નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રચારિત કરશે. શું હતો આ સંદેશ? જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં આ પ્રજ્વલિત અગ્નિ વહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજકરૂપે ઉત્તર ભારતથી શરૂ કરી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું. તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા, રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો, ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓનાં સોપાનો સર કર્યાં, અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે, ભારતના અંતિમ કિનારે, સમગ્ર ભારત ઉપર ધ્યાન કર્યું. યુગનાયકમાં લખાયું છે:

કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે. એના પછી તરત જ ત્રણે દિશામાં મોજાં ઉછાળતો દરિયો—પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર. સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ (રોક). મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં ડૂબેલાં છે. એ મૂર્તિ અત્યંત સુંદર, દર્શન કરતાંની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાનાં દર્શન કાજે બાળકની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. દર્શન અને પૂજા પૂરાં થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા.

ત્યારબાદ સમુદ્રકિનારે ગયા અને બીજો કોઈ ઉપાય ના દેખાતાં તરતાં તરતાં આખરી કિનારાથી બે ફર્લાંગ દૂર આવેલા સમુદ્રમાં રહેલા છેલ્લામાં છેલ્લા અને ધાર્યા કરતાં વધુ વિશાળ દ્વીપના મથાળે ચડ્યા. જગન્માતાનાં પગલાંની નિશાનીથી શોભતા એ ખડકાળ દ્વીપ ઉપર તેઓ ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયા અને એ જ ભાવે સમસ્ત રાત વીતી ગઈ. એમના ચિંતનનો વિષય હતો, ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલનક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ—ભારતનો ગૌરવભર્યો અધ્યાત્મમહિમાથી ઉજ્જ્વળ ભૂતકાળ છતાં, દુ:ખ દારિદ્ર્યમાં ડૂબાડૂબ, વીર્ય વિનાનો, ગૌરવ ગુમાવી બેઠેલો, અધ્યાત્મસંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય. ભારતના આ લુપ્ત ગૌરવને શું ફરી એક વાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે? અને જો સંભવિત હોય તો એનો ઉપાય શો છે? 

પૂર્વથી પશ્ચિમ સુધી અને ઉત્તરથી દક્ષિણ સુધીની સમગ્ર ભારતભૂમિને જોઈ-ખૂંદીને તેઓ આવ્યા હતા. ઋષિઓની દૂર દૂર સુધી પહોંચતી દૃષ્ટિ પામીને એમને સ્પષ્ટ સ્વરૂપે દેખાઈ ચૂકેલું કે, ગૌરવના ઉચ્ચ શિખરે બિરાજી રહેલું ભારત કેમ કરતાં અવનતિના નીચામાં નીચા સ્તરે ઊતરી પડેલું. અતીતની એ વિશ્લેષણભરી સ્મૃતિની જોડાજોડ જ જાગી ઊઠ્યું, વર્તમાન ભારતનું નજરોનજર નિહાળેલું વાસ્તવ રૂપ. અને ભવિષ્યનો પથ શોધતાં શોધતાં મન ઘૂમતું રહ્યું, એ નિર્જન દ્વીપ ઉપર. ધ્યાનમગ્ન સંન્યાસીના હૃદયમાં જાગતો રહ્યો એક માત્ર વિચાર—ભારત અને ભારતના ભાગ્યવિધાતાનો અભિપ્રાય. તેઓ વિચારવા લાગ્યા કે, આ પરિસ્થિતિમાં કેવું વ્રત એમને માટે લેવા જેવું ગણાય અને એ વ્રત કેવી રીતે પાર પડશે. 

એ ચિંતને પરહિત કાજે પ્રાણ ન્યોચ્છાવર કરનારા એક સંન્યાસીને એક આમૂલ સંસ્કારક, સુમહાન સંગઠક અને શક્તિમાન આત્માનુભવ સંપન્ન દેશનાયકના રૂપમાં પલટી નાખ્યો. તે ઘડીએ તેઓ બંગાળ, આર્યાવર્ત—અથવા તો દક્ષિણ પ્રદેશની વાત ન વિચારતાં માત્ર અખંડ ભારતની ભાવનામાં જ મગ્ન બની ગયા. એમની આંખોની સમક્ષ ભારતના ઇતિહાસનાં તમામ પૃષ્ઠો જાણે કે એકી સંગાથે ખૂલી ગયાં, અને અંતરમાં પ્રકાશી રહેલા આધ્યાત્મિક અજવાળે એને વાંચતાં એમની સમક્ષ ઉપસ્થિત થયું ભારતીય ધર્મ અને સંસ્કૃતિની ભાવિ સંભાવનાઓનું એક પૂર્ણ અને અતિ ઉજ્જવળ ચિત્ર, કુશળ શિલ્પીની સમક્ષ જાણે કે કોઈ સુકલ્પિત વિરાટ મહેેલનું ચિત્ર પોતાના ખૂણેખૂણા સહિત એક સુરચિત અખંડ આકારે તરી આવે તેમ. 

તેવી રીતે સ્વામીજીએ ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેકવિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તારૂપે દીઠું. એમને સમજાઈ ગયું કે ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનો મેરુદંડ છે. એમના શાન્ત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં એવી જ વાણી ગૂંજી ઊઠી, ‘જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારતવર્ષ એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલનક્ષેત્ર બની ઊઠેલું, એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનું પુનરુત્થાન અને પુન:પ્રતિષ્ઠા સંભવિત છે.’ 

એમને ઉન્નતિ અને અવનતિનાં બેઉ ચિત્રોને નિહાળતાં સમજાયું કે, ભારતની દુર્ગતિનું કારણ એ જ છે કે, યથાર્થ ધર્મ ક્યાંય પણ સાર્વજનીન અને સક્રિયભાવે અનુસરવામાં આવ્યો નથી. ધર્મને પૂરેપૂરો અનુસરીને તથા જીવનમાં એને ઉતારીને કોઈપણ જાતિ ક્યારેય અધ:પતિત થાય નહિ. ઊલટાનું ઇતિહાસની સાક્ષી લેતાં જણાય છે કે, જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નીવડનારી છે તે બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે.

ઊંડો વિષાદ અને વેદનાથી ભર્યું એમનું ચિત્ત ભારતના સર્વસાધારણ લોકોની ઉન્નતિનો ઉપાય યોજવાની વાતનો જ વિચાર કરવા લાગ્યું… દરિદ્ર જનગણનાં દુ:ખદારિદ્ર્ય સંગાથે સૂર મિલાવી રહેલી એમની હૃદયવીણા તેઓના રુદને રડી ઊઠી. એક ઊંડી સમવેદના અનુભવતાં, તેઓ ભારતની ઠેબે ચડાવાતી રહેલી નિમ્ન જાતિની સાથે એકાકાર થઈ ઊઠ્યા. ત્યારે એ બધાંની વ્યથા એમની જ વ્યથા, એ સૌના અપમાનથી એમનું જ અપમાન, એ લોકોના ભાગ્યની સાથે એમનું ભાગ્ય પણ કદી કપાય નહિ એવા સૂતરના તાંતણે ગુંથાઈ ગયું.

એ દિવસ વિશે એમણે એક પત્રમાં લખ્યું છે કે,

“આ બધું જોઈને—તેમાંયે ખાસ તો દારિદ્ર્ય અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી; એક વિચાર પાકો કર્યો કે કુમારિકા ભૂશિર ઉપર મા કુમારીના મંદિરમાં બેસીને, ભારતવર્ષની છેક છેવાડેની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે—આ જે આપણે આટલા બધા સંન્યાસીઓ છીએ તે બધા રઝળપાટ કરતા અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શિખવાડીએ છીએ, એ બધું પાગલપણું છે.

“‘ખાલી પેટે ધર્મ ના થાય’—ગુરુદેવ કહેતા હતા ને? આ બધાં ગરીબગુરબાં જાનવરની જેમ જીવ્યે રાખે છે—એનું કારણ મૂર્ખતા છે. પાજી (પુરોહિત) બેટાઓ ચાર ચાર યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચરી રહેલા છે. આપણી જાતિ પોતાનું હીર હારી બેઠેલી છે, અને તેથી જ ભારતનાં આટઆટલાં દુ:ખ-કષ્ટ. એ જાતિની વિશેષતાનો વિકાસ જેથી કરીને સધાય તેવું જ કરવું ઘટે—નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે; હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી—સહુએ એમને પગ તળે કચડેલા છે. અને એમની ઊઠીને ઊભા થવાની તાકાત આપણી પોતાની અંદરથી જ આણવી રહી. કટ્ટર હિન્દુઓએ જ એ કામ કરવું પડશે.” (યુગનાયક, 1.429-31) 

Total Views: 602

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.