(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજરામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસવારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત યુવ-શિબિરમાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન તેમણે યુવા ભાઈ – બહેનોએ પૂછેલા વિભિન્ન પ્રશ્નોના સચોટ અને સુંદર ઉત્તરો આપ્યા હતા. તેનો સારસંક્ષેપ અહીં યુવા વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. – સં.)

પ્રશ્ન: શું આપ સંન્યાસી લોકો રાષ્ટ્ર માટે રાજનીતિમાં પ્રવેશ કરી શકો? જોહાતો કેવી રીતે? જોનાતો શા માટે?

ઉત્તર: આજના યુગમાં કેટલાક સંન્યાસીઓ અને સંન્યાસિનીઓએ રાષ્ટ્ર અને ધર્મ માટે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે, જેના વિશે આપ જાણો છો. પરંતુ સામાન્ય રીતે સંન્યાસી રાજનીતિમાં પ્રવેશ કરતા નથી કારણ કે સંન્યાસજીવન અને રાજનીતિનું લક્ષ્ય, આદર્શ, કાર્યપદ્ધતિ અને કાર્યક્ષેત્રમાં મૂળભૂત ફરક છે. રાજનીતિ સામાજિક અધિકારોની લડાઈ છે. જ્યારે સંન્યાસી પોતાના સમસ્ત સામાજિક અધિકારોનો ત્યાગ કરે છે. રાજનીતિમાં બીજાને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે સંન્યાસનો મુખ્ય ઉદ્દેશ સ્વયંને સુધારવાનો છે. રાજનીતિમાં બીજાના દોષ જોવામાં તથા બતાવવામાં આવે છે; સંન્યાસીઓ પોતાના દોષને જોઈને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ કારણે જ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓને રાજનીતિમાં પ્રવેશ કરવા માટે નિષેધ કર્યો હતો.

પ્રશ્ન: સંન્યાસી લોકો સામાન્યતઃ વાળ શા માટે કાપી નાખે છે?

ઉત્તર: દેહની જેમ વાળની સાથે પણ આપણી આસક્તિ રહે છે. આપણે સૌ વાળને ઓળવા – શણગારવા પસંદ કરીએ છીએ. આ ‘કેશાસક્તિ’ કહેવામાં આવે છે. સંન્યાસી પોતાની બધી જ લૌકિક અને પારલૌકિક વાસનાઓ ત્યાગવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે જ તે મુંડિત મસ્તક થાય છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ આ કારણે ઘણો સમય અને શક્તિનો ક્ષય થતો બચી જાય છે.

પ્રશ્ન: મારું નામ સુશાંત છે; પરંતુ આ મારો વાસ્તવિક પરિચય નથી. હું આખરે કોણ છું? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે?

ઉત્તર: એ તો તમારે સ્વયં શોધવું પડશે. આપણાં શાસ્ત્રો કહે છે કે સ્વરૂપતઃ આપણે બધા નિત્ય – શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મા છીએ. શાસ્ત્ર આ બાબતમાં આપણાં સહાયક થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી આપણે સ્વયંના વાસ્તવિક સ્વરૂપની અપરોક્ષાનુભૂતિ ન કરીએ ત્યાં સુધી બૌદ્ધિક જ્ઞાન હોવા છતાં પણ આપણે પોતાને સ્વરૂપતઃ ન જાણી શકીએ. પ્રત્યેક વ્યક્તિએ ખુદ સાધના કરીને એ એક ચિરંતન સત્યનો પુનઃ સ્વયં માટે સાક્ષાત્કાર કરવો પડે છે.

પ્રશ્ન: આત્મા અમર છે, માનવ શરીરની અંદર છે. જો આત્મા અમર છે તો માનવ પણ અમર હોવો જોઈએ. તો પછી માનવ શા માટે મૃત્યુ પામે છે?

ઉત્તર: પ્રત્યેક માનવના બે ભાગ હોય છે: એક વાસ્તવિક માનવ અને બીજો પ્રાતિભાસિક માનવ. સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય-શુદ્ધ-બુદ્ધ – મુક્ત, અમર આત્મા વાસ્તવિક માનવ છે. જ્યારે દેહ અને મનના સંઘાતને સામાન્ય રીતે ‘માનવ’ કહેવામાં આવે છે. વસ્તુત: ફક્ત પ્રાતિભાસિક અથવા Apparent માનવ છે. વાસ્તવિક માનવનો ન તો ક્યારેય જન્મ થાય છે કે ન તો ક્યારેય મૃત્યુ, પરંતુ પ્રાતિભાસિક માનવ જન્મ ગ્રહણ કરે છે. અને મરે છે. પ્રાતિભાસિક માનવ તથા વાસ્તવિક માનવ કે આત્માને એકબીજાથી અલગ કરવામાં અસમર્થ હોવાને કારણે આપણને એવું પ્રતીત થાય છે, કે દેહના મૃત્યુ સાથે આત્માનું પણ મૃત્યુ થયું, પરંતુ વસ્તુતઃ આત્મા સદા અમર જ રહે છે.

પ્રશ્ન: ઈશ્વર શું છે?

ઉત્તર: ઈશ્વર વિષયક અનેક માન્યતાઓ પ્રચલિત છે. પાતંજલ યોગશાસ્ત્ર અનુસાર ઈશ્વર એક પુરુષ અથવા આત્મવિશેષ છે. જે પંચક્લેશ, કર્મબંધન, કર્મફળ તથા સંસ્કારોથી મુક્ત તથા ગુરુઓનો પણ પરમગુરુ છે. કારણ કે તે કાળ દ્વારા સીમિત નથી. ભક્તિશાસ્ત્રમાં ઈશ્વરને જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરવાવાળા નિયન્તા બતાવવામાં આવ્યા છે. વેદાંત અનુસાર ઈશ્વર કર્મફળ દાતા માયાધીશ છે. તે સગુણ પણ છે નિર્ગુણ પણ તથા એનાથી વધુ અન્ય પણ છે. તે આપણા આત્માનો આત્મા પરમાત્મા છે. જૈન અને બૌદ્ધ  મતાવલમ્બી ઈશ્વરને માનતા નથી પરંતુ જિન અને બુદ્ધની ઈશ્વરની જેમ જ ઉપાસના કરે છે.

પ્રશ્ન: માનવજીવનમાં ઈશ્વરની માન્યતાનું શું મહત્ત્વ છે?

ઉત્તર વસ્તુતઃ માનવનો ઉચ્ચતમ આદર્શ જ ઈશ્વર છે. ભલે કોઈ વ્યક્તિ પોતાના (સ્વયં)થી ભિન્ન ઈશ્વરનો અસ્વીકાર કરે પરંતુ તે સ્વયંની સત્તા, ચૈતન્યતા અને આનંદ સ્વરૂપતાનો અસ્વીકાર ન કરી શકે. પ્રત્યેક માનવ પોતાની અંદર રહેલ સત્તા, જ્ઞાન અને આનંદને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે, અને ઈશ્વરની ધારણા અને માન્યતા આ બાબતમાં સહાયક થાય છે.

પ્રશ્ન: ઈશ્વરને મેળવવાનો ઉપાય શો છે?

ઉત્તર: ઈશ્વર પ્રાપ્તિના અસંખ્ય માર્ગો છે. સ્વામી વિવેકાનંદે આ માર્ગોને કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને ભક્તિયોગ – આ ચાર યોગોમાં સમાવિષ્ટ કર્યો છે. એમાં ભક્તિયોગ સૌથી સરળ છે.

પ્રશ્ન: મંદિરમાં જવાનો મુખ્ય ઉદ્દેશ શો છે?

ઉત્તર: આપણું મન સંવેદનશીલ છે અને ઉપરથી વાતાવરણનો પ્રભાવ પડે છે. સાંસારિક વાતાવરણમાં મનમાં સાંસારિક વિચા૨ ઊઠે છે. મંદિર, દેવાલય, આશ્રમ આદિનું પવિત્ર વાતાવરણ મનને પવિત્ર અને શાંત કરવામાં સહાયક થાય છે.

પ્રશ્ન: શું મંદિરમાં જવાથી જ શાંતિ મળી શકે? શું ભગવદ્-ભક્તિનો આ એક માત્ર ઉપાય છે?

ઉત્તર: શાંતિ મેળવવાના અનેક ઉપાય છે, મંદિરમાં જવું એમાંનો એક છે. ગરીબ, દુ:ખી, રોગી, પીડિત, આર્ત વ્યક્તિની તેને ભગવાન સમજી સેવા કરવી એ શાંતિ પ્રાપ્તિ તથા ભગવદ્ ભક્તિનો શ્રેષ્ઠતર ઉપાય છે.

પ્રશ્ન: નૈતિકતા શું છે? એ અંતર્ગત કઈ વાતો આવે છે?

ઉત્તર: નૈતિકતા, કાળ, પાત્ર અનુસાર ભિન્ન હોય છે. એ એક સાપેક્ષ વસ્તુ છે, નિરપેક્ષ નહીં, જે એક ગૃહસ્થ માટે નૈતિક છે તે એક સંન્યાસી માટે અનૈતિક હોઈ શકે છે. પરંતુ જો તમારે કોઈ માપદંડ જ જોઈએ તો નિઃસ્વાર્થતાને લઈ શકો.

પરોપકાર: પુણ્યાય, પાપાય પરપીડનમ્।

પરોપકાર પુણ્ય છે, નૈતિકતા છે; બીજાને દુઃખ આપવું અનૈતિક છે, પાપ છે.

પ્રશ્ન: મહત્ત્વાકાંક્ષા અને લક્ષ્યમાં શું તફાવત છે? જીવનનું ચરમ લક્ષ્ય શું છે?

ઉત્તર: Ambition અથવા મહત્ત્વાકાંક્ષા એક ઈચ્છા અથવા વાસના વિશેષ છે, જેને આપણે પોતાનું લક્ષ્ય બનાવી લઈએ છીએ. આ છેવટે આપણાં બંધન અને દુઃખનું કારણ બને છે. સામાન્ય રીતે આપણા જીવનમાં અભિલાષા અને લક્ષ્ય એક બનીને વિદ્યમાન રહે છે. આ જ કારણથી જીવનમાં દુઃખનો અંત આવતો નથી. મહત્ત્વાકાંક્ષામાં ફલાકાંક્ષા રહ્યા કરે છે. અને આ ફલાસક્તિ જ બંધન અને દુઃખનું કારણ છે. ફલાકાંક્ષા રહિત લક્ષ્ય જ સાચું લક્ષ્ય છે. તમે જે બનવા માગો છો; મેળવવા માગો છો; જેને તમે લક્ષ્ય બનાવ્યું છે એમાંથી ફલાસક્તિ ત્યાગી દો તો એ જ વાસ્તવિક વિશુદ્ધ લક્ષ્ય બની શકશે.

જીવનના ચરમ લક્ષ્યને મોક્ષ, મુક્તિ, નિર્વાણ, સ્વરૂપોપલબ્ધિ, આધ્યાત્મિક સુખપ્રાપ્તિ વગેરે અનેક નામ આપવામાં આવ્યાં છે. ચરમ લક્ષ્યને મન સમક્ષ રાખીને એ (લક્ષ્ય સુધી પહોંચવા)ના સોપાન તરીકે નાનાં-નાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરો.

પ્રશ્ન: હું એકાગ્રતા અને શાંતિ માટેના આવશ્યક નિયમોને જાણું છું, હું કાર્ય માટે એક સમયપત્રક પણ બનાવું છું, પરંતુ બનાવેલા નિયમો અથવા સમયપત્રક અનુસાર પાલન કરી શકતો નથી અને મારા લક્ષ્યમાંથી ચ્યુત થઈ જાઉં છું. કૃપા કરી ઉપાય બતાવશો.

ઉત્તર: આ ફક્ત તમારી જ સમસ્યા નથી, બધાની સમસ્યા છે; સાધકોની પણ આ જ સમસ્યા છે કે તેઓ પોતાની ઈચ્છા અનુસાર નિયમોનું પાલન કરી શકતા નથી. પરંતુ સંઘર્ષ કરતા રહેવા સિવાય અન્ય કોઈ ઉપાય પણ નથી.

એક સરળ ઉપાય આ છે કે સૌ પ્રથમ કોઈ એક સાદા-સરળ નિયમને લેવો અને તેને પૂરો કરવાનો પ્રયત્ન એક મહિના સુધી કરવો. ઉદાહરણ તરીકે જો તમે સૂઈને સવારે મોડેથી ઊઠતા હો તો સૂર્યોદયના અડઘા કલાક પહેલાં ઊઠવાનો નિયમ બનાવો અને અલાર્મની મદદથી ઊઠો, ઊઠીને પછી તુરત જ પથારીનો ત્યાગ કરો. મુખ ધોઈ લો, આ પ્રકારે એક મહિના સુધી આને કર્યા પછી બીજો કોઈ નિયમ આ સાથે જોડી દો. આ રીતે તમે એક વર્ષમાં ૧૨ નિયમોને, બાર સારી આદતોને તમારા ચરિત્રનું અંગ બનાવી શકશો.

આપણે કેટલીક વાર ઘણી વાતો અને અઘરી વાતો એક સાથે કરવા ઈચ્છીએ છીએ. જે હાલ આપણી ક્ષમતાની બહાર છે, એટલે નિષ્ફળ થઈએ છીએ.

એ પણ સ્મરણીય છે કે અસફળતાથી ગભરાવું ન જોઈએ અને એક બે વાર અસફળ થવાથી પ્રયત્ન છોડી દેવો ન જોઈએ. સંઘર્ષ કરતા રહો. સંઘર્ષ – સંઘર્ષ – સંઘર્ષ આ જ ઉપાય છે.

(ક્રમશઃ)

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.