હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા ‘શ્રીમ’ના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રીરામકૃષ્ણે સ્વયં તેમને પોતાના ઉપદેશના વાહક બનાવી ધન્ય કર્યા હતા. શ્રીરામકૃષ્ણ જે કંઈ ઉપદેશ આપતા તે તેઓ મહેન્દ્રનાથ પાસેથી પુનરાવૃત્તિ કરાવી લેતા, જેથી મહેન્દ્રનાથ એને શબ્દશ: લિપિબદ્ધ કરી શકે.

મહેન્દ્રનાથે વર્ષો સુધી શ્રીરામકૃષ્ણના પદચરણે અવસ્થાન કરી, તેઓના શ્રીમુખ કથિત અમૃતમય પ્રત્યેક શબ્દનું પાન કરી, ધાર્મિક સાહિત્યના ઇતિહાસમાં અમર ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની રચના કરી હતી. માટે જ મહેન્દ્રનાથથી વધુ શ્રીરામકૃષ્ણનો મત કોણ જાણી શકે?

શ્રીરામકૃષ્ણની સાથે જ તેઓ સ્વામી વિવેકાનંદ ઉપર પણ અતિશય શ્રદ્ધા રાખતા હોવાથી મહેન્દ્રનાથે પોતાનો સંશય વાણી દ્વારા વ્યક્ત કર્યો ન હતો. પરંતુ સૂક્ષ્મદર્શી સંન્યાસીઓ પાસે તેઓના મનની વાત છાની શી રીતે રહી શકે?

૧૯૧૨ની સાલની વાત છે. શ્રીમા શારદાદેવી બેલુર મઠમાં દુર્ગાપૂજાના ઉત્સવના સમાપન પછી પાંચમી નવેમ્બરે કાશી પહોંચ્યાં. કાશીમાં એ સમયે ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ’માં સંન્યાસીઓ દ્વારા ગરીબ દર્દીઓની સારવાર માટે હોસ્પિટલની શરૂઆત થઈ ચૂકી હતી. કાશીમાં બાગબજારના વતની દત્તોએ ‘લક્ષ્મી નિવાસ’ નામક નવું મકાન બંધાવ્યું હતું. આ નિવાસમાં શ્રીમા લગભગ અઢી મહિના રહ્યાં હતાં. શ્રીમા ત્યાં રહેવા જશે એવું જાણી થોડા દિવસ પહેલાં જ એ ઘરનું વાસ્તુ કરી લેવામાં આવ્યું હતું. ઘરને પહેલે માળે શ્રીમાની સાથે ગોલાપ મા, જયરામવાટીનાં ભાનુ ફોઈ, કોઆલપાડાના કેદારનાથનાં માતુશ્રી, મહેન્દ્ર ગુપ્તનાં પત્ની તથા તેમનાં બહેન રહેતાં હતાં. સ્વામી પ્રજ્ઞાનંદ, મહેન્દ્ર ગુપ્ત, વિભૂતિ વગેરે ઘણા પુરુષો ભોંયતળિયે રહેતા હતા. ઘરનો પહોળો વરંડો જોઈ શ્રીમા પ્રશંસાપૂર્વક બોલ્યાંઃ ‘ભાગ્યશાળી હોય તેનું જ આવું મકાન હોય. જગ્યા સાંકડી હોય તો પણ મન સાંકડું થઈ જાય ને જગ્યા વિશાળ હોય તો દિલ પણ ઉદાર બને.’

શ્રીમા શારદાદેવી

બીજે દિવસે સવારે પાલખીમાં બેસી શ્રીમા વિશ્વનાથ ને અન્નપૂર્ણાનાં દર્શન કરવા ગયાં. શ્યામાપૂજાને પછીને દિવસે (૯મી નવેમ્બરે) તેઓ સેવાશ્રમમાં પધાર્યાં. તે વખતે સ્વામી બ્રહ્માનંદ, શિવાનંદ, તુરીયાનંદ, શુભાનંદ, ડો. કાંજીલાલ વગેરે ત્યાં હાજર હતા. કેદારબાબાએ (સ્વામી અચલાનંદે) શ્રીમાની પાલખીની સાથે સાથે ચાલીને હોસ્પિટલના તમામ વિભાગોનાં મકાનો બતાવ્યાં. 

સઘળું જોયા બાદ તેઓ સેવાશ્રમનાં મકાનો, બગીચાઓ ને વ્યવસ્થાની પ્રશંસા કરી બોલ્યાંઃ ‘અહીં ઠાકુર સ્વયં બિરાજે છે ને મા લક્ષ્મીનો ભંડાર પૂર્ણ છે.’ પછી એમણે પૂછયું કે આ યોજના પહેલાં કોણે ઘડી ને કેવી રીતે એને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું? યોજનાની વાત સાંભળી એમણે કહ્યુંઃ ‘જગ્યા એટલી બધી સુંદર છે કે મને કાશીમાં જ રહી જવાની ઇચ્છા થાય છે!’ 

શ્રીમા પાછાં ફર્યાં પછી તરત જ એક ભક્તે આવીને ત્યાંના અધ્યક્ષને કહ્યું કેઃ ‘સેવાશ્રમને માટે શ્રીમાએ દસ રૂપિયા મોકલાવ્યા છે.’ તેઓએ આપેલ એ દસ રૂપિયાની નોટ આજે પણ અમૂલ્ય ધનની માફક સેવાશ્રમમાં સચવાઈ રહી છે.

શ્રીમા શારદાદેવીએ કાશી સેવાશ્રમમાં ગરીબ દર્દીઓની ચિકિત્સા માટે દાનમાં આપેલ 10 રૂપિયાની નોટ

એ જ દિવસે એક ભકતે શ્રીમાને પ્રણામ કરવા જતાં પૂછ્યુંઃ ‘મા, સેવાશ્રમનું કામ કેવું લાગ્યું?’ શ્રીમાએ ધીરેથી જવાબ વાળ્યોઃ ‘મેં જોયું કે ત્યાં ઠાકુર સાક્ષાત્ વિરાજે છે. એટલે જ આ બધું ચાલે છે. આ એમનું જ કામ છે.’ આ વાત સ્વામી બ્રહ્માનંદને જણાવવામાં આવી ત્યારે તેમણે તે સ્વામી શિવાનંદને કહી. 

બરાબર એ જ વખતે મહેન્દ્રનાથ અદ્વૈત આશ્રમમાં આવ્યા. સ્વામી બ્રહ્માનંદ એમના મનના સંશયથી વિદિત હતા, તેથી એમને આવતા જોઈને તરત કેટલાક ભક્તોને તથા બ્રહ્મચારીઓને એમની પાસે મોકલીને પૂછાવ્યુંઃ ‘મા કહે છે કે સેવાશ્રમનું કામ તે ઠાકુરનું જ કામ છે; ઠાકુર ત્યાં હાજરાહજૂર છે. હવે આપ શું કહો છો?’ એક સાથે સૌ આમ પ્રશ્નો કરવા માંડ્યા; મહારાજ પણ તેમાં જોડાયા. ત્યારે માતૃભક્ત મહેન્દ્રનાથ હસતાં હસતાં બોલ્યાઃ ‘હવે તો એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી.’ (શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, 218-219)

Total Views: 519

2 Comments

  1. ગીતા પટેલ October 17, 2022 at 1:08 pm - Reply

    આ બધા લેખ વાંચીને ઘેર બેઠા સત્સંગ થાય છે . બહુ જ સુંદર લેખો પ્રસ્તુત થાય છે.

  2. રસેન્દ્ર અધ્વર્યુ October 17, 2022 at 12:09 pm - Reply

    અદ્ભૂત આશીર્વાદ,તે દિવસથી આજ લાગી ચાલતો અનંત આશીર્વાદ. કેમ ન હોય સાક્ષાત માના આશિષ છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.