‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો નિવેદિતાને ભારત ખેંચી લાવ્યું હતું. એમના હૃદયમાં સ્ત્રીઓ વિશેની યોજના એવી તો દૃઢપણે કોતરાઈ ગઈ હતી કે એમને ક્યાંય પણ ચેન ન હતું, જંપ નહોતો. તેઓ ભારત આવવા જેટલાં આતુર હતાં, એટલાં જ ભારત આવ્યા પછી કન્યાવિદ્યાલયની સ્થાપના કરવા આતુર હતાં.

પરંતુ સ્વામીજીનો તો આદર્શ હતો આધ્યાત્મિતાના પાયા ઉપર સેવા કાર્યનો  પ્રારંભ, જે ધીમો છતાં દૃઢ હોય છે. જમીનમાં ગયેલું બી તાત્કાલિક ઊગીને ફળ આપતું નથી. એ બીજને જમીનના પેટાળમાં કેટલી સાધના, તપસ્યા કરી મૃદુ થવું પડે છે. પછી જ તેમાંથી અંકુર ફૂટે છે અને કાળક્રમે ઘેઘૂર વૃક્ષ બની મધુરાં રસાળ ફળો આપે છે. આ જ રીતે માનવ-આત્માનાં મહાન કાર્યો ઘણી મોટી પૂર્વતૈયારી માગી લે છે. 

આથી જ સ્વામીજીએ નિવેદિતાને પૂરતો સમય આપ્યો. દેશના પરિભ્રમણ, અવલોકન અને ભારતીય જીવનના અનુભવથી જ્યારે તેઓ સંપૂર્ણ સજ્જ થઈ ગયાં ત્યારે જ એમના ખરા કાર્યનો પ્રારંભ થઈ શક્યો, પરંતુ એ નાનકડું બીજ કન્યા-કેળવણીના વિરાટ વૃક્ષનાં સુમધુર ફળો આપવાની ક્ષમતા ધરાવતું હતું કારણ કે એની પાછળ આત્મ-બલિદાન હતું, આત્માની પ્રબળ ઝંખના હતી. એ ઝંખના પાર પાડવાની અવિરત કાર્યશક્તિ હતી. આથી જ નિવેદિતાના નિવાસસ્થાનની બાજુમાં જ કન્યાશાળાના પ્રારંભ અંગે સ્વામીજીએ મંજૂરી આપી.

સ્વામીજી ઇચ્છતા હતા કે શિક્ષણ વિદ્યાર્થીઓની અભીપ્સાને અનુરૂપ હોવું જોઈએ. જો વિદ્યાર્થીઓની અભીપ્સાની વિરુદ્ધ શીખવવામાં આવે તો તે શિક્ષણનાં સારાં પરિણામ આવી શકે નહિ. નવા આદર્શોની સ્થાપના પણ જૂના આદર્શો દ્વારા જ થવી જોઈએ. પરિચિત પદ્ધતિ દ્વારા જ અપરિચિતતાએ પહોંચવું જોઈએ. આથી, શિક્ષણ પદ્ધતિ બહારની નહિ પણ ભારતીય જીવનને અનુરૂપ આંતરિક જ હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. હવે તો નિવેદિતા ભારતીય જનસમાજ વચ્ચે જ રહેતાં હતાં. આથી જ સ્વામીજીને એમનામાં વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી અને તેઓ એમના દ્વારા ભારતીય નારી-ઉદ્ધારના કાર્યના શ્રીગણેશ કરી રહ્યા હતા.

શાળાના ઉદ્‌ઘાટન-પ્રસંગની યોજનાની વિચારણા કરવા એક સભા બલરામ બોઝના નિવાસસ્થાને ભરવામાં આવી. આ સભામાં સ્વામી બ્રહ્માનંદ પણ હાજર હતા. અન્ય શિષ્યો, ભક્તો, ગૃહસ્થો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બધાની વચ્ચે ઊભા થઈ નિવેદિતાએ પોતાની શાળાની યોજના રજૂ કરી. તે સમયે સ્વામીજી તો પાછળ રહીને કોઈ ગૃહસ્થો સાથે કંઈક ગુસપુસ કરી રહ્યા હતા. જ્યારે સભા અંગેની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે સ્વામીજીએ ઊભા થઈને કહ્યુંઃ

‘સારું, કુમારી નોબલ, આ સદ્‌ગૃહસ્થ પોતાની દીકરીને તમારી શાળામાં મોકલશે.’

અને સ્વામીજીની આ ગુસપુસ શી હતી એ નિવેદિતાના ખ્યાલમાં આવી ગયું. તેઓ અત્યંત આનંદિત બની, નાની બાળકીની જેમ તાળીઓ પાડવા લાગ્યાં.

તા. ૧૪મી નવેમ્બર, ૧૮૯૮, સોમવાર કાલી પૂજાના દિવસે શ્રીમા શારદાદેવીનાં વરદ હસ્તે શાળામાં પૂજા થઈ અને શાળાનો ઉદ્‌ઘાટન-વિધિ પણ કરવામાં આવ્યો. શ્રીમાએ ધીમેથી આશીર્વાદ આપ્યા. ગોલાપ માએ તે આશીર્વાદ મોટેથી સહુને સંભળાવ્યાઃ

‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરે અને શાળા છોકરીઓને આદર્શ છોકરીઓ તરીકેની તાલીમ આપે.’

શ્રીમાએ આશીર્વાદ આપ્યા. તેમણે પ્રાર્થના કરી. પૂજાવિધિ કરી. આ બધાંથી નિવેદિતાનું સમગ્ર અંતર આભાર અને કૃતજ્ઞતાથી છલકાતું હતું. થોડા દિવસ પછી એમણે આ વિશે એક પત્રમાં લખ્યુંઃ

‘શ્રીમાના આશીર્વાદને હું એક શુભચિહ્‌ન માનું છું. હું કલ્પના જ કરી શકતી નથી કે તેમના આશીર્વાદ કરતાં બીજું કંઈ મહાન શુકન હોઈ શકે.’

ઉદ્‌ઘાટન-ઉત્સવમાં શ્રીમાની હાજરી જ પૂરતી હતી. પણ એના બદલે આશીર્વાદ અને શુભ શુકન મળ્યાં તેથી નિવેદિતાએ તેને પોતાના કાર્યનો શુભ અને મંગલમય પ્રારંભ ગણ્યો. આજુબાજુની વિદ્યાર્થિનીઓ શાળામાં આવવા લાગી. પ્રથમ દિવસે જ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી વિરજાનંદ, સ્વામી તુરીયાનંદ શાળાની મુલાકાતે આવ્યા અને શાળાની સફળતા અંગે આશીર્વાદ આપ્યા. આમ, શાળાનો પ્રારંભ ભારતીય પરંપરા પ્રમાણે જ થયો.

આ શાળામાં લેખન, વાંચન ઉપરાંત ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરે જીવન-ઉપયોગી શિક્ષણ પણ આપવામાં આવતું હતું. બાલિકાઓને શાળામાં લાવવા-લઈ જવા માટે એક મહિલાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ રીતે નિવેદિતાના જીવનનું મધુર સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. નાની નાની બાલિકાઓના મધુર કિલકિલાટથી એમનું હૃદય અવર્ણનીય આનંદથી છલકાતું રહ્યું.

નાની-નાની બાલિકાઓને ભરતગૂંથણ, ચિત્રકામ વગેરે કરતી જોઈને નિવેદિતાનું હૃદય આનંદથી ભરાઈ જતું. આ નિર્દોષ બાલિકાઓ તો ભારતની ભાવિ આશા છે. એમના સંસ્કારોથી તો ભારતની નવી પેઢીનું સર્જન થવાનું છે. આથી આ બાલિકાનાં હૃદય, મન અને શરીરનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રવૃત્તિશીલ રહેતાં. શાળામાં પણ કાર્યનો વ્યાપ વિસ્તરતો જતો હતો. એકલે હાથે બધો ભાર સહન કરવાનો હતો. અલબત્ત, એમાં સ્વામીજી અને રામકૃષ્ણ મઠની સહાય તો હતી જ પણ અંતિમ જવાબદારી તો નિવેદિતાની જ હતી.

નિવેદિતા પોતાના આ કાર્યમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં. આ કાર્ય તો એમના જીવનનું મનપસંદ કાર્ય હતું. કેળવણી ક્ષેત્રે એમણે અસંખ્ય પ્રયોગો કર્યા હતા. ઇંગ્લેન્ડમાં અમલી બનાવેલી શિક્ષણની નવી પદ્ધતિનો પણ બહોળો અનુભવ હતો. કેળવણીનું ઊંડું અને વ્યાપક જ્ઞાન હતું. ગુરુ પાસેથી મેળવેલા સંસ્કારો હતા. સ્વામીજીની આંતરિક સહાય હતી અને એમની સાચી નિષ્ઠા હતી. જોતજોતામાં આ બાલિકા-વિદ્યાલયે કોલકાતાના હિંદુ સમાજમાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું.

શિક્ષણ તો માતૃભાષા દ્વારા જ હોવું જોઈએ આ તેમનો આગ્રહ હતો. રાષ્ટ્રકવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એમની પુત્રીને શિક્ષણ આપવાની નિવેદિતાને વિનંતી કરી. એ સમયે નિવેદિતાએ એમને પૂછ્યું કે ‘તમારે એને શું શીખવવું છે?’ શ્રી ટાગોરે કહ્યુંઃ ‘અંગ્રેજી અને અંગ્રેજી ભાષા મારફત જે શિક્ષણ અપાય છે તે.’

નિવેદિતાએ કહ્યુંઃ ‘બહારથી કોઈ શિક્ષણ ગળાવવાથી શો લાભ? જાતિગત નૈપુણ્ય અને વ્યક્તિગત વિશેષ શક્તિ સ્વરૂપે માણસમાં જે વસ્તુ રહેલી છે તેને જાગૃત કરવી, એને જ હું ખરું શિક્ષણ માનું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ વડે તેને દાબી દેવી એ મને ઠીક લાગતું નથી.’ 

શ્રી ટાગોર એમનાથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. આવા ઉત્તમ સંનિષ્ઠ શિક્ષિકા એમની પુત્રી માટે મળી જાય તો તો અહોભાગ્ય ગણાય, એમ માની તેમણે માતૃભાષા દ્વારા અને એમને જે શીખવવું હોય તે રીતે તેઓ શિક્ષણ આપે એવો આગ્રહ રાખ્યો.

એક રવિવારે રજાના દિવસે એમના ઘર આગળ કલશોર થઈ રહ્યો. એમને આશ્ચર્ય થયું. શું થયું હશે? એમણે નોકરને દરવાજે તપાસ કરવા મોકલ્યો. નોકરે આવીને ભાંગીતૂટી અંગ્રેજીમાં નિવેદિતાને સમજાવ્યું કે બાલિકાઓને આજેય શાળામાં તમારી પાસે ભણવા આવવું છે. રજા એમને ગમતી નથી! આ સાંભળીને નિવેદિતાને તો એમના કાર્યની સિદ્ધિનું ફળ મળી ગયું, શાળાની સફળતાનું પ્રમાણપત્ર મળી ગયું. બાળકો તો રજાને માટે આતુર હોય, રજાની રાહ જોઈ રહ્યાં હોય. અહીં તો બાલિકાઓને રજાના દિવસેય શાળામાં ભણવું હતું. આથી વિશેષ ગૌરવ અને આનંદની વાત નિવેદિતા માટે બીજી કઈ હોઈ શકે?

આ માટે તેમણે શાળામાં વાતાવરણ સર્જ્યું હતું. એ વાતાવરણ હતું પ્રેમનું, પ્રગતિનું અને પ્રકાશનું. આ માટે તેમણે કંઈ ઓછો પરિશ્રમ કર્યો ન હતો! બાલિકાઓનું હાજરીપત્રક તેઓ જાતે બનાવતાં, તેમની પ્રગતિનો તમામ અહેવાલ તેઓ પોતાની નોંધપોથીમાં લખી રાખતાં. આજે પણ એમની એ કાળજીભરી નોંધપોથી જોવા મળે છે. બાલિકાઓની પ્રગતિના અહેવાલમાં માત્ર તેમની અભ્યાસ વિષયક જ કારકિર્દી નહીં પણ એમનાં માતા-પિતા, તેમના શોખ અને રસના વિષયો, તેમની પ્રગતિની શક્યતા વગેરે અંગેની સૂક્ષ્મ નોંધ તેઓ પોતાની પાસે રાખતાં. એ રીતે પ્રત્યેક બાલિકા પર વ્યક્તિગત ધ્યાન આપી તેનું જીવનઘડતર કરવાનું કાર્ય કર્યે જતાં હતાં. 

આ કાર્ય દુનિયાની દૃષ્ટિએ કંઈ મહત્ત્વનું કાર્ય ન હતું! છતાં આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ આ કાર્ય કેટલું મહત્ત્વનું હતું! શ્રી રવીન્દ્રનાથ ટાગોર એમના આ કાર્યને ભવ્ય અંજલિ આપતાં બિરદાવે છેઃ ‘જેમની પ્રતિભા અને શિક્ષણ અસામાન્ય હતાં તેમણે એક ગલીના ખૂણામાં એવું કાર્યક્ષેત્ર પસંદ કરી લીધું, જે દુનિયાના લોકોની નજરે પડે એમ બિલકુલ હતું જ નહિ.’

પ્રેમના પાયા ઉપર તેમણે પોતાના વિદ્યાલયની ઇમારત ચણવાનો આરંભ કર્યો હતો. નિષ્ઠા અને આત્મસમર્પણથી આ વિદ્યાલય વિકસવા લાગ્યું. તેઓ માનતાં હતાં કે કોઈનેય કદી શીખવી શકાતું નથી. કોઈનેય ઇચ્છા મુજબ કેળવી શકાતું નથી. મહાન ગુરુઓનાં ઉન્નત જીવન જ શિષ્યોની કેળવણી માટે પર્યાપ્ત છે. ‘જેનું પોતાનું વ્યક્તિત્વ જ એક મહાન પાઠ હોય તે જ ગુરુ બની શકે.’ એમના આ શબ્દો એમના વ્યક્તિત્વને પણ એટલા જ લાગુ પડે છે. શું એમનું પોતાનું વ્યક્તિત્વ એક મહાન પાઠસમું ન હતું?

‘કેળવણીનું કાર્ય શિષ્ય દ્વારા થવું જોઈએ, શિષ્યનું કોઈ સ્વયંસ્ફુરિત કાર્ય નિશાની આપે છે અને ડાહ્યો શિક્ષક એનો લાભ લે છે. જો શિષ્ય તરફથી શરૂઆત ન થાય તો તેને ભણાવવું તે લાકડા કે ઈંટને ભણાવવા જેવું થશે.’

નિવેદિતાના આ શબ્દો તેમને ખરા અર્થમાં કેળવણીકાર બનાવે છે. તેમણે પોતાની પ્રાયોગિક શાળામાં પણ એવું વાતાવરણ સર્જ્યું કે બાલિકાઓને ન તો રજા ગમે કે ન ઘરે જવું ગમે. બસ આખો દિવસ શાળામાં રહી અવનવું શીખવા અને સર્જવાની માગણી કર્યા કરેે. આ જ તો હતું એમનું શિક્ષણ જગાડવાનું કાર્ય. શિક્ષકે તો માત્ર આટલું જ કરવાનું છે. આટલું થાય તો કેળવણીની તમામ સમસ્યાઓનો ક્ષણમાં ઉકેલ આવી જાય, જે નિવેદિતાએ સ્વાનુભવથી જગતને બતાવ્યું. (લોકમાતા ભગિની નિવેદિતા, પૃ.83-94)

Total Views: 515

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.