એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના કડવાશભર્યા કલહકંકાસોએ તેમને તદૃન ઘાયલ કરી મૂક્યા હતા. તીવ્ર હતાશા અને વિષાદથી ઘેરાયેલા તેઓ હવે ગંભીરતાથી પોતાના ક્ષુલ્લક અને નિરર્થક જીવતરનો અંત આણવા માટે વિચારી રહ્યા હતા. તેમણે નક્કી કરી લીધું કે આત્મહત્યા જ એકમાત્ર આરોવારો છે. એ અંધારી રાતે તેમણે પોતાનું ઘર છોડ્યું અને નિરુદેશ અહીંતહીં તેઓ ભટકવા લાગ્યા. મળસકું થતાં તેમણે વરાહનગરમાં પોતાની બહેનને ઘેર આરામ કર્યો. અને સવાર થયું ત્યારે પોતાના ભાણેજ સિદ્ધેશ્વર સાથે તેઓ કલકત્તાના એક બાગમાંથી બીજા બાગમાં લટાર મારવા લાગ્યા. જ્યાં શ્રીરામકૃષ્ણ વસતા હતા, તે દક્ષિણેશ્વરના મંદિરે પહોંચ્યા ત્યાં સુધી તેઓ આ રીતે આંટા મારતા જ રહ્યા. શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશતાં જ શ્રી ‘મ’ને એવું લાગ્યું કે, જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવતનું વિવરણ કરી રહ્યા હોય. ઓરડામાં હાજર રહેલા ભક્તો સાથે વાર્તાલાપ કરતા શ્રીરામકૃષ્ણના હોઠમાંથી નીતરતા શબ્દો એવા જ મધુર અને એટલા જ તથ્યપૂર્ણ હતા. શ્રી ‘મ’ના મન ઉપર સુધાસમાણા એ શબ્દોની જાદુઈ અસર ઊપજી. શ્રીરામકૃષ્ણે ઉચ્ચારેલી આ ખાતરી જ્યારે તેમણે સાંભળી ત્યારે તેમના મનની ક્ષિતિજમાંથી હતાશાનાં વાદળો હટી ગયાં: “ભગવાન બચાવે, તમારે શા માટે આ દુનિયા છોડી દેવી જોઈએ? તમારા ગુરુને મેળવી લીધા પછી તમે શું કૃતાર્થતા અનુભવતા નથી? એમની કૃપાથી તો કલ્પનાતીત અને સ્વપ્નસેવિત વસ્તુઓ પણ સહેલાઈથી હાથવગી કરી શકાય છે.” જુઓ તો ખરા ક્યાં એક માણસનો પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય અને ક્યાં ઈશ્વરની ખોજ?

આવા આશ્ચર્યજનક જોગાનુજોગે શ્રી ‘મ’ને પોતાના ગુરુદેવ ભણી લાવી મૂક્યા. શ્રી ‘મ’ અને ગુરુદેવ વચ્ચેના સંબંધના આ શ્રીગણેશ હતા, અને એણે શ્રી ‘મ’ના આપઘાત કરવાના નિર્ણયનો છેડો ફાડી નાખ્યો. કોને ખબર હતી કે આ પછીના અન્ય અનેકાનેક જનોના આ પ્રકારના નિર્ણયોનો અંત લાવી દેવાની પ્રક્રિયાના આ શ્રીગણેશ જ હતા! શ્રી ‘મ’એ પોતાની દૈનંદિનીમાં ગુરુદેવની અમૂલ્ય વાણીનું લેખન શરૂ કર્યું. પછીથી એ ‘શ્રીરામકૃષ્ણ ક્થામૃત’ના સ્વરૂપે પ્રકાશિત થયું અને એણે પણ ત્યાર પછી આવી જ જાદુઈ અસર ઉત્પન્ન કર્યા કરી છે, હજારો લોકોના જીવનમાં એણે શાન્તિનું સ્થાપન કર્યું છે; અસંખ્ય દુ:ખી લોકોના જીવનમાં નવજીવનની આશા પ્રગટાવી છે અને આધ્યાત્મિક જીવનને ઝંખતા સર્વ જનોને અમરતાનો રાહ ચીંધ્યો છે.

શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત શ્રી પૂર્ણચંદ્ર ઘોષ પોતાની કૌટુંબિક સમસ્યાને લીધે એક વખત એટલા બધા વ્યથિત થઈ ગયા કે, તેમણે આત્મહત્યા કરી લેવાનો વિચાર કર્યો. સ્નાન કરીને મંદિરમાં ભગવાનને પ્રણામ કર્યા પછી આત્મહત્યા કરી લેવાનું તેમણે નક્કી કર્યું. મંદિરમાં પ્રવેશ્યા પછી તેમણે વિચાર્યું, “લાવને ‘કથામૃત’માંથી થોડુંક વાંચી લઉં. ગુરુદેવના સુંદર સંદેશને વાગોળતો વાગોળતો જ હું આ દુનિયાને છોડી જઈશ.” તેમણે ગમે ત્યાંથી પુસ્તક ઉઘાડ્યું. ત્યાં તેમની આંખ આ વાક્ય ઉપર પડી: “પૂર્ણ એક યુવાન ભક્ત છે. શ્રીરામકૃષ્ણ એના કલ્યાણ માટે ચિંતિત છે.” “હેં?” પૂર્ણ સ્વગત બૂમ પાડી ઊઠ્યો: “અરે, ગુરુદેવ મારે માટે ચિંતા કરી રહ્યા છે અને હું આપઘાત કરું?” એકદમ જ એમણે પોતાના જીવનનો અંત આણવાનો વિચાર માંડી વાળ્યો.

કેરળના એક અભિજાત કુટુંબનો સભ્ય એના કૉલેજકાળ દરમિયાન. ૧૯૪૦નાં પહેલાંનાં વર્ષોમાં ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાયો. એ ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયો અને પોતાની બધી સંપત્તિ અને માલમિલક્ત એણે પક્ષને આપી દીધી. થોડોક વખત પછી એણે લગ્ન કર્યાં. ત્રણ કે ચાર બાળકો થયા પછી ટ્યૂશનોમાંથી થતી આછીપાતળી આવકમાંથી ઘરસંસાર ચલાવવાનું એને માટે દિવસે દિવસે વધુ ને વધુ મુશ્કેલીભર્યું થવા લાગ્યું. કેરળમાં સામ્યવાદી પક્ષ સત્તા પર આવ્યો પણ તેને તેણે કાંઈ સહાયતા ન કરી. એના મિત્રોએ એને નિરાશ કરી દીધો. એની ચિંતાઓની લાંબી યાદીમાં વળી એની સાસુએ વધારે સમસ્યાઓનો ઉમેરો કર્યો. એ ત્રાસી ગયો અને એના મનમાં આપઘાત કરવાના વિચારો રમવા લાગ્યા. તે દરમિયાન એને ત્રિવેન્દ્રમ્‌ના રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લેવાનું બન્યું. ત્યાં એને દસેક વરસ પછી એના પિતરાઈ ભાઈ થતા એક સંન્યાસીને મળવાનો મોકો મળી ગયો. એ સંન્યાસી સાથેની વાતચીતના પ્રસંગ દરમિયાન એણે પોતાની દુ:ખી અવસ્થાનું ચોખ્ખું બયાન કર્યું અને આત્મહત્યા કરવાની પોતાની ઈચ્છા પણ કહી દીધી. સંન્યાસીએ એને આશ્વાસન આપ્યું અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી જવાની સલાહ આપી. એણે અચકાતાં ખચકાતાં આ સલાહ તો માની, પણ છ મહિના પછી એણે એ સંન્યાસીને આનંદસભર અને શ્રદ્ધાયુક્ત સૂરમાં લખ્યું કે, એના જીવતરનો અંત લાવવાના નિર્ણયને ‘ક્થામૃતે’ છોડાવી દીધો છે.

એ જ સંન્યાસીને ૧૯૬૦ના દશકાનાં વરસો દરમિયાન એન. સી. સી. ના (નેશનલ કેડેટ કોર્પ્સના) એક કર્નલે જણાવ્યું કે, એનો એક મેજર, જુનિયર ઓફિસર અવારનવાર જીવન પ્રત્યે અસંતોષનો અને અણગમાનો ગણગણાટ કર્યા કરે છે અને પોતાને બંદૂકથી ઠાર મારવાનો વિચાર કરે છે. કદાચ એનું લગ્નજીવન દુ:ખી લાગે છે. એ સંન્યાસી સાથે સારો સંબંધ ધરાવતા આ કર્નલે સૂચવ્યું કે એ સ્વામીજી મેજર સાથે વાતચીત કરે અને એને જીવનના અને પડકારના સ્વસ્થ માર્ગે વાળવામાં મદદ કરે. એ સંન્યાસીએ કહ્યું: “અમે બંને પરસ્પર અજાણ્યા હોવાથી અરસપરસની વાતચીત તો અસરકારક નીવડે એવું લાગતું નથી. જુઓ, એને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ પુસ્તક આપી દો અને એક વખત એ વાંચી જવાનું કહો અને ત્યાર પછી એને પોતાના જીવન વિશે જે કંઈ કરવું હોય તે કરવા દો. એને કહો કે, ધરતી પર એની હાજરીની કશી જ પરવા કર્યા વગર આ ધરતી તો એની ધરી ઉપર ભ્રમણ કરવાનું ચાલુ જ રાખવાની છે અને આત્મહત્યા કરવી એ તો એક કાયરતા છે અને પાપ છે.” કર્નલે સૂચવ્યા મુજબ કર્યું. થોડા મહિના પછી એણે સંન્યાસીને જણાવ્યું: “સ્વામીજી, ‘કથામૃતે’ મારા જુનિયરને બચાવી લીધો છે. એ પુસ્તક વાંચી લીધા પછી એણે મને સુખદ આશ્ચર્ય થાય એમ કહ્યું કે, ‘આખી દુનિયા કહે તો પણ હું આત્મહત્યા જેવું ભયંકર પાપ આચરીશ નહિ.’”

આ પુસ્તકની બંગાળી, અંગ્રેજી, જર્મન, જાપાની, ફ્રેન્ચ, સ્પેનીશ, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓરિયા, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ અને બીજી કેટલીય જુદી જુદી ભાષાઓમાં ઊતરેલી લાખ્ખો પ્રતો ભારતમાં અને વિદેશોમાં વેચાઈ ચૂકી છે, આ હકીકતથી પણ કથામૃતે કરેલી જાદુઈ અસર કલ્પી શકાય છે. કેટલા વરસો પહેલાં આ પુસ્તકના મૂળ બંગાળી લખાણ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ઉપરના મુદ્રણાધિકારનો પ્રતિબંધ પૂરો થયો, ત્યારે આ પુસ્તકના પુનર્મુદ્રણ માટે ભારે ધસારો થયો હતો અને લગભગ સોળ પ્રકાશનગૃહોએ આ હરીફાઈમાં ઝંપલાવ્યું હતું અને એથી પ્રકાશનની દુનિયામાં જબરી હલચલ મચી ગઈ હતી. એ સમયના એક સામયિકે “Shri Ramkrishna outsells Karl Marx” (‘માર્કસના કરતાંય રામકૃષ્ણ સાહિત્યનું વધુ વેચાણ’) નામનો એક રસપ્રદ લેખ પણ છાપ્યો હતો. તેમાં દર્શાવ્યું હતું કે, ફક્ત પિસ્તાલીસ દિવસોમાં જ પિસ્તાલીસ લાખ રૂપિયાની કિંમતની અઢી લાખ પ્રતો વેચાઈ ગઈ હતી. આ લેખ મુજબ, “પહેલી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી (૧૯૮૩) સુધીમાં થયેલું ‘ક્થામૃત’ નું વેચાણ, પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થયેલા માર્કસના કુલ સાહિત્યના વેચાણને પણ વટાવી ગયું હતું.” આ લેખ આવી રસપ્રદ નોંધ સાથે પૂરો થાય છે: “લાલ ઝંડા તળે (બંગાળમાં) ધાર્મિક પુસ્તકોનો આવો ઉછાળો કેમ ટકી શકે છે, તે આમ એક રહસ્યપૂર્ણ વાત છે…આવું કદાચ એટલા માટે છે કે, બંગાળીઓ સચિવાલયમાં તો જ્યોતિ બસુને બેસાડવા માગે છે પણ તેમના હૃદયમાં તેઓ રાધા-કૃષ્ણને કે પરમહંસને જ બેસાડવા માગે છે.”

અમેરિકાના એક મહત્ત્વના દૈનિક ‘ન્યુયોર્ક હેરોલ્ડ ટ્રીબ્યૂન’ના પુસ્તકસમીક્ષા વિભાગના સાપ્તાહિકની પૂર્તિનાં પચીસ વર્ષ પૂરાં થવાના અવસરે, ૧૯૪૯ ના સપ્ટેમ્બર માસમાં દર્શાવે છે: છેલ્લી પા સદીમાં “The Gospel of Shri Ramakrishna” (શ્રીરામકૃષ્ણના કથામૃત) એ એક સૌથી વધારે આગળ પડતું તત્ત્વજ્ઞાનનું પુસ્તક છે… સમય જતાં એ પ્રવર્તમાન યુગે ઝંખેલા ઈષ્ટ ધર્મની વિશાળ વિભાવનાઓનો પ્રમાણભૂત પાયો બની રહેશે” સને ૧૯૪૮માં ‘અમેરિકન લાયબ્રેરી એસોસિયેશન’ ની ‘ધાર્મિક પુસ્તકોની ગોળમેજી’એ ક્થામૃતની સંક્ષિપ્ત આવૃત્તિનું, ‘તે વર્ષનાં પચાસ આગળ પડતાં પુસ્તકો માંહેના એક’ તરીકે મૂલ્યાંકન કર્યું. ‘રોબર્ટ ઓ’ બાલાક દ્વારા સંપાદિત થયેલા ‘પોર્ટેબલ વર્લ્ડ બાઈબલ’ (પેંગ્વીન ક્લાસીક્સ) માં ‘ક્થામૃત’નાં ૧૨ પાનાં સંગ્રહાયાં છે.

કથામૃતનો જાદુ કેવળ કંઈ જનસમૂહ પર જ અસર પાડીને રહી ગયો નથી. પરંતુ જગતના વિદ્વાનો, ચિંતકો ઉપર પણ એણે પ્રભાવ પાડ્યો છે. આલ્ડોસ હક્સ્લી નામના સુવિખ્યાત ઈતિહાસકારે ક્થામૃતની પ્રસ્તાવનામાં લખ્યું છે: ‘શ્રી ‘મ’એ પોતાની સહજસિદ્ધ શક્તિનો અને જે સંજોગોમાં તેઓ રહ્યા તેનો સદુપયોગ કરીને સિદ્ધ ચરિત્રલેખનના સાહિત્યમાં, મારી જાણ છે ત્યાં સુધી એક અનન્ય ગ્રંથ રચ્યો છે.’

પાંચ-છ વિષયોની અનુસ્નાતક પદવી ધરાવતા અને વૈદિક ગણિતના લેખક પુરીના બ્રહ્મલીન શંકરાચાર્ય, જ્યારે રામકૃષ્ણ મઠના મદ્રાસ કેન્દ્રની અનૌપચારિક મુલાકાતે પધાર્યા (લગભગ ૧૯૪૫માં) ત્યારે તેમણે એવો અભિપ્રાય દર્શાવ્યો કે, ‘કથામૃત’ આ સદીનો સર્વોત્તમ ગ્રંથ છે અને વર્તમાન યુગને માટે એ સર્વશ્રેષ્ઠ આશીર્વાદરૂપ છે. તેમણે કહ્યું: “હું મારી પથારી પાસે ‘ક્થામૃત’ની એક પ્રત રાખું છું અને એમાંથી થોડાંક પાનાં વાંચ્યા પછી જ મારો દિવસ પૂરો કરું છું.”

‘કથામૃત’ના લેખક વિશે સ્વામી યોગાનંદ પરમહંસને પોતાની આત્મકથામાં આ પ્રમાણે કહેવાનું છે: “માસ્ટર મહાશયની શ્રીરામકૃષ્ણ સાથે એટલી બધી ઊંડી એકાત્મતાની લાગણી હતી કે, તેઓ પોતાના વિચારને પણ પોતાનો ગણવાનું ભૂલી જતા.” પૉલ બ્રુટને પણ આવી પ્રશંસા કરી છે: “મને એવો વિચાર આવે છે કે, જે બૌદ્ધિક સંશયવાદને હું હજુ સુધી વળગી રહ્યો છું, તેમાંથી જો કોઈ મને છોડાવી શકે, અને મને સીધી-સાદી સરળ શ્રદ્ધા સાથે જોડી શકે તો તે એકમાત્ર માસ્ટર મહાશય જ છે.”

ગૃહસ્થો તેમ સંન્યાસીઓ-બંનેની કલ્પનાશક્તિને આ ક્થામૃતે એકસરખી રીતેજકડી રાખી છે. શ્રી રામકૃષ્ણના સાક્ષાત્ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીએ એક વખત ક્થામૃતના લેખક માસ્ટર મહાશય (મ)ને કહ્યું હતું: “તપાસ કરતાં મને એવું માલૂમ પડ્યું છે કે, રામકૃષ્ણ સંઘના એંસી ટકા કરતાંય વધારે સંન્યાસીઓએ ક્થામૃત વાંચ્યા પછી અને તમારા સંપર્કમાં આવ્યા પછી સંન્યસ્ત જીવનનો સ્વીકાર કર્યો છે.”

શ્રીરામકૃષ્ણના બીજા એક સાક્ષાત્ શિષ્ય સ્વામી પ્રેમાનંદજીએ એક વખત કહ્યું હતું: “રાત અને દિવસ માસ્ટર મહાશયના મુખમાંથી કથામૃતની ગંગોત્રી વહી રહી છે. હવે શ્રી ઠાકુર (શ્રીરામકૃષ્ણ) માસ્ટર મહાશયના કંઠમાંથી બોલી રહ્યા છે.”

રામકૃષ્ણ સંઘના બીજા અધ્યક્ષ સ્વામી શિવાનંદજીએ ક્થામૃતના ગ્રંથો તરફ આંગળી ચીંધીને કહ્યું: “સકલ ભાવિ કાળ માટે આ ગ્રંથો તેમની અમર યશોગાથા પોકારતા રહેશે અને તેમની સાથે ક્થામૃતના પ્રણેતાનું નામ પણ રહેશે.”

રામકૃષ્ણ સંઘના પ્રથમાધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીએ એક ભક્તને કહ્યું: “હું તને પરમ તત્ત્વની સમજણની-બ્રહ્મજ્ઞાનની-ચાવી એક જ વાક્યમાં આપીશ.” ભક્ત તો જિજ્ઞાસાથી એ અમૂલ્ય વાક્ય સાંભળવા માટે આગળ ઝૂક્યો. એ વાક્ય આ હતું: ‘દરરોજ કથામૃતનું વાચન કરો.’

સ્વામી વિવેકાનંદે ઘણા સમય પહેલાં જગત ઉપર ક્થામૃતની જે જાદુઈ અસર થવાની હતી તેનું આશ્ચર્યજનક ભવિષ્ય ભાખ્યું હતું. આંટપુરથી તેમણે લખેલા ૭ ફેબ્રુઆરી, ૧૮૮૯ના પત્રમાં શ્રી ‘મ’ને જણાવ્યું હતું: “લખલખ ધન્યવાદ, માસ્ટર! તમે તો શ્રીરામકૃષ્ણને બરાબર ખરા કેન્દ્રમાં પકડી પાડ્યા છે! અરે, ઓછા, ઘણા જ ઓછા લોકો તેમને સમજે છે! મારું હૈયું આનંદથી નાચી ઊઠ્યું છે. ભાવિ યુગમાં ધરતી ઉપર શાન્તિ વરસાવનાર સિદ્ધિની મઝધારમાં પૂરેપૂરા પ્રવહમાણ કોઈ જનને જોયા છતાં હું પાગલ કેમ નથી બની જતો, એ જ મને નવાઈ લાગે છે.”

કોઈને નવાઈ લાગે કે કથામૃતના આવા વિદ્યૂત્કારક જાદુનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરીએ:

ઐતિહાસિક દૃષ્ટિએ આ ગ્રંથ અનન્ય છે. કારણ આ પહેલાં વિશ્વના ઈતિહાસમાં કોઈ અવતારી પુરુષના જીવન અને સંદેશની આવી પ્રમાણિત દસ્તાવેજી નોંધ લખવાનો પ્રયત્ન થયો નથી. શ્રી ‘મ’ના પોતાના કહેવા પ્રમાણે, શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશના સંબંધમાં ત્રણ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ થાય છે: (૧) તે જ દિવસે પ્રત્યક્ષ કરેલી અને નોંધ કરાયેલી, (૨) ગુરુદેવના સમયમાં પ્રત્યક્ષ કરેલી વણ નોંધાયેલી અને, (૩) ગુરુદેવના સંબંધમાં સાંભળેલી અને વણનોંધાયેલી. આ ત્રણમાં પહેલી સૌથી વધારે પ્રમાણિત સામગ્રી છે અને કથામૃત આ ક્ક્ષામાં આવે છે. કારણ કે પછીથી પુસ્તકાકારે પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં શ્રીરામકૃષ્ણના પ્રત્યક્ષ વાર્તાલાપોને શ્રી ‘મ’એ તે જ દિવસે પોતાની ડાયરીમાં નોંધી લીધા હતા.

વિભક્તતા, ઘૃણા અને હિંસાથી આજે છિન્નભિન્ન થઈ રહેલા આપણા આ વિશ્વમાં વિશ્વશાંતિ સ્થાપવા માટે અત્યંત આવશ્યક એવા પારસ્પરિક ધર્મસંવાદિતા અને એકતા જેવા સમસામાયિક રસના અને સમયોચિત વિશ્વવ્યાપી આધ્યાત્મિક ચિંતનના વિષયોને આવરી લેતા એક પ્રશિષ્ટ ગ્રંથ તરીકે ક્થામૃત આજે વ્યાપક રૂપે માન્યતા ધરાવે છે. એટલા માટે કથામૃત બધાં શાસ્ત્રોની સમજણ માટે ‘સર્વશાસ્ત્રસાર સંગ્રહ’ બન્યું છે. શ્રીરામકૃષ્ણના અમૃતમય શબ્દોનું સંચયન, આધુનિક માનવજાતના બળ્યાઝળ્યા જીવો માટે એક પ્રશામક ઔષધનું કામ કરે છે. વળી, ઘટનાઓ અને દૃશ્યનું આબેહૂબ ચિત્રણ અને વાર્તાલાપની સરળ પદ્ધતિ એની સમજણને સરળ બનાવે છે. વિવિધ જીવનક્ષેત્રોમાં રહેલાં વિશ્વનાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો – બધાં જ આ કથામૃતમાંથી નક્કર સત્ત્વશીલ પ્રેરણા પામી રહ્યાં છે. કારણ કે તેઓ સૌ સરળતાથી અને આયાસ વગર જ સર્વજનસુલભ આશા, પ્રેમ અને આનંદના ક્થામૃતમાં કહેલા સંદેશ સાથે સંબંધ બાંધી શકે છે.

વિવિધ દૃશ્યો, વિવિધ વિષયો અને વિવિધ ચરિત્રોને સ્પર્શતો આ એક બહુઆયામી ગ્રંથ છે સને ૧૮૮૨ થી સને ૧૮૮૬ સુધીનાં ચારેક વર્ષના સમય ગાળામાં પથરાયેલા વાર્તાલાપોનું વર્ણન એમાં એટલું તો જીવંત છે કે, જો કોઈ આજે પણ વાંચે, તો વાચકની આગળ એ દૃશ્યો પોતાની મેળે હાજરાહજૂર થઈ જાય છે અને વાચક શ્રીરામકૃષ્ણની જીવંત ઉપસ્થિતિનો અનુભવ કરે છે ક્રિષ્ટોફર ઈશરવુડ આ અસરને સુંદર રીતે વર્ણવે છે: “કથામૃતની ક્થાના વાતાવરણનું વર્ણન કરવા માટે મારે જો કોઈ સીધોસાદો શબ્દ વાપરવો હોય તો એ શબ્દ હશે ‘હમણાં જ.’

Total Views: 40
By Published On: October 3, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram