(અર્વાચીન ભૌતિકવિજ્ઞાનના સંદર્ભે ભારતીય વિચાર)

માનવ ઈતિહાસમાં અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતી બે વિભિન્ન સંસ્કૃતિઓ ઊગેલી દેખાય છે. એમાંની એક બાહ્ય વિશ્વમાં પરમ સત્ તત્ત્વની ખોજ કરે છે. એ આપણી સમક્ષ રહેલ ભૂતાકાશરૂપી અવકાશતત્ત્વ છે. જ્યારે બીજી સંસ્કૃતિ બાહ્ય વિશ્વમાં છેવટના ૫૨મતત્ત્વની ખોજની વ્યર્થતા પારખીને આંતરિક અવકાશમાં જ એ ખોજને વાળતી જણાય છે. એ આંતરિક અવકાશને ચિદાકાશ કહેવામાં આવે છે. આ બીજી સંસ્કૃતિ ભારતીય કહી શકાય અને પહેલી સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ કહી શકાય. આ બીજી સંસ્કૃતિ, પશ્ચિમની સમગ્ર સભ્યતાનો, એના વિજ્ઞાનનો, એની કલાનો, એની વાસ્તુવિદ્યા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને એના ધર્મનો પાયો છે.

ખુલ્લી આંખે ઉપરના છવાયેલા અવકાશ તરફ એકીટસે ઊંડું ધ્યાન ધરતા ઈશુ ખ્રિસ્તની પશ્ચિમી છબિને જોતાંવેંત જ આ વિભિન્નતા ઊડીને આપણી આંખે વળગે છે. જ્યારે બીજી એક છબિ બુદ્ધની છે અને અત્યારે સ્વામી વિવેકાનંદની છે. બન્ને ધ્યાનસ્થ, ગહનતમ ભીતરના ચિદાકાશમાં મગ્ન અને પોતાના ચિદાનંદમય શિવસ્વરૂપને માણતા!

ગ્રીકોએ બાહ્ય વિશ્વમાં પરમતત્ત્વની ખોજ આદરી. ઈન્દ્રિયભોગ્ય સૌન્દર્યના તેઓ પૂજક હતા. તેમના આ દૃષ્ટિકોણનું પરિણામ વીનસના અજાયબ શિલ્પ, પાર્થિયનના ભવ્ય સ્તંભ અને અન્ય અજાયબીભર્યા સર્જનમાં આવ્યું છે.

ભારતે પણ બાહ્ય વિશ્વમાં પરમતત્ત્વની ખોજ આદરી તો હતી. અને એને પરિણામે દક્ષિણનાં ભવ્ય ગોપુરો, કોણાર્કના નજરને પકડી રાખતી શિલાઓ, ખજુરાહો વગેરે સર્જાયાં. પણ ભારતને છેવટે પ્રતીતિ થઈ ગઈ કે બહારનું વિશ્વ ગમે તેટલું વિશાળ અને વ્યાપક હોય તો પણ આખરે એ ‘સાન્ત’ જ (સીમિત જ) છે અને પરમતત્ત્વ તો અનન્ત – અસીમ છે એટલે સસીમ બાહ્ય વિશ્વમાંથી અસીમ પરમતત્ત્વ પામી શકાય નહિ. આથી ભારતે એક બીજી દિશા પકડી. આ નવા વિચારપ્રવાહમાં ભારતને બે વસ્તુઓએ મદદ કરી. એક તો હિમાલય અને બીજી સાગર. હિમાલયમાં એણે દિવ્યાત્મા-દેવતાત્મા નિહાળ્યો અને સાગર-સિંધુમાં એને અસીમ પરમતત્ત્વનું પ્રતીકાત્મક દર્શન થયું. ભારતીયો સૌન્દર્યમાંથી ઉદાત્તતા તરફ વળ્યા અને એ ઉદાત્તતાને પામવા તેમણે ભીતરના – આંતરિક અવકાશ – ચિદાકાશની સફર શરૂ કરી.

આ નવી વિકાસ પામેલી વિચારયાત્રાને સ્વામી વિવેકાનંદે ‘આત્માનું વિજ્ઞાન’ એવું નામ આપ્યું છે. અનંત આત્મતત્ત્વને પામવા ભીતરમાં ખોજ કરવાની એ પ્રક્રિયા છે, આ અધ્યાત્મ વિદ્યા છે. આ ચિદાકાશમાં જ તેમણે પ્રથમ ૫૨મોચ્ચ તત્ત્વની, બ્રહ્મની – હસ્તી નિહાળી. સ્વકીય આત્મા દ્વારા જ આ પરમબ્રહ્મ લાધ્યું હોવાને કારણે ભારતીયોએ તારણ કાઢ્યું કે, ‘‘આત્મા જ બ્રહ્મ છે.” શંકરે કહ્યું કે “જીવો બ્રહ્મૈવ નાપરઃ’’ ભારતવાસીઓએ શોધ્યું કે બહારનું આ ભૂતાકાશ તો ભીતરના અનન્ત અવકાશનું પ્રતિબિંબ માત્ર છે.

આ અભિનવ તત્ત્વે ધીરે ધીરે ભારતીય કલા અને શિલ્પસ્થાપત્ય પર પોતાનો પ્રભાવ જમાવ્યો. કઠોપનિષદમાં કહ્યું છે કે માનવદેહ એ અંતઃસ્થ આત્માનો રથ છે. અને આ રીતે ભારતનાં મંદિરો પણ માનવદેહનાં પ્રતીકો બની રહ્યાં. મંદિરનું ગર્ભગૃહ મસ્તક છે, નૃત્યગીત ખંડ હૃદય ને એની બલિપીઠ માનવમાં રહેલ પ્રાણીતત્ત્વને સુચારુ રીતે અભિવ્યક્ત કરે છે. આમ મંદિર માનવની શરી૨૨ચનાને દિવ્યતા અર્પતું સ્થાન બની ગયું.

પણ છેલ્લાં પંદરસો વરસોથી-નવમી સદી પછીથી – ભારતીય સંસ્કૃતિની આ વાત વિસરાઈ ગઈ. એમાં વળી પશ્ચિમના વિજ્ઞાનના ઉદયે મન અને દ્રવ્ય વચ્ચે, બાહ્ય વિશ્વ અને આંતરવિશ્વ વચ્ચે અને વિશ્વથી અલગ ઈશ્વર અને એ ઈશ્વરથી સદાય ભિન્ન રહેતા માનવ વચ્ચે દ્વૈતની ખાઈ રચીને અધૂરું પૂરું કરી દીધું!

આમ આ કહેવાતા માનવવૈજ્ઞાનિકોએ ચિદાકાશ અને ભૂતાકાશ વચ્ચેના શાશ્વત સંબંધ દર્શાવતા એ તાત્ત્વિક વિચારનો ઘસીને અસ્વીકાર કરી દીધો. સત્તરમી સદીથી માંડીને ડેકાર્ટ, ન્યૂટન અને અન્યોનું તત્ત્વજ્ઞાન પશ્ચિમમાં ફેલાયું અને એણે નવી વૈજ્ઞાનિક ઉપપત્તિઓ વિકસાવી. એ ઉપપત્તિઓ દ્રવ્યજગતને જ છેવટની સ્વતંત્ર હસ્તીરૂપે સ્વીકારે છે. બૌદ્ધિક યુગના પિતા સમા ઇંગ્લેંડના ડૉ. જૉનસને એક વાર મોટા પથ્થરને ઠોક૨ મારીને બર્કલેના, ‘‘વિશ્વ જડદ્રવ્યનું નહિ પણ વિચારોનું બનેલું છે” – એવા સિદ્ધાંતને હસીને ઠુકરાવ્યો હતો! પોતાના યુવાન શિષ્ય આઈન્સ્ટાઈનને એના ગુરુ અર્ન્સ્ટ મૅકે કહ્યું હતું કે વિચારોનો ઓછામાં ઓછો વપરાશ કરીને હકીકતોની પૂરેપૂરી રજૂઆત કરવી એ જ વિજ્ઞાનની સમસ્યા સમજવી જોઈએ.

પરંતુ, વીસમી સદીની શરૂઆતમાં અને ખાસ તો ભૌતિકવિજ્ઞાનમાં સાપેક્ષવાદ અને ક્વાન્ટમ સિદ્ધાંતના અકલ્પ્ય વિકાસને લીધે વિશ્વ સંબંધી ઓગણીસમી સદીનો જૂનો ખ્યાલ એકદમ બદલવા લાગ્યો.

ક્વાન્ટમ સિદ્ધાંતની સાથે આ નવા વિચારો પ્રબળ રીતે ઉપસી આવ્યા. ક્વાન્ટમવિજ્ઞાન એ ભૌતિક- વિજ્ઞાનની ઈલૅક્ટ્રૉન અને પ્રોટૉન જેવા અણુઘટકો સાથે સંબંધ ધરાવતી શાખા છે. આ સૂક્ષ્મતર અણુઘટકો, પેલા સમાહિત શક્તિપુંજ – ક્વાન્ટમમાં કટકે કટકે નીકળતાં રહે છે, તેથી તેમને અણુઘટકો કહે છે. ક્વાન્ટમમાં આ નવા વિચારપ્રવાહનો આદિ પ્રવર્તક હેસનબર્ગ હતો.

૧૯૨૭ની સાલમાં હેસનબર્ગે “અનિશ્ચિતતાનો સિદ્ધાંત” શોધ્યો. આ અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે અણુઘટકને પોતાની કોઈ વિષયગત ખાસ હસ્તી નથી. ટાલબોટે કહ્યા પ્રમાણે એ વિષય અને વિષયીનું; દૃશ્ય અને દ્રષ્ટા (વૈજ્ઞાનિક)નું છૂટું ન પાડી શકાય તેવું સંયોજન છે. હેસનબર્ગની આ શોધ પછી મન અને જડદ્રવ્યનું દ્વૈત, પ્રયોગકર્તા વૈજ્ઞાનિક અને પ્રાયોજ્ય વિષયનો ભેદ હંમેશ માટે નામશેષ થઈ ગયો!

એણે જાહેર કર્યું કે વિશ્વના વિષય – વિષયીના સામાન્ય ભેદ, આંતરવિશ્વ અને બાહ્ય વિશ્વના ભેદ તેમ જ શરીર અને આત્માના ભેદ હવે પૂર્ણ તથ્ય રહ્યા નથી. આ ભેદ આપણને મુશ્કેલીઓ તરફ દોરી જાય છે.

પરંતુ હવે એક વધારે મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો આ પારમાર્થિક સત્તા સમાંતરે સર્વત્ર ફેલાયેલી હોય, તો વિષય અને વિષયીમાં પ્રથમ કોને ગણવું? શું વિષય (દૃશ્ય) વિષયીમાં (દ્રષ્ટા-કર્તામાં) જ્ઞાન પેદા કરે છે કે પછી વિષયીચૈતન્ય (દ્રષ્ટા-કર્તા) જ બાહ્ય જગતને – વિષયને હસ્તી આપે છે? શંકાશીલ થૉમસને પુનરુજજીવિત ઈશુનું દર્શન થયું. પ્રશ્ન એ છે કે શું પુનરુજજીવિત ઈશુ થૉમસને પોતાનું દર્શન કરાવે છે કે પછી થૉમસની પોતાની ચેતનાના ઊંચા સ્તરે જ ઈશુનું દર્શન કર્યું? શ્રોડિંજરના તરંગસમીકરણે આ પ્રશ્નનો અટલ એકમાત્ર જવાબ આપી દીધો અને સ્વામી વિવેકાનંદે વિશ્વને જે વિચાર લગભગ એક સદી પહેલાં કહ્યો હતો તેને સ્વીકારવાની વિજ્ઞાનવાદી જગતને ખરેખર ફ૨જ પાડી દીધી કે ‘‘આપણે જ આપણું વિશ્વ બનાવીએ છીએ.” તો આ સત્ય તરફ નવા ભૌતિક-વિજ્ઞાનીઓ એકાએક કેમ ઢળી પડ્યા તે જોઈએઃ

ઈરવીન શ્રૉડિંજર નામના બીજા એક નોબેલ વિજેતા ભૌતિક વિજ્ઞાનીએ ઈલૅક્ટ્રૉનના આ તરંગમય સ્વરૂપ પર કામ કરીને શ્રૉડિંજરનું વિખ્યાત તરંગ સમીકરણ શોધ્યું. આ સમીકરણે તરંગ સ્વરૂપ ઈલૅક્ટ્રૉન અને અણુઘટક ઈલૅક્ટ્રૉન વચ્ચે પારસ્પરિક સંબંધ સ્થાપિત તો કર્યો પણ વધારે નવાઈ તો એના જથ્થામાં હતી. શ્રૉડિંજરના આ તરંગ – સમીકરણે કંઈક એવી આશ્ચર્યજનક અને કલ્પનામાંય ન આવે એવી રીતે વિજ્ઞાનીઓના આ દેખાતા – હસ્તી ધરાવતા – વિશ્વને એક જ સ્વપ્નની લગોલગ મૂકી દીધું! હવે તો આ એક અચરજભરી આકર્ષક કથા બની ગઈ છે.

માઈકલ ટાલબૉટે પોતાના ‘રહસ્યવાદ અને નવું ભૌતિકવિજ્ઞાન’ નામના ગ્રંથમાં પોતાની નવી અને શ્રૉડિંજરના સમીકરણમાં નીકળેલી શોધ વિશે આમ લખ્યું છે:

“કેટલાક સંજોગોમાં શ્રૉડિંજરના કહેવા પ્રમાણે કોઈ એક અણુઘટકનો આ તરંગવ્યાપાર અમુક હદ સુધી તો ચાલે છે તો પણ પછી જણાવ્યું છે કે આગળ જતાં એ જ અણુઘટકમાંથી બે સમાન સંભવિત પરિણામો નીપજે છે. અણુઘટકના આ વિવિધ વર્તનનું કારણ લખાણમાં કે નિરીક્ષણમાં મળતું નથી. તેથી આ સમીકરણ અનિશ્ચિત સ્થિતિમાં છે. કારણ કે એ બે પરિણામોમાંથી ક્યા પરિણામને પસંદ કરવું, તે નકકી કરી શકતું નથી.’’

શ્રૉડિંજરનું તરંગ સમીકરણ કંઈક નવું સૂચવે છે. એ બહુઆયામી વૈશ્વિક સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રોડિંજરના તરંગ સમીકરણમાં જુદા જુદા અણુઘટકો સાવ જુદાં જુદાં જ પરિણામો ધરાવે છે. આ પરિસ્થિતિને જાણવી ખૂબ કઠિન છે. પણ છેવટે ગાણિતિક રીતે આપણી સામે જે કંઈ આવી મળે છે તે ઘટનાને ગૅરી ઝુકેવે પોતાના વિખ્યાત પુસ્તક ”The Dancing Wali Masters” માં આ પ્રમાણે સમજાવી છે

‘‘જો બે જુદા જુદા અણુઘટકો સાથે સંકળાયેલ આ તરંગ વ્યાપાર આવી સંભવિતતાઓનું પ્રતિનિધિત્વ કરતો હોય તો તે દરેક અણુઘટક માટે છ આયામો હસ્તી ધરાવે છે. અને જો આ તરંગ વ્યાપાર બાર અણુઘટકો સાથે સંકળાયેલ સંભવિતતાઓનું પ્રતિનિધિત્વ કરે તો એ અણુવ્યાપાર છત્રીસ આયામોમાં હસ્તી ધરાવે છે.’’

આ પરિસ્થિતિ દૃષ્ટિગોચર થવી શક્ય નથી. દ્રવ્યનો આપણો અનુભવ ત્રણ જ આયામોમાં મર્યાદિત છે. તો એ બહુઆયામી અણુઘટકને અનુભવવાનું આપણે માટે કેમ શક્ય બને?

આમ છતાં આ પરિસ્થિતિનું ગણિત છે. ઝુકાવ કહે છે કે, ‘‘ટૂંકમાં હકીકત આ છે કે જ્યારે આપણે કોઈ અણુઘટક કે એના વ્યાપારને નીરખવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આ બહુ-આયામી વસ્તુ સત્તાને કમ કરીને આપણા અનુભવને એને અનુકૂળ કરીએ છીએ.

ઝુકાવ લખે છે: ‘‘ઘણા બધા ભૌતિક વિજ્ઞાનીઓ શ્રૉડિંજરના તરંગ વ્યાપારને કેવળ ગાણિતિક રચના અને વાસ્તવિક દુનિયામાં કશું સત્ય સાબિત ન કરી શકતી એક કોરી કલ્પના માત્ર ગણીને નકારી કાઢે છે. કમનસીબે આવી સમજણે હંમેશા માટે એક પ્રશ્નનો ઉત્તર અશક્ય બનાવી મૂક્યો છે. એ પ્રશ્ન આ છે: ‘‘જો એ કોરી કલ્પના જ હોય તો ખરેખરા અનુભવથી પરખાતી આ સંભવિતતાઓને આ તરંગવ્યાપાર સચોટ રીતે ભાખી કેમ શકે છે? ગૅરી ઝુકાવ આ પ્રયોગની તાત્ત્વિક બાજુને ખૂબ અસરકારક અને પ્રતીતિકર શબ્દોમાં આમ મૂકે છે: ‘‘હકીકતે જ્યારે આ વ્યાપારોને ભૌતિક વાસ્તવિકતા સાથે કશી જ લેવાદેવા વગરના લેખવામાં આવ્યા હોય તો પછી એ કેવી રીતે કશું જ પહેલેથી ભાખી શકે? ફિલસૂફીના પ્રશ્નનું આ વિજ્ઞાનની ભાષામાં કરેલું રૂપાંતર જ છે. ફિલસૂફીની ભાષામાં કહેવું હોય તો આમ કહેવાય કે ‘‘મન દ્રવ્યને કેમ સર્જી શકે?” અથવા ‘‘દ્રષ્ટા વાસ્તવિક સત્તાને કેમ સર્જી શકે?” હૅમ્લેટની મા અને કાકા ભૂત ન હોય તોય હૅમ્લેટ એના પિતાનું ભૂત કેવી રીતે જોઈ શકે? છતાં હૅમ્લેટની આ વારતા અને આપણો પોતાનો અનુભવ આવી પરિસ્થિતિ સાબિત કરે છે! આપણે જાણીએ છીએ કે વાસ્તવિક જીવનમાં આવી ઘટનાઓ બને છે. અણુઘટકોનું આવું બહુઆયામી અચરજભર્યું સ્વરૂપ શ્રૉડિંજરે પોતે જ પોતાના “શ્રૉડિંજરની બિલાડી” નામે વિખ્યાત થયેલા વૈચારિક પ્રયોગ દ્વારા સમજાવેલ છે.

શ્રૉડિંજરે સૂચવ્યું: એક ખાસ યાંત્રિક સાધનવાળી પેટીમાં પૂરેલી બિલાડીની કલ્પના કરો. આ સાધન એક પાતળા કિરણોત્સર્ગી ઉદ્ભવ સ્થાન અને એ કિરણોત્સર્ગી અણુઘટકને શોધી બતાવતા ઉપકરણવાળું છે. એ શોધક ઉપકરણ ઝેરી વાયુના એક ગોળા સાથે જોડાયેલુ છે. અને એવી ગોઠવણ છે કે પાતળા કિરણોત્સર્ગી મૂળમાંથી જો કોઈ અણુઘટક નીકળે અને જો પેલું શોધક ઉપકરણ એને શોધી બતાવે તો પેલો ઝેરી વાયુવાળો ગોળો ફાટી જાય, વાયુ બહાર નીકળે અને બિલાડી મરી જાય! અને જો અણુઘટક નીકળે જ નહિ અને તેથી દર્શક ઉપકરણ એ ન બતાવે તો ગોળો ફાટશે નહિ અને બિલાડી જીવતી રહેશે. આ દર્શક ઉપકરણ એક જ વાર એક મિનિટ માટે ચાલુ કરવામાં આવે છે. આ મિનિટ દરમ્યાન કિરણોત્સર્ગી મૂળ કોઈ ખોળી શકાય તેવા અણુઘટકને બહાર કાઢશે તેવી સંભવિતતા આપણે પચાસ પ્રતિશત ધારી શકીએ. ક્વાન્ટમ સિદ્ધાંત આ કિરણોત્સર્ગી ઘટનાની પહેલેથી જાણ કરાવી શકતો નથી. એ તો કેવળ પચાસ પ્રતિશત સંભવિતતાને જ બતાવે છે. હવે બરાબર રીતે બંધ કરેલી બિલાડી સહિતની આ પેટીને દૂર દૂરના ઉપગ્રહી ધરાતલ પર મોકલી છે. એ પેટી જ્યારે હજુ અવકાશમાં જ હતી, ત્યારે જ તે બંધ પેટીમાંનું યાંત્રિક સાધન કાર્યાન્વિત કરી દેવાયું. હવે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે એ યાંત્રિક સાધન કાર્યાન્વિત થયા પછી તે બિલાડીનું શું થયું? શું પાતળા કિરણોત્સર્ગી મૂળમાંથી અણુઘટક નીકળ્યો હતો ખરો? એમ બન્યું હોય તો બિલાડી મરી ગઈ? અને બીજી પચાસ પ્રતિશત સંભવિતતા પ્રમાણે જો અણુઘટક ન નીકળ્યો હોય તો બિલાડી જીવતી છે? પણ ખરેખરી રીતે ત્યારે બિલાડીનું શું થયું? આજના ભૌતિકવિજ્ઞાન પ્રમાણે આનો જવાબ ત્રણ પ્રકારનો છે.

(અ) પ્રશિષ્ટ ભૌતિક વિજ્ઞાન પ્રમાણે બિલાડી પહેલાં મરી ગઈ હશે કે પછી નહિ મરી હોય. એનું શું થયું તે આપણે પેટી ઉઘાડીને જોઈ લેવું જોઈએ. એ જ ઉપાય છે.

(બ) કૉપનહૅગને આપેલ ક્વાન્ટમતંત્રની સમજૂતી પ્રમાણે આ પરિસ્થિતિ કઈ સાવ સીધી – સાદી નથી.

આ સમજૂતી પ્રમાણે હસ્તી નક્કર વાસ્તવિક્તા તો ત્યારે ધારણ કરે છે કે જ્યારે આપણે એને નીરખી શકીએ. નહિતર તો એ અનિશ્ચિતતાની દુનિયાની ખાલી હસ્તી છે. આધુનિક ભૌતિકવિજ્ઞાન જે તે Superpostion State કહે છે, તેવી જ તે છે. સૂક્ષ્મતમ વિશ્વની જ્યાં સુધી આપણે એને જોઈ ન શકીએ, ત્યાં સુધી કોઈ વિષયગત હસ્તી નથી. શ્રૉડિંજરનો તરંગ વ્યાપાર મરેલી બિલાડી અને જીવતી બિલાડી – એમ બન્ને સંભવિતતાઓ ધરાવે છે. જ્યારે આપણે પેટીમાં જોઈએ ત્યારે જ ફક્ત આ બે સંભવિતતાઓમાંથી એક નક્કર વાસ્તવિક બને છે અને બીજી ખોટી ઠરે છે, એ પહેલાં નહિ. કૉપનહૅગને આપેલી તરંગવ્યાપારની આ સમજૂતી, ‘Copenhegen Collapse’ તરીકે જાણીતી છે. કોઈ સંભવિતતાને ખરી ઠેરવવા પેટીમાં જોવું જરૂ૨નું છે. જ્યાં સુધી નિરીક્ષણ થાય, ત્યાં સુધી તો કેવળ તરંગ વ્યાપાર જ હોય છે અને બિલાડી જીવતી છે કે મરેલી, એવો સવાલ જ નકામો છે.

(ક) આઈન્સ્ટાઈન અને દ’બ્રૉગલેને કૉપનહૅગનની આ સમજૂતી પસંદ નથી. તેમણે એવું સિદ્ધ ક૨વા યત્ન કર્યો કે અનિશ્ચિત વિશ્વ કરતાં અચલ અને નિર્ણીત વિશ્વ જ વધારે સ્વીકાર્ય છે. આઈન્સ્ટાઈન ભારપૂર્વક માને છે કે ક્વાન્ટમના ભાખી ન શકાય તેવા અને અનિશ્ચિતતાથી ભરેલા વર્તનવ્યાપારને લીધે જ આવું થાય છે. પણ હજુ સુધી આવું ‘ગુપ્ત સહજચંચલ’ કશું મળ્યું જ નથી! નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકવિજ્ઞાની યુગેન વીગનરે ૧૯૬૧માં એક બીજું સમાધાન રજૂ કર્યું. એને માઈકલ ટાલબૉટના શબ્દોમાં મૂકીએ: જો શ્રૉડિંજરનું સમીકરણ વાસ્તવ સત્તાનું પ્રતિનિધિત્વ કરતું હોય તો કદાચ ચેતના પોતે જ આ ‘ગુપ્ત સહજચંચલ’ છે અને એ જ નક્કી કરે છે કે કોઈ ઘટનાનું ક્યું પરિણામ ખરેખર થાય છે. વીગનર કહે છે કે શ્રૉડિંજ૨ની બિલાડીનું આ ગળે ન ઊતરે તેવું સંભાવ્ય સત્ય તો માનવચેતનામાં માપક સંકેતદર્શકનો પ્રવેશ થયા પછી જ થઈ શકે. એણે એ વાત ભારપૂર્વક કહી કે ચેતનાના સ્પષ્ટ સંદર્ભ વિના ક્વાન્ટમના આ યાંત્રિક સિદ્ધાંતનું વર્ણન ક૨વું અશક્ય જ છે!

આ વિચારધારાને અનુસરીને ૧૯૫૭માં ભૌતિકવિજ્ઞાની ઍવરેટ, જહૉન-એ-વ્હીલર અને મિલગ્રેહામે બધી બાબતો તપાસી. છેવટે એ ત્રિપુટીએ ‘ઍવરેટવ્હીલ૨ – ગ્રેહામ’ નામની ક્વાન્ટમની યાંત્રિકતાની સમજૂતી રચી. એ અનુસાર, શ્રૉડિંજરના સમીકરણમાં કોઈ પાયાના ગાણિતિક ફેરફારોની જરૂર માને છે કે શ્રૉડિંજરના સમીકરણની કોઈ બાજુ નષ્ટ થતી નથી. ટાલબૉટના કહેવા મુજબ ‘આ સમજૂતી ભૌતિક સત્તાની હસ્તીનો ઈન્કાર કરે છે.’

એ ત્રિપુટીએ રજૂ કરેલ સિદ્ધાંત, શક્ય તેટલી સરળ રીતે આ સમસ્યાનું સમાધાન કરે છે. તરંગવ્યાપાર જ વસ્તુસત્ છે, એવો એ દાવો કરે છે. અને જે સંભવિતતાઓનું એ પ્રતિનિધિત્વ કરે છે તે બધી જ વાસ્તવિક રીતે બને છે. ક્વાન્ટમતંત્ર સંબંધી રૂઢિવાદી ભૌતિકવિજ્ઞાનીઓની સમજૂતી તો એવી હતી કે તરંગવ્યાપારમાં સમાયેલી ઘણી સંભવિતતાઓમાંથી માત્ર એક દૃશ્ય – દેખાયેલી પ્રણાલીવાળી સંભવિતતા જ ખરી ઊતરે છે અને બાકીની બધી નષ્ટ થઈ જાય છે. ઍવરેટ-વ્હીલરનો સિદ્ધાંત કહે છે કે બધી જ સંભવિતતાઓ ખરી જ છે. પણ એક બીજા સાથે સહઅસ્તિત્વ ધરાવતાં વિવિધ વિશ્વોમાં એ ખરી ઊતરે છે.

ક્વાન્ટમતંત્રની કૉપનહૅગનની સમજૂતી અનુસાર બીજી રીતે કહીએ તો શ્રૉડિંજરના તરંગસમીકરણનો વિકાસ, સંભવિતતાઓની અનંત રીતે ફળદાયી સંખ્યાને સર્જે છે. ઍવરેટ – વ્હીલર ગ્રેહામ, સિદ્ધાંત પ્રમાણે શ્રૉડિંજરના તરંગ સમીકરણના વિકાસ દ્વારા વસ્તુસત્ની વિવિધ શાખાઓમાં આ અનંત રીતની ફલદાયી સંભવિતતાઓની સંખ્યા સર્જાય છે.

પ્રાચીન તત્ત્વજ્ઞાનના અર્વાચીન સંસ્કર્તા સ્વામી વિવેકાનંદ આ આખા વિચારને પોતાના ભક્તિ યોગના પ્રવચનમાં આ રીતે સમેટે છે. “આ બાહ્ય વિશ્વ કેવળ સૂચનનું વિશ્વ જ છે. આપણે જે કંઈ જોઈએ છીએ તે બધું આપણા મનમાં ઉઠેલ કલ્પનાનું સર્જન છે. દુષ્ટ માણસ આ જગતને તદ્દન નરક લેખે છે. સારો માણસ તેને સ્વર્ગ લેખે છે અને પૂર્ણ માનવ તેને પરમતત્ત્વ સ્વરૂપ લેખે છે.

પ્રાચીન વેદાન્તતત્ત્વજ્ઞાન માને છે કે આપણી ભીતરની ચેતના જ બાહ્ય વિશ્વ સર્જે છે, ગાઢ અને નિઃસ્વપ્ન નિદ્રામાં પડેલા માણસને ભલા બાહ્ય વિશ્વની કશી સભાનતા હોય છે ખરી કે? ઊંઘમાં ભયંકર વાઘનાં સ્વપ્ન જોતો માણસ પોતે સુરક્ષિત કક્ષમાં સુંવાળી પથારી ૫૨ પડ્યો હોવાની સભાનતાવાળો હોય છે ખરો કે? વેદાન્તનું પ્રાચીન ‘દૃગ્દૃશ્યવિવેક’ નામનું પુસ્તક કહે છેઃ ‘‘આપણી સામેનાં બધાં જ દૃશ્યો ચેતનાની ઉપસ્થિતિ દ્વારા સંચાલિત આપણી બુદ્ધિની કલ્પનાઓ જ છે. કેવળ શુદ્ધ આત્મચેતના જ દ્રષ્ટા છે. એ આપણી ભીતર છે. એને કોઈ જોઈ ન શકે કારણકે એ પોતે દ્રષ્ટા છે.”

અર્વાચીન ભૌતિકવિજ્ઞાને, ખાસ કરીને શ્રૉડિંજરના તરંગસમીકરણે તો આ જુગજૂના સત્યને માત્ર ટેકો જ આપ્યો છે કે એક માત્ર ચેતના જ ઘણી વાસ્તવિકતાઓ સર્જે છે. શ્રૉડિંજર કહે કે, ‘ચેતના તો સંખ્યામાં એક જ છે.’ આધુનિક ભૌતિકવિજ્ઞાનના પિતા મૅક્સ પ્લૅન્કે ચેતનાને સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું છે. શ્રી આઈ. ડબલ્યુ. એન. સુલીવાને ‘ઑબ્ઝર્વર’ વતી મુલાકાત લેતાં તેમને પૂછ્યું: ‘‘તમે માનો છો ખરા કે ચેતનાને દ્રવ્ય અને નિયમની પરિભાષામાં સમજાવી શકાય?’’ મૅક્સ પ્લૅન્કે એનો નકા૨માં જવાબ આપીને ઉમેર્યું કે ‘‘ચેતનાને હું પાયાનું તત્ત્વ ગણું છું અને દ્રવ્યને ચેતનાની નીપજ સમજું છું. ચેતનાથી પર કોઈ તત્ત્વ આપણે પામી શકતા નથી. જે વિષે આપણે વાત કરીએ છીએ તે બધું જ, જે કંઈ હસ્તી ધરાવતું આપણે માનીએ છીએ તે બધું જ ચેતના પછીનું સર્જન છે. (જાન્યુ. ૨૫, ૧૯૩૧ના ઑબ્ઝર્વરના અંકમાં પ્રકાશિત)

નોબેલ વિજેતા ભૌતિકવિજ્ઞાની વોલ્ફગેન્ગ પાઉલી એવા શબ્દો લખે છે કે જે ખરી રીતે ‘દૃગ્દૃશ્યવિવેક’ના ઉપર લખેલ શબ્દોનું રૂપાંતર જ છે:

“અંતઃ કેન્દ્રમાંથી જાણે મનસ્તત્ત્વ બહાર નીકળતું દેખાય છે અને બાહ્ય દૃષ્ટિએ એ ભૌતિક વિશ્વ છે.”

આધુનિક યુગમાં અદ્વૈતવેદાન્તના પ્રખર પુરસ્કર્તા સ્વામી વિવેકાનંદ આ વિચારને પોતાની પ્રતીતિકારક વાણીમાં આ રીતે સમજાવે છે:

‘‘વસ્તુ સત્ આંતરવિશ્વ બાહ્ય વિશ્વ કરતાં અનંતગણું મોટું છે. બાહ્ય વિશ્વ તો એ વસ્તુ સત્ની માત્ર છાયા કલ્પના જ છે. દ્રવ્ય એટલે વિચારોનું બાહ્યીકરણ જ.”

રૂપાન્તર: કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 31
By Published On: October 2, 2022Categories: Jitatmananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram