(હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત અને પુસ્તકોનું સંપાદન કરે છે. સાથે જ તેઓ શ્રીરામકૃષ્ણ મંદિરમાં અનુષ્ઠિત નિત્યપૂજાથી લઈ શિવરાત્રી અને કાલીપૂજા જેવી વિશેષ પૂજાઓના આયોજનમાં સક્રિય ભાગ ભજવે છે. – સં.)

સને ૧૮૯૭ના મે મહિનાની પહેલી તારીખ “રામકૃષ્ણ મિશન”ના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે.

શ્રીરામકૃષ્ણદેવ ઉપદિષ્ટ આદર્શોને ચરિતાર્થ કરવા યુગનાયક સ્વામી વિવેકાનંદે સંઘની સ્થાપના કરી. સંઘના ઉદ્દેશોને કાર્યાન્વિત કરવા તેમણે કાર્યપદ્ધતિ રેખાંકિત કરી. આ કાર્યપદ્ધતિના ત્રિકોણનો એક ખૂણો એટલે–

“જે રીતે વેદાંતના તેમજ અન્ય ધર્મોના સામાન્ય વિચારો શ્રીરામકૃષ્ણના જીવનમાં સ્ફુટ થયા હતા તે રીતે એવા વિચારોને લોકો સમક્ષ મૂકવા અને તેનો પ્રચાર કરવો.”

આ ઉદ્દેશની પરિપૂર્તિ માટે રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રો દ્વારા ભારતની મુખ્ય બધી જ ભાષાઓમાં અને વિશ્વની પ્રમુખ ભાષાઓમાં રામકૃષ્ણ-વિવેકાનંદ-વેદાંત સાહિત્યનું પ્રકાશન થઈ રહ્યું છે—મૌલિકરૂપે કે ભાષાનુવાદરૂપે.

રામકૃષ્ણ ભાવધારાનું વેદસ્વરૂપ સાહિત્ય ગણીએ તો—શ્રીરામકૃષ્ણ કથામૃત, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, સ્વામી વિવેકાનંદ સાહિત્ય અને પ્રકીર્ણ ગ્રંથો.

તેમાંય શ્રીરામકૃષ્ણ-દર્શનનું મુખ્ય ઉપકરણ છે “શ્રીરામકૃષ્ણ કથામૃત.” આ કથામૃતના પ્રવર્તન દ્વારા રામકૃષ્ણ મિશન સંસારની અમૂલ્ય સેવા કરી રહ્યું છે.

શું કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવે કંઈ નૂતન કહ્યું છે? ના. તેમણે પ્રાચીન સનાતન સત્યનું પુનઃ અર્થઘટન કર્યું છે, પુનઃ સ્થાપન કર્યું છે, પુનઃ સ્પષ્ટીકરણ કર્યું છે, પુનઃ પ્રમાણભૂત કર્યું છે. કથામૃતમાં આપણે જોઈએ છીએ કે તેના રચયિતા શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત અર્થાત્‌ માસ્ટર મહાશય કે શ્રી‘મ’એ તેમાં શ્રીરામકૃષ્ણદેવના માત્ર ઉપદેશો અને વાર્તાલાપો જ લિપિબદ્ધ કર્યા નથી પણ પ્રત્યેક પ્રસંગને અલંકારિક સૌંદર્યપૂર્ણ પૃષ્ઠભૂમિ પ્રદાન કરી છે, જેથી વાચકના મન પર પ્રગાઢ અસર ઊપજે. કથામૃતના ઉપદેશોની જીવંતતા પછવાડે રહ્યાં છે શ્રી‘મ’નાં અપૂર્વ સ્મરણશક્તિ, રચના-કૌશલ્ય, કવિત્વપૂર્ણ કલ્પનાશક્તિ અને પ્રશંસનીય મેધા. શ્રી‘મ’એ કુનેહપૂર્વક તારીખ, વાર, સમય, સ્થળ અને ઉપસ્થિત વ્યક્તિઓની નોંધ કરી છે. ઉપદેશોનું આવું સંકલન અન્ય આચાર્યોના સંબંધે જોવા મળતું નથી, તે કથામૃતની વિશેષતા છે.

શ્રી‘મ’ સ્વયં નોંધે છે,

જેમનું જીવન વેદમય, જેમના મુખેથી નિઃસૃત વાક્યો, વેદાંત-વાક્યો, જેમના શ્રીમુખ દ્વારા ભગવાન વાતો કરે, જેમનું કથામૃત લઈને વેદ, વેદાંત, શ્રીભાગવત ગ્રંથ સ્વરૂપ ધારણ કરે, અહેતુક કૃપાસિંધુ પુરુષ ગુરુરૂપ ધારણ કરીને વાતો કરી રહ્યા છે.

કથામૃતમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશની ભાષા સાવ ગ્રામ્ય છે, છતાં વેદતુલ્ય કહેવાય. ભલે તે દેવગિરા સંસ્કૃતમાં લિપિબદ્ધ ન હોય પણ તે છે મંત્રમુગ્ધકારી! આને અનુરૂપ એક પ્રસંગ અત્રે ઉલ્લેખનીય છેઃ

પ્રાયઃ પ્રાચીન ધર્મગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. સૌ પ્રથમ વાર તુલસીદાસે રામાયણનું હિંદી રૂપાંતર કર્યું—શ્રીરામચરિતમાનસ. એટલે સંસ્કૃતના વિદ્વાનોએ ઘોર આપત્તિ ઉઠાવી હતી. તે સમયે ગોસ્વામી તુલસીદાસે શ્રી મધુસૂદન સરસ્વતીને લખ્યું હતું,

हरि हर जस सुर तर गिरहुँ बरनहिं सुकबि समाज।
हाँडी हाटक घटित चरू राँधे स्वाद सुनाज। 

અર્થાત્‌ જેમ સોનાના વાસણમાં અને માટીની હાંલ્લીમાં રાંધેલ ભાતનો સ્વાદ સરખો હોય છે એમ હરિ (ભગવાન રામ) અને હર (ભગવાન શંકર)નાં ગુણગાન, ચાહે સુર-ગિરા (સંસ્કૃત)માં કહેવાય, ચાહે નર-ગિરા(ક્ષેત્રી ભાષા)માં; તેના પ્રભાવમાં કોઈ અંતર નથી.

શ્રી મધુસૂદન સરસ્વતી એટલે સરસ્વતીનો અવતાર. જેટલું વિદ્યાદેવી સરસ્વતીનું જ્ઞાન, તેટલું મધુસૂદનનું જ્ઞાન. એવા મધુસૂદન સરસ્વતીએ તુલસીદાસની પ્રશંસામાં લખ્યું હતુંઃ

आनन्दकानने ह्यस्मिन तुलसी जंगमस्तरूः ।
कविता मञ्जरी भाति यस्य राम भ्रमर भूषिता ॥ 

અર્થાત્‌ તુલસીદાસ એક એવું હરતું-ફરતું તુલસીનું તરુવર (છોડ) છે, જેની કવિત્વ રૂપી મંજરી રામ રૂપી ભ્રમરથી સુશોભિત છે.

આમ, કથામૃત ભલે ગ્રામ્ય બંગાળી ભાષામાં લિપિબદ્ધ થયેલ હોય છતાં તેનું પ્રત્યેક વાક્ય મંત્રસમાન છે. તેમાં વિવેચિત કથા-ઉપકથામાં વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, ભાગવત, મહાભારત તેમજ અન્ય પુરાણ, સંહિતા વગેરેનો પડઘો છે. ઉપર્યુક્ત ગ્રંથોના અનેક પ્રસંગોનો તેમાં ઉલ્લેખ છે. વિશેષતા એ છે કે કથામૃતમાંનો પ્રત્યેક ઉપદેશ અને દૃષ્ટાંતકથાની પાછળ વૈદિક, પૌરાણિક કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અનિવાર્યતઃ રહેલી છેે.

ષડ્‌દર્શન એટલે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પુરુષ-પ્રકૃતિના સંયોગથી સંસાર બનેલો છે—એવી જાતના પુનરાવર્તિત થતા ઉપદેશોમાં તેમજ કથામૃતમાં જડ-ચેતનનો વિવેક અને ચોવીસ તત્ત્વોના સંવાદોમાં સાંખ્યયોગની ચર્ચા જોવા મળે છે.

કથામૃતમાં આવતાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા તેમજ ષટ્‌ચક્રો અને વિવિધ પદ્મોના વિવેચનમાં યોગદર્શન જોવા મળે છે.

કથામૃતમાં વેદોનું પ્રામાણ્ય, આત્માની નિત્યતા, પરમાત્માના અસ્તિત્વના ઉપદેશોમાં ન્યાયદર્શનની મીમાંસા જોવા મળે છે. આવું જ વૈશેષિકદર્શનની બાબતમાં છે.

કથામૃતમાં સંધ્યાદિ નિત્યકર્મ, ગાયત્રી પુરશ્ચરણ આદિ નૈમિત્તિક કર્મ અને યજ્ઞાદિના વિવરણમાં પૂર્વમીમાંસા દૃષ્ટિગોચર થાય છે.

ઉત્તરમીમાંસા એટલે ઉપનિષદ-ગીતામાં પ્રતિપાદિત બ્રહ્મવિદ્યાની મીમાંસા. કથામૃતમાં યત્ર-તત્ર ઉપદેશ, સંવાદ અને દૃષ્ટાંત-કથામાં આ જ જોવા મળે છે.

“ઈશ્વર-પ્રાપ્તિના અનંત પથ”એ ઉપદેશમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની સ્પષ્ટ વ્યાખ્યાઓ જોવા મળે છે. વળી અભ્યાસયોગ અંગે વિભિન્ન સ્થાનોએ ચર્ચા કરાયેલ છે.

અદ્વૈત, દ્વૈત અને વિશિષ્ટાદ્વૈતવાદની વાત કરીએ તો, “બ્રહ્મ સત્ય, જગત્‌ મિથ્યા” એવો ઉપદેશ એ કથામૃતની મુખ્ય સૂરાવલિ છે; જે અદ્વૈતવાદનું સમર્થન કરે છે. પ્રતિમા-પૂજા, ભક્તિયોગ, નારદીય ભક્તિ, ભાગવત પ્રસંગોના વિવેચન દ્વારા કથામૃતમાં દ્વૈતવાદનું સમર્થન થતું જોવા મળે છે.

“વળી બીલાનું વજન જાણવું હોય તો બીજ છોડી દીધે ચાલે નહીં, સચ્ચિદાનંદ આ બધું જીવ, જગત થઈ રહેલ છે” એવા ઉપદેશમાં વિશિષ્ટાદ્વૈતવાદની સમીક્ષા થતી જોવા મળે છે.

આમ, ગહનતાથી અધ્યયન કરવામાં આવે તો કથામૃતમાં ષડ્‌દર્શન, ત્રણેય મુખ્ય વાદ, ત્રણેય યોગનું સમર્થન થયેલ જોવા મળે છે.

કથામૃતમાં ભાગવત, રામાયણ અને મહાભારતના અનેક પ્રસંગોનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. વળી મોટા ભાગનાં પુરાણો અને સંહિતાઓનાં વર્ણનો જોવા મળે છે. એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે જગદંબાએ મને બધું સમજાવી દીધું છે. વળી વેદ, વેદાંતમાં શું છે તે સઘળું બતાવી દીધું છે.

મઠ, આશ્રમ, મંદિર, પુસ્તકાલય કે ગૃહ-ગ્રંથાલય—ગમે ત્યાં જઈને જુઓ તો નિઃશંક કથામૃત ગ્રંથ જોવા મળે છે. પર્વતોનાં શિખરો કે ગિરિગુફામાં સાધનરત મુમુક્ષુ હોય કે અંતરિયાળ ગામડાં અને ખેતરોમાં આવેલ ઝૂંપડીઓ હોય—કથામૃતનો પાઠ થતો જોઈને પરમ આશ્ચર્ય થાય છે. પરમતત્ત્વની શોધમાં નીકળેલ એવો યાત્રિક ભાગ્યે જ જોવા મળશે કે જેણે કથામૃતમાંથી પ્રેરણા મેળવી ન હોય. વિવિધ સંપ્રદાયના ગ્રંથો અને સામયિકોમાં આ ગ્રંથનું ઉદ્ધરણ અવશ્ય જોવા મળે છે, એ આ ગ્રંથની ઉપાદેયતા બતાવે છે.

ચાલો, આપણે પણ આ ગ્રંથની ગહનતામાં અવગાહન કરીએ અને અધ્યાત્મ-રત્નો મેળવીને માનવજન્મ સાર્થક કરીએ. આ ગ્રંથની સહજ ઉપલબ્ધિ એ રામકૃષ્ણ મિશનની જનસાધારણને દેન છે! એ બદલ અહોભાગ્ય પ્રગટ કરીએ.

 

Total Views: 340

One Comment

  1. નેહલ ત્રિવેદી November 15, 2022 at 2:47 am - Reply

    બહુ સરસ લેખ ! રામકૃષ્ણ કથામૃતની ભાષા અને રામકૃષ્ણ પરમહંસની ઉદાહરણ સાથેની બધી જ વાતો ઘણી જ સરળ હોવા છતાં તેમાં અધારા અને ગહન વેદો શાસ્ત્રોનુ ગુઢ રહસ્ય સમાયેલું છે આપણે ભાગ્યશાળી છીએ કે તેના લેખક શ્રી “મ” એ બધી વાતચિત ડાયરીમાં ઉતારીને સરસ શૈલીમા લખાણ સાથે કથામૃતમાં પ્રસ્તુત કરી
    જયશ્રી રામકૃષ્ણ પરમહંસ ! 🙏🌷🌺

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.