વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, “સ્વામીજીની સાથે મુલાકાત કરવા માટે હું તે દિવસે ‘બલરામ ભવન’માં ગયો હતો. જઈને જોયું તો સ્વામીજી એટલી ગંભીર ચિંતામાં મગ્ન થઈને બેસી રહ્યા હતા કે મારા આવવાની વાત પણ તેઓ જાણી શક્યા નહિ. થોડીવાર પછી તેઓ મીરાંબાઈનું એક ભજન ગણગણવા લાગ્યા અને તેમનાં નેત્રોમાંથી આંસુની ધાર વહેવા લાગી. બન્ને હાથે પોતાનો ચેહરો ઢાંકીને રેલીંગ પર ટેકવીને વેદનાથી ભરપૂર સ્વરમાં ગાવા લાગ્યા, ‘મેરો દરદ ન જાને કોય.’ તેમના દર્દભર્યા સૂર અને નિરાશાના ભાવ જાણે ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા અને વાતાવ૨ણ જાણે વિષાદથી ઘેરું બની ગયું હતું. ‘ઘાયલ કી ગત ઘાયલ જાને ઔ૨ ન જાને કોય’ – આ દર્દ ભરેલા ગીતથી જાણે ભૂમંડલ સ્પંદિત થઈ રહ્યું હતું. તેમનો અવાજ જાણે મારા હૃદયમાં તીરની જેમ ખૂંચી રહ્યો હતો અને મારાં નેત્રો પણ આંસુથી છલકાઈ ઊઠ્યાં હતાં. સ્વામીજીના દુઃખનું કારણ ન જાણવાથી હું બેચેની અનુભવી રહ્યો હતો. થોડીવાર પછી મારી સમજમાં આવ્યું કે દુ:ખી લોકો પ્રત્યેની સહાનુભૂતિ જ તેમની આ પીડાનું કારણ હતું.

મીરાંબાઈના ભજનમાં જે ‘દરદ’ની વાત છે તે મીરાંબાઈના પોતાના પ્રિયતમ – ઈશ્વ૨ – પ્રત્યેના પ્રેમને કારણે ઉત્પન્ન વિરહ વેદનાની છે. સ્વામી વિવેકાનંદજી વિરહ વેદનાનાં આંસુ સારી નથી રહ્યા. તેમના આરાધ્ય તો છે – સર્વ જીવોના સમષ્ટિરૂપ ઈશ્વર-વિશેષરૂપે દરિદ્ર, દુ:ખી, પાપી તાપી લોકોમાં વિરાજી રહેલા ઈશ્વર, તેઓનાં દુ:ખોથી વ્યાકુળ થઈ સ્વામીજી કેટલીયવાર આંસુ સારતા, કેટલીય રાતો તેમણે રડતાં રડતાં વિતાવી હતી.

સ્વામી વિવેકાનંદજી બેલુરમઠમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારની વાત છે. તેઓ જે ઓરડામાં રહેતા તેની બાજુમાં એક નાનો ઓરડો છે, જેમાં ત્યારે તેમના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રહેતા. એકવાર અડધી રાતના સમયે સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની ઊંઘ ઊડી ગઈ. મધરાતની નીરવતાને ચીરતો રડવાનો કોઈક અવાજ ક્યાંથી આવી રહ્યો છે, એ જોવા માટે ચોંકીને તેઓ ઊઠ્યા. સ્વામી વિવેકાનંદજીના ઓરડામાંથી અવાજ આવી રહ્યો છે, એમ લાગવાથી તેમણે તેમના ઓરડાના દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખૂલી ગયો. ઓરડામાંનું દૃશ્ય જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમણે જોયું કે સ્વામીજી પોતાની પથારી પર નથી, ધરતી પર આળોટી રહ્યા છે, ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે, ધરતી તથા કપડાં બધાં આંસુથી ભીંજાયેલાં છે. તેમનો પ્રવેશ થતાં જ સ્વામીજીએ ચોંકી જઈને પૂછ્યું, ‘‘કોણ?’’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ જવાબ આપ્યો, ‘‘હું પેસન.” (સ્વામી વિજ્ઞાનાનંદજીના પૂર્વાશ્રમનું નામ હરિપ્રસન્ન હતું. સ્વામીજી તેમને ‘પેસન’ કહી બોલાવતા) સ્વામીજીએ પૂછ્યું, “અરધી રાતે અહીં શા માટે આવ્યો છે?” સ્વામી વિજ્ઞાનાનંદજીએ ઉત્તર આપ્યો, ‘‘સ્વામીજી, હું તો સૂતો હતો પણ અચાનક રડવાનો અવાજ સાંભળીને આવ્યો. સ્વામીજી, આપ રડો છો શા માટે?’’ સ્વામીજીએ કહ્યું, ‘‘પેસન, દેશની આ હાલત, ગરીબી તથા પીડાની વાતો વિચારતાં હું સૂઈ શકતો નથી, એટલા માટે ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) પાસે ૨ડી રડીને પ્રાર્થના કરી રહ્યો છું, લોકોનાં દુઃખ દૂ૨ ક૨વા માટે, દેશની અવસ્થા સુધારવા માટે. પરંતુ હું શું કરું, તેઓ મારી પ્રાર્થના સાંભળતા જ નથી.” સ્વામી વિજ્ઞાનાનંદજીએ દિલાસો આપતાં કહ્યું, “તેઓ આપની પ્રાર્થના અવશ્ય સાંભળશે. તેઓ આપને કેટલો પ્રેમ કરતા હતા? શું ક્યારેય તેઓએ આપની પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો છે? ચાલો સ્વામીજી, હવે સૂઈ જાઓ, મોડી રાત થઈ ગઈ છે.” ‘‘ના, પેસન, ના, તને ખબર નથી, કેટલાય દિવસોથી હું તેમને પ્રાર્થના કરું છું, કેટલીય રાતો રડી રડીને વિતાવી છે, છતાં તેઓ સાંભળતા નથી. દેશની દશા કેટલી બગડતી જાય છે! ઓહ, ઠાકુરનું હૃદય પથ્થરનું થઈ ગયું છે.” આટલું કહેતાં કહેતાં સ્વામીજી ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

બેલુર મઠમાં બનેલો આવા જ પ્રકારનો અન્ય એક પ્રસંગ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ કહેતા. તેમણે એકવાર રાતના લગભગ બે વાગે પોતાના ઓરડાની બહાર આવીને જોયું કે સ્વામી વિવેકાનંદજી વરંડામાં બેચેન અવસ્થામાં લટાર મારી રહ્યા છે. તેમણે સ્વામીજીને પૂછ્યું, ‘‘સ્વામીજી, આપ પથારીમાં કેમ સૂતા નથી? શું આપને ઊંઘ નથી આવતી?” સ્વામીજીએ જવાબ આપ્યો, “પેસન, હું સારી રીતે ઊંઘી રહ્યો હતો, પણ અચાનક જાણે એક મોટો ધક્કો લાગ્યો અને હું જાગી ગયો. મને લાગે છે વિશ્વમાં ક્યાંક કોઈ મોટી દુર્ઘટના ઘટી હશે અને ઘણા લોકોએ જાન ગુમાવ્યો હશે.” સ્વામી વિજ્ઞાનાનંદજીએ આ શબ્દોને ગંભીરતાથી ન લીધા. પથારીમાં સૂતાં સૂતાં વિશ્વના કોઈ દૂરના ખૂણે ઘટેલી ઘટના કોઈ અનુભવી શકે એ વાત પર તેમને વિશ્વાસ જ ન બેઠો. પણ પછીના દિવસે જ્યારે તેમણે સમાચારપત્રમાં વાંચ્યું કે જે સમયે સ્વામીજી ઊંઘમાંથી જાગી ગયા હતા તે જ સમયે ફિજીમાં ભયંકર ધરતીકંપ થયો હતો અને ઘણા લોકોએ જાન ગુમાવ્યો હતો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

આજે આપણે વૈશ્વિક્તા (Globalisation)ની વાતો તો કરીએ છીએ, પણ વૈશ્વિક માનવ (Global man) ક્યાં છે? સ્વામી વિવેકાનંદજી વૈશ્વિક માનવના આદર્શરૂપ છે. તેમનું વૈશ્વિક હૃદય વિશ્વના કોઈપણ ખૂણે માનવજાત પર પડેલું દુ:ખ ઝીલી લેતું, જાણે સિસ્મોગ્રાફ!

પરિવ્રાજકરૂપે સ્વામી વિવેકાનંદજી પરિભ્રમણ કરી રહ્યા હતા. દેશવાસીઓની ગરીબી તેમણે પોતાની સગી આંખે જોઈ હતી, તેઓનાં દુઃખ-કષ્ટો અનુભવ્યાં હતાં. સ્વામી તુરીયાનંદજી મહારાજ સાથે આબુરોડ સ્ટેશન ૫૨ તેમનો મેળાપ થયો ત્યારે સ્વામીજીએ પોતાના હૃદય પર હાથ રાખતાં તેમને કહ્યું, ‘‘હરિભાઈ, હું તમારો ધર્મ વગેરે કંઈ સમજી શક્યો નથી, પરંતુ મારું હૃદય વિશાળ થઈ ગયું છે. હવે લોકોનાં દુઃખ દર્દનો હૃદયથી અનુભવ કરવા લાગ્યો છું. વિશ્વાસ કરો, હું ખરેખર લોકોનાં દુ:ખ કષ્ટોનો અનુભવ કરી રહ્યો છું.” આ પછીના શબ્દો તેમના રુંધાયેલા ગળામાંથી નીકળી ન શક્યા. તેમનાં નેત્રોમાંથી આંસુની ધાર વહેવા લાગી. સ્વામી તુરીયાનંદજી મહારાજને ત્યારે સ્વામીજીમાં કરુણામૂર્તિ ભગવાન બુદ્ધનાં દર્શન થયાં હતાં.

દેશવાસીઓ પ્રત્યેની આ કરુણા જ સ્વામી વિવેકાનંદજીને અમેરિકા લઈ ગઈ હતી. તેમણે પોતે સ્વીકાર્યું હતું કે તેઓ ફક્ત વેદાંતના પ્રચાર માટે વિદેશ નહોતા ગયા, દેશવાસીઓની ગરીબીની સમસ્યાનો ઉકેલ શોધવા પણ ગયા હતા. આ બન્ને હેતુઓ સમાનરૂપે મહત્ત્વના હતા. આ વેદનાના આવેગમાં તેમણે મદ્રાસના યુવકોને લખેલ પત્રમાં કહ્યું હતું, ‘‘હું દાર્શનિક નથી, હું તત્ત્વજ્ઞાની પણ નથી, હું સંત નથી, હું ગરીબ છું, ગરીબોને પ્રેમ કરું છું.”

શિકાગોની વિશ્વધર્મસભામાં વેદાંતનો ઝંડો ફરકાવ્યા બાદ સ્વામી વિવેકાનંદજી અચાનક જગપ્રસિદ્ધ બની ગયા. અત્યાર સુધી આ અજાણ્યા અકિંચન સંન્યાસીને ખાધાપીધા વગર કડકડતી ઠંડીમાં પૂરતાં વસ્ત્રો વગ૨ ગમે તે રીતે રહેવું પડતું. હવે અમેરિકાના મોટા મોટા ધનાઢ્ય પરિવારોના આલિશાન બંગલાઓના દરવાજા તેમના માટે ખૂલી ગયા, કરોડપતિ ધનવાનો તેમને પોતાના અતિથિરૂપે રાખવા માટે પડાપડી કરવા લાગ્યા. આવા જ એક ધનવાનને ત્યાં ધર્મસભાના પહેલા દિવસના અંતે સ્વામીજીને ઉતારો આપવામાં આવ્યો. આટલી જાહોજલાલી, આટલાં નામ-યશ આવી રીતે અચાનક જો અન્ય કોઈ વ્યક્તિને મળત તો તે કદાચ આનંદના અતિરેકમાં પાગલ બની જાત. પણ સ્વામીજી આરામદાયક પલંગ પર સૂવાને બદલે આખી રાત ધરતી પર આળોટતાં રહ્યા અને રડીરડીને પ્રાર્થના કરતા રહ્યા, ‘‘મા, મારો દેશ જ્યારે ગરીબીમાં સબડી રહ્યો છે ત્યારે આ નામ-યશની કોણ પરવા કરે! મા, અહીં આ લોકો જાહોજલાલીમાં, મોજશોખમાં આટલું ધન ખર્ચે છે જ્યારે મારા દેશમાં ગરીબ લોકોને ખાવા માટે એક મુઠ્ઠી અનાજ નથી મળતું! મા, મને કહે હું તેઓની સેવા કેવી રીતે કરી શકું?’’

૧૮૯૭માં વિદેશથી પાછા ફર્યા પછી લોકોનાં દુઃખદર્દ દૂર કરવા માટે વિભિન્ન પ્રકારનાં સેવા કાર્યો શરૂ કરવા તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. શરૂઆતમાં સ્વામીજીને ઘણો વિરોધ સહન કરવો પડ્યો. હરિદ્વારમાં સ્વામીજીના આદેશથી યુવા સંન્યાસીઓએ જ્યારે ચિકિત્સા-સુશ્રૂષાનું કાર્ય પ્રારંભ કર્યું ત્યારે તેઓને ‘ભંગીસાધુ’ કહીને બોલાવવામાં આવતા. સંન્યાસીઓ દવા આપે, પાટાપીંડી કરે, ઑફિસમાં કાર્ય કરે, હિસાબ રાખે, આવાં બધાં કાર્યો કરે તે લોકોને ધર્મવિરુદ્ધ લાગતું. સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ પણ સ્વામીજીના આ કર્મયોગના આદર્શને શરૂઆતમાં પૂર્ણરૂપે સમજી શક્યા ન હતા. તેમણે આ વિશે શંકા વ્યક્ત કરી ત્યારે આવેગમાં અશ્રુપૂર્ણ નેત્રોથી સ્વામીજીએ કહ્યું હતું, “તમોગુણમાં ડૂબેલા મારા દેશવાસીઓને આત્મનિર્ભર બનાવવા અને તેઓને કર્મયોગનો આદર્શ બતાવીને આગળ લાવવા માટે હું હજારો ન૨કોમાં જવા માટે પણ તૈયાર છું.’’

એક વાર શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત સુપ્રસિદ્ધ નાટ્યકારકવિ ગિરીશચંદ્ર ઘોષ વાતચીતના પ્રસંગમાં દેશની દુર્દશા, ભૂખમરો, સમાજની દીનહીન અવસ્થા વગેરેનું વર્ણન કરી રહ્યા હતા ત્યારે સ્વામીજી દુઃખથી એટલા વ્યાકુળ થઈ ગયા કે પોતાના આંસુઓને છુપાવવા માટે ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. થોડીવાર પછી પાછા આવીને તેમણે સ્વામી સદાનંદજીને સતત કાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો અને શ્રી ગિરીશ ઘોષને કહ્યું, “જુઓ જી.સી., મને એમ થાય છે કે લોકોનાં દુઃખ દૂર ક૨વા માટે મારે જો હજારો જન્મ લેવા પડે તો પણ હું તે માટે તૈયાર છું. જો તેનાથી એક વ્યક્તિનું થોડુંક પણ દુ:ખ દૂર થઈ શકે તો પણ હું આ કરવા માટે તૈયાર છું.’’

ઈ.સ. ૧૮૯૮માં જ્યારે કલકત્તામાં પ્લેગે ભયંકર રૂપ ધારણ કર્યું ત્યારે સ્વામીજી લોકોના દુઃખથી એટલા વ્યાકુળ થઈ ગયા કે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર દાર્જિલિંગથી તરત જ કલકત્તા આવી ગયા અને રાહતકાર્ય પ્રારંભ કરી દીધું . ગુરુભાઈઓએ નાણાંના અભાવનો પ્રશ્ન રજૂ કર્યો ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘‘જરૂર પડશે તો આ બેલુર મઠની જમીન વેચી નાખીશું.” બેલુર મઠની જે જમીન મેળવવા માટે તેમણે બાર વર્ષો સુધી કઠોર પરિશ્રમ કર્યો હતો તેને વેચવા માટે પણ તેઓ તૈયા૨ થઈ ગયા હતા! જો કે આવું પગલું ભરવું પડ્યું નહિ, કારણ કે રાહત કાર્ય માટે દાન પ્રાપ્ત થઈ ગયું.

ઈ.સ.૧૮૯૯ની વાત છે. સ્વામીજી બેલુર મઠમાં નિવાસ કરી રહ્યા હતા. બંગાળી સાપ્તાહિક પત્રિકા ‘હિતવાદી’ના સંપાદક પંડિત સખારામ ગણેશ દેઉસકર પોતાના બે મિત્રો સાથે સ્વામીજીને મળવા આવ્યા. ત્યારે દેશમાં ભયંકર દુષ્કાળ હતો. સ્વામીજીનું મન આ માટે સતત ચિંતિત હતું. બે મિત્રોમાંના એક પંજાબથી આવતા હતા.એટલે મોટાભાગની વાતચીત પંજાબની અન્નસમસ્યા વિશે થઈ. વાતચીતના અંતમાં જતી વખતે પંજાબી સદ્ગ્રહસ્થે સ્વામીજીને કહ્યું, ‘‘અમે કંઈ આધ્યાત્મિક ચર્ચા કરવા આવ્યા હતા, પણ દુર્ભાગ્યથી ચર્ચા સંસારની વાતો વિશે થઈ. સમય બરબાદ થઈ ગયો.” સ્વામીજીએ ગંભીર થઈ ઉત્તર આપ્યો, ‘‘મહાશય, જ્યાં સુધી મારા દેશમાં એક રસ્તે રઝળતું કૂતરું પણ ભૂખ્યું છે ત્યાં સુધી મારો ધર્મ તેને ખાવાનું આપવામાં અને તેની સંભાળ રાખવામાં છે. બાકી બધું અધર્મ છે અથવા ધર્મવિરુદ્ધ છે.”

સ્વામીજીએ ભારતીય નારીઓની દુર્દશાનો વિચાર કરી આંસુ વહાવ્યાં હતાં. હજારો વિધવાઓની અસહાય અવસ્થાનો વિચાર કરતાં તેમણે ભાવાવેશમાં કહ્યું હતું, “જે ધર્મ ભૂખ્યાને મુઠ્ઠી અનાજ ન આપી શકે અથવા વિધવાના આંસુ ન લૂછી શકે તેવા ધર્મમાં હું નથી માનતો.”

‘શિવજ્ઞાનથી જીવસેવા’ એ જ સ્વામી વિવેકાનંદજીનો આદર્શ છે. મનુષ્યમાં રહેલ ઈશ્વરની આરાધના માટે સ્વામીજી ગમે તેટલું દુઃખ સહન કરવા તૈયાર છે. ૯મી જુલાઈ ૧૯૯૭ના રોજ સ્વામીજીએ મિસ મેરી હેલને પત્રમાં લખ્યું હતું, ‘‘હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું, કે જેથી હું, જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે- એવા સર્વજીવોના સમષ્ટિરૂપ ઈશ્વરની પૂજા કરી શકું, અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ, અને સર્વ જીવોમાં રહેલ દુષ્ટ ઈશ્વર, દુ:ખી ઈશ્વર, ગરીબ ઈશ્વર મારા વિશેષ આરાધ્યા છે.”

દુષ્ટોમાં ઈશ્વર! હા, સ્વામીજી દુષ્ટોમાં, પાપીઓમાં, દુશ્ચરિત્ર સ્ત્રીઓમાં પણ ઈશ્વ૨ને નિહાળતા અને તેઓના દુઃખથી વિચલિત થતા. સુપ્રસિદ્ધ ગાયિકા માદામ ઈ. કાલ્વે વગેરેની સાથે સ્વામીજી ઈજિપ્તની યાત્રાએ ગયા હતા ત્યારનો પ્રસંગ છે. કેરોમાં ફરતાં ફરતાં એકવાર તેઓ ભૂલા પડી ગયા અને એક ગંદી ગલી શેરીમાં જઈ ચડ્યા. ત્યાં કેટલીક સ્ત્રીઓ અલ્પવસ્ત્રો પહેરી બારીમાંથી જીભ કાઢતી કે લાંબા પગ કરીને આળસુની જેમ બાંકડા પર બેઠી હતી. સ્વામીજીને જોઈને કેટલીક સ્ત્રીઓએ હસવા માંડ્યું અને ભાંડવા માંડ્યું. સ્વામીજીની સાથે જેઓ હતાં તેઓએ ઉતાવળે ત્યાંથી ચાલી જવાનો પ્રયત્ન કર્યો પણ સ્વામીજી એ જૂથમાંથી અલગ થઈ બાંકડા પર બેસેલી સ્ત્રીઓ પાસે પહોંચી ગયા અને બોલ્યા, ‘‘અરેરે, બિચારી બાળાઓ! તેઓએ પોતાના દિવ્યત્વને પોતાના સૌંદર્યમાં આરોપી દીધું છે. હવે જુઓ તેઓની દુર્દશા તરફ!” આમ કહી તેઓ રડવા લાગ્યા. સ્ત્રીઓ શરમિંદી બની ગઈ, શાંત થઈ ગઈ. એક સ્ત્રીએ આગળ ઝૂકીને ભાંગી તૂટી સ્પેનિશ ભાષામાં ‘ઈશ્વરનો પયગમ્બર’ એમ બોલતાં બોલતાં તેમના ઝબ્બાને ચૂમી લીધો. અન્ય એક સ્ત્રીએ નમ્રતા અને ભયનો ભાવ વ્યક્ત કરતાં પોતાના હાથ એકદમ મુખ પર દાબી દીધા જાણે કે સ્વામીજીનાં વિશુદ્ધ નયનોથી પોતાની જાતને છુપાવવા માગતી હોય.

સંસારનાં દુ:ખોથી સંતપ્ત થઈને સ્વામીજીએ ભગિની નિવેદિતાને ૭મી જૂન ૧૮૯૬ના રોજ અત્યંત પ્રેરણાદાયી પત્રમાં લખ્યું હતું, ‘‘જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુ:ખમાં બળી રહી છે, ત્યારે તમારાથી સૂઈ રહેવાય કે?’’ આજે પણ દુનિયા દુઃખથી બળી રહી છે. દુનિયાની પાંચ અબજ સાઠ કરોડ વસતીનો પાંચમો ભાગ એટલે કે એક અબજ બા૨ કરોડ માનવીઓ દારુણ ગરીબીમાં સબડી રહ્યા છે. દુનિયામાં જેટલાં બાળકો છે તેમની કુલ સંખ્યાના ત્રીજા ભાગને પૂરતું પોષણ પણ મળતું નથી અને દુનિયા આખીની અડધા ભાગને જે અત્યંત મહત્ત્વનાં ઔષધો છે તે મળતાં નથી. આજે પણ નારી જાતિ પર વિભિન્ન પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે. તાજેત૨માં બિજિંગમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદમાં આ વાત પુરવાર થઈ ગઈ છે કે નારી પર અત્યાચાર કરવામાં કોઈ પણ દેશ બાકાત નથી. જેઓ આર્થિક રીતે સંપન્ન છે તેઓમાં ઘણા માનસિક અશાંતિ ભોગવી રહ્યા છે. દરરોજ લગભગ પંદરસો મનુષ્યો આત્મહત્યા કરી રહ્યા છે. જ્યાં સુધી માનવજાતનાં સમસ્ત દુઃખો દૂર નહિ થાય ત્યાં સુધી સ્વામીજીના આત્માને શાંતિ નહિ મળે. પ્રેમદીવાની મીરાંબાઈના દરદનું તો ઓસડ છે – પ્રિયતમ સાથે, શ્યામસુંદર સાથે મિલન. પણ સ્વામીજીનું દરદ તો ત્યારે જ મટે જ્યારે તેમના ઈષ્ટ – સમસ્ત જીવોના સમષ્ટિરૂપ ઈશ્વર, સમસ્ત દુઃખોમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થાય. સ્વામીજીએ પોતે જ કહ્યું હતું, ‘‘એવું બની શકે કે હું આ દેહને જૂના વસ્ત્રની જેમ ત્યજી દઉં, પણ હું કાર્ય કરતો અટકીશ નહિ, જ્યાં સુધી સમસ્ત માનવજાત ઈશ્વર સાથે એક નથી થઈ જતી ત્યાં સુધી હું દરેકને પ્રેરણા આપતો રહીશ.”

લોકોના દુઃખથી પીડિત થઈ સ્વામીજીએ ‘મેરો દરદ ન જાને કોય’ ગીત ગાતાં ગાતાં અશ્રુની ધાર વહાવી હતી, તે ઘટનાને યાદ કરીને સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, ‘‘શું તમને એમ લાગે છે સ્વામીજીનાં આંસુ વ્યર્થ જશે? તેમનાં બધાં જ આંસુ લોહીનાં ટીપાં બનશે, જેમાંથી એવા હજારો મનુષ્યો જન્મ લેશે કે જેઓ દેશ માટે બલિદાન આપી દેશે. ખરેખર આમ જ બન્યું. કેટલાંય યુવક-યુવતીઓએ પોતાનાં જીવનનું બલિદાન આપી આપણા દેશને રાજનૈતિક સ્વાધીનતા અપાવી છે. કેટલાંય યુવક-યુવતીઓ ‘આત્મનો માક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ના આદર્શને વરીને પોતાના જીવનનું બલિદાન આપી રામકૃષ્ણ મઠ અથવા સારદામઠમાં જોડાઈ ગયાં છે, કેટલાંય યુવક-યુવતીઓ ગૃહસ્થાશ્રમમાં રહી અથવા અપરિણિત રહી જંગલોમાં, પહાડોમાં, આદિવાસીઓ વચ્ચે, ગ્રામીણ ક્ષેત્રમાં કે શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહ્યાં છે. પણ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ને વરેલાં હજારો હજારો યુવક યુવતીઓના બલિદાનની આજે ભારતને અને સંસારને જરૂર છે. આજે પણ સ્વામીજીના સૂક્ષ્મદેહનાં આંસુઓ કહી રહ્યાં છે, ‘મેરો દરદ ન જાને કોય’ અને યુવા વર્ગને આહ્વાન કહી રહ્યાં છે – ‘‘જગતના કલ્યાણ માટે યા હોમ કરીને કૂદી પડો!”

શું યુવા વર્ગ આ આહ્વાન સાંભળશે?

Total Views: 19
By Published On: October 1, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram