(ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે – ‘તેન ત્યક્તેના ભુંજિથા:’ ‘ત્યાગ દ્વારા ભોગવો!’ આ ઉપદેશને કેન્દ્રબિન્દુમાં રાખી સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણંવત શાહ નવી પેઢીને સ્વીકાર્ય થાય એવા ધર્મની રજુઆત કરે છે, જેને તેઓ અસ્તિત્વનો ઉત્સવ માને છે. – સં.)

ધર્મના સૌથી મોટા બે દુશ્મનો તે ઝનૂન અને જડતા. ધર્મના સૌથી મોટા બે મિત્રો તે વિચાર અને આચાર. સદીઓથી એક વાતે ધર્મ માર ખાતો રહ્યો છે. જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર ટકી નથી શકતો અને જ્યાં જડતા હોય ત્યાં આચાર ધર્મપોષક નથી હોતો. પોલી ધાર્મિકતાનું ખાસ લક્ષણ એ છે કે ધર્મના બે મોટા દુશ્મનો જ આપણને મિત્ર લાગવા માંડે છે. આવું બને ત્યારે ધર્મનું અરણ્યરુદન ભીડના જયઘોષો વચ્ચે માણસને સંભળાતું નથી. દુશ્મનો વહાલા લાગવા માંડે ત્યારે મિત્રો છોભીલા પડીને દૂર ચાલી જાય છે. ખાટલે મોટી ખોડ આ છે. ખોખલી ધાર્મિકતા એટલે સાગનું તાપણું.

નવી પેઢી નવો ધર્મ ઝંખે છે. આ માટે હવેનાં વર્ષોમાં ધર્મના ગુરુત્વમધ્યબિંદુને મંદિરતા, દેવળતા કે મસ્જિદતાને બદલે માનવતાના ફળિયામાં શોધવું પડશે. મઠની હઠને કારણે જૂનો ધર્મ કેટલા રોગોને છાતીએ ચાંપી બેઠેલો. નવા ધર્મને આ રોગોથી બચાવી લેવાનો છે.

નવો ધર્મ દેહવિરોધી નહીં હોય

નવો ધર્મ પૃથ્વીવિરોધી નહીં હોય

નવો ધર્મ સ્ત્રીવિરોધી નહીં હોય

નવો ધર્મ સહજવિરોધી નહીં હોય

નવો ધર્મ આનંદવિરોધી નહીં હોય

નવો ધર્મ જીવનવિરોધી નહીં હોય

નવી પેઢીનાં યુવક યુવતીઓને ક્યારેક પ્રશ્નો ઊઠે છે:

ધર્મનો સંબંધ બાવળિયા વૈરાગ્ય સાથે છે કે ગુલમહોરના પ્રફુલ્લન સાથે?

ધર્મનો સંબંધ કડવા લીમડાના ઔષધીય ગુણો સાથે છે કે વડની શીળી છાયા સાથે?

ધર્મનો સંબંધ કાંટાળા થોરિયા જેવી શુષ્કતા સાથે છે કે સુંદરતા અને સુગંધ સાથે?

ધર્મનો સંબંધ કેવળ ત્યાગ સાથે છે કે પછી ઈશોપનિષદ કહે તેમ ‘ત્યાગીને ભોગવવા’ સાથે?

ધર્મનો સંબંધ અસંગ્રહ, દરિદ્રતા અને કષ્ટ સાથે છે કે સમૃદ્ધિ, સગવડ, છલોછલતા અને સાક્ષીભાવ સાથે?

ધર્મ અને સહજતાને શું બારમો ચન્દ્રમા છે?

તાણથી બચાવે અને ચંદનલેપની શીતળતા અર્પે એવો ધર્મ ક્યાં જડે? શું સગવડ-માત્ર અધર્મ છે?

જીવનમાં બધું મળી જાય પછી પણ શાની ખોટ વર્તાયા કરે છે? ખરા સુખની શોધ શી રીતે કરવી?

આવા તો અનેક પ્રશ્નો યુવક યુવતીઓને ઊઠે છે. એમની ભૂલોમાં હોય છે એટલી પ્રામાણિકતા પણ ધર્મગુરુઓના ભૂલ વગરના લાંબાલચક ઉપદેશોમાં નથી હોતી. પરિણામે આપણો દેશ હજી દેવદાસી પ્રથાના, બાળલગ્નોના, અસ્પૃશ્યતાના, દહેજપ્રથાના, સતીપ્રથાના અને દંભી જીવનશૈલીના ધાર્મિક અત્યાચારોને કારણે કણસી રહ્યો છે. આપણાં લાખો ગામડાંઓમાં અભણતાના, અંધશ્રદ્ધાના, આળસના અને રોગમૂલક અસ્વચ્છતાના ઉકરડાઓ સદીઓથી સચવાઈ રહ્યા છે. યાદ રહે કે ‘સ્વરાજ્ય’ શબ્દ મૂળે ઉપનિષદનો શબ્દ છે. દેશનો સામાન્ય માણસ પરંપરાનાં, રિવાજોનાં અને ગતાનુગતિકતાનાં કેદખાનામાં સબડે છે. એની મજબૂરી પણ ‘ધાર્મિક’ અને એના પર થતા અત્યાચારો પણ ‘ધાર્મિક’!

આપણા ઋષિઓ દેહવિરોધી, સુખવિરોધી, પૃથ્વીવિરોધી, આનંદવિરોધી કે જીવનવિરોધી ન હતા. ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિએ તો ‘કર્મ કરતાં રહીને પૂરાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખવી,’ એમ કહ્યું. એ જ ઋષિએ ત્યાગીને ભોગવવાની વાત કરી. આમ ભોગવવાનો વિરોધ ઋષિને માન્ય નથી. તેઓ તો ભોગવવાની કળા શીખવાડે છે. ભોગવવું એ ગુનો નથી; પાપ નથી.

ઉપનિષદના ઋષિએ બ્રહ્મની વાતો કરી તે પણ કેટલી પ્રતીતિજનક છે! તેમણે બ્રહ્મની વાત પણ અવ્યવહારુ, અદ્ધર અને અવાસ્તવિક ભૂમિકાએ નથી કરી. ભૃગુ નામના પ્રસિદ્ધ ઋષિ વરુણના પુત્ર હતા. એમના મનમાં બ્રહ્મ વિષે જાણવાની તીવ્ર ઉત્કંઠા જાગી. પિતા વરુણ બ્રહ્મનિષ્ઠ મહાત્મા હતા. પિતાની અનુમતિ લઈ ભૃગુએ પોતાની જીવનશોધ શરૂ કરી. જે કંઈ જડ્યું તેને આ પ્રમાણે ક્રમશઃ પિતા સમક્ષ રજૂ કર્યું.

અન્ન બ્રહ્મ છે. (અન્નમય કોશ)

પ્રાણ બ્રહ્મ છે. (પ્રાણમય કોશ)

મન બ્રહ્મ છે. (મનોમય કોશ)

વિજ્ઞાન બ્રહ્મ છે. (વિજ્ઞાનમય કોશ)

આનંદ બ્રહ્મ છે. (આનંદમય કોશ)

યુવાનોને આવી પાયાની વાત ન ગમે એવું બને ખરું? જે ધર્મ અન્નને બ્રહ્મ ગણે એ દેહવિરોધી હોઈ જ ન શકે. જે ધર્મ પ્રાણને બ્રહ્મ ગણે એ જીવનવિરોધી હોઈ જ ન શકે. જે ધર્મ મનને બ્રહ્મ ગણે એ કદી સહજવિરોધી હોઈ ન શકે. જે ધર્મ વિજ્ઞાનને બ્રહ્મ ગણે એ કદી પૃથ્વીવિરોધી ન હોઈ શકે. જે ધર્મ આનંદને બ્રહ્મ ગણે તે કદી સુખવિરોધી, કષ્ટપ્રધાન કે શુષ્ક હોઈ શકે ખરો? ધર્મગુરુઓએ ભારે હઠપૂર્વક ધર્મને નીરસ, કષ્ટકેન્દ્રી અને દુઃખપ્રધાન બનાવીને કેવો અનાકર્ષક બનાવી દીધો! એમના આ ધાર્મિક ગુનાની સજા આજે માનવજાત ભોગવી રહી છે. સમૂળી ક્રાંતિ જ માણસને આવી ‘ધાર્મિક’ ગુલામીમાંથી છોડાવીને આનંદથી છલકાતા, વિજ્ઞાનથી રસાયેલા, મનનો આદર કરનારા, પ્રાણને પ્રગટ કરનારા તથા અન્નનો સ્વાદ પામીને શરીરને સાચવનારા હસમુખા માનવસમાજ (સ્માઈલિંગ સોસાયટી)નું નિર્માણ કરી શકે. એકવીસમી સદી આવા માનવસમાજના નિર્માણનો પ્રારંભ કરનારી સદી બની રહેશે.

રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓમાં નૂતન માનવની ઝંખના આ રીતે વ્યક્ત થઈ છે:

હે ધરતીમાતા!
અજાણ્યા તરીકે
હું તારે કિનારે ઊતરેલો,
મહેમાન થઈને
તારા ઘરમાં રહેલો
અને હવે
મિત્ર બનીને
તારે દ્વારેથી વિદાય લઉં છું.

હવે પછીની એકવીસમી સદીમાં બે શબ્દો માનવજીવનમાં ભારે પ્રભાવક બની રહેવાના છે:

(૧) ઈકૉલૉજી (સંતુલનશાસ્ત્ર)

(૨) ઈલૅક્ટ્રૉનિક્સ (વીજાણુવિદ્યા)

ઈકૉલૉજી એટલે પ્રકૃતિનું સંતુલન. ઈકૉલૉજી શબ્દ મૂળે ગ્રીક ‘ઑઈક્સ’ ૫૨થી આવ્યો છે, જેનો અર્થ થાય છે, ‘પરિવારનો સંબંધ’. વળી ગ્રીક શબ્દ ‘ઑઈક્સ’નું પગેરું સંસ્કૃત શબ્દ ‘ઓક્સ્’ સુધી પહોંચે છે અને ઓક્સ્ એટલે ઘ૨. આમ, ઈકૉલૉજીનો સીધો સંબંધ ‘વસુધૈવ કુટુંબકમ્’ જેવા ૫૨મ ધાર્મિક સૂત્ર સાથે છે. ઈકૉલૉજી એટલે પ્રકૃતિના સહજ લયને જાળવનારી કે પછી જાળવવા મથનારી વિદ્યા. જમીન, પાણી અને હવાના પ્રદૂષણ ઉપરાંત ઘોંઘાટ દ્વારા થતું અવાજનું પ્રદૂષણ ટાળવાનું પણ જરૂરી છે. ઔદ્યોગિક ઉકરડાઓ અને કારખાનાંઓના કૅમિકલ ઉત્સર્ગને કારણે પર્યાવરણનું સંતુલન ખો૨વાય છે. પરિણામે દુકાળ, રેલ અને રોગની સમસ્યાઓ સર્જાય છે અને જીવનનો લય ખોરવાય છે. માણસ પર્યાવરણ સાથે પોતાના અસ્તિત્વનો સૂર મેળવીને, લય જાળવીને જીવે એ જરૂરી છે.

ઈકૉલૉજીને સ્થૂળ કક્ષાએ ન લેતાં જો સૂક્ષ્મ કક્ષાએ સમજવામાં આવે તો એની બાથમાં મહાવીરની અહિંસા, બુદ્ધની કરુણા, ઈસુનો પ્રેમ અને ગાંધીની સાદગીપૂર્ણ જીવનશૈલીની બધી ખૂબીઓ સમાઈ શકે તેમ છે. શુમાકરનું ‘સ્મૉલ ઈઝ બ્યુટિફુલ’ જેવું સૂત્ર વિકેન્દ્રીકરણના ગાંધીવાદી અભિગમને ટેકો કરનારું છે. ઈકૉલૉજીની ઊંડી સમજણ પશ્ચિમના સમૃદ્ધ દેશોને પણ નવી જીવનશૈલીની દીક્ષા આપી રહી છે. આવનારાં વર્ષોમાં આવી નવતર જીવનશૈલી સાથે ધર્મનો અનુબંધ રચાતો રહેવાનો છે. આ ધર્મ ખરેખર પ્રેમધર્મ હશે.

ઈલૅટ્રૉનિકસ દ્વારા પૃથ્વી ૫૨ માર્શલ મેક્ લુહાનની કલ્પનાનું એક એવું સ્વર્ગ રચાઈ રહ્યું છે કે ધર્મગુરુઓએ કલ્પના દ્વારા સમાવેલું કહેવાતું સ્વર્ગ પણ છોભીલું પડી જાય. આ સ્વર્ગ સાથે ઈલૅક્ટ્રૉનની સૂક્ષ્મતાનો, તથા પ્રત્યાયનની વ્યાપકતાનો જાદુ જોડાયેલો હશે. આ સ્વર્ગ માણસનાં ચરણોમાં કૉમ્પ્યુટર, માનવયંત્રો (રોબોટ), ટી.વી, વિડિયો, રેડિયો, ટૅલિફોન, ટૅલૅક્સ, ફૅક્સ અને ઈલૅક્ટ્રૉન માઈક્રોસ્કોપ જેવાં ઉપકરણો હાજર કરી રહ્યું છે. ઈલૅક્ટ્રૉનિક્સ સ્થૂળ અને સૂક્ષ્મ કક્ષાએ આનંદબ્રહ્મની ઉપાસનાને સંકોરે તેવી શક્યતાઓ હાથવગી બનતી ચાલી છે. આ ધર્મને આપણે આનંદધર્મ કહીશું.

વૈચારિક ચકરાવાને અંતે આપણને નૂતન માનવધર્મના બે મહાન શબ્દો જ મળે છે. એ બે શબ્દો તે પ્રેમ અને આનંદ. ઈકૉલૉજી જેવી વિદ્યાના પ્રસાદનું નામ પ્રેમ છે. ઈલૅક્ટ્રૉનિકસ જે સ્વર્ગ રચી આપે તેનું નામ આનંદ છે. નવા માનવધર્મના પાયામાં પ્રેમ અને આનંદ હશે.

શું આપણે ધર્મને નશાની કક્ષાએ લઈ જઈ શકીએ ખરા? આ પ્રશ્નનો જવાબ હકારમાં આપવો હોય તો માણસને ભરપૂર પ્રેમ અને આનંદ મળી રહે એવા ધર્મની સ્થાપના કરવી પડશે.

પ્રેમનો નશો બ્રાઉન સ્યુગરના નશાથી અનેકગણો ચડિયાતો, લાંબુ ટકનારો અને વળી જીવનનાશ ન કરનારો હશે. બ્રહ્માનંદે કહેલું કે: ‘પ્રેમનગર મત જાના મુસાફિર પ્રેમનગર મત જાના.’ લગ્નપ્રથાની અને સૅક્સની સમસ્યાઓ પણ પ્રેમ-રસાયણમાં ઓગળી જતી હોય છે.

પ્રેમ જ્યારે વ્યક્તિલક્ષી (પર્સનલ) હોય ત્યારે પણ ઊંચે લઈ જનારો છે અને એ જ્યારે વ્યક્તિનિરપેક્ષ (ઈમ્પર્સનલ) બને ત્યારે તો ધાર્મિકતાના શિખરની ટોચ પર લઈ જનારો બની રહે છે. ઈસુએ તેથી કહેલું કે તારા પાડોશીને તારી જાતને કરે એ રીતે પ્રેમ કરજે.

આનંદનો નશો પણ ઍલ ઍસ.ડી.ના નશાથી ઊતરે તેવો થોડો છે! સ્થૂળ કક્ષાએ પણ આનંદ, સુખ, સમૃદ્ધિ, સગવડ અને છલોછલતાને પોષનારી ઘટના છે. સૂક્ષ્મ કક્ષાએ એ જ આનંદ આપણી પ્રત્યેક ક્ષણને બ્રહ્મભાવથી શણગારી દેનારો છે. આવી દશાને જ બ્રહ્માનંદ કહ્યો હશે? ભૃગુએ બ્રહ્મની ચડતી કળા બતાવી અને ક્રમશઃ પાંચ બ્રહ્મની વાત સમજાવી તેમાં અન્નબ્રહ્મ, પ્રાણબ્રહ્મ, મનબ્રહ્મ, વિજ્ઞાનબ્રહ્મ અને છેવટે આનંદબ્રહ્મની ધજા ફરકાવી. આવા આનંદની તોલે વળી ક્યો નશો આવે! કવિ ન્હાનાલાલે આવો ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’નો મહિમા કર્યો. ભૃગુ ઋષિએ ‘આનંદ બ્રહ્મ’નો મહિમા કર્યો. આમ નૂતન માનવધર્મના પાયામાં પ્રેમબ્રહ્મ અને આનંદબ્રહ્મ હશે. આવા નૂતન ધર્મમાં માણસ પોતાના અસ્તિત્વને સૃષ્ટિના અસ્તિત્વ સાથે એકાકાર કરવા મથશે. આવી મથામણ પણ આનંદથી ઊભરાતી મથામણ હશે. ચાર્લ્સ કિંગ્સલે કહે છે:

દિવ્યતાથી ભરેલા

અસંતોષથી ઊભરાઈ જવું

અને

ઉમદા ગણાય તેવી શરમથી

લજ્જા પામવું, એ જ

ખરા ગુણવિકાસનું આરંભબિંદુ છે.

મને શ્રીકૃષ્ણ પ્રત્યે ભારે પક્ષપાત છે તેનું કારણ મને પોતાને ઝટ જડતું નથી. કોઈ પૂછે અને જવાબ આપવાની ફરજ પડે તો હું જરૂર કહ્યું કે કૃષ્ણની જીવનલીલામાં પ્રેમ અને આનંદની જે મસ્તી જોવા મળે છે તે અન્યમાં એટલી માત્રામાં નથી જડતી. મારી દૃષ્ટિએ હજી આજે પણ કૃષ્ણ આપણા વિશ્વનેતા બની શકે તેમ છે. મારા આ વિધાનના સમર્થનમાં ત્રણ મુદ્દાઓ રજૂ કરીને હું છૂટી પડવા માગું છું.

(૧) ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવીને અંતે કૃષ્ણ પ્રસન્નતા (પ્રસાદ)નો મહિમા કરે છે. સ્થિતપ્રજ્ઞ પણ શુષ્ક બની રહે એ કૃષ્ણને મંજૂર નથી.

(૨) ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગની છણાવટ કરતી વખતે મૈત્રી અને કરુણાનો મહિમા કૃષ્ણે કર્યો છે. ભક્તિને ના૨દભક્તિસૂત્રમાં પ્રેમસ્વરૂપા અને અમૃતસ્વરૂપા કહી છે. આમ બારમો અધ્યાય પ્રેમને માર્ગે પરમેશ્વરને પામવાની કળા શીખવાડે છે. ભક્તિયોગ એટલે જ પ્રેમયોગ.

(૩) ગીતાના અઢારમા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે: ‘‘સહજ કર્મ દોષયુક્ત હોય તોય છોડવું નહીં.’’ આમ કૃષ્ણ સહજના કિનારે ચાલવાની વાતને સદ્ગુણ કરતાંય વધારે મહત્ત્વની ગણે છે. આવો સહજધર્મ એ જ ગીતાનો સ્વધર્મ.

ટૂંકમાં, યોગેશ્વર કૃષ્ણ પ્રસન્નતા, પ્રેમ અને સહજતાને ઊંચા આસને બેસાડે છે. નવી પેઢીનાં અળવીતરાં લક્ષણોને જો ઝીણી આંખે જોવામાં આવે તો તરત જણાશે કે પ્રસન્નતા, પ્રેમ અને સહજતા પ્રત્યે એ પેઢીને ભારોભાર આકર્ષણ હોય છે. હજારો યુવક યુવતીઓના સંપર્કમાં આવ્યા પછી મને એક વાતની પ્રતીતિ થઈ છે. આજનો યુવાન વાસી ધર્મને સ્વીકારવા તૈયાર નથી પરંતુ અસ્તિત્વના ઉત્સવમાં સામેલ થવા માટે ઉત્સુક છે. એ ધર્મવિરોધી નથી.

અસ્તિત્વના આવા ઉત્સવને જ હું ધર્મ કહું છું.

Total Views: 12
By Published On: October 3, 2022Categories: Gunwant Shah, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram