(ગતાંકથી ચાલુ)

(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ.- સં.)

૮. યુવાશક્તિને મુક્ત કરવાની વેદાંતી પદ્ધતિ

આપણા જમાનામાં શ્રીરામકૃષ્ણે ઘણા શિષ્યોને આકર્ષ્યા હતા, જેમાંથી આશરે ૧૫, ૧૪થી ૨૧ વચ્ચેની વયના સુશિક્ષિત છોકરાઓ હતા. નરેન્દ્રનાથ પછીના સ્વામી વિવેકાનંદથી દોરાયેલ આ યુવાન લોકોમાં શ્રીરામકૃષ્ણદેવે માનવજાતિ સુધી એમનો સંદેશ પહોંચાડવાનું સાધન સોંપ્યું. એ સમયે નરેન્દ્રનાથ ૧૯-૨૦ વર્ષના. એમનામાં અને પોતાના બીજા શિષ્યોમાં શ્રીરામકૃષ્ણને પ્રચંડ શક્તિનાં દર્શન થયાં; એ યુવાન શિષ્યોની શક્તિઓને કેળવવામાં અને તેમની ગુણાત્મક તેમજ સંખ્યાત્મક વૃદ્ધિ કરવામાં શ્રીરામકૃષ્ણે તેમને કેવી સહાય કરી; ભારતના તેમ જ પશ્ચિમના અર્વાચીન ઈતિહાસ પટ પર એ શક્તિઓનો કેવો ભાવાત્મક, ઉપકારક સ્ફોટ થયો એ જાણવું આપણે માટે લાભદાયી છે. એ શક્તિઓ, માનવવિકાસના વ્યવહારુ કાર્યક્રમો, ઉચ્ચ આદર્શો અને યૌવનની તાજગીથી સભર સમગ્ર રામકૃષ્ણ પ્રવૃત્તિ તરફ, નવી જ પ્રવૃત્તિ તરફ એ વળી. જગતના બધા ભાગોમાં, બીજા સેંકડો જુવાનોને એ પ્રવૃત્તિએ આકર્ષ્યા હતા અને આજે પણ આકર્ષી રહી છે ને તેમાં જોડાઈને તેનાં વિવિધ કાર્યોને સૌ કરે છે. આ આજે પણ ખૂબ જોરથી ચાલી રહેલ છે અને ઉત્તરોત્તર તેમાં વેગ આવતો જાય છે.

આપણાં સંસ્કૃતિ અને પરંપરા વિશેના કેટલાક ખોટા ખ્યાલો આપણે સુધા૨વા જરૂરી છે. ધર્મ વિશેનો આપણો ખ્યાલ એવો છે કે આપણે ઘડપણમાં જ ગોવિંદના ગુણ ગાવાના. ઠેઠ મૃત્યુની પળે એ કાળે ધર્મ પાસેથી આપણે એક જ વસ્તુ માગીએ છીએ, સ્વર્ગની ટિકિટ! આપણે હજી ધર્મના વિજ્ઞાનનો અર્થ સમજવાનો છે, જેનું ચાવીરૂપ સૂત્ર છે સર્વાંગી વિકાસ – શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ માટે જીવનમાં કેન્દ્રગામી ખોજ કરવાની છે. યુવશક્તિનાં વિશુદ્ધ અને વિશુદ્ધતર રૂપોને મુક્ત કરવાની આ વેદાંતી પદ્ધતિ છે. ધર્મનો હેતુ આ હોય તો, આપણે જરઠ, ઘરડા અને નિર્વીર્ય બની ગયા હોઈએ ત્યારે નહીં પણ, આપણી પાસે યૌવનમય સ્ફૂર્તિ શક્તિ યૌવનશકિત હોય ત્યારે આપણે એની ખોજ કરીએ એ ઉત્તમ છે. કુદરતની શક્તિઓ સાથે, દાખલા તરીકે, બંધ બાંધવો હોય તો, આપણે ક્યારે કામ પાડીએ છીએ? નદીમાં પાણી વહેતું હોય ત્યારે. નદીમાં પાણીનું વહેણ જ ન હોય તો બંધ બાંધવાનો કશો અર્થ નથી! નદીમાં પાણી વહેતું હોય તો જ નદીને નાથવાના કાર્યક્રમો શક્ય છે. એ જ રીતે, આપણામાં યુવાનની શક્તિ હોય ત્યારે જ, એને કેળવવાનું, અંકુશમાં રાખવાનું, પ્રક્રિયામાંથી પસાર ક૨વાનું સાર્થક અને ફળદાયક બને છે પછી એ શક્તિ સત્ય, સૌંદર્ય અને શિવ તરફ વાળી શકાય છે.

એટલે, આ અદ્ભુત વિચાર ઉપનિષદોમાં, ‘તૈત્તિરીય ઉપનિષદ’ (૨.૮)માં વ્યક્ત થયેલો આપણને જોવા મળે છે. યુવાનો વિશે વાત કરતાં, “આનંદની મીમાંસા” નામથી ઓળખાતા આ ખંડનો ઉલ્લેખ સ્વામી વિવેકાનંદ વારંવાર કરતા. ‘‘સૈષા આનંદસ્ય મીમાંસા ભવતિ’’ એ શબ્દોથી એ આરંભાય છે – ‘‘હવે આનંદની મીમાંસા કરવામાં આવે છે’’ – એ ઉપનિષદ આનંદનું એક એકમ નક્કી કરે છે, એ એકમ યુવાનીના આનંદને પસંદ કરે છે, “સ્યાત્’’, માણસ જુવાન હોય, ચેતનાથી થનગનતો હોય, જીવનનો તરવરાટ ભર્યો હોય ત્યારે, યુવાનીમાં સાચો આનંદ છે. પણ એ ઉપનિષદને યુવાનીની એ કાચી શક્તિમાં રસ નથી. એટલે, આનંદના એ એકમને પૂર્ણ ક૨વા માટે એ બીજી ચાર શરતો ઉમેરે છે. એ કહે છે:

‘સાધુ યુવા અધ્યાયક:, આશિષ્ઠો, દુઢિષ્ઠો, બલિષ્ઠ.’: – શ્રેષ્ઠ યુવાન, સારું ભણેલો, આશાપૂર્ણ, મનની શક્તિથી ભરેલો, સબળ શરી૨વાળો. જે સજ્જન નથી, તે જીવન માણી શકતો નથી. બિલ્લા અને રંગા જેવા આપણા ગુનેગારો શું જીવનને માણી શકે છે? ના, જરા પણ નહીં, તેઓ એકદમ જંગલી અને પતિત છે. જીવનના હેતુની, જીવનના આનંદની એમને જાણ નથી.

પણ માત્ર સારા યુવક હોવું પૂરતું નથી. એ સુશિક્ષિત હોવો ઘટે. અધ્યાયકઃ, મનુષ્યજીવન માણવા માટે એની પાસે જ્ઞાનસાધન હોવું જોઈએ. પશુ કેવળ દૈહિક આનંદમાં રાચે છે; પણ મનુષ્યને દૈહિક તથા માનસિક આનંદ પ્રાપ્ત થાય છે; દૈહિક આનંદો કરતાં માનસિક આનંદો સૂક્ષ્મતર હોય છે. પણ, એ ઉપનિષદ માને છે કે યુવક પાસે સારું શિક્ષણ હોય એ પર્યાપ્ત નથી અને, ત્રણ આશ્ચર્યકારક શબ્દો, આશિષ્ઠો, દૃઢિષ્ઠો, બલિષ્ઠ: વડે ત્રણ વધારે ગુણો ઉમેરે છે. સુશિક્ષિત અને સારા યુવકે આશિષ્ઠઃ અર્થાત્, કુશાગ્રબુદ્ધિ મનવાળા અને આશાવાન હોવું જોઈએ. તંદુરસ્ત યુવાનો આશાભર્યા હોય છે ભવિષ્ય એમને બોલાવે છે: “આવો આવો, આવો” જે જરઠ છે, નિરાશાભર્યા છે, અધમૂવા છે તેઓ આ ભાવિનો સાદ સાંભળતા નથી. આ મૃતઃપ્રાય વલણોમાંથી મુક્ત થઈને યુવાની આશામાં આગળ ધપે છે, માર્ગમાં આવતા પડકારોને અને મુશ્કેલીઓને પાર કરે છે કારણ, એમનું મન દૃઢ આત્મશ્રદ્ધાથી ગતિશીલ બન્યું હોય છે. પછી બીજી લાયકાત આવે છે: દૃઢિષ્ઠઃ એટલે કે મનનો મજબૂત, હેતુમાં દૃઢ; અને પછી ત્રીજી લાયકાત આવે છે: બલિષ્ઠઃ શારીરિક દૃષ્ટિએ સબળ, સબળ સ્નાયુઓ અને મજ્જાઓવાળો.

આ પાંચ ગુણો પણ યુવકને માનવકલ્યાણનું એકમ બનાવવા માટે પૂરતા નથી એમ એ ઉપનિષદ માને છે એટલે એ એક વધારે બાબત ઉમેરે છે, અને અહીં આપણે પ્રાચીન ઋષિઓનું ભાવાત્મક વલણ જોઈ શકીએ છીએઃ ‘તસ્મેયં પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણાસ્યાત્’ આ જગતની બધી સમૃદ્ધિનો તે સ્વામી હો. એ ઉપનિષદ ભૌતિક સમૃદ્ધિને ઉતારી પાડતું નથી. માનવ કલ્યાણમાં તે એક અગત્યની સામગ્રી છે. આમ, આપણી સમક્ષ યુવક છેઃ સ્વભાવે સારો, સુશિક્ષિત, આશાપૂર્ણ, અડગ મનવાળો અને શરીરે સબળ અને ચપળ અને ભૌતિક સમૃદ્ધિનો વારસો ધારણ કરતો, ને પૂર્ણાહૂતિ કરતાં એ ઉપનિષદ કહે છે: સ એકો માનુષ આનન્દ: ‘માનવ આનંદનું આ એકમ છે!’

આનંદની ખોજની આ માત્ર શરૂઆત છે. પહેલાં તમે એક એકમ નક્કી કરો પછી એના ગુણકોને શોધો અને નક્કી કરો. આગળ ચાલતાં, એ ઉપનિષદ આનંદના આ એકમના ગુણકો દેવોના આનંદના પર્યાયમાં આપે છે. પણ, આ આનંદના દરેક પગથિયા અને બીજા દરેક ઉચ્ચતર સ્તરના આનંદ સાથે આ માનવ દેહમાં જ સાક્ષાત્કાર કરનાર મનુષ્યના આનંદને સરખાવે છે. ‘શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય’ જે ધર્મના સાચા અર્થને જાણે છે અને (આત્માના અમર અને અનંત તત્ત્વના સાક્ષાત્કારને પરિણામે) ભૌતિક પદાર્થોની લિપ્સાથી પીડાતો નથી!

ધર્મનું વિજ્ઞાન માનવ પ્રગતિ, વિકાસ અને સિદ્ધિ ૫૨ ભાર મૂકે છે. જીવનના, કાર્યના અને માનવ-માનવ વચ્ચેના સંબંધોના સંદર્ભમાં જ થતા આત્મસાક્ષાત્કારના અને સર્વભૂતોમાં એ જ આત્મા રહેલો છે તેની સ્વીકૃતિના ફળ સ્વરૂપે આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આત્મકામઃ, આપ્તકામઃ, અકામઃ ‘‘આત્માની કામનાવાળો, આત્મામાં તૃપ્ત થયેલો અને, તેથી, કામનાવિહીન થયેલો”, આમ ‘‘બૃહદા૨ણ્યક” ઉપનિષદ કહે છે. આ સાક્ષાત્કારથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આ ઉપનિષદ કહે છે કે, યુવકના આનંદની અને બધી માનવેતર સૃષ્ટિના આનંદની સમાન છે. માણસના બાહ્ય સ્થાનના વિકાસને અનુલક્ષીને એ ઉપનિષદ આનંદના જુદા જુદા તબક્કા આપે છે. પણ આત્માના અનંત આનંદમાં ચડઉતર કંઈ નથી. તેથી તેનાથી તે ચડિયાતો નથી. આત્માનો આનંદ બહારથી નથી પ્રગટતો પણ, બધી બાહ્ય ઈચ્છાઓને જીતવામાંથી અને, અનંત, અમર એવા નિજના આત્મસ્વરૂપને પિછાનવાથી તે ઉત્પન્ન થાય છે.

૯. ભારતનો બાહ્ય પડકાર

આપણા સાહિત્યમાં માનવ ભાવિના બે ખ્યાલો વ્યક્ત ક૨વામાં આવ્યા છે. ઉચ્ચ અને ઉચ્ચતર બાહ્ય દરજજો અથવા, અંતરમાં નિત્ય, શુદ્ધ, મુક્ત અને આનંદસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર. આજના યુગમાં, ઘણા લોકો, ખાસ કરીને પશ્ચિમમાં, એ પ્રશ્ન પૂછે છે કે, બાહ્ય દરજ્જાના દુન્યવી વસ્તુઓના અને ક્ષુલ્લક સંતોષોના વધારા માટે જીવવું જોઈએ કે, આ બધા પદાર્થો કરતાં કંઈ વધારે ચડિયાતું છે. એમાંના એક ઝૂરિચના માનસશાસ્ત્રી સ્વ. કાર્લ યુંગ હતા. પોતાના પુસ્તક “આત્માની ખોજ કરતો અર્વાચીન મનુષ્ય”માં એ બાહ્ય પ્રગતિ અને આંતરિક સાક્ષાત્કાર વચ્ચેનો આ ભેદ દર્શાવે છે અને બીજા પર ભાર મૂકે છે. એ કહે છે કે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણું મન બહિર્ગામી હોય છે, આ બહિર્જગતને જીતવાનું આપણું મન હોય છે, અને આ જગતમાં આપણે માટે આપણે સ્થાન પ્રાપ્ત કરવા ચાહતા હોઈએ છીએ. આને એ ‘‘સિદ્ધિ’’ કહે છે. યુવાનો શિક્ષણ મેળવે, નોકરીમાં ગોઠવાય, કુટુંબ ઉછેરે, સમાજોપયોગી પ્રવૃત્તિ કરે અને, ઈતિહાસને ચોપડે નામ લખી જાય. પણ, યુંગ કહે છે કે, આ સિદ્ધિ પૂરતી નથી. તમારી જાતને પૂછો: ‘‘મારા મૂળ સ્વરૂપને મેં પ્રાપ્ત કર્યું છે? મેં આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે? આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે?” યુંગ આને આત્માની સંસ્કૃતિ અથવા વ્યક્તિત્વની સમૃદ્ધિ કહે છે. (પૃ. ૧૧૮-૧૨૦) ‘જીવનના બીજા તબક્કામાં (પૌગણ્ડાવસ્થાથી પીઢતા સુધીના કાળમાં), પ્રશ્નોની બહુલતાથી ઉપજતી મૂંઝવણમાં સિદ્ધિ, ઉપયોગિતા આદર્શો ઊભા થઈ આપણને દોરતા જણાય છે. આપણા ચૈતસિક અસ્તિત્વને વિસ્તારવામાં અને સુદૃઢ કરવામાં એ આદર્શો ભલે ઘ્રુવતારક સમાન હોય, આપણાં મૂળને સંસારમાં દૃઢ ક૨વામાં એ ભલે સહાયરૂપ થતા હોય, પરંતુ આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ તે વિશાળ ચેતનાના વિકાસમાં એ માર્ગદર્શક બની શક્તા નથી. ગમે તેમ તો પણ યુવાવસ્થામાં આ માર્ગ બરાબર લાગે અને, સમસ્યાઓમાં ડૂબાડૂબ સબડતા રહીને આમથી તેમ ફંગોળાવા કરતાં, વધારે પસંદ ક૨વા યોગ્ય છે.

જીવનના મધ્યાહ્ને આપણે પહોંચવા આવીએ અને, આપણી અંગત પ્રતિષ્ઠામાં અને સામાજિક દરજ્જામાં કંઈક સમૃદ્ધિ આપણે કમાયા હોઈએ તો, આપણને લાગે છે કે આપણે સાચો રાહ અને સાચા આદર્શો અને વર્તનના સિદ્ધાંતો આપણને લાધ્યા છે. આ કારણે, આપણે એમને સનાતન સત્ય માની લઈએ છીએ; અડગ રીતે તેમને વળગી રહેવાને સદ્ગુણ સમજીએ છીએ. સમાજ જે સિદ્ધિઓને પુરસ્કારે છે તે વ્યક્તિત્વના હ્રાસનું મૂલ્ય ચૂકવીને સધાય છે. તે પાયાની વાતને આપણે વીસરી જઈએ છીએ.

વ્યક્તિની આધ્યાત્મિક સમૃદ્ધિના કે વ્યક્તિત્વની સંસ્કૃતિના જીવનમાં મહત્ત્વપૂર્ણ ઉત્કૃષ્ટ સ્થાનની વકાલત કરતા યુંગ આગળ કહે છે (પૃ. ૧૨૫-૧૨૬):

‘‘માનવજીવનના અપરાહ્નને પોતાનું મહત્ત્વ હોવું જોઈએ અને જીવનના પૂર્વકાળનું એ માત્ર પૂછડું બની રહેવું જોઈએ નહીં” પૂર્વાહ્નનું મહત્ત્વ વ્યક્તિત્વનો વિકાસ સાધવામાં, બહિર્જગતમાં દૃઢમૂલ બનવામાં, પ્રજોત્પત્તિમાં અને આપણાં બાળકોની સારસંભાળમાં રહેલું છે. પ્રકૃતિનો આ સ્પષ્ટ હેતુ છે. પરંતુ, આ અર્થ સિદ્ધ થયો અને સિદ્ધ થવાથીયે આગળ વધ્યા પછીએ પૈસો પેદા કરવો, સિદ્ધિઓનું ક્ષેત્ર વિસ્તારવું અને જીવનનો, વિસ્તાર કરવો, શું આ બાબતને તર્ક અને બુદ્ધિની બધી હદથી બહાર વધારતા રહેવી?

(ક્રમશઃ)

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.