(સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. -સં.)
કમરભર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં પોતાની નાની દીકરીની સાથે ઊભેલી એ વ્યકિતએ અમને કહ્યું, ‘આગળ જાઓ, અમને આજનું મળી ગયું છે’.
આ પ્રસંગ છે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના એક ગામનો. ત્રણ-ચાર દિવસના અનરાધાર વરસાદથી સમગ્ર વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો.વહેલી સવારથી જ અમે પાંચ ટ્રેકટરોમાં ગાંઠિયા, બૂંદી, ચીકી, બિસ્કીટ વગેરેનાં પેકેટ લઈને વિતરણ કરવા નીકળી પડ્યા હતા. વિતરણ પૂરું થવા આવ્યું હતું. અમે પણ સવારથી ખૂબ પલળેલા હતા. ઠંડી ખૂબ જ લાગી રહી હતી. રસ્તાના એક ખૂણામાં પાણીથી ભરેલા ખેતરની વચ્ચે નાની એવી ઝૂંપડીમાં ઊભેલા તે માણસ અને તેની દીકરીને પેકેટ આપવા જઈ રહ્યા હતા. દૂરથી જ અમને જોઈને તે બોલી ઊઠ્યો, ‘અમને આજનું મળી ગયું છે, આગળ વધારે જરૂર હશે, આગળ જાઓ’. પાણી ઊતરવામાં હજુ એક-બે દિવસ લાગી જાય એમ હતું, છતાંય કાલે શું થશે એની ચિંતા કર્યા વિના તેણે કહેલા એ કથને અમને ક્ષણભર વિચારવા મજબૂર કરી દીધા. તેનું ઉત્તુંગ વ્યક્તિત્વ અમારા મનને સ્પર્શી ગયું. જોયું કે અર્ધનગ્ન અવસ્થામાં તે એક રાજાની માફક ઊભો હતો.
બીજો પ્રસંગ જોઈએ:
લગાતાર ત્રણ-ચાર વર્ષના દુષ્કાળે આ વખતના દુષ્કાળને હજુ ભયાવહ બનાવી દીધો હતો. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના અંતરિયાળ ગામમાં અમે રાશન કીટ, કપડાં લઈને વિતરણ કરવા નીકળ્યા હતા. મરણાસન્ન અવસ્થાવાળી ગાયોને ઘાસનું વિતરણ કરીને આગળ જઈ રહ્યા હતા. સૂરજ માથા પર હતો. ગરમી અગનવર્ષા કરી રહી હતી. ગરમીના કારણે શરીર જાણે બળી રહ્યું હતું. વિતરણ લગભગ પૂરું થવા આવ્યું હતું. ગામડાના નાના એવા બુંગામાં રહેતી એક મહિલાને અમે કીટ આપવા ગયા, ત્યારે બચેલી એક-બે જ કીટ જોઈને તે મહિલા બોલી, ‘બાજુવાળાને વધારે જરૂર છે, ત્યાં આપો.’ કુતૂહલવશ એ મહિલાના ઘરમાં ડોકિયું કરતાં જોયું તો: સાફસુથરી સ્વચ્છ ઝૂંપડી, માટીથી લીંપેલી દીવાલો, બિસ્ત્રો વાળીને મૂકેલા એક-બે ધાબળા, પતરાની એક પેટી અને થોડાંક વાસણો—આ જ હતી તેની ઘરવખરી! આ પ્રસંગે પણ અમને ક્ષણભર વિચારવા મજબૂર કરી દીધા. અને આ ગરીબ મહિલાના મનની અમીરી અમારા મનને સ્પર્શી ગઈ.
2001ના વિનાશકારી ભૂકંપમાં પારાવાર જાનહાનિ તેમજ વિત્તહાનિ થઈ હતી, અને રાજકોટ આશ્રમમાં લાંબો સમય ચાલનારા સેવાયજ્ઞનો આરંભ થઈ ગયો હતો. જોયું કે, સારા સારા ઘરની મહિલાઓ કે જેમને કદાચ જ પોતાના ઘરમાં ઘરકામ કરવાનો વારો આવ્યો હોય, તે પણ સેવામાં લાગી ગઈ હતી. મોટી અનાજની ગુણો તોડી દાળ-ચોખાના, ખીચડીના પેકેટ ભરવાં, લોટની ગુણોમાંથી વજન કરી લોટનાં પેકેટ તૈયાર કરવાં; ચા-ખાંડ, મીઠું, મીણબત્તી, વસ્ત્રો વગેરેની કીટ તૈયાર કરવામાં સવારથી જ લાગી રહેતી. આઠ-આઠ, દસ-દસ કલાક કામ કરીને આ મહિલાઓ જ્યારે ઘરે જવા નીકળતી ત્યારે તેમના વિખરાયેલા વાળ અને વસ્રો લોટથી ભરેલાં હોય. અને જોતા, આટલી મહેનત છતાં તેમના ચહેરા પર આનંદ અને સંતોષનો ભાવ.
આશ્રમમાં ટ્રકના ટ્રક ભરીને અનાજ, વસ્ત્રો, ધાબળા, વાસણ આવી રહ્યાં છે. દાતાઓ ઉદાર હાથે આપી રહ્યા છે. તેમનો વિશ્વાસ હતો કે આશ્રમમાં આપેલ દાન બરાબર જગ્યાએ જશે અને તેનો સદુપયોગ ઉત્તમ રીતે થશે. તેમનો આ ભરોસો કંઈ એક-બે દિવસની સેવાથી પ્રાપ્ત થયો ન હતો, તેની પાછળ હતી રામકૃષ્ણ મિશનની 125 વર્ષની અથક મહેનત.
પ્રભુ શ્રીરામકૃષ્ણે પોતાની જીવનલીલા દરમ્યાન બે વાર આ સેવાયજ્ઞ પ્રજ્વલિત કર્યો હતો. એક વાર દેવઘરમાં અને બીજો પશ્ચિમ બંગાળના કલાઈ ઘાટમાં.
શ્રીરામકૃષ્ણદેવે ભૂખ્યા કંગાળ, દુકાળગ્રસ્ત માણસોને જોઈને અત્યંત દ્રવિત હૃદયે એ લોકોને માથામાં નાખવાનું તેલ, એક ટંકનું પેટભર ભોજન અને વસ્ત્ર આપવાનું પોતાના રસદદાર મથુરબાબુને કહ્યું હતું. શ્રીમા શારદાદેવીના જીવનમાં તો આ ભાવ આપણને બાળપણથી જ પ્રગટ થતો જોવા મળે છે. ગામમાં પડેલા દુકાળના કારણે તેમના પિતાજીએ ઘરમાંના અનાજ ભરેલ કોઠાર ખોલી નાખ્યા હતા.ખીચડી બનાવીને ગામના તમામ ક્ષુધાગ્રસ્ત લોકોને વહેંચવા લાગ્યા. ભૂખથી વ્યાકુળ લોકો ગરમાગરમ ખીચડી વહેલી તકે ખાઈ શકે એટલે નાની એવી શારદા બે હાથમાં પંખા લઈને દોડી દોડીને એ ખીચડી ઠંડી કરી આપતી.
પ્રભુએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું; ‘દયા નહિ, શિવજ્ઞાને જીવસેવા.’ સપ્તર્ષિઓમાંના એક એવા વિવેકાનંદે આ સાંભળીને તે ભાવને મૂર્તરૂપ આપ્યું, અને 1 મે, 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ અને આમ, શરૂઆત થઈ એક અખંડ સેવાયજ્ઞની.
દાતાઓની ઉદારતાની વાત તો બરાબર, પણ વિકટ પરિસ્થિતિમાં ઘેરાયેલા લોકોની ખુમારીની વાત શું કહીએ? ઘટના એમ હતી કે સુરતમાં ભારે વરસાદને કારણે તાપી નદીના પાણીના લીધે હાહાકાર મચી ગયો હતો. કિનારાના વિસ્તારોમાં આઠ-આઠ, દસ-દસ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. રાશન કીટ લઈને અમે ત્યાં પહોંચ્યા. નવસારીના વીસ-પચીસ યુવાનો પણ અમારી સાથે કાર્યમાં જોડાયેલા હતા. કીટનું વિતરણ તો ચાલી રહ્યું હતું પણ અમુક જગ્યાએ વિતરણમાં અડચણ આવી રહી હતી. જાણવા મળ્યું કે એ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે ભગવાને એટલા તો કમજોર અને લાચાર નથી બનાવ્યા કે અમારે દાનનું અન્ન ખાવું પડે. ઘરમાં તો ચારેય તરફ પાણી છે, અન્ન-સામગ્રી, દુકાન, ગોડાઉન—બધાંનો એ જ હાલ છે, તોપણ તેઓનું મન માનતું નથી. ઘરમાં ઘરડાબુઢ્ઢા છે, નાનાં બાળકો છે, મહિલાઓ છે, આ જોઈને અમે ઘરમાં ગયા અને આગ્રહપૂર્વક સમજાવીને કહ્યું, ‘અમે આશ્રમમાંથી આવ્યા છીએ. તમારે લેવું જ પડશે.’ ત્યારે પ્રસાદી સમજીને તે લોકોએ તેનો સ્વીકાર કર્યો હતો. વિષમ પરિસ્થિતિમાં પણ મફતનું કશું નહીં લેવાની ભાવના જોઈ અમે ક્ષણભર વિચારમાં પડી ગયા.
પાણી અને કાદવથી ભરેલ ઘરમાંથી બધી બગડેલી વસ્તુઓને બહાર કાઢવા કમર કસીને મંડી પડેલી ઘરડી મહિલાઓને જોઈ. આ જોઈ અમે ક્ષણભર વિચારવા મજબૂર થયા કે સઘળું ગુમાવ્યા છતાં ‘હાય-હાય’ કરીને કિસ્મતને કોસવાના બદલે કઈ શક્તિથી તેઓ નીડરતાથી તેનો સામનો કરી રહી છે!
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ધાન્યનું વિતરણ હોય કે દુષ્કાળમાં ટેન્કરથી પાણી અને ઘાસચારાનું; ઠંડીમાં ધાબળા-સ્વેટરનું વિતરણ હોય કે પછી ગામડે ગામડે તળાવ ખોદાવવાના પ્રોજેક્ટ હોય—બધા પ્રકારની અસુવિધા છતાં, અમારા કરતાં પણ અધિક ઉત્સાહથી અસરગ્રસ્તોને કાર્ય કરતાં જોતા ત્યારે આશ્રમના વરિષ્ઠ સંન્યાસીઓનાં મન શ્રદ્ધા અને ભક્તિથી ભરાઈ જતાં અને અમે પહેલાં કરતાં પણ અધિક ઊર્જાથી સેવા કાર્યમાં લાગી જતા.
મનને સ્પર્શી જનાર ઘટનાઓ અનેક છે અને તેનાથી મનમાં ઊઠનાર પ્રશ્નો પણ અનેક! ટૂંકી પોતડીમાં કમરભર પાણીમાં પોતાની બાળકી સાથે ઊભેલા, ‘આગળ જાઓ, ત્યાં વધારે જરૂર હશે, અમારું આજનું થઈ ગયું છે’, એમ કહેનાર સાચે જ રંક છે કે રાજા?
એક-બે જ બચેલી રાશન કીટ જોઈને ‘બાજુવાળાને વધારે જરૂર છે, એમને આપો’, એમ કહેનારી, જૂજ ચીજો જ જેની સંપત્તિ છે, તે મહિલાને ગરીબ ગણવી કે અમીર?
જળબંબાકાર વિસ્તારમાં ‘હાય-હાય’ કરીને માથે હાથ દઈને બેસવાને બદલે હસતાં હસતાં પોતાના ઘરમાં સફાઈ કરનાર ઘરડી મહિલાઓને જોઈને લાગે છે, કોણ બળવાન? નિસર્ગનો કોપ કે આ લોકોની ખુમારી!
કોણ છે અમીર, કોણ છે ગરીબ? મુશ્કેલી શું છે અને શું છે સુખસુવિધા? કોણ છે અભાવથી દુઃખી અને કોણ છે મનથી સુખી?
જીવનમાં આવા અનેક અનુત્તરિત પ્રશ્નો છે, જેનો ઉત્તર આપણે પોતે જ શોધવો રહ્યો!
3 Comments
Leave A Comment
Your Content Goes Here
😇🌈
આ લેખથી પહેલી વાર વાંચવા અને જાણવા મળ્યું કે ભારત અને ગુજરાતની ભૂમિ પર આવા પણ ખુમારી વાળા અને સ્વમાની સ્વાવલંબી લોકો ગરીબીમાં અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને પણ માનવતા બતાવે છે અને જાત પર અને ભગવાન પર અતુટ શ્રદ્ધા રાખે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ🙏🌷👌🌺
અતિ પ્રેરણાદાયક પ્રસંગો વાંચીને હૃદય ભરાઇ આવ્યું .