(સુનીલભાઈ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ શાળાના આચાર્યનું પદ ત્યાગ કરીને ગુજરાતના શહેરે-શહેર અને ગામડે-ગામડામાં જઈ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના પ્રચાર-પ્રસાર અને વેચાણમાં સંપૂર્ણ જીવન અર્પિત કરી દીધું છે. – સં.)

આપ સાૈ જાણો છો કે સ્વામી વિવેકાનંદજીનું સાહિત્ય દેશ-વિદેશની વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. ગુજરાતીમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો ઉપરાંત, વેદાંત સાહિત્યનાં કુલ મળીને લગભગ 200 ટાઇટલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. 

મેં શરૂ કરેલ સ્વામી વિવેકાનંદ ‘વિચારક્રાંતિ યાત્રા’માં ગુજરાતનાં વિવિધ શહેરો અને ગામડાંમાં મારે જવાનું થતું. આ યાત્રા દરમિયાન સામાન્ય જનમાનસ પર સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકોનો શો પ્રભાવ પડ્‌યો છે, તેના કેટલાક હૃદયસ્પર્શી અનુભવોનું હું આપની સમક્ષ સ્મરણ કરીશ.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પહેલાં મોબાઇલ બુકસ્ટોલ માટે એક બસ હતી.  બસનો ડ્રાઇવર, મારો વિદ્યાર્થી જીતેન્દ્ર અને હું, એમ અમે ત્રણેય જણા મોરબી ગયા હતા. પ્રથમ દિવસે ફક્ત 10 રૂપિયાનાં પુસ્તકો વેચાયાં! આચાર્યની નોકરી છોડી, હવે માત્ર સ્વામી વિવેકાનંદજીનાં કાર્યો દ્વારા જ જીવન પસાર કરવું છે, એ સંકલ્પ કેટલો ટકશે? એ વિચારવા લાગ્યો. હૃદયના ધબકારા વધી ગયા! અમારા ત્રણેયનો દૈનિક ખર્ચ 700 રૂપિયા થતો હતો. રાતભર ઊંઘ ન આવી! સવારે વિદ્યાર્થી જીતેન્દ્ર સાથે રોજ ચાલવા જવાનો ક્રમ હતો. અચાનક એક એડમિશનની જાહેરાતવાળું સ્કૂલનું બોર્ડ જાેયું! નીચે મોબાઇલ નંબર લખ્યો હતો, એ નંબર પર સ્વામી વિવેકાનંદના સાહિત્યની વાત કરી. સંચાલકે મળવા માટે બોલાવ્યા અને બીજા દિવસે એ શાળામાં પુસ્તક-પ્રદર્શન યોજાયું. રૂપિયા 10,000ના પુસ્તકોનું વેચાણ થયું! ફરી વિશ્વાસ જાગ્યો; સમજ પડી કે મારે માત્ર કાર્ય જ કરવાનું છે. બાકીની બધી વ્યવસ્થા શ્રીરામકૃષ્ણદેવ કરી દેશે!  

મહેસાણાની એક ઘટના યાદ આવે છે. રતિકાકા અચાનક બસ પાસે સ્કૂટર લઈને આવે છે; કહે છે, ‘મારે 100 શ્રીરામકૃષ્ણ કથામૃત-સંચયન જોઈએ છે.’ મને નવાઈ લાગી કે સ્કૂટર પર કેવી રીતે લઈ જશે! તેથી ડ્રાઇવરને બસ લઈને સાથે મોકલ્યો. રતિકાકાએ કહ્યું, ‘મારા મરણ પછી, બીજો વિધિ થાય, તેના કરતાં આ પુસ્તકોનું વિતરણ કરીને, હું મારા જીવતાં જીવતાં આ શુભ વિધિ કરવા માગું છું.’ તેમની સોસાયટીમાં જેવી બસ ગઈ, તરત જ માણસો ભેગા થયા; બધા રાજી થયા અને આશરે રૂપિયા 5,000 નાં પુસ્તકોનું વેચાણ થયું. 

બીજી એક ઘટના યાદ આવે છે, જે મહેસાણાના કડી ગામની છે. ત્યારે હું સવારે કોઈ એક શૈક્ષણિક સંસ્થામાં અને સાંજે જાહેર માર્ગ પર ‘જ્ઞાનજ્યોત રથ’ (મોબાઇલ બુકસ્ટોલ) ઊભો રાખતો. એક દિવસ રાત્રે 10 વાગ્યે પરત ફરતો હતો,  ત્યાં સાઈકલ પર  એક ભરવાડ આવે છે અને કહે છે, ‘સાહેબ, આમાં શું છે?’ મેં કહ્યું, ‘સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો છે, જાેવાં છે?’ તેનો ભાવ જોઈને બુકસ્ટોલ ખોલ્યો. તે ખૂબ રાજી થયો. પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરતાં તે બોલ્યો, ‘સાહેબ, આ કેટલું મહાન કાર્ય તમે કરો છો! તેની તમને ખબર છે!’ પછી બીજો લાગણીસભર પ્રશ્ન પૂછે છે, ‘સાહેબ, તમે જમ્યા છો? નહિતર મારા ઘરે ચાલો, ત્યાં દૂધ અને રોટલા હશે.’ તેનો ભાવ જાેઈને હૈયું ભરાઈ આવ્યું. મનોમન ઠાકુર, મા, સ્વામીજીને પ્રણામ કર્યા કે આપનાં સંતાનો આપનો ભાવ લઈ કેટકેટલાં સ્વરૂપે, કેટકેટલી જગ્યાએ છે!

સુરતની એક-બે ઘટના યાદ આવે છે.  એક વાર સુરતના અડાજણ રોડ પર ‘જ્ઞાનજ્યોત રથ’ લઈને ઊભો હતો. બી.ઈ.માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી મારી પાસે  આવે છે. સ્વામી વિવેકાનંદજીની વાતો થાય છે. તેને મેં સ્વામીજીનું પુસ્તક ‘Way to Success’ વાંચવા આપ્યું. બે-ત્રણ મહિના પછી એ વિદ્યાર્થી ફરી પાછો આવ્યો. મને મળવા આવવાનું કારણ જણાવતાં બોલ્યો, ‘સાહેબ, તમે આપેલું પુસ્તક મેં વાંચ્યું અને થોડા દિવસો પછી પરીક્ષા દરમિયાન મને એક અકસ્માત નડ્‌યો. હાથમાં ઈજા થઈ. યુનિવર્સિટીમાં મારો બીજાે રેન્ક આવેલો. આ વખતે પ્રથમ રેન્ક માટેની તૈયારી કરેલ, પણ અચાનક આ હતાશાભરી ઘટના બની, પરંતુ  સ્વામીજીના આ પુસ્તકે મારામાં નિરાશાને બદલે ખૂબ જ ઉત્સાહ અને હિંમત પૂરાં પાડ્‌યાં! હવે, હું મારા મિત્રોમાં પણ આ પુસ્તકનું વિતરણ કરું છું!’

આવી જ ઘટના બીજા એક વિદ્યાર્થીની છે પણ પ્રસંગ અલગ છે. હું સુરતની એક શાળામાં ગયો હતો. આચાર્યોએ થોડાં પુસ્તકો લીધાં; કાર્યક્રમ સરસ રહ્યો. છ મહિના પછી ફરી એ જ શાળામાં જવાનું થયું. આચાર્ય બહેને પહેલાં કરતાં પણ વધારે અહોભાવથી સ્વાગત કર્યું તથા આ ભાવ-પરિવર્તનનું કારણ જણાવતાં કહ્યું, ‘સુનીલભાઈ, પ્રથમ વખત મેં મારા પુત્ર માટે પુસ્તકો ખરીદેલાં, જે જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેને વચ્ચે એક અકસ્માત થયો, તેમાં તેના હાથમાં ફ્રેકચર થયું હતું, પણ તેણે અમને જાણ કરવાની શિક્ષકોને સ્પષ્ટ ના પાડી! એક મહિના સુધી પોતાનું બધું કામ એક હાથે કર્યું! તેના આચાર્ય અને શિક્ષકો તેની હિંમત જાેઈને બહુ પ્રભાવિત થયાં. મારા પુત્રની આ બહાદુરી જોઈને મને પણ નવાઈ લાગી. તેણે કારણ જણાવતાં કહ્યું કે, ‘તમે જે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપ્યાં હતાં, તે હું રોજ નિયમિત વાંચતો હતો. તેમના વિચારોથી આ હિંમત મારામાં આવી!’

સ્વામી વિવેકાનંદ ‘વિચારક્રાંતિ યાત્રા’ નો પડાવ વિસનગરમાં હતો. એમ.એડ. કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાતો અને પ્રશ્નોત્તરી થઈ. ખૂબ મોડું થયું. બપોરના ૩ વાગી ગયા. એક હોટેલમાં જમવા ગયા. હોટેલના એક માણસે આવીને સમય પૂરો થઈ ગયો છે, તેની જાણ કરી. પરત ફરતા હતા, ત્યાં કાઉન્ટર પરથી સાદ પડે છે, ‘સાહેબ, આવો! તમે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો લઈ આવ્યા છોને!’ તેણે હોટેલના માણસને જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. અમને સરસ રીતે જમાડ્યા તથા પૈસા લેવાની ના પાડી! પછી પોતાના ભૂતકાળની વાત કરતાં કહ્યું, ‘સાહેબ, આ હોટેલ અને મારું સમગ્ર જીવન સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આધારિત છે. મારા વિદ્યાર્થીજીવનના સંઘર્ષકાળમાં માત્ર સ્વામીજીનાં પુસ્તકો જ સહારો હતાં. તેમના વિચારોએ મને ટકાવી રાખ્યો છે. આજે આપે મારી હોટેલમાં જમીને મને સ્વામીજીના વિચારોનું ઋણ ચૂકવવાનો લાભ આપ્યો છે.’

આવી જ એક અન્ય હૃદયસ્પર્શી ઘટના મને યાદ આવે છે. સુરતના એક ભાઈ જે હિરાના કારખાનામાં કામ કરતા હતા, તેઓ એક વાર મારી પાસે આવીને મને કહે છે, ‘મારે ‘દિવ્યજીવનનાં સોપાન,’  ‘શાંતિપ્રાપ્તિના ઉપાય,’ અને ‘સફળતાનાં સોપાન’ આ પ્રત્યેક પુસ્તકની 100-100 નકલો જોઈએ છે. અને હા, પરમ દિવસે તમે મારા ઘરે આવશો? ત્યાં તમારે શ્રીરામકૃષ્ણદેવ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીનાં જીવન વિશે વાત કરવાની છે. બુકસ્ટોલ પણ રાખવાનો છે.’  

મેં કહ્યું,  ‘હા, હું ચોક્કસ આવીશ. આપના ઘરે શું પ્રસંગ છે?’ તેમણે કહ્યું, ‘મારા પિતાજીનું ૫૮ વર્ષની વયે અવસાન થયું છે. બેસણામાં અમે નક્કી કર્યું છે કે અન્ય કોઈ વાત નહિ, પણ આ ત્રણેયનાં પ્રેરણાદાયી જીવન-દર્શન અને વિચારો વિશે જ વાત કરવાની છે. એટલે આપને બોલાવું છું.’ 

મને નવાઈ લાગી. તેમના આખા પરિવારની લાગણી અને સમજણ જોઈને મારું મસ્તક અહોભાવથી ઝૂકી ગયું!

અત્રે એ જણાવવું જરૂરી છે કે, આ ભાઈ શ્રીરામકૃષ્ણ આશ્રમના સંપર્કમાં ન હતા, પરંતુ માત્ર પુસ્તકોના માધ્યમથી જ ઠાકુર-મા-સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા.

 

Total Views: 797

2 Comments

  1. અજીત કેમકર September 30, 2022 at 8:17 am - Reply

    તમે ખુબ મહેનત કરી છે.
    વિજ્ઞાન ના નિયમ અનુસાર કોઈ પણ કાયૅ કે શક્તિ નુ
    રૂપાનતરણ થાય તેનો નાશ ન થાય, તે નો અનુભવ થાય છે.

    • jyot October 16, 2022 at 3:34 am - Reply

      અન્ય ભક્તો પણ ઠાકુરનું કામ કરવા પ્રેરણા મેળવે એ આશા.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.