નિર્ધનતા મારા આ અટલ વૈભવને સ્પર્શી પણ ન શકે” (પૃ. ૧૩). આ વાક્ય અને એવાં બીજાં વાક્યોમાં, આપણને સ્વામી વિવેકાનંદની વીરવાણીના પડઘા સંભળાય છે. ‘શ્વેતાશ્વતર’ ઉપનિષદનું ‘શ્રુણ્વન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા:’ સ્વામી વિવેકાનંદનું અતિ પ્રિય વાક્ય હતું. ખ્રિસ્તી માન્યતા અનુસાર માણસ પાપમાં જન્મ્યો છે તેથી સાવ વિરુદ્ધનો વિચાર, એ ઉપનિષદને, અને ભારતીય વેદાંતને, અનુસરી સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ઉદ્ઘોષિત કર્યો હતો. આ પુસ્તિકાને પાનેપાને સ્વામીજીએ રજૂ કરેલા એ વેદાંતવિચારનો પ્રતિઘોષ કોઈને સંભળાય તો નવાઈ નહીં.

આનું સમર્થન પૂરું પાડે તેવો એક દૃષ્ટાંત પણ લેખક આપે છે. આદિ શંકરાચાર્યના કાલડી ગામમાં ઈસાઈ ધર્મનો પ્રચાર વધી જતાં ત્યાંના લોકો હિંદુ ધર્મ છોડી ઝડપથી ખ્રિસ્તી બનવા લાગ્યા હતા ખાળવા અને લોકોને સાચી સમજ આપવા ગયેલા સંન્યાસી પર પથ્થરોનો વરસાદ થયો પણ, એ સંન્યાસી એથી ડર્યા નહીં તેમજ, તેમનો સામનો પથ્થરથી નહીં પણ ક્ષમાથી કર્યો. ‘હસતાં – રમતાં પોતાની અમૃતવર્ષા’ (પૃ. ૮) તેમણે ચાલુ રાખી. પ્રહારોથી બેભાન થતાં તે બંધ પડી પણ, તે બંધ કરતાં પહેલાં ગર્જના કરી તેમણે પોતાનો સંકલ્પ જાહેર કર્યો, ‘હવેથી હું અહીં જ રહીશ અને ત્યાં સુધી અહીંથી હઠીશ નહીં જ્યાં સુધી અહીં હિંદુ ધર્મનો પુન: ઉદ્ધાર ન થાય’ (પૃ. ૯).

આ શબ્દોની, બોલનારની ક્ષમાવૃત્તિની અને દૃઢ સંકલ્પથી કરેલા કૃત્યની પ્રબળ અસર થયાનું વર્ણવી લેખક જણાવે છે જે, ‘ત્યાં સર્વ હિંદુઓ પોતાના ધર્મનું પાલન કરે છે. ત્યાં રામકૃષ્ણ પરમહંસ આશ્રમ પણ ખૂલી ગયો છે.’ (પૃ. ૯). કાલડી જઈ આ રીતે વર્તનાર સંન્યાસી શ્રીરામકૃષ્ણ મઠના જ કોઈ સંત હશે.

સફળ બનવાનો કીમિયો છે ‘પ્રસન્નતાપૂર્ણ આશા.’ (પૃ. ૧૭) સફળતા અસફળતાને માનવીની મનોદશા સાથે સંબંધ છે એમ લેખક જણાવે છે અને નિર્ધનતાના સ્વભાવથી બચવાની સલાહ આપે છે. નિર્ધનતા એ સંયમ નથી, ત્યાગ નથી એમ જણાવતાં લેખક સુંદર વિધાન કરે છે: ‘સર્વ પ્રકારની સામગ્રીઓ હોવા છતાં સંયમ રાખવો જુદી વાત છે પણ, ખાલી હાથ, ઉઘાડા પગ હોવા છતાં પણ કહેવું કે અમે સંયમી છીએ – ચોખ્ખી આત્મવંચના જ છે’ (પૃ. ૨૦) સિદ્ધાર્થ ગૌતમે કે વર્ધમાન મહાવીરે ત્યાગ કર્યો કહેવું બરાબર છે. ચીંથરેહાલ ભીખારીને ત્યાગી શી રીતે કહી શકાય?

આગળ જતાં વિશ્વની મહાન શક્તિ સાથેના સંબંધની વાત કરતાં લેખક ચોટદાર રીતે જણાવે છે કે, ‘હું આ વિરાટ તથા દિવ્ય શક્તિનો એક અંશ છું.’ તેવો ભાવ જાગૃત થતાં તમામ સ્થિતિ બદલાઈ જાય છે (પૃ.૩૭).

આમ આ નાની પુસ્તિકા સ્વામી વિવેકાનંદના વહેવારુ વેદાંતના સિદ્ધાંત પર આધારિત હોય તેમ જણાય છે.

–   દુષ્યંત પંડ્યા

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.