(પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલ ચિંતનશીલ વિદ્વાન હોવા ઉપરાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના પુસ્તક ચિંતન-પુષ્પો અને પરિમલની સમીક્ષા શ્રીરામકૃષ્ણ જ્યોતના સપ્ટેમ્બર૯૩ના અંકમાં પ્રકાશિત થઈ હતી. તેમના અન્ય પુસ્તકવિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખેની સમીક્ષા આ જ અંકમાં પ્રકાશિત થઈ રહી છે, જેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

કલા અને નીતિ

એવો પ્રશ્ન ઊઠે છે કે કલાને અને નીતિને કંઈ સંબંધ ખરો કે? અને તે કેટલો? ટૂંકો જવાબ એ કે તેમનો કોઈ સીધો સંબંધ નથી. પ્રગટીકરણ એ જ એક કલાનો સર્વથા હેતુ હોય છે. અલબત્ત, તેથી તેનું નૈતિક કે સામાજિક કંઈ પરિણામ નથી થતું એમ નથી. સામાજિક અને નૈતિક બંને પ્રકારનાં પરિણામો તેનાથી થાય છે અને તે ગંભીર સ્વરૂપનાં હોય છે. સૌન્દર્યાનુભવમાં ‘મારું તારું’ એ ભાવ લય પામતો હોવાથી ભાવકના ચિત્ત પર એક પ્રકા૨નો મધુરો સંવાદ વિલસી રહે છે, અને તેવી સ્થિતિમાં તેના પર કલાના સંસ્કારો થાય છે. ગમે તેવો ગુંડો પણ સીતાનું હરણ થયા પછીના રામના વિલાપનો પ્રસંગ નાટકમાં, સિનેમામાં કે કથામાં જોઈને રામચંદ્રના જેવી જ સંવેદના અનુભવે છે. સાસરે જતી શકુંતલાને વિદાય આપતા કણ્વને જોઈ હરેક મનુષ્યમાં રહેલા કણ્વરૂપ પિતામાં કંઈ કંઈ ભાવો જાગે છે. ટૂંકમાં નીતિ પ્રેરવાની પ્રબલ શક્તિ કલામાં છે.

આથી જો કલાકારની મનોભાવનામાં નિષ્કામ સંવાદને બદલે અજ્ઞાત વિકારભાવના હશે તો તે તેટલા પ્રમાણમાં વિસંવાદરૂપ હોઈ કલાક્ષતિ ગણાશે. જ્યાં સુધી કલાકારનું સૌન્દર્યસર્જન પૂર્ણપણે નિષ્કામ નહીં હોય ત્યાં સુધી તેમાં પ્રગટ થતી નૈતિક દૃષ્ટિ પણ અધૂરી હશે. સૌન્દર્યને તેથી જ એક મૂલ્ય (Value) ગણવામાં આવે છે અને તે કલાકારની મનોવૃત્તિ પ્રમાણે ઉચ્ચનીચ દ૨જ્જાનું હોઈ શકે અને તેમાં નિષ્કામ ભાવના ઓતપ્રોત હશે તો તે નીતિરૂપ જ હશે. આમ છતાં કલાનો ઉદ્દેશ નીતિ સ્થાપવાનો નથી, અને નીતિથી વિસંગત પણ નથી. સત્યમ્, શિવમ, સુંદરમ્ની ત્રિપુટીને અરસપરસથી વિભક્ત કરવાનું વલણ જ અશાસ્ત્રીય અને આડ માર્ગે લઈ જનારી નીવડશે.

સૌન્દર્ય

અહીં બહુ કઠિન સમસ્યા ઊભી થાય છે. નિષ્કામવૃત્તિ એ કલાકારને માપવાનો સગવડભર્યો દંડક છે એ ખરું પણ તે તો કેવળ સપાટીનો ખ્યાલ આપે છેઃ વસ્તુઓનાં ઊંડાણ માપવામાં તેનો ઉપયોગ થતો નથી. જેવી રીતે કેવળ નિષ્કામ કર્મથી આચરણનું ધોરણ નક્કી થઈ શકતું નથી. પરંતુ સારા નરસા આચરણને ઓળખવા કંઈ આદર્શની જરૂર રહે છે તેમ સુંદર અસુંદરનું ધોરણ ઠરાવવા માટે કોઈ આદર્શની જરૂર છે. વધુ સંવાદી તે વધુ સુંદર એમ કહેવાથી કેવળ સ્વલક્ષી ધો૨ણનો નિર્દેશ થાય છે, એટલે કોઈને કોઈ સ્પષ્ટ આદર્શ તો જોઈશે જ.

સૌન્દર્યાનુભવ એ લાગણીનો વિષય છે. પણ લાગણી, જ્ઞાન અને ઈચ્છા વિભક્ત હોતાં જ નથી. પ્રત્યેક માનસિક અવસ્થામાં આ ત્રણે ભાવો અવિભક્ત અને અવિભાજ્ય રીતે જોડાયેલા હોય છે. એટલે જ્ઞાન-કર્મ વ્યતિરિક્ત કલા સંભવિત જ નથી. જે સત્યને ઢાંકે, વિશ્વકલ્યાણને ઉવેખે તે કલા સાચી ન જ હોય. જેટલા પ્રમાણમાં તે સત્યમ્, શિવમ્થી ચ્યુત કરે તેટલા પ્રમાણમાં તે ઊતરતી ગણાય. આ આદર્શ અતિવિસ્તૃત છે. તેથી તેનો વ્યાવહારિક ઉપયોગ અશક્ય નહીં તો કઠિન તો છે. છેવટે એક જ માર્ગ છે અને તે શ્રેષ્ઠ ગણાતા કલાકા૨ને અનુસ૨વાનો. સૌથી શ્રેષ્ઠ કલાકાર તો પરમાત્મા જ છે અને તેનું જ અનુક૨ણ કરીને મહાન કલાકારો મહાન બની શક્યા છે. પેલા પ્રસિદ્ધ ગીતાવાક્ય પ્રમાણે જ સૌન્દર્યની બાબતમાં પણ શ્રેષ્ઠનું અનુકરણ થઈ શકે:

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે॥

કલા અને જીવન

કલા એક પ્રકા૨ની ક્રીડા છે અને તે આનંદરૂપ છે. A thing of beauty is joy for ever. જીવનમાં એવો નિષ્કામ મુક્ત વિહા૨ જવલ્લે જ સાંપડે છે અને જીવનનો રસ સુકાય છે. જીવન સંયોગો સાથે મેળ લે તેટલે અંશે જ તેમાં આનંદ પ્રગટે છે. વળી તે વ્યક્તિગત અને કામનામય છે એટલે બંધનરૂપ લાગે છે. મનુષ્યનો બાહ્ય અને આંતર જગતનો વિસંવાદ લય ન પામે ત્યાં સુધી તેને પરાણે કર્મ ક૨વાં પડે છે. આથી જીવનમાં કર્મ અને ક્રીડા એવા બે વિભાગ પડી જાય છે.

પરંતુ આ ભેદની દીવાલ તોડી શકાય છે. જો જીવનમાં ફલાસક્તિ રહિત બની કેવળ કર્મને ખાતર કર્મ કરવામાં આવે, હારજીતનો મિથ્યા બોજો માથે વહોરી લેવામાં ન આવે, સુખદુઃખને જીવનરમતના નિયમો જ માની લેવામાં આવે, તો જીવન જરૂ૨ એક રસપ્રદ ક્રીડા બની શકે. ગીતાની રીતે તો ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ એને જ જીવનની સાચી કલા કહી છે. નિષ્કામ કર્મ ક૨વાની કુશળતા એ જ યોગ અને યોગ એટલે જ કલા. કલામાં જે નિષ્કામવૃત્તિ હોય છે તે જીવનમાં હોય તો જીવન રસમય કલા બની જાય. એ જ ન્યાયે ચૈતન્યનાં જે મૂલ્યો તે કલામાં ઉતરે તો કલા જીવનમય બની જાય છે. ક્રીડા અને કર્મ જેટલે અંશે જુદાં તેટલે અંશે કલા અને જીવન ભિન્ન જણાવાનાં; મતલબ કે કલામાં જીવન ઓતપ્રોત થવું જોઈએ અને જીવનમાં કલા ઓતપ્રોત થવી જોઈએ. અવાસ્તવિક, અનિર્બંધ અને અસત્ય ભૂમિકા પર રચાયેલી કલા કેવળ રંજનાત્મક વિલાસ તરફ દોરી જશે. અને જીવનને ઉદાત્ત બનાવવાની તેની શક્તિ ક્ષીણ થશે. Truth is beauty અને Right is might એવાં સૂત્રો જ જીવન ઘડી શકશે.

જીવનમાં જેને પ્રેમ, આનંદ અને રસ માણવો હોય તેણે જીવનની પ્રત્યેક ક્રિયામાં વ્યવસ્થા, મેળ, સંવાદ અને સૌંદર્ય રેડવાં જોઈએ. આત્માનું અનિલમ્ અમૃતમ્’ જીવનમાં પ્રસ૨વું જોઈએ. અને આત્માની સમૃદ્ધિઓ જીવનમાં પ્રગટવી જોઈએ. વ્યક્તિગત જીવન આધ્યાત્મિક જીવનના પ્રગટીકરણરૂપ બનવું જોઈએ અને અંગત જીવન પરમેષ્ટિ જીવન સાથે તાલ લેતું હોવું જોઈએ. વિશ્વની વિરાટ રાસલીલામાં સહભાગી થયા વિના જીવનમાંથી ક્લેશ અને વિસંવાદ જવાનાં નથી. તે માટે ઊંડા રસની અને પ્રખર અભ્યાસની જરૂર છે. કેમ બેસવું, કેમ ઊઠવું, કેમ ચાલવું, કેમ બોલવું એવી જીવનની નાનકડી ક્રિયાઓમાં પણ સૌન્દર્ય પ્રગટ થવું જોઈએ. જ્યારે પ્રજાઓ તેમના સામાજિક જીવનમાં કલાના અંશો પ્રગટ કરે છે ત્યારે તે સંસ્કૃતિ રચી શકે છે. ઘ૨ શણગા૨વામાં, વસ્ત્રાલંકાર પરિધાન કરવામાં, સામાજિક વ્યવહારો કરવામાં, ખાવા-પીવામાં, ઉદ્યોગધંધાઓ ચલાવવામાં, સૌ ક્રિયાઓમાં વ્યવસ્થા અને સૌન્દર્ય નીતરવું જોઈએ. જે કરવું તે શ્રેષ્ઠને અનુસરીને અને ક્ષુદ્રને વિસરી જઈને કરવું. દરેક પ્રસંગે વાતાવરણનો, સંસ્કૃતિનો, ઋતુઓનો, એટલે કે સંયોગોનો મેળ સાધવો અને સમાજમાં સર્જક્તાથી સૌરભ ફેલાવવી. આપણે સૌન્દર્ય પ્રગટ કરીશું તો તેનો પડઘો સમાજમાં પડવાનો. નિષ્કામ પ્રવૃત્તિનો બદલો જે નિષ્કામ ફલ-પ્રેમ, રસ અને શુદ્ધ આનંદ – જીવનમાં રેલાઈ રહેશે.

કલાની અંતિમ સ્થિતિ એટલે સત્યમ્, શિવમ્, સુંદરમ્ની એકરૂપતા. સમાધિ એ કલાની છેલ્લામાં છેલ્લી સિદ્ધિ છે અને અંનત આનંદ તેનું ફલ છે.

કલા અને માધ્યમ

સૌન્દર્યને પ્રગટ કરવાની રીત તે કલા. એ રીતે માધ્યમના સ્થૂલત્વ અને ભિન્નતા પ્રમાણે કલા જુદાં જુદાં રૂપે પ્રચલિત થયેલી છે. બધાની સામાન્ય ભૂમિકા એ કે કલાકાર પાસે સૌન્દર્ય હોવું જોઈએ. સૌન્દર્ય એ કલાનો મંત્ર છે અને તેને પ્રગટ કરવાની પદ્ધતિ તે તેનું તંત્ર છે. મંત્ર હોય અને તંત્ર ન હોય – કલાકારમાં પ્રતિભા હોય અને હથોટી (અભ્યાસ) ન હોય – તો તે ચીંથરે વીંટયા રત્ન જેવું દેખાશે. તેની કલા સ્પષ્ટ અને સમાજભોગ્ય (communicative) નહીં બની શકે. ઊલટ પક્ષે મંત્ર નહીં પણ તંત્રમાં જ કલા રાચતી હશે તો તે વાહક છતાં કેવળ રંજનાત્મક કે પ્રચારાત્મક બની જશે. આથી કલાકારે પોતાના રુચિતંત્ર પ્રમાણે સગવડભર્યું માધ્યમ પસંદ કરવું પડશે અને કૌશલ્ય લાવવા માટે શ્રમ લેવો પડશે. મંત્ર અને તંત્ર છેવટે તો એક જ રૂપ છે. એટલે જ ઍમર્સને કહ્યું છે કે “Genius is the infinite capacity to take labours.”

શ્રમ લેવાની અનંતશક્તિ તેનું નામ જ પ્રતિભા. હવે કલાઓની પ્રચલિત રીતિઓ સંક્ષિપ્તમાં ચર્ચીશું.

વિવિધ કલાઓ

સ્થાપત્ય – એ વ્યાપક કલા છે. એમાં પ્રદર્શિત થતું સૌન્દર્ય ઘુંમટ, કમાન, સમપ્રમાણ, કોતરણી, ભાત, આકાર જેવાં સામાન્ય અને અમૂર્ત સ્વરૂપો દ્વારા પ્રદર્શિત થાય છે. સ્વરૂપ, ભવ્યતા, શણગાર વગેરે જેવાં રૂપાત્મક (Formative) લક્ષણો તેમાં હોય છે. તેમાં કલાકારને વ્યક્ત કરવા જેવી કોઈ ભાવના કે સંદેશ નથી. આ ત્રણ પરિમાણવાળી ઘન કલા છે અને સામાન્યતઃ મંદિરો, ગુફાઓ, અને ઈમારતો તેનાં સર્જન છે. તેનું સૌન્દર્ય રૂપાત્મક હોઈ સર્વસ્થળે, સર્વકાળે અને બધી સંસ્કૃતિના લોકોને સમાન રીતે પ્રિય થઈ પડે છે. સ્થાપત્ય એ દિશાની રમ્ય મૂર્તિ છે, પથ્થરનું મૂક ગીત છે અને સ્થળનાટકનું નિશ્ચલ દૃશ્ય છે.

શિલ્પકલા – પણ વ્યાપક છે, પરંતુ સ્થાપત્યથી ઓછી જ. એમાં સૌન્દર્ય ઢાળવાના પ્રકાર (Plastic)નું છે. તેમાં મનોભાવોનું વિશદ પ્રગટીકરણ થાય છે, પરંતુ તે એક ક્ષણનું જ માત્ર. એમાં પણ ત્રણ પરિમાણો હોય છે અને તે સ્પર્શક્ષમ બને છે. કલાકાર પાસે પ્રગટ કરવાની એક જ ક્ષણ હોવાથી વિષયની પસંદગી ઉચ્ચ પ્રતિભા માગી લે છે. અતિ વિરલ પ્રસંગ શોધવામાં તેના કૌશલ્યની કસોટી થાય છે. મૂર્તિઓ, વિરલ પ્રસંગો, દૈવી મનોભાવો એ એનાં સર્જનો છે. શિલ્પમાં ભાવના જાણે થીજીને સ્થૂલ બને છે, કાવ્ય જામીને ઘન બને છે. જાણે ચેતને પથ્થરનો દેહ ધારણ ન કર્યો હોય! આમ કોઈ ભાવને સ્થૂલ રૂપે અમર થયેલો દર્શાવવો એમાં જ શિલ્પની કૃતકૃત્યતા છે. શિલ્પની ભાષા દેશકાળ કે બંધન વિના વ્યાપક રીતે રસિકજનોને પ્રિય થઈ પડે છે.

ચિત્રકલા – એ બે પરિમાણવાળી સપાટ કલા છે. તેનું માધ્યમ રંગ અને રેખા હોઈ કલાકારના હાથમાં વિશેષ સમૃદ્ધ સાધન સાંપડે છે. તેમાં લંબાઈ પહોળાઈનાં બે પરિમાણો જ ઊતરતાં હોવાથી ત્રીજું પરિમાણ ભાવકની કલ્પના પર છોડવામાં આવે છે. આથી ચિત્ર માણનારની પાસેથી કંઈક ભૂમિકાની અપેક્ષા રહે છે, છતાં રંગમેળ, રેખાલેખન, પ્રકૃતિ-સૌન્દર્ય અને વ્યાપક ભાવનાઓનું સુભગ મિશ્રણ તે વિના પણ ભારે આકર્ષણ કરી શકે છે. ચિત્રમાં યોજાયેલી રંગભાષા અને ચિત્રભાષા સ્થળ, કાળ અને પ્રજાની બાધા વિના વ્યાપક રીતે સમજાય છે.

ચિત્રકલામાં પરંપરાગત રંગોની કે વિશિષ્ટ પ્રકારના રૂપોની પ્રતીકયોજના, વાતાવરણનો સંવાદ, અર્થસૂચક્તા – એ બધાંનો સૌન્દર્યના પ્રગટીકરણમાં અમૂલ્ય ફાળો હોય છે. આપણે ત્યાં પણ બંગાળી કલા, મોગલકલા, રજપૂતકલા એમ નિરનિરાળી શૈલીઓ છે. પરંતુ પૂર્વ તૈયારી વિના ભાવકને તેના રસની પૂરી પ્રતીતિ થતી નથી. સામાન્ય જનતા તો રવિ વર્માનાં ચિત્રો જેવાં વાસ્તવલક્ષી પ્રકારમાં ઠીક રસ લે છે, કારણ કે તે તેમને જલદીથી સમજાય છે. કલાકાર જો મનુષ્ય સ્વભાવના સર્વસામાન્ય અને પ્રાકૃતિક રુચિતંત્ર પરથી રૂઢિ ઘડતો રહે તો તે કલાને લોકભોગ્ય જરૂર બનાવી શકે. ચિત્રકલા એટલે આખનું કાવ્ય. જીવનનાં સ્મરણો, કે કલ્પનાની સમૃદ્ધિને નયનગમ્ય કરી સપાટી ૫૨ ચોંટાડી દે છે. ચિત્રકાર સંગીત ગાતો નથી, પરંતુ તેને ચીતરે છે.

સંગીત – એ કાનની કલા છે. સ્વરના માધ્યમ દ્વારા વિશ્વના કાળ સ્વરૂપનું સૌન્દર્ય આપણે અનુભવીએ છીએ. પ્રકૃતિની બધી સૂક્ષ્મ કે સ્થૂળ, ગતિમાન વસ્તુઓ એક રીતે તો મૂક ગીતો ગાય છે. આકાશની તારકસૃષ્ટિના ભ્રમણમાં પાયથાગોરસને અદ્ભુત સંગીત (Music of the spheres) સંભળાતું. તે ગતિની નિયમિતતાના દર્શનથી જ. સ્થળ જ્યારે તાલબદ્ધ ધબકે છે ત્યારે વિશ્વ – સંગીત પેદા થાય છે. મો૨, પોપટ, કોયલ, બપૈયા વગેરે પક્ષીઓના કલરવની માધુરી શુદ્ધ સ્વરૂપિણી હોય છે. પણ જ્યારે સ્વરાવલીઓ હૃદયના ભાવોની ધ્રૂજારીમાંથી નીકળે છે ત્યારે તેમાં કંઈ કંઈ સ્મરણો કે ઊર્મિઓ જગાડવાની શક્તિ હોય છે. જે સંગીત કેવળ સ્વરોની ક્વાયત (drill) કરાવે છે એ તેના કેવળ યાંત્રિક તાલ-મેળમાં રાચે છે, તે ઉપરછલ્લી છે.

કેટલાક ફિલસૂફો તો સંગીતજન્ય આનંદનાં સ્વરૂપોને અગમ્ય માને છે. તેઓ કહે છે કે વિશ્વના સાચા સ્વરૂપનો સીધો અનુભવ સંગીત દ્વારા થાય છે. સ્થળ વિશ્વની બાહ્ય સપાટી છે. અંદરનું ખરું ઊંડાણ તો કાળ છે. સ્થળ કિનારો છે અને કાળ નદી છે. સંગીતનું માધ્યમ મનુષ્યનું ગળું હોવાથી એવી માન્યતાને ઉત્તેજન મળ્યું છે, છતાં સ્થળની કલાઓની પેઠે એ પણ દેહધારી તો છે. શૉપનહારે કહ્યું છેઃ

‘Some have thought that through the medium of the ear we are in more immediate communication with the very heart of reality than through the eye which limits us to the surface phenomena only. The world is embodied music.’

‘કેટલાકે એવું પ્રતિપાદન કર્યું છે કે આંખના માધ્યમ કરતાં કાનના માધ્યમ દ્વારા આપણે પરમ તત્ત્વના ખાસ હૃદય સાથે વધારે સીધો અને નિકટનો યોગ સાધીએ છીએ, કા૨ણ કે આંખ તો માત્ર સપાટીના દર્શનની મર્યાદા બાંધી આપે છે. આ દુનિયા એક શરીરી મહાકાવ્ય જ છે.’

અને ખરેખર જ સંગીત એ સ્થૂળનું તાલબદ્ધ નૃત્ય છે; ઊર્મિ અને ભાવનાઓનો સંવાદી પદ૨વ છે. ચૈતન્યની ઊંચે ઊડવા મથતી પાંખોનો ફડફડાટ છે.

નૃત્યકલા – એ આંખકાનની મિશ્રકલા છે. તેમાં અભિનય, મુદ્રા, અંગભંગ, ડોલન અને ગતિ જેવાં સાધનોથી મનોભાવો વ્યક્ત થાય છે. સંગીત દ્વારા વાતાવરણ નિર્માણ થાય છે, અને હલન ચલનની માધુરીને પોષે છે. સંગીતની લહેરો પર હલનચલનનાં મોજાં ઊપસતાં રહે છે. તેમાં શિલ્પની એક ક્ષણ નથી અને સ્વરની અદૃશ્ય ગતિ પણ નથી. સ્થળકાળની ભાતીગર સાડી પહેરીને ચેતના રુમઝુમ ક્રીડા કરી રહી છે. સૌદર્યનું અખંડ ચિત્ર નૃત્યમાં સરસ રીતે રજુ થઈ શકે છે. પાશ્ચાત્ય નૃત્યકલાનાં કેટલાંક યાંત્રિક હલનચલનો અને કવાયતો, ઉત્તર હિંદના કેટલાક વિકારી અને અરુચિકર હલનચલનો એ નૃત્યનું સાચું સ્વરૂપ નથી. કથકલી નૃત્યુમાં સ્ફુટ થતી હલનચલનની મનોગત કવિતા અને રસતરબોળ કરે તેવાં મણિપુરી ભક્તિનર્તનો એ જ તેના સ્વરૂપનું ઊંડાણ સૂચવે છે.

કવિતા, નાટક અને સાહિત્યકલા – એ અતિ-ભાવનાત્મક કલાઓ છે. તેનાં માધ્યમો પદ્ય, સંવાદ અને ભાષા એ સંજ્ઞાત્મક હોઈ અતિ અલ્પ અંશે જ ઈંદ્રિયગમ્ય છે. જીવનની અતિ ઊંડી અને સુંદરતમ ભાવનાઓને તેના સર્વાંગરૂપે પ્રગટ કરવામાં એ કલાઓ અદ્ભુત રીતે કાર્યક્ષમ નીવડે છે. પરંતુ તે સંપૂર્ણપણે સંજ્ઞાત્મક હોઈ વ્યાપક રીતે વાહક હોતી નથી. તેમાં કલ્પનાનો લીલાવિસ્તાર હોય છે એટલે ભાવકની કલ્પનાશક્તિના પ્રમાણમાં જ તે ભોગ્ય બની શકે છે. કવિઓ ને લેખકો જનતાની રુચિ અનુસાર સાદાં અર્થપ્રતીકો વાપરે; તેને ઉપમા, સજીવારોપણ અને ઈતર અલંકારો વડે ચિત્રરૂપ બનાવે તો ભાવકની કલ્પનાને ખૂબ આધાર મળે.

ઉપર્યુક્ત કલાઓને લોકભોગ્ય બનાવવા માટે તેમાં ગેયતા, અભિનય અને વાર્તાકથનની વાહક રીતો અજમાવવામાં આવે તો સમાજમાં સુરુચિ ફેલાવી શકાય; સંસ્કારિતાનો પ્રકાશ અને જીવનની સૌરભ ત્યારે જ લોકજીવનને ઉજ્જવળ અને રસિક કરી શકે.

સત્યમ્-શિવમ-સુંદ૨મ્

(વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખેમાંથી)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.