(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. તા. ૨૭-૧-૧૯૯૦ના રોજ તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સાધકોના પ્રશ્નોના ઉત્તરરૂપે જે કહ્યું હતું, તેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

‘આધ્યાત્મિક’ એ શબ્દ ઉપરથી જ આધ્યાત્મિક જીવનનો અર્થ પ્રકાશિત થઈ જાય છે. ‘આધ્યાત્મિક’ શબ્દનો અર્થ, ‘આત્મા સંબંધી’ એવો થાય છે. એટલે જે જીવન સાથે આત્મભાન સ્પષ્ટ હોય, એને જ ‘આધ્યાત્મિક જીવન’ કહેવાય. આપણે આપણા પોતાના આત્માને બરાબર રીતે ઓળખી શક્તા નથી. ‘આત્મા’ એટલે શું? કોઈ કહે છે: ‘આ દેહ જ આત્મા છે’. તો વળી બીજો કોઈ કહે છેઃ ‘આત્મા આ દેહમાં રહે છે’ અને ‘કદાચ આ દેહમાંથી નીકળીને બહાર ફરવા પણ જાય છે!’ આવી રીતે આત્માના વિષયમાં ભારે સંદેહ અને મતમતાંતરો છે.

સવાલ થાય કે આપણે કોઈ પોતે આપણને પોતાને જ ન ઓળખીએ એટલા બધા કંઈ નિર્બળ તો નથી. દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જે પોતાને જ ન જાણે! સૌ પોતપોતાને ઓળખે જ છે. ‘હું’ એમ સૌ પોતપોતાને પિછાણે છે જ. તો બસ, એ જ ‘આત્મા’ છે. આ ‘હું’ને – આત્માને કોણ નથી જાણતું? એમાં વળી સંદેહ અને મતમતાંતર તે વળી શાના?

એનો જવાબ એ છે કે આવું હોવા છતાંય સંદેહ તો છે જ. તે એ કે આપણે જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો ત્યારે સાવ જ નાના હતા, બુદ્ધિયે એવી જ હતી તો ત્યારનો આત્મા અને અત્યારનો આત્મા, એ બન્ને શું એકસરખા છે ખરા કે! જો બન્ને એકસરખા ન હોય તો તો આત્મા આ રીતે હંમેશાં બદલતો જ રહે છે, એમ માનવું રહ્યું. છતાં આપણે પોતાને જે ‘હું’ તરીકે ઓળખીએ છીએ, એ ‘હું’ની ઓળખાણમાં તો કશું પરિવર્તન જણાતું નથી! કારણ કે આપણે નાનપણમાં જેને ‘હું’ તરીકે ઓળખતા હતા, તે જ ‘હું’ આપણે અત્યારે પણ છીએ. એ ‘હું’માં કેમ કશું પરિવર્તન થતું નથી! એટલે એમ જ માનવું પડે કે પરિવર્તન તો શરીરમાં થાય છે, પરિવર્તન બુદ્ધિમાં પણ થાય છે પણ આ ‘હું’ કદીય બદલતો નથી. જો ‘હું’ બદલી જતો હોત તો, જે ‘હું’ નાનપણમાં હતો, તે જ ‘હું’ ‘અત્યારે પણ છું’ એવો અનુભવ કેવી રીતે થઈ શકે? આ ‘હું’ શરીરને જાણે છે, મનને જાણે છે – શરીર-મનનો એ દ્રષ્ટા છે, એ બદલતો નથી. વળી આવો અનુભવ કરનાર કોણ છે? એ શરીર નથી, મન પણ નથી એટલે શરીર અને મનથી પર કોઈક વસ્તુ છે કે જેને આપણે ‘હું’ તરીકે ઓળખીએ છીએ અને એ ‘હું’, આ બધી બદલતી રહેતી વસ્તુઓ કરતાં અલગ છે. ‘હું’ એ બધી વસ્તુઓનો દ્રષ્ટા છે, દેખનાર છે અને બીજી બધી બદલાતી વસ્તુઓ એની ‘દૃશ્ય’ છે, અને એનાથી અલગ છે. અનિત્ય – પરિવર્તનશીલ વસ્તુઓની અંદર જે એક નિત્ય-અપરિવર્તનશીલ સત્તા રહેલી છે, એને જ ‘આત્મા’ કહેવામાં આવે છે. અને ‘અધ્યાત્મ’ એટલે એવા આત્મા સંબંધી જે જ્ઞાન છે, તે છે, એમ સમજી શકાય છે. તો અધ્યાત્મજીવન એને કહેવાય કે જે જીવનમાં માણસ પોતાને ‘હું અપરિવર્તનશીલ આત્મા છું’ એમ માનતો હોય. આત્માની ઓળખવાળું જીવન જ આધ્યાત્મિક જીવન છે, દ્રષ્ટા-દૃશ્યના વિવેકની સમજણ જ આધ્યાત્મિક જીવન છે. શરીર-મન અને ઈન્દ્રિયોને આત્મા ન માનવો એ જ આધ્યાત્મિક જીવન છે; વિશુદ્ધ ચેતન્યને સ્વસ્વરૂપે જોવો એ જ આધ્યાત્મિક જીવન છે.

તો સામાન્ય જીવન કરતાં આ આધ્યાત્મિક જીવનમાં શો તફાવત પડે છે? તફાવત આ છે: આધ્યાત્મિક જીવન જીવતો માણસ માને છે કે ‘‘શરીર પરિણામ પામે છે, પણ આત્મા પરિણામ પામતો નથી; મન-બુદ્ધિ પરિણામ પામે છે, પણ આત્મા પરિણામ પામતો નથી. એટલે આત્મા, શરીર-મન બુદ્ધિથી પર છે એ આત્મા હું છું એટલે શરીર-મનના વૃદ્ધિ-હ્રાસ સાથે મારે કશી લેવાદેવા નથી. હું તો અપરિવર્તનશીલ છું, મનમાં થતાં સુખ-દુઃખ મારાં નથી. એ તો મનનાં જ છે”. આ રીતે સર્વ સુખ-દુઃખથી ૫૨, પરિણામથી પર વસ્તુને જાણનારનું જીવન, એ જ જ્ઞાનીનું જીવન છે. આવો આધ્યાત્મિક પુરુષ સુખ-દુઃખાદિ કશા સાથે સંબંધ જોડતો નથી; એનાથી એ પ૨મુક્ત થઈ જાય છે. આ આત્મભાનમાં અવસ્થિત – લીનતા જ મુક્તિ છે. ઉપનિષદ કહે છે:

આત્માનં ચેદ્ વિજાનીયાદયમસ્મીતિ તત્ત્વતઃ।
કિમિચ્છન્કસ્ય કામાય શરીરમનુસંજ્વરેત્।।

જો કોઈ, ‘હું આ છું’ એ રીતે, ‘તત્ત્વતઃ’ સાચા સ્વરૂપમાં આત્માને ઓળખી લે છે, આમ તો બધા પોતાના આત્માને ઓળખે છે જ, પણ એના સાચા સ્વરૂપમાં કોઈ ઓળખતું નથી એટલે ‘તત્ત્વતઃ’ શબ્દ મૂક્યો છે, હા, તો એવી રીતે ઓળખનારને શું થાય છે? ‘કિમિચ્છન્કસ્ય કામાય શરીર મનુસંજ્વરેત્’ શરીરમાં થતાં પરિવર્તનશીલ સુખો-દુઃખો સાથે એ ભલા શા માટે જોડાય? એટલે, “મારે સુખ નથી, દુ:ખ નથી, હું કોઈ જડ વસ્તુ નથી, હું તો સદા અપરિવર્તનશીલ શાશ્વત ચૈતન્ય છું.” આમ જે સમજે, તે સુખ-દુઃખોથી પર થઈ જાય છે. આવું જીવન જ આધ્યાત્મિક જીવન છે.

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.