(વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય સુધીનાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. આ આગેવાનોમાં એક હતા પ્રકાશભાઈ. 2005માં મિશનના શાખાકેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી તેઓ સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ સેવા આપી રહ્યા છે. – સં.)

રામકૃષ્ણ મિશનની સ્થાપનાને ૧૨૫ વર્ષ પૂર્ણ થતાં, દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. મિશનનાં અધિકૃત કેન્દ્રોમાં તેમજ રામકૃષ્ણ ભાવધારાને વરેલાં સંસ્થાનોમાં આ ઉજવણી હર્ષભેર થઈ રહી છે. આ પ્રસંગે ચિંતન તથા વિહંગાવલોકન કરતાં કરતાં રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાની કેટલીક નોંધપાત્ર ઘટનાઓનું સ્મરણ થઈ આવે છે, જે અહીં પ્રસ્તુત છે.

મેડિકલ કોલેજમાં ભણતો એક યુવક રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્રના પુસ્તકાલયમાં અવારનવાર પુસ્તક બદલવા આવતો. તે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું નિયમિત વાંચન કરતો. તેના ઘરનું વાતાવરણ સાદગીપૂર્ણ અને ગાંધી- વિચારધારાને વરેલું. આ યુવાન અભ્યાસમાં તેજસ્વી, વ્યવહારમાં મૃદુ અને તેની વાતચીતમાં દૃઢતા હોવાને કારણે સૌનું ધ્યાન ખેંચાય, એ સ્વાભાવિક હતું. તેણે મેડિકલના અભ્યાસમાં ગોલ્ડ મેડલ મેળવીને સેવાકીય અભિગમ અપનાવ્યો. સમયાંતરે, તેઓ રામકૃષ્ણ મિશનમાં જોડાયા અને મિશનની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં જીવનના અંત સુધી નોંધપાત્ર ફાળો આપ્યો.

એક યુવાન કોમર્સ કાૅલેજમાં ભણે. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલ આ યુવક અવારનવાર કેન્દ્રમાં આવે. કેન્દ્રની મુખ્ય પ્રવૃત્તિઓમાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પુસ્તક-પ્રદર્શન યોજવાં, સત્સંગ-યુવા શિબિરોનું આયોજન કરવું, શાળાઓમાં નિબંધ-સ્પર્ધા યોજવી, નબળા વર્ગના લોકો માટે દવાખાનું ચલાવવું—આવી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ યુવાન કેન્દ્રની આ બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે. ખાસ કરીને, સત્સંગ અને સાહિત્ય પ્રદર્શન-વેચાણની પ્રવૃત્તિ, તેમની સૌથી મનગમતી પ્રવૃત્તિ હતી. સમય જતાં આ યુવાન રામકૃષ્ણ મિશનમાં જોડાયા. હાલમાં, તેઓ વિદેશમાં રામકૃષ્ણ મિશનના સેન્ટરમાં સેવાઓ આપી રહ્યા છે.    

એક યુવતી, જેનો ઉછેર અત્યંત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. તેને અભ્યાસની સાથે સાથે આધ્યાત્મિક ચિંતન, સત્સંગનું અનેરું આકર્ષણ હતું. ઘરના વાતાવરણમાં ભારોભાર ધાર્મિકતા ભરી હતી. ભજન-કીર્તન-સત્સંગની સાથે સાથે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો સથવારો મળ્યો. પરિવારમાંથી ખાસ કરીને, માતા તરફથી વૈરાગ્યમય જીવન અને ઈશ્વર પ્રત્યે અનુરાગ વધે, તેવી કેળવણી મળી! સમય આવ્યે, એ યુવતી શારદા મઠમાં જોડાઈ, અને આજે શારદા મઠનાં સંન્યાસિની તરીકે મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. 

અન્ય એક યુવાન, જેમને વાંચનનો ઘણો શોખ હતો. વાંચનના લગાવને લીધે ઇતિહાસ, ખગોળ, વિજ્ઞાન, જીવનચરિત્રો અંગેનાં પુસ્તકો વાંચતાં વાંચતાં સંજોગોવશાત્‌ એક વાર કેન્દ્રમાં આવી પહોંચ્યા! ઘરના સંસ્કારો, સાદું જીવન અને અંતર્મુખી જીવનશૈલીના પાયા પર જીવનઘડતરની શરૂઆત થઈ. તેમણે કેન્દ્રના પુસ્તકાલયનાં મોટાભાગનાં પુસ્તકો વાંચી નાખ્યાં! સાથે સાથે કેન્દ્રનું રાહત-દવાખાનું ચાલતું હતું, ત્યાં જવાનું શરૂ કર્યું. મનની અંદર જે કાંઈ દ્વંદ્વ હતો, તે લઈને અને કંઈક નક્કર કામ કરવાની ધગશ, તેમને રામકૃષ્ણ મિશનમાં લઈ આવી! મિશનમાં જોડાઈને, હાલમાં તેઓ રામકૃષ્ણ મિશનમાં અગત્યની સેવાઓ આપી રહ્યા છે.

આ બધી જ ઘટનાઓમાં યુવાન વયે ઘરના વાતાવરણની સાથે સાથે કેન્દ્રનું વાતાવરણ, આધ્યાત્મિક સાહિત્યનું વાંચન-ચિંતન અને આશ્રમના સંન્યાસીઓનાં અવારનવાર યોજાતાં પ્રવચનો-સત્સંગોએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત, ઘણા ગૃહસ્થ ભક્તો, યુવાનોએ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી આકર્ષાઈને પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે અને સ્વામી વિવેકાનંદજીએ સ્થાપેલા રામકૃષ્ણ મિશનના ‘આત્માનો મોક્ષર્થં જગત્‌ હિતાય ચ’ અને  ‘શિવભાવે જીવસેવા’ના મંત્રને જીવનમંત્ર બનાવ્યો છે.

 

Total Views: 432

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.