શંકરાચાર્ય પાસે મેધાશક્તિની પ્રખરતા હતી, ચૈતન્ય પાસે હૃદયની વિશાળતા હતી; અને એક એવી વિભૂતિને પ્રગટ થવાનો સમય પાકી ગયો હતો કે જેની અંદર આ મહામેધા અને હૃદયની વિશાળતાનો સમન્વય થયો હોય; એક એવા મહાપુરુષને જન્મવાનો સમય આવી પહોંચ્યો હતો, જેનામાં શંકરાચાર્યની તેજસ્વી મેધાશક્તિ અને ચૈતન્યદેવનું અદ્ભુત વિશાળ હૃદય હોય, જે દરેક સંપ્રદાયમાં એ જ ચૈતન્યને – એ જ ઈશ્વરને કાર્ય કરી રહેલો જુએ, જે ભૂતમાત્રમાં ઈશ્વરને જુએ, જેનું હૃદય ગરીબ, દુર્બળ, અછૂત, પદદલિત, આ વિશ્વમાં ભારતની અંદરના કે ભારતની બહારના સૌ કોઈને માટે દ્રવતું હોય; સાથે સાથે જ જેની ભવ્ય તેજસ્વી બુદ્ધિ એવા ઉદાત્ત વિચારોને પ્રકટ કરે કે ભારતની અંદરના કે ભારતની બહારના સર્વ ધર્મસંપ્રદાયોનો સમન્વય સાધી શકે અને એક આશ્ચર્યજનક સુમેળભર્યો, મેધા અને હૃદય બંનેના સામંજસ્યથી રચાયેલો વિશ્વવ્યાપી ધર્મ અસ્તિત્વમાં લાવી શકે. આવો પુરુષ પ્રગટ્યો અને એના ચરણે વર્ષો સુધી બેસવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું, સમય પરિપકવ થઈ ચૂક્યો હતો; આવા એક પુરુષે જન્મ લેવો એ આવશ્યક થઈ ચૂક્યું હતું અને એ આવ્યો. એમાં પણ સૌથી વધુ નવાઈ જેવું તો એ હતું કે તેના જીવનનું કાર્ય એક એવા શહેરની લગોલગ હતું જે પાશ્ચાત્ય વિચારોથી ભરપૂર હતું, જે પશ્ચિમની ભાવનાઓ પાછળ ગાંડુંતૂર થઈ ગયું હતું, જે ભારતમાં બીજા કોઈ પણ શહેર કરતાં વધુ પાશ્ચાત્ય બની ગયું હતું. કોઈ પ્રકારનું પુસ્તકિયું જ્ઞાન એમનામાં ન હતું . . . પરંતુ આપણાં વિશ્વવિદ્યાલયોના અતિ તેજસ્વી પદવીધરોને સુધ્ધાં જણાયું કે એ પુરુષ બુદ્ધિનો, મેધાશક્તિનો તો હિમાલય છે. આ રામકૃષ્ણ પરમહંસ એક અદ્ભુત પુરુષ હતા. એમની વાત તો બહુ લાંબી છે, અને આજે રાત્રે હવે એ કહેવાનો મને સમય પણ નથી. અત્યારે તો હું માત્ર એટલો જ ઉલ્લેખ કરીશ કે મહામાનવ શ્રીરામકૃષ્ણ, ભારતના સંતોની પૂર્તિ છે, આ યુગના ઋષિ છે. એમનો ઉપદેશ અત્યારે, આ કાળે સૌથી વધુમાં વધુ લાભદાયક છે. એ પુરુષની પાછળ કામ કરી રહેલી દિવ્ય શક્તિને લક્ષમાં રાખજો. એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર, એક ખૂણે પડેલા ગામડામાં જન્મેલો, અજ્ઞાત અને અખ્યાત, આજે યુરોપ અને અમેરિકામાં અક્ષરશઃ લાખો લોકોથી પૂજાઈ રહ્યો છે, અને આવતી કાલે વધારે લાખોથી પૂજાશે. ઈશ્વરની યોજના કોણ જાણી શકે? મારા બંધુઓ! તમે પરમાત્માના હાથને, ઈશ્વરી શક્તિને જોઈ ન શકતા હો તો તેનું કારણ એ છે કે તમે અંધ છો, ખરેખર જન્માંધ છો. જો સમય મળશે, અને બીજી તક સાંપડશે તો હું તેમના વિશે વધારે વિસ્તારથી બોલીશ. અત્યારે તો હું એટલું જ કહીશ કે મેં જો એક શબ્દ સરખોય સત્યનો કહ્યો હોય, તો એ કેવળ તેમનો જ છે; અને જો મેં ઘણી બાબતો એવી કરી હોય કે જે સાચી ન હોય, જે ભૂલ વિનાની ન હોય, જે માનવજાતને કલ્યાણકારી ન હોય, તો તે બધી મારી છે અને એની જવાબદારી મારે શિરે છે.

– સ્વામી વિવેકાનંદ

(‘ભારતમાં આપેલાં ભાષણો’ પૃ. ૧૫૦-૧૫૧)

Total Views: 21
By Published On: October 2, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram