લેખકઃ લાલજી મૂળજી ગોહિલ. પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન: લાલજી મૂળજી ગોહિલ, કે. ૨૦૮, આદિનાથ સોસાયટી, પુણે-૪૧૧ ૦૩૭ (મહારાષ્ટ્ર), પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૩, પૃષ્ઠઃ ૧૫૯, મૂલ્યઃ રૂા. ૨૫
સામાન્ય સંજોગોમાં વિજ્ઞાન અને ધર્મને, વિજ્ઞાન અને અધ્યાત્મને તથા વિજ્ઞાન અને ચિંતન-મનનને એકબીજાથી અલિપ્ત ગણવામાં આવે છે. અલબત્ત, આ બન્ને પહેલુઓ એક સિક્કાની બે બાજુઓ છે તેવું ધીમે ધીમે સ્વીકારાઈ રહ્યું છે. કોઈ પણ વિજ્ઞાની ચિંતન શીલતાનું પરિણામ હોઈ શકે અને કોઈ પણ ચિંતનશીલ વ્યક્તિ વિજ્ઞાનના સિદ્ધાંતોને અનુસરનાર હોઈ શકે. પરંતુ આવશ્યક્તા છે વિજ્ઞાનને ગૂઢ રીતે નીરખવાની, વિચારપૂર્વક સમજવાની અને ક્રમબદ્ધ આત્મસાત્ ક૨વાની. પ્રસ્તુત પુસ્તક ‘વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે’ આ માર્ગે આપણી દૃષ્ટિ ખોલી નાખનારું પુસ્તક છે.
દ્રવ્યવિજ્ઞાનશાસ્ત્રથી માંડીને જીવશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, સુપ્રજનનશાસ્ત્ર, જાતીય-માનસશાસ્ત્ર, મનોવિશ્લેષણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે વિજ્ઞાન શાસ્ત્રો અને તેમની વિવિધ શાખાઓના ગ્રંથોના વાચન દરમ્યાન રુચિ પ્રમાણે તેમાંથી ઉતારા અને નોંધો કરી કેટલાય લેખો શ્રી લાલજી મૂળજી ગોહિલ દ્વારા તૈયાર થયા, જે ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત પણ થયા. આ લેખોને સંકલિત- રૂપમાં રજૂ કરતું પુસ્તક તે ‘વિજ્ઞાનની પાંખે અને ચિંતનની આંખે.’
પુસ્તકના પ્રથમ બે લેખ ‘ન્યુટનયુગનું વિશ્વ’ અને ‘આઈન્સ્ટાઈન યુગનું વિશ્વ’ ૧૯૩૮-૩૯માં પ્રકાશિત થયેલા. આ લેખોમાં જૂની નોંધો અને ઉતારા સિવાય એમાં મૌલિક વિચાર કે ચિંતન જેવું કશું નથી. બાકીના લેખોમાં ઓછુંવત્તું ચિંતન સમાયેલું છે એવું લેખક ખુદ સ્વીકારે છે. પુસ્તકના અન્ય લેખો ‘ઉત્ક્રાંતિ- વાદનું દિગ્દર્શન’, ‘લગ્નસંસ્થા’, ‘આર્યોની નૈતિક મૂલ્યાંકન પદ્ધતિ’, ‘સૌંદર્યનું તાત્ત્વિક સ્વરૂપ’, અને ‘વિદ્યાર્થીઓનું જીવન-ઘડતર’ વિવિધ પરિમાણોની દૃષ્ટિએ આસ્વાદ્ય બની રહે છે. લેખકશ્રીના શિક્ષણક્ષેત્રના દીર્ઘ અનુભવો ૫૨થી લખાયેલા આ લેખો ‘ઘડાયેલા વિચારો’નો પડઘો પાડે છે. શ્રી લાલજીભાઈ ગોહિલે પોતાનું સ્વાસ્થ્ય કથળ્યું હોવા છતાં અને વાર્ધક્યની અશક્તિઓ છતાં આ પુસ્તકના સંકલનમાં પોતાનું દિલ રેડ્યું છે તે જણાયા વગર રહેતું નથી.
આ પુસ્તકના લેખો મૂલતઃ પ્રથમ પ્રકાશન પામ્યા તેમાં અને આજના સમયમાં ખાસ્સો તફાવત ઉદ્ભવ્યો છે. નવાં સંશોધનો અને પરિવર્તન પામતી સામાજિક પરિસ્થિતિએ નવા જ આયામોનું સર્જન કર્યું છે. તેથી પુસ્તકના લેખોમાં ક્યાંક વ્યક્ત થયેલ બાબતો પરથી સંશોધનના વ્હેણ વહી જતાં આજના સંદર્ભમાં અયોગ્ય જણાય છે. ઉદાહરણ તરીકે ‘છૂટાછેડા એ લગ્નની નિષ્ફળતાનું સૂચક માપ છે,’ ‘સ્ત્રીને જે રક્ષણ મળ્યું છે તે ધર્મની પરંપરાગત ભાવનાનું, પરંતુ કાયદાનું તેને કંઈ ખાસ રક્ષણ નથી.’ આમ પુસ્તકના પ્રથમ બે લેખ તથ્યો ૫૨ આધારિત છે, તો અન્ય લેખો વ્યક્તિગત વિચાર-સરણી પર ભાર દઈ આલેખાયા છે. પુસ્તકના બાહ્ય આકર્ષણના પહેલુઓ પ્રશંસનીય છે. કોઈ પણ વાચકને પસંદ પડે તેવા ટાઈપ, સ૨ળ બાઈન્ડિંગ અને સાદું છતાં પ્રભાવક મુખપૃષ્ઠ જમા પાસાં ગણી શકાય. લેખક શ્રી લાલજી મૂળજી ગોહિલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રકાશનની જવાબદારી સહર્ષ ઉઠાવવામાં આવી અને ગુરુદક્ષિણા કે ગુરુઅર્ધ્ય રૂપે પુસ્તક પ્રકાશિત થયું તેથી વિશેષ આવકાર કે આનંદની ઘટના બીજી શી હોઈ શકે? મૂલતઃ કવિહૃદય ધરાવનાર વ્યક્તિનું ગદ્યાલેખન પણ પદ્યની પ્રવાહિતા જાળવતું બની રહે છે તે આ પુસ્તકના સમાપને લાગ્યા વગર રહેતું નથી. શ્રાવકો-વાચકો કે ભાવકોએ એકચિત્ત નજર ફેરવી જવા જેવું સંકલન અવશ્ય.
સમીક્ષા: ડૉ. ભદ્રાયુ વછરાજાની
Your Content Goes Here