મિશનની સ્થાપના થતાંની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનું વિષ ફેલાયું. કોરોનામાં આપણે જોયું કે અતિ ચેપી બીમારીઓ જ્યારે ફેલાય છે ત્યારે કેવી રીતે આપણી સમાજ અને અર્થ-વ્યવસ્થા ધ્વંસ થઈ જાય છે.

ઇતિહાસ સાક્ષી છે કે 14મી સદીમાં યુરોપમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે યુરોપની 30 થી 60% વસતી મૃત્યુના મુખમાં ગરકાવ થઈ ગઈ હતી. શહેરોના શહેરો ભૂતિયાં બની ગયાં હતાં. જો ઘરના કોઈ સદસ્યને પ્લેગ થયો હોય તો એના પ્રિય કુટુંબીજનો જ એને ઘરમાંથી બહાર ધકેલી દેતા. માનવજાતના ઇતિહાસમાં અત્યંત જીવલેણ ઘટનાઓમાંનો એક ગણાય છે ‘કાળું મૃત્યુ’ના નામે ઓળખાતો યુરોપનો આ પ્લેગનો રોગચાળો. 

માનવજાતના સંયુક્ત માનસ ઉપર પ્લેગે એક ઊંડો ઘા કર્યો છે અને પ્લેગના નામમાત્રથી લોકો જીવન બચાવવા માટે દોડવાનું ચાલુ કરી દે છે. આ જ જીવલેણ પ્લેગે જ્યારે કોલકાતામાં પ્રવેશ કર્યો ત્યારે નાગરિકો શહેરમાંથી પલાયન કરી રહ્યા હતા પરંતુ મિશનના સંન્યાસીઓ શ્રીરામકૃષ્ણદેવનું નામ લઈ પ્લેગના દર્દીઓની સારવાર માટે કટિબદ્ધ થયા. સાથે જ આ સેવાકાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું સ્વામીજીના વિદેશી શિષ્યા ભગિની નિવેદિતાએ. ગંભીરાનંદજી લખે છે:

આ કાર્યના સંચાલન માટે એક સમિતિની રચના કરવામાં આવી. ‘ઉદ્‌બોધન’ (મિશનનું બંગાળી માસિક)ના અંકમાં જે સૂચના અપાઈ હતી તે આ પ્રકારની હતી—‘કોલકાતાના પ્લેગના કાર્યનાં સચિવ ભગિની નિવેદિતા, પ્રમુખ કાર્યકર્તા સ્વામી સદાનંદ. અન્ય કાર્યકર્તાઓ—(૧) સ્વામી શિવાનંદ, (૨) સ્વામી નિત્યાનંદ, (૩) સ્વામી આત્માનંદ.’ કોલકાતામાં પ્લેગની આશંકા સ્વામીજીના મનમાં પહેલેથી જ હતી. અને જ્યારે ખરેખર પ્લેગ આવ્યો તો તેમણે ૩૧મી માર્ચથી જ ઉપરના આયોજન પ્રમાણે સેવા કાર્ય શરૂ કરાવી દીધું. એમની પ્રેરણાથી ગુરુભક્ત સ્વામી સદાનંદ અને નિવેદિતાએ જે ભગીરથ પરિશ્રમ કર્યો હતો, તેનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. અમારું કહેવું ફક્ત એટલું જ છે કે સ્વામીજીના મહાપ્રાણનાં સ્પંદનોથી અન્ય અનેક લોકોના પ્રાણ ઝંકૃત થઈ ગયા હતા અને તેઓ પણ ધન અને પોતાની શક્તિ અનુસાર સહાય કરવા અગ્રેસર બન્યા હતા. (યુગનાયક, 2.476-77)

પ્લેગ એટલે ગંદકી અને ગરીબીનો રોગ. કોલકાતાની ગલીઓ તો ગરીબી અને ગંદકીનો જ વિસ્તાર જોઈ લો. એટલે તે સમયે આવા રોગચાળા અવારનવાર ફાટી નીકળતા. લાખો ગરીબ લોકો જંતુઓની માફક ટપોટપ મરી જતાં. માર્ચ મહિનામાં આવો ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો. જે લોકોને સગવડ હતી તે લોકો તો કોલકાતા છોડીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા. પણ ગરીબ લોકો  ક્યાં જાય? મૃત્યુના ભયથી સતત થરથરતા તેઓ તો પોતાનાં સ્વજનોને મૃત્યુના મુખમાં હોમાતાં જોઈ દુઃખ, ભય અને વેદનાથી આંસુ સારતા બેસી રહ્યા. ન તો એમને સ્વચ્છતાનું ભાન હતું કે ન રોગનાં જીવાણુઓથી બચવાનું જ્ઞાન હતું. તેઓ તો સામે ચાલીને જ પ્લેગને નિમંત્રણ આપતા! આવી અસહાય દશામાં ગરીબોનો હાથ કોણ ઝાલે? એમને આશ્વાસન કોણ આપે? એમને તો ખરી સહાયની જરૂર હતી. જ્યાં સમગ્ર શહેર જ ખાલી થતું હોય, જ્યાં બધા જ મૃત્યુના ડરથી ગભરાઈ નાસી છૂટવા ઇચ્છતા હોય, ત્યાં એમને કોણ સહાય કરે?

સાધુજનો શેરીઓ સાફ કરવા લાગ્યા. આ જોઈ અન્ય માણસો પણ સહાય અર્થે આવવા લાગ્યા. ગંદકી દૂર થવા લાગી. એક વખત તો શેરી સાફ કરવા કોઈ ન હતું તો નિવેદિતા પણ હાથમાં ઝાડુ લઈ ગટરની ગંદી નીકો સાફ કરવા લાગ્યાં! રોગીઓની સેવા-શુશ્રૂષા, ગરીબ રોગીઓનાં કુટુંબીજનોને સહાય, સ્વચ્છતા અને સફાઈ બધું જ નિવેદિતાની દોરવણી હેઠળ ચાલવા લાગ્યું. 

એક બીમાર બાળકને બચાવવા માટે તેઓ (નિવેદિતા) એક ઝૂંપડામાં ગયાં. તે બાળક ૧૨ થી ૧૪ વર્ષની વયનું હતું. તે એક ધોબીનું બાળક હતું. તેને આગલે દિવસે સાંજે તાવ આવ્યો હતો. બીજે દિવસે સવારે પ્લેગની ગાંઠ દેખાઈ. ડોકટર તો દવા અને જરૂરી સૂચનાઓ આપી બીજી જગ્યાએ સારવાર માટે જતા રહ્યા. બાળકને દવા આપવામાં આવી. તેને બરફ ઘસવામાં આવતો હતો. પંખો નાખવામાં આવતો હતો. બધું જ થતું હતું અને છતાં કંઈ જ થઈ શકે તેમ ન હતું. તેને ધીમે ધીમે મૃત્યુ પામતો જ જોવાનો હતો, બાળકની પાસે બેઠેલી સ્ત્રીને દૂર બેસવા કહ્યું. તે સ્ત્રી દૂર તો ગઈ પણ એનું સમગ્ર અંતર ચિરાતું હતું. તે ડૂસકાં મૂકી રડતી રડતી ચાલી ગઈ. આ વિશે નિવેદિતા લખે છેઃ

‘એ ક્ષણે કોઈએ મને કહ્યું કે ‘એ તેની મા છે.’ અને ત્યારે હું કલ્પી શકી કે મેં શું કર્યું છે. બાળકને સન્નિપાત થઈ જતો ત્યારેય તે તેની માને પોકારતો. મજૂરવર્ગના બાળકના મોઢેથી મા માટેનો પોકાર પાશ્ચાત્ય ભાવ સાંભળવા ટેવાયેલા મારા કાનને જરા વિચિત્ર લાગ્યો. ક્યારેક તો મારી સામે તે મને તેની મા સમજી સ્મિત કરતો. અને એક વખત તો મારો હાથ ખેંચી તેના હોઠે લગાડ્યો. 

તે બાળકે તેના જીવનના અંતિમ દિવસે ઈશ્વરનું નામ લેવા ખૂબ પ્રયત્ન કર્યો. તે એક સારો છોકરો હતો, સ્વપ્નિલ અને ભક્ત. બપોર પછી તેણે એક સુપરિચિત સ્તોત્ર ગાવા નિષ્ફળ પ્રયત્ન કર્યો. એટલે મેં એ વારે વારે ગાવાનું શરૂ કર્યું અને એના મુખ પર રાહતનું સ્મિત ફેલાઈ ગયું. એક ક્ષણ તે શાંત પડી રહ્યો. ધીરે ધીરે તેનો શ્વાસ ધીમો થઈ ગયો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો.’

આમ, એક સુંદર, આશાસ્પદ બાળકના વિલયની સાક્ષીરૂપ નિવેદિતા બન્યાં. બાળક ન બચ્યો તેનું તેમને પારાવાર દુઃખ હતું. આવી કરુણતમ ઘટનાઓમાં પણ નિવેદિતાને હિંદુ સંસ્કારની ઉચ્ચ ભાવનાનાં દર્શન થતાં. માતૃત્વ અને ‘માતૃદેવો ભવ’ની આર્ય સંસ્કાર-પ્રણાલી ઉચ્ચ શિક્ષિત કુટુંબોમાં જ છે એવું નથી, પરંતુ એક ગરીબના ઝૂંપડામાં, એક અશિક્ષિત બાળકના હૃદયમાં, એના જીવનની કટોકટી વેળાએ પણ આવી ભાવનાનું દર્શન થયું. તેમણે એક નાનકડા બાળકમાં પણ તેના છેલ્લા શ્વાસ સુધી સભાનાવસ્થામાં પ્રભુસ્મરણ સંભવ છે તેવી હિંદુ સંસ્કૃતિની મહત્તાનાં દર્શન કર્યાં.

પ્લેગની મહામારીના સમયમાં તેઓને ક્યારેય ફુરસદ નહોતી. તેઓ ગરીબોની વસ્તીની વચ્ચે સતત ફરતાં. સાથે સાથે શાળાનું કાર્ય તો ચાલુ જ હતું. આમ બેવડો કાર્યભાર અને કોલકાતાના ઉનાળાની અસહ્ય ગરમીને લઈને શરીર પર શ્રમનો બોજો વધી જતો. એક પત્રમાં તેઓ લખે છેઃ

‘એટલી ગરમી પડે છે અને અમે પ્લેગને કારણે એટલાં વ્યસ્ત છીએ કે હું શરીર, આત્મા, મનથી થાકી જાઉં છું અને કેવી રીતે લખવું તે હું ભાગ્યે જ જાણું છું અને બાળકો શાળામાં ભેગાં થવા માંડ્યાં છે; તેથી શ્રમને કારણે હું આરામ લઈ શકતી નથી.’

અવિરત પરિશ્રમ. તેમાં વળી આરામ કેવો? આરામ માટે ઘરે આવે ત્યારે બાળકો તૈયાર જ હોય અને ગંદી ગલીઓમાં તો ગરીબો એમના માટે આતુરતાપૂર્વક રાહ જોઈ જ રહ્યાં હોય. નિવેદિતાની હાજરીથી જ ગરીબોને આશ્વાસન મળી જતું, હૂંફ મળતી, આધાર મળતો. એમના દુઃખમાં કોઈ સમભાગી છે એમ સમજીને દુઃખમાં ઘણી જ રાહત મળતી અને જીવનશક્તિ ટકી રહેતી. 

એ ગરીબ વસતિ માટે તો તેઓ દયાની દેવી હતાં, કરુણાનો અવતાર હતાં, એમના દુઃખનાં ઉદ્ધારક હતાં અને તેમણે પોતે પણ ક્યાં ઓછો ભોગ આપ્યો હતો? તેમણે રાત ને દિવસ, જોયા વગર રોગીઓની સેવા કરી. અથાગ પરિશ્રમ કર્યો. પોતાના આરોગ્યની જરા પણ ચિંતા ન કરી. તે સમયે તેઓ પોતે માત્ર ફળ અને દૂધ ઉપર રહેતાં હતાં. તેમણે દૂધ પીવાનું પણ છોડી દીધું કે જેથી તેમાંથી બચાવેલા પૈસા તેઓ રોગીઓની સારવારમાં વાપરી શકે. ટ્રામમાં અને બસમાં પણ તેઓ ભાગ્યે જ બેસતાં. મોટે ભાગે ચાલીને જતાં. પોતાની સુવિધાઓનો વિચાર કર્યો ન હતો. પોતાની જરૂરિયાતો ઓછી કરી નાખી હતી. બસ, કાર્ય અને સેવા એ જ એમનો જીવનમંત્ર બની રહ્યો. (લોકમાતા ભગિની નિવેદિતા, પૃ.86)

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.