(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિતપ્રબુદ્ધ ભારતપત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ડિસે. ૧૯૮૬માંપ્રબુદ્ધભારતનો વિશેષાંક પ્રકાશિત થયો હતો. તેમાં સંપાદકીય લેખમાં તેમણે પોતાની આગવી ઊંડી ચિંતનશીલ શૈલીમાં શ્રીરામકૃષ્ણદેવના આધુનિક વિશ્વ માટેના અભિનવ પ્રદાન વિશેનું પૃથક્કરણ કર્યું હતું જે આજે વૈશ્વિકીકરણના યુગમાં અત્યંત પ્રાસંગિક છે. શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ આ વર્ષે સમસ્ત વિશ્વમાં ૨૦મી ફેબ્રુઆરીએ ઉજવાશે. એ પ્રસંગે આ મહત્ત્વપૂર્ણ લેખનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)

પ્રાણાર્પણ જગત-તારણ

આપણે જ્યારે શ્રીરામકૃષ્ણની જન્મજયંતી ઉજવી રહ્યા છીએ, ત્યારે થોડા થોભી જઈએ, અને વિચારીએ કે તેમણે વિશ્વ માટે – તમારા અને મારા માટે – શું કર્યું છે. આપણે માનવજીવનના હવા અને સૂર્યપ્રકાશ જેવાં ઘણાં કુદરતી વરદાનોને સ્વાભાવિક રીતે જ સ્વીકારી લઈએ છીએ. આપણને જ્યારે આપણા આત્માની અંદરના કૂવાઓ સૂકાઈ જાય છે ત્યારે જ જીવન-જળની ખોટ વરતાય છે. મહાપુરુષોએ માનવજાતિ ઉપર જે કૃપા વરસાવી છે તે આપણી આસપાસ વિપુલ પ્રમાણમાં વિદ્યમાન હોય છે, પરંતુ તે ઘણી વાર વણપ્રીછી, વણવપરાયેલી કે ન્યૂન – વપરાયેલી રહે છે. ઘણી વખત તો આપણે આ કૃપાને એવી અભાનપણે સ્વીકારી લેતા હોઈએ છીએ કે, તે થોડા જ સમયમાં પૂરેપૂરી રીતે વૈધિક અને રોજિંદી ઘટના બની જાય છે અને આપણો આત્મા તેના પ્રત્યે સજાગ કે સભાન રહેવાનું બંધ કરી દે છે. કંઈ નહીં તો છેવટે આવા જન્મજયંતી-ઉત્સવ જેવા ખાસ પ્રસંગોએ તો આપણે આપણા જીવનના આવાં અભાન ખેંચાણોમાંથી જાગૃત થવું જોઈએ, આધ્યાત્મિક શક્તિના શાશ્વત સ્રોતોની વાહિનીઓની ફરી વખત ખોજ ક૨વી જોઈએ, અને (તેમાંથી) ફરી વખત આપણા આત્માને નવું ભાથું બંધાવવું જોઈએ.

જીવશાસ્ત્રનો એક જાણીતો નિયમ છે કે, દરેક જીવિત હસ્તી તેના પોતાના તાત્કાલિક જૈવિક અસ્તિત્વને ઉલ્લંઘીને તેની પોતાની જૂથ-વ્યવસ્થા ઉપર અસર પાડતી હોય છે. * તે ન્યાયે માનવજાતિની બાબતમાં પણ, દરેક વ્યક્તિ સમાજ ઉપર તેને પોતાને જાણ હોય તે કરતાં પણ ઘણી વધારે અસર પાડતી હોય છે. જો આ સામાન્ય માણસો માટે સાચું હોય તો મહાન ધાર્મિક નેતાઓ અને પયગંબર માટે તો તે કેટલું બધું સાચું હોવું જોઈએ? સામાન્ય માણસોની અસર અસ્થાયી અને મર્યાદિત સ્વરૂપની હોય છે, જ્યારે મહાન ધાર્મિક નેતાઓની અસર વિશાળ પરિમાણમાં હોય છે, અને તે જેના અંત વિષે કદી આગાહી ન કરી શકાય તેવા અનંત, સ્વયંસંચાલિત લયમાં સતત વિકસતાં જતાં વર્તુળોમાં ફેલાતી રહે છે. શ્રીરામકૃષ્ણ આ પ્રકારના પ્રકાશના પયગંબરોના વર્ગના હતા.

શ્રીરામકૃષ્ણના જીવનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિહાળવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ વ્યક્તિના ધ્યાનમાં એક અગત્યનો મુદ્દો આવ્યા સિવાય નહીં રહે કે, તેમણે વિશ્વના કલ્યાણ માટે સતત ‘કાર્ય’ કર્યું હતું. તેમની યુવાનીનો લગભગ સઘળો સમય વિવિધ પ્રકારનાં આધ્યાત્મિક આચરણોમાં વીત્યો હતો જે આધ્યાત્મિક આચરણ પાછળથી સમગ્ર વિશ્વમાં ઈશ્વરની ખોજ કરનારાઓ માટે અત્યંત મૂલ્યવાન સાબિત થયો હતો. તેમના જીવનનો ઉત્તરાર્ધ મુમુક્ષોઓને અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરવાના તેમના પ્રયત્નોમાં સક્રિય સાથ આપવામાં, તથા યુવાનોના એક જૂથને તેમનું (શ્રીરામકૃષ્ણનું) જીવનકાર્ય આગળ ધપાવવા માટે, અને તેમનો સંદેશો ફેલાવવા માટે, તૈયાર કરવામાં વીત્યો હતો. તેમના જીવનની ઉત્કટતાની લગોલગ માત્ર તેમની નિઃસ્વાર્થપરાયણતા અને તેમનો સ્વાર્થત્યાગ જ પહોંચી શકે તેમ હતા. આને કારણે જ સ્વામી વિવેકાનંદે તેમના પ્રખ્યાત સાયંપ્રાર્થના-સ્તોત્રમાં શ્રીરામકૃષ્ણનો – ‘‘જેમણે જગતના ઉદ્ધાર અર્થે પોતાના પ્રાણ અર્પી દીધા હતા’ – પ્રાણાર્પણ જગત-તારણ તે રીતે ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ જગતમાંથી પોતાનું સ્થૂળ અસ્તિત્વ પાછું ખેંચી લીધું, તે પછી તેમના જીવન વિષે શી વાત? આ પ્રશ્નનો ઉત્તર તેમના અનુયાયીઓમાં ‘માતાજી’ તરીકે ઓળખાતા તેમના આધ્યાત્મિક સહધર્મચારિણી શ્રીશારદાદેવીએ આપ્યો છે, અને તે ઉત્તર તેમના આશુતોષ મિત્રા નામના અનુયાયી અને સેવકે બંગાળીમાં લખેલી પોતાની ‘શ્રી મા’ નામની પુસ્તિકામાં નોંધ્યો છે. માતાજી બલરામ બાબુની પત્નીના આમંત્રણને માન આપીને ઓરિસ્સામાં કોઠાર મુકામે થોડો સમય રહેવા ગયા હતા, ત્યારે એક દિવસ બપોરે શ્રી આશુતોષે (તેમના સેવકે) ‘મા’ને વિચારમગ્ન દશામાં બેઠેલાં જોયાં. ઘણા લાંબા સમય પછી તેમણે મૌન તોડ્યું, અને એવો મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કર્યો કે, સ્વામીને કેટલું બધું સહન કરવું પડ્યું છે, તે લોકો નથી જાણતા. તેઓ દેખીતી રીતે જ (શ્રીરામકૃષ્ણના) ‘અવતાર’ના ઉદ્ધાર કાર્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે કાર્ય તેમના ભૌતિક નિધન પછી પણ અટક્યું ન હતું. જગતના કલ્યાણ માટે તેમને વારંવાર જન્મ લેવો પડ્યો હતો. તેમણે (માતાજીએ) આ પહેલાં પોતાને થયેલા એક આભાસની વાત કરી હતી કે જેમાં તેમણે જોયું હતું કે શ્રીરામકૃષ્ણ સર્વ કંઈ બની ગયા હતા અને (સંસારનાં) પ્રાણીઓનાં દુઃખો તેમનાં દુઃખો બની ગયાં હતાં.

‘અવતાર’ હોવું એટલે, કેટલાક લોકો ખોટી રીતે માને છે તેમ માત્ર કોઈ ભક્તિ કે પૂજાના પાત્ર બની રહેવું એવું નથી. તે (અવતાર) એવી પ્રચંડ વૈશ્વિક જવાબદારીઓ વહન કરે છે, કે જે સામાન્ય માણસની તો સમજમાં પણ ન આવે. ‘ગીતા’માં શ્રીકૃષ્ણ કહે છે કે, તેઓ વિશ્વના કલ્યાણ માટે સતત કાર્ય કરે છે. * આ બતાવે છે કે, શ્રીરામકૃષ્ણનું કાર્ય સતત ચાલુ જ છે, અને જેને આપણે તેમના કાર્ય તરીકે જાણીએ છીએ તેને બહુ બહુ તો તેમણે શરૂ કરેલા વિકાસના અમુક પ્રવાહના નિદર્શન રૂપ માત્ર ગણી શકાય. બીજા શબ્દોમાં, શ્રીરામકૃષ્ણ ક્રિસ્ટોફર ઈશરવૂડે તેમને વર્ણવ્યા છે તે રીતે, માત્ર ‘ભૂતકાલીન ઘટના’ નહીં, પરંતુ એક ‘સાતત્યમય’ ઘટના છે.

પરમ (સત્) તત્ત્વનું પ્રગટીકરણ:

ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ ઘટના ૫૨મતત્ત્વના સબળ આધાર વગર લાંબા સમય સુધી ચાલુ રહી શકે નહીં. આનો અર્થ એ થાય છે કે, શ્રીરામકૃષ્ણ એ માત્ર કોઈ ઘટના ન હતા, પરંતુ વધારે સાચી રીતે તો, તેઓ પરમતત્ત્વનું જ પ્રતિનિધિત્વ કરતા હતા. ખરેખર, શ્રીરામકૃષ્ણે એ પરમતત્ત્વના જ પ્રગટકર્તા તરીકે આ યુગમાં પોતાનું અગત્યનું કાર્ય કર્યું છે. આધુનિક સમયના લોકોને અનુભવાતીત (ગુણાતીત) એવા ‘સત્ તત્ત્વ’ના અસ્તિત્વ અંગે, તથા તેનો સાક્ષાત્કાર શક્ય છે તે અંગે નિર્વિવાદ ખાતરીની જરૂર છે. આવી ખાતરી શ્રીરામકૃષ્ણે પોતાના જીવન દ્વારા પૂરી પાડી. પેલા વૈદિક ઋષિએ જેમ જાહેર કર્યું હતું કે, “મેં સૂર્યના જેવા દૈદિપ્યમાન અને અજ્ઞાનના અંધકારની પેલે પાર રહેલા એવા સર્વોચ્ચ આત્માનો સાક્ષાત્કાર કર્યો છે ‘તેને જાણવાથી જ (પ્રાણી) અમરત્વને પ્રાપ્ત કરે છે દુઃખોને પા૨ ક૨વાનો અન્ય કોઈ માર્ગ નથી,” * તે રીતે શ્રીરામકૃષ્ણ પણ (આ જ બાબત) અસંદિગ્ધ શબ્દોમાં કહી શકે તેમ હતા.

ગુણાતીત સત્-તત્ત્વનાં પ્રગટીકરણો તો અગાઉ પણ થયાં હતાં, અને સંખ્યાબંધ લોકોએ તેનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો. પરંતુ આ પ્રગટીકરણો અને અનુભવો આંશિક હતાં, કારણ તેઓમાંના દરેક પેલા ગુણાતીત સત્તત્ત્વના એકાદ ખાસ પાસા સાથે સંબંધ ધરાવતા હતા.

શ્રીરામકૃષ્ણે એ બધા ભૂતકાલીન અનુભવોને તેમના આરંભ સુધી પાછા લઈ જઈને તે બધાને એક જ જગ્યાએ – અર્થાત્, પોતાની જાતમાં – એકત્ર કર્યા, જેથી લોકો એ બધાંનો તુલનાત્મક અભ્યાસ કરી શક્યા. ઈશ્વરીય પ્રાગટ્ય તો કુરુક્ષેત્રમાં, બુદ્ધ ગયામાં, જેરુસલેમમાં, મક્કામાં, થયું જ હતું, પરંતુ કોઈએ તે બધાંને એક જ પવિત્ર ધાર્મિક પરંપરામાં એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો ન હતો.

આ અગાઉ આવો પ્રયત્ન થયો ન હતો, તેનાં બે કારણો છે. એક એ કે, તેમાં ઊંડાં મૂળ નાખેલી અને જટિલ એવી સાંસ્કૃતિક વિભિન્નતાઓને દૂર કરવી પડે તેમ હતું. શ્રીરામકૃષ્ણે આ સાંસ્કૃતિક વિભિન્નતાઓને સ્વીકારી લીધી, અને પછી તે જ વિભિન્નતાઓને અલૌકિક અનુભવ પ્રાપ્ત કરવાના સાધનમાં પરિવર્તિત કરવાનો માર્ગ શોધી કાઢીને, તેમણે આ સમસ્યાનો ઉકેલ આણ્યો. તેમણે શોધેલો એ માર્ગ ક્યો હતો? ચેતનાનું રૂપાંતર. શ્રીરામકૃષ્ણે એ બતાવ્યું કે, માનવ-ચેતનાને યોગ્ય રીતે રૂપાંતરિત કરવાથી દરેક વ્યક્તિ ઉચ્ચતર આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરી શકે છે. યોગનો ખરો અર્થ ચેતનાનું રૂપાંતર – એ જ છે. પરંતુ યોગને કોઈએ અન્ય ધાર્મિક પરંપરાઓના ક્ષેત્રમાં લાગુ પાડ્યો ન હતો. આંતર ધર્મ સમજુતિના અત્યંત જટિલ ક્ષેત્રમાં યોગનો પ્રયોગ, અને તે દ્વારા યોગનું ચેતનાના રૂપાંતર માટેના એક સર્વસામાન્ય રીતે લાગુ પાડી શકાય તેવા માનસશાસ્ત્રીય સાધનમાં પરિવર્તન કરવું – એ જ શ્રીરામકૃષ્ણે વિશ્વસભ્યતાને આપેલી મોટી ભેટ છે. આને આઈન્સ્ટાઈને પોતાના ‘સાપેક્ષવાદના સિદ્ધાંત’ના ઘડતરમાં કરેલા ‘લોરેન્ઝ (Lorenz) રૂપાંતરો’ના ઉપયોગ સાથે સરખાવી શકાય.

વિશ્વના ધર્મોની સંકલિત – પવિત્રતા (holistic)નો ખ્યાલ આ પહેલાં વિકસિત થયો ન હતો. તેનું બીજું કારણ એ છે કે, તે અતિમાનવીય પ્રયત્ન માગી લે છે, સામાન્ય લોકો બહુ બહુ તો માત્ર એક પ્રકારનો ધાર્મિક અનુભવ પ્રાપ્ત કરી શકે છે. એક ખ્રિસ્તીને ‘આધ્યાત્મિક લગ્ન’ તરીકે ઓળખાતા ગૂઢ અનુભવની ઊંચામાં ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, તથા તેને જાળવી રાખવા માટે, મુસ્લિમને ‘ફના’ અને અનલહક’ તરીકે જાણીતા સૂફી – અનુભવની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરવા માટે, હિંદુ યોગીને નિર્વિકલ્પ સમાધિ’ પ્રાપ્ત કરવા માટે, કે બૌદ્ધને ‘નિર્વાણ’ પ્રાપ્ત કરવા માટે, જિંદગીભર પ્રયત્ન કરવો પડતો હોય છે. આ બધા અનુભવોને એક જ જિંદગીમાં તો કોઈ અસાધારણ આધ્યાત્મિક શક્તિઓવાળી વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે છે. યોગીઓમાં શ્રેષ્ઠ એવા શ્રીરામકૃષ્ણે આ ગૂઢ અનુભવના એક પછી એક શિખરો આશ્ચર્યજનક ઝડપે સર કર્યાં હતાં. આ મહાન સિદ્ધિના અજોડપતા વિષે શ્રી અરવિંદે લખ્યું છે:

‘‘અને હમણાં જ બનેલા એક અજોડ ઉદાહરણમાં, અર્થાત્ શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનમાં, આપણને પ્રચંડ આધ્યાત્મિક શક્તિનાં દર્શન થાય છે. તેઓ પહેલાં તો સીધા દૈવી સાક્ષાત્કાર સુધી પહોંચી જઈને જાણે કે સ્વર્ગના રાજ્યને બળજબરીથી પોતાનું કરી લે છે; અને તે પછી એકની પાછળ બીજી, એમ યોગિક પદ્ધતિઓને હસ્તગત કરતા જઈને તે દરેકમાંથી અકલ્પ્ય ઝડપે સારતત્ત્વ ખેંચી લે છે, પરંતુ તે સાથે તેઓ ઈશ્વર – સાક્ષાત્કાર અને ઈશ્વર – પ્રાપ્તિ જેવા બધી વસ્તુઓના હાર્દ સુધી પ્રેમની શક્તિ દ્વારા, અને સહજ રીતે જન્મેલી આધ્યાત્મિકતાના વિવિધ અનુભવોના વિસ્તરણ દ્વારા, તથા અંતઃપ્રેરણાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનના સ્વયંભૂ રમણ દ્વારા હંમેશાં પાછા ફરે છે. આવા ઉદાહ૨ણનું સામાન્યીકરણ શક્ય નથી.”*

ધર્મોની સંવાદિતા:

આજે શિક્ષિત અને સભ્ય લોકો જાણે છે કે, અન્ય ધર્મોની કે સભ્યતાઓની ટીકા કરવી તે અવિનયી અને જંગલી ગણાય છે. તેઓ એમ પણ જાણે છે કે, પોતાની બહુશ્રુતતા સાબિત કરવા માટે ફેંકાયેલાં એક બે અવતરણો સાથે અન્ય ધર્મોનું સારું બોલવાથી તેઓ કદાચ વધારે સભ્ય લાગે તેમ છે. (આજે) એવા સમાજશાસ્ત્રીઓ અને ધર્મવેત્તાઓ પણ છે કે, જેમણે બીજા ધર્મો વિષે ‘ઘટનામૂલક અભિગમ’ અપનાવ્યો છે તેઓ એમ માને છે કે, બીજા ધર્મને સમજવો હોય તો આપણે તે ધર્મને તેના અનુયાયીઓની આંખે જોતાં શીખવું પડશે.’’ આ ઉપરાંત ‘બધા ધર્મો એક છે’ જેવા અંધ અને મૂર્ખતાના દ્યોતક એવાં નિવેદનો પણ કરાતાં હોય છે. (ભારતમાં તે વારંવાર સાંભળવા મળે છે) અધ્યાત્મની સાચી દુનિયામાં આ બધા એક પ્રકારના રૂપાળા પ્રદર્શન જેવા છે. શ્રીરામકૃષ્ણને જેની ખોજ હતી, અથવા જેનો તેમણે ઉપદેશ કર્યો, તે આ ન હતું. તેમને મન ધર્મો વચ્ચેની સંવાદિતા એ માત્ર કોઈ માન્યતા કે સમાજશાસ્ત્રીય સિદ્ધાંત નહીં, પરંતુ પોતાના આત્માની એક મૂળભૂત જરૂરિયાત હતી. તેમને તેમાં (ધર્મોની સંવાદિતામાં) વિપુલ દૈવી સર્જનાત્મકતા તથા માનવજાતિના કલ્યાણ માટેની પ્રચંડ સુષુપ્ત શક્તિઓ સિવાય અન્ય કશાંનાં દર્શન થયાં ન હતાં. તેમને લાગ્યું કે, તેઓ પણ જો આ દૈવી વિપુલતામાં ભાગ નહીં લે, તો તેમનું પોતાનું જીવન અપૂર્ણ રહેશે. તેઓ વિવિધ ધર્મોના આચારો પાળતા તે કોઈ સામાજિક-જરૂરિયાતને કારણે ન હતું. પરંતુ પેલા ‘અંતિમ સત્ય’નો પૂર્ણ અનુભવ પામીને તેમના પોતાના જ જીવનને પૂર્ણ અથવા છલોછલ બનાવવાની ઈચ્છાને કારણે જ હતું. આ હકીકતની સાક્ષી તેમને બીજા કોઈ કરતાં જેઓ વધારે સારી રીતે ઓળખતા હતા તે ‘શ્રી શારદાદેવી’ એ જ પૂરી હતી. માતાજીએ કહેલું:

‘‘તેઓ (શ્રીરામકૃષ્ણ) બધા ધર્મોની સુસંવાદિતાનો ઉપદેશ આપવાના અગાઉથી નકકી કરેલા વિચાર સાથે બધા ધર્મો પાળતા હોય તેવું મને કદી લાગ્યું નથી. તેઓ હંમેશાં દૈવી ભાવમાં લીન રહેતા. તેઓ ઈશ્વરપ્રાપ્તિ માટેના ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને વૈષ્ણવોએ અપનાવેલા બધા મનોભાવો દ્વારા આ ‘દૈવી ખેલ’નો આનંદ લેતા. તેમનાં દિવસ અને રાત્રિ માત્ર આમાં જ પસાર થતાં – તેમને (આ સિવાય) બીજું કશું ભાન જ નહતું.”*

શ્રીરામકૃષ્ણે પોતાના વિવિધ ધર્મોના આચરણ દ્વારા ધાર્મિક સંવાદિતાના નીચે પ્રમાણેના સિદ્ધાંતો શીખાવ્યા છે:

૧. શ્રીરામકૃષ્ણના મત અનુસાર, ‘જેટલાં જુદાં જુદાં મત, તેટલા અંતિમ સત્યને પામવાના જુદા જુદા માર્ગો.’ આનો અર્થ એ કે, બધા લોકો માટે એક જ ધર્મ હોઈ શકે નહીં.

૨. દરેક ધર્મ ‘અંતિમ સત્ય’ના અનુભવ માટે એક સ્પષ્ટ અને અનન્ય માર્ગ પ્રબોધે છે. આનો અર્થ એ કે, જુદા જુદા ધર્મો વચ્ચે જે ભિન્નતા છે, તે વાસ્તવિક છે, અને તે ભિન્નતા વિશ્વનું સંચાલન કરનારી દૈવી વ્યવસ્થામાં એક નિશ્ચિત અર્થ ધરાવે છે.

૩. માત્ર સહિષ્ણુતા કે સામાજિક જરૂરિયાત નહીં, પરંતુ આધ્યાત્મિક અનુભૂતિ એ જ સાચી ધાર્મિક સમજણનો પાયો હોવો જોઈએ.

૪. રંગ બદલતા કાચંડાની કે હાથી જોવા ગયેલા છ અંધજનોની દૃષ્ટાંતકથામાં જેમ છે તેમ, કોઈ પણ વ્યક્તિની ઈશ્વર વિષેની જાણકારી, જો તે તેના પોતાના પથ ઉપરાંત અન્ય પથો દ્વારા પણ ઈશ્વરની થોડીક અનુભૂતિ પ્રાપ્ત ન કરે તો, પૂર્ણ બનતી નથી. તેની ઈશ્વર વિષેની અનુભૂતિઓ જેટલી વધારે, તેટલી વધારે પૂર્ણ તેની આધ્યાત્મિક જિંદગી બને, અને તેનો સામૂહિક જીવનને સમૃદ્ધ બનાવવામાં તેટલો વધારે ફાળો હોય.

શ્રીરામકૃષ્ણે ઉપદેશેલા ધાર્મિક સંવાદિતાના આ સિદ્ધાંતો વિશ્વભરમાં સંસ્કાર સંપન્ન લોકો દ્વારા સ્વીકૃતિ પામી રહ્યા છે, એ નોંધતા આનંદ થાય છે. હવે શ્રીરામકૃષ્ણના વિવિધ ધર્મોના આચરણના આધુનિક માનવી માટેના ઘટિતાર્થો ટૂંકમાં નીચે પ્રમાણે વર્ણવીએ.

(૧) તેણે (વિવિધ ધર્મોના આચરણે) આધુનિક માનવીને બીજા ધર્મો પ્રત્યેનો સાચો અભિગમ કેવો હોવો જોઈએ તે દર્શાવ્યું છે. બીજા ધર્મોને કે બીજા પયગંબરોને માન આપવામાં કે બીજા ધર્મોના માર્ગોનું આચરણ પણ ક૨વામાં પોતાના ધર્મ પ્રત્યેની વફાદારી ત્યજી દીધી છે, તેવો અર્થ થતો નથી. જેવી રીતે નવપરિણિતા સ્ત્રી પોતાના પતિ સાથેના પોતાના ખાસ સંબંધો ઉપર અસર પાડ્યા સિવાય પોતાનાં સાસરિયાંની પ્રેમપૂર્વક સેવા કરે છે, તેવી જ રીતે માણસ પોતાના ધર્મ પ્રત્યેની પોતાની વફાદારી સહેજ પણ ઓછી કર્યા સિવાય અન્ય ધર્મોના સિદ્ધાંતોનો સ્વીકાર કરી શકે છે.

(૨) શ્રીરામકૃષ્ણે વિવિધ ધર્મોનું આચરણ કરીને એ ધર્મોના વ્યાજબીપણાને સ્થાપિત કર્યું. આ હકીકત ઘણા વફાદાર શ્રદ્ધાળુઓને સ્વીકાર્ય નહીં બને, પરંતુ એ હકીકતનો ઈન્કાર થઈ શકે તેમ નથી કે, હજારો લોકોએ, ખાસ કરીને પશ્ચિમમાં, શ્રીરામકૃષ્ણના જીવન અને અનુભૂતિઓ વિષે જાણ્યા પછી પોતાના જ ધર્મમાં ફરી વખત આસ્થા પ્રાપ્ત કરી છે. તેમણે હિંદુઓમાં પોતાના દેવતાઓમાં તો ખરી જ, પરંતુ ખ્રિસ્ત, બુદ્ધ અને મોહમ્મદમાં પણ શ્રદ્ધા વધારી છે.

(૩) શ્રીરામકૃષ્ણના જીવને ‘પૂર્ણ માનવ’ વિષેના એક નવા જ ખ્યાલને જન્મ આપ્યો છે. દરેક ધર્મ પાસે ‘પૂર્ણ માનવ’ વિષે તેનો પોતાનો આદર્શ હોય છે – ખ્રિસ્તી ધર્મમાં સંત, ઈસ્લામમાં પીર, બૌદ્ધ ધર્મમાં બોધિસત્ત્વ, હિંદુધર્મમાં જીવન-મુક્ત (વગેરે) – શ્રીરામકૃષ્ણના જીવને પૂર્ણત્વ આદર્શમાં જરૂરી એવું એક વધારે પરિમાણ ઉમેર્યું છેઃ તે છે અન્ય ધાર્મિક-પંથોનો અનુભવ અને બધા જ ધર્મોના અનુયાયીઓ માટે પ્રેમ. ભૂતકાળમાં સંતો, પાખંડીઓ અને નાસ્તિકો સામે ‘ક્રુઝેડ’ (પવિત્ર યુદ્ધ), જેહાદ કે ધર્મયુદ્ધનો ધર્મોપદેશ આપી શકતા, અને છતાં પોતાનું સંતપણું જાળવી રાખતા, હવે ભવિષ્યમાં આવું બની શકવાનું નથી. એટલું જ નહીં, પરંતુ જેમણે પોતાના ધર્મપથમાં પ્રકાશ પ્રાપ્ત કર્યો હશે, પરંતુ બીજા પથો મારફત ઈશ્વરીય અનુભૂતિ પ્રાપ્ત નહીં કરી હોય, તેમણે પૂર્ણત્વ પ્રાપ્ત કર્યું ગણાશે નહીં. હવે આઘ્યાત્મિક પૂર્ણત્વનો એક નવો જ વૈશ્વિક આદર્શ આકાર લઈ રહ્યો છે. એવા જ આદર્શે બિનસાંપ્રદાયિક ક્ષેત્રમાં તો ક્યારનો ય પગપેસારો કરી દીધો છે. જૉસેફ રૉયસ (Royce) નામના એક આધુનિક લેખક વાસ્તવિકતા પ્રત્યેના ચા૨ અભિગમોની વાત કરે છે, અને જે વ્યક્તિ માત્ર એક જ અભિગમને વળગી રહે છે તેને તેઓ ‘બંધિયાર’ તરીકે ગણે છે.*

(તેને બદલે) બધા જ ધર્મપથોમાં પૂરેપૂરી રીતે સ્વસ્થ રહી શકે તેવો ‘બીનબંધિયાર’ માનવી જ ભવિષ્યનો આદર્શ બની રહેવાનો છે.

(૪) શ્રીરામકૃષ્ણના ધર્મોની સંવાદિતાના ઉપદેશનો એક બીજો ઘટિતાર્થ એ છે કે, બધા જ ધર્મો વ્યક્તિગત કે જૂથ – સંવાદો દ્વારા, તથા ધાર્મિક સિદ્ધાંતોના તુલનાત્મક અભ્યાસ દ્વારા એકબીજાને સમૃદ્ધ બનાવી શકે છે. આ ‘સમૃદ્ધિ’ બે પ્રકા૨ની હોઈ શકે છે. એકનો પાયો છે, માણસને (આ દ્વારા) તેના પોતાના જ ધર્મની અપૂર્ણતાની થતી ઓળખ. દરેક ધર્મમાં કંઈક તો ખામી કે ન્યૂનતા હોય જ છે. આ (ખામી) અન્ય ધર્મોનાં અમુક ઉમદા વલણો અને સિદ્ધાંતોનો સ્વીકા૨ ક૨વાથી દૂર થઈ શકે છે. દાખલા તરીકે, હિંદુ ધર્મ ઈસ્લામમાંથી સમાનતાનો અને ખ્રિસ્તી ધર્મમાંથી ગરીબોની સેવાનો અભિગમ અપનાવી શકે છે. બદલામાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ હિંદુ ધર્મ પાસેથી સહિષ્ણુતા અને ગૂઢ અનુભૂતિનો અભિગમ અપનાવી શકે છે. હિંદુઓનો ‘આત્મા’ અંગેનો સિદ્ધાંત ખ્રિસ્તી અને ઈસ્લામિક ધર્મશાસ્ત્રોમાંના અગત્યના અવકાશને પૂરી શકે તેમ છે.

જ્યારે અન્ય ધર્મોનો અભ્યાસ માણસને તેના પોતાના જ ધર્મમાં જડ માન્યતાઓ, કર્મકાંડો અને સંસ્થાકીય માળખાઓની નીચે દટાયેલા પડેલા જીવનપ્રદ સિદ્ધાંતોના ખજાના તરફ દોરી જાય છે, ત્યારે બીજા પ્રકારની ‘સમૃદ્ધિ’નો ઉદ્ભવ થાય છે. આવું બની શકે છે. માર્ટિન બ્યુબરે હેસેડીમ (Hasidim)ની એક કથાના ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે. આ કથા એવી છે કે, એક ગરીબ રબીને સ્વપ્ન આવ્યું. તેમાં તેને એક યહૂદી સંતે અમુક પૂલ ઉપર જવાનું, અને ત્યાં તેને ખજાનો પ્રાપ્ત થશે તેમ કહ્યું. રબી તે પૂલ પાસે ગયો, તો તેણે એક સૈનિકને ચોકી કરતો જોયો. આ વૃદ્ધ માનવીની ચોર જેવી હિલચાલથી પેલા સૈનિકનું ધ્યાન ખેંચાયું; તેથી તેણે તેની પૂછપરછ કરી. વૃદ્ધ રબીની વાત સાંભળીને પેલો સૈનિક હસી પડ્યો અને મશ્કરી ભર્યા અવાજે તેણે તેને પોતાને આવેલા એક મૂર્ખાઈભરેલા સ્વપ્નની વાત કરી. આ સ્વપ્નમાં એક સંતે તેને (સૈનિકને) એક ગરીબ રબીના રસોડાના ચૂલા નીચે દટાયેલા સોના વિષે કહ્યું હતું. આ સાંભળતાં જ રબી ઝડપથી પોતાના ઘરે પાછો ફર્યો અને તેણે રસોડાની જમીન ખોદી તો ત્યાંથી તેને સોનાના સિક્કા ભરેલો એક મોટો કૂજો મળ્યો. તે જ રીતે, માણસને તેના પોતાના જ ધર્મમાં રહેલા સિદ્ધાંતોની પરિવર્તનકારી શક્તિને સમજવા માટે પણ કદાચ બીજા ધર્મોમાંથી પ્રકાશની જરૂર પડે ખરી.

(૫) છેલ્લે, શ્રીરામકૃષ્ણના ધર્મોની સંવાદિતા વિષેના ઉપદેશે ‘વૈશ્વિક ધર્મ’ વિષેના ખ્યાલને જ બદલી નાખ્યો છે. અત્યાર સુધી દરેક ધર્મ ખાસ કરીને ખ્રિસ્તી, ઈસ્લામ અને બૌદ્ધ ધર્મ પોતે – જ ‘વૈશ્વિક ધર્મ’ છે તેવો દાવો કરતો આવ્યો છે. આ દાવાને આધારે જ તેમાંનો દરેક ધર્મ બધા લોકો પોતાના પ્રત્યે વફાદાર રહે તેવી માગણી કરતો આવ્યો છે. વળી, આ જ દાવાને પરિણામે ધર્મો વચ્ચે સંઘર્ષો અને હરીફાઈઓ ઊભાં થાય છે. (૫રંતુ) શ્રીરામકૃષ્ણે વૈશ્વિકતાનો નવો જ ખ્યાલ રજૂ કર્યો છે, તેમના મતે, ‘વૈશ્વિક ધર્મ’નો અર્થ બધા જ ધર્મોનું એકબીજા પ્રત્યે માન અને સ્વીકૃતિની ભાવના સાથેનું શાંતિમય સહઅસ્તિત્વ, એવો થાય છે. ધર્મને વૈશ્વિક બનાવવાનો અને વર્તમાન સમયના સમાજમાં તેને રચનાત્મક ભાગ ભજવતો કરવાનો આ એક જ રસ્તો છે.

હિંદુધર્મનું એકત્રીકરણ – કેન્દ્ર:

શ્રીરામકૃષ્ણે હિંદુધર્મના એકત્રીકરણ માટેનું કેન્દ્ર પૂરું પાડ્યું છે. તેમના આગમન પૂર્વે હિંદુધર્મ સ્પષ્ટ છબીવાળી કોઈ નક્કર સામાજિક વાસ્તવિકતા કરતાં વધારે તો એક સાંસ્કૃતિક ખ્યાલ હતો. તે નિરર્થક સૈદ્ધાંતિક વિવાદો અને સંસ્થાકીય સંઘર્ષોમાં રાચતા એવા અસંખ્ય પંથોમાં વહેંચાયેલો હતો. શ્રીરામકૃષ્ણ જુદા જુદા પંથોની સાંસ્કૃતિક પરંપરાઓને અનુસર્યા, અને (તેમ કરીને) તેમણે તે બધાની આધ્યાત્મિક યોગ્યતા તથા સામાજિક ઉપયોગિતા દર્શાવી આપી. આને કારણે પાંથિક સંઘર્ષો બીનજરૂરી બની ગયા. તેમણે હિંદુધર્મના બધા જ મહત્ત્વના અવતારો તથા દેવોની ઉપાસના કરી હતી, તથા તેમનો સાક્ષાત્કાર કર્યો હતો. તે બધા સાથેના તેમના તાદાત્મ્ય તેમણે બધા જ હિંદુઓને સ્વીકાર્ય એવું ‘વૈશ્વિક દેવ’ (વેદોમાં ઉલ્લેખાયેલા વિશ્વદેવ) નું પદ અપાવ્યું છે. આ ઉપરાંત, શ્રીરામકૃષ્ણે વેદાંતની વિવિધ વિચારશાખાઓ જેના ઉપર આધારિત છે તેવી દ્વૈતવાદી, વિશિષ્ટાદ્વૈતવાદી અને અદ્વૈતવાદી અનુભૂતિઓને સ્વીકારી હતી તથા પ્રાપ્ત કરી હતી. તેમણે અદ્વૈતને અંતિમ અનુભૂતિ તરીકે સ્વીકારી નથી અને તેમના ‘વિજ્ઞાન’ના સિદ્ધાંતને દ્વૈતવાદી કે બીનદ્વૈતવાદીની યાદીમાં મૂકી શકાય તેમ નથી. તેઓ પોતાની સાધના પૂર્ણ કર્યા પછી જે ‘ભાવમુખ’ સ્થિતિમાં રહેતા તે (સ્થિતિ) એક પ્રકારે ચેતનાના બધા જ વિવિધ સ્તરો તરફ ખૂલતાં દ્વારોવાળી ઓસરી જેવી હતી. આ બધાં દ્વારા તેમણે ધાર્મિક અનુભૂતિના અનેક પરિમાણોયુક્ત પૂર્ણ સ્વરૂપને સ્થાપિત કર્યું, અને તેમ કરીને તેમણે દ્વૈતવાદ કે અદ્વૈતવાદ વગેરેના એકબીજા ઉપ૨ના સાપેક્ષ ચડિયાતાપણા વિષેના વાદવિવાદોની જરૂરિયાતને પણ નાબૂદ કરી.

(ક્રમશઃ)

* આ નિયમની ઉદાહરણ સહિતની ચર્ચા માટે જુઓ, (જે. એચ. સ્ટોર ‘ધી વેબ ઑફ લાઈફ’ ) ન્યુયોર્ક: સીગ્નેટ બુક – ન્યુ અમેરિકન લાયબ્રેરી, ૧૯૫૬

* ગીતા, ૩, ૨૨, ૨૩

* વેદાહમેતં પુરુષં મહાન્તમાદિત્યવર્ણં તમસઃ ૫રસ્તાત્।

તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પન્થા વિદ્યતેડયનાય।।

(તૈત્તિરીય આરણ્યક, ૩: ૧૩: ૧)

* શ્રી અરવિંદો, સિન્થેસિસ ઑફ યોગ (પોંડિચેરી, અરવિંદ આશ્રમ), પૃ. ૩૬ આ ‘ઘટનામૂલક’ દૃષ્ટિબિંદુ મૂળ ઍડમંડ હસર્લે શરૂ કરેલું. તે પછી તે મુખ્યત્વે ક્રીસ્ટેન્સન અને વાન ડેર  લ્યુના પ્રયત્નોને કારણે ધર્મના સમાજશાસ્ત્રનું એક અંગ બની ગયેલ છે. જુઓ, જી.વાન ડેર લ્યુ ‘રીલિજિયન ઈન ઈસેન્સ એન્ડ મૅનીફેસ્ટેસન’ (ન્યુયૉર્કઃ હાર્પર ટોર્ચ બૂક્સ, ૧૯૬૩)

* ‘શ્રી શ્રી માયેર કથા’ (બંગાળીમાં) (કલકત્તા: ‘ઉદ્બોધન,’ ૧૩૮૫ બી.એસ.) ગ્રંથ ૨, પૃ. ૨૧૭

* જુઓ, જૉસેફ રૉયસ: ધી ઍન્કેપસ્યુલેટેડ મેન’ (ન્યુયોર્ક: વાન નોસ્ટ્રન્ડ કું. ૧૯૬૪)

ભાષાંતરઃ શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ

Total Views: 17
By Published On: October 2, 2022Categories: Bhajanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram