(ત્યાગીને ભોગવો)

ધર્મો જે ઉપદેશ આપે છે તેની પ્રથમ છાપ તો આપણા ઉપર એ પડે છે કે આ જીવનનો અંત લાવવો તે જ સારું છે. જીવનનાં દુઃખોને કેમ ટાળવાં તે પ્રશ્નનો પ્રથમ દૃષ્ટિએ તો ઉત્તર એવો છે કે જીવનનો ત્યાગ કરો. આ પરથી મને એક જૂની વાત યાદ આવે છે, કે એક માણસના માથા પર એક મચ્છર બેઠો હતો. તેને મારવાના ઈરાદે તેના મિત્રે એવો ફટકો લગાવ્યો કે મચ્છર અને પેલો માણસ બન્ને મરી ગયા. અનિષ્ટનો ઉપાય કંઈક આવું કરવાનું સૂચન કરતો દેખાય છે. જીવન દુઃખથી ભરેલું છે, અને દુનિયા અનિષ્ટથી ભરેલી છે; દુનિયાને જાણવા જેટલી ઉંમરે જે પહોંચ્યો છે તેવો કોઈ પણ અનુભવી માણસ આ હકીકતને નકારી શકશે નહીં.

પણ બધા ધર્મોએ ઉપાય શો બતાવ્યો છે? તેઓ કહે છે કે આ દુનિયા કંઈ જ નથી; પણ આ દુનિયાથી પર કંઈક છે, કે જે સત્ય છે. મુશ્કેલી અહીં નડે છે. ઈલાજ સઘળાનો જ નાશ કરતો હોય તેવું જણાય છે. તો પછી તેને ઈલાજ કેમ કહી શકાય? તો પછી શું બહાર નીકળવાનો બીજો કોઈ માર્ગ જ નથી? વેદાંત કહે છે કે માર્ગ છે. બધા ધર્મો જે કહે છે તે સંપૂર્ણ રીતે સત્ય છે, પણ તેને યોગ્ય રીતે સમજવું જોઈએ.

વેદાંત વાસ્તવિક રીતે જગતને વખોડી કાઢતું નથી. ત્યાગનો આદર્શ વેદાંતના ઉપદેશોમાં જે ઊંચી કક્ષાએ પહોંચે છે, તેવો બીજે ક્યાંય પહોંચતો નથી. પણ સાથોસાથ શુષ્ક આત્મઘાતી ઉપદેશ આપવાનો તેનો ઈરાદો નથી. વસ્તુતઃ તે ઉપદેશ જગતને દિવ્ય બનાવવાનો છે- એટલે કે જગત વિષેનો જે આપણો ખ્યાલ છે, કે જગતને જે રીતે આપણે જાણીએ છીએ, જેવું તે આપણને દેખાય છે, તેવાનો ત્યાગ કરીને તે ખરેખર જેવું છે તેવું જાણવાનો છે. તેને દિવ્ય બનાવો; તે ઈશ્વર પોતે જ છે. એક અતિ પ્રાચીન ઉપનિષદના આરંભમાં આપણે વાંચીએ છીએ ‘ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્’’- ‘આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તેને ઈશ્વરથી આચ્છાદિત કરવાનું છે.’

આપણે બધું જ ઈશ્વરથી આવરી દેવાનું છે; પણ તે ભ્રાન્ત સુખવાદથી નહીં, અશુભ પ્રત્યે આંખમીંચામણાં કરીને પણ નહીં, પરંતુ સર્વમાં ઈશ્વરનું ખરેખર દર્શન કરીને, આપણે દુનિયાનો ત્યાગ આમ કરવાનો છે; અને દુનિયાનો ત્યાગ કર્યા પછી આપણી પાસે શું રહે છે? ઈશ્વર. તેનો અર્થ છે? તમારે પત્ની ભલે રહી; પત્નીને તમારે છોડવી પડશે એવું નથી, પણ તે પત્નીમાં તમારે ઈશ્વરનાં દર્શન કરવાનાં છે. તમારાં બાળકોનો ત્યાગ કરો, તેનો અર્થ શો? દરેક દેશમાં પશુ સ્વભાવનાં માણસો જેમ કરે છે તેમ શું તેમને ઘર બહાર હાંકી કાઢવાં? જરૂર નહીં. એ આસુરી વૃત્તિ છે, ધર્મ નથી. તમારે તમારાં સંતાનોમાં ઈશ્વરને જોવાનો છે; તે જ પ્રમાણે દરેક વસ્તુમાં, ઈશ્વર જોવાનો છે. જીવનમાં અને મૃત્યુમાં, સુખમાં અને દુઃખમાં, ઈશ્વર સમાન રીતે હાજર છે. આખુંય જગત ઈશ્વરમય છે. તમારી આંખ ઉઘાડો અને તેને જુઓ. વેદાંત આ શીખવે છે. તમે કલ્પના કરેલા જગતનો ત્યાગ કરો, કારણ કે તમારું અનુમાન અર્ધા અનુભવ ઉપર, બહુ જ દુર્બળ તર્ક ઉપર અને તમારી પોતાની નિર્બળતા ઉપર હતું. તેને છોડી દો. જે દુનિયા વિષે આપણે આટલા લાંબા સમયથી વિચાર કરીએ છીએ, જે દુનિયાને આપણે આટલા લાંબા સમયથી વળગી રહ્યા છીએ, તે આપણે સર્જેલી ખોટી દુનિયા છે; તેનો ત્યાગ કરો. તમારી આંખ ઉઘાડીને જુઓ કે તેવી તે હતી જ નહિ. તે સ્વપ્ન હતું. માયા હતી, જે હતું તે તો ઈશ્વર જ હતો. સંતાનમાં, પત્નીમાં અને પતિમાં તે ઈશ્વર જ છે; સારા મનુષ્યમાં કે ખરાબ મનુષ્યમાં પણ તે જ છે; પાપમાં અને પાપીમાં પણ તે જ છે; જીવનમાં અને મૃત્યુમાં પણ તે જ છે.

કોઈ વસ્તુની આશા ન રાખો. આપણને દુઃખી કઈ બાબત કરે છે? આપણે બધાં દુ:ખો સહેવાં પડે છે, તેનું કારણ તૃષ્ણા છે. તમે કોઈ ચીજની ઈચ્છા રાખો, અને તે ઈચ્છા પરિપૂર્ણ ન થાય તો પરિણામે દુઃખ થાય છે, પણ જો તૃષ્ણા જ ન હોય તો દુઃખ પણ ન હોય. પરંતુ અહીં પણ મારા કથન અંગે ગેરસમજ થવાનો ભય છે. માટે તૃષ્ણાનો ત્યાગ અને દુઃખથી મુક્ત થવાનો અર્થ હું શો કરવા માગું છું તે સમજાવવું જરૂરી છે. દીવાલોને તૃષ્ણા હોતી નથી અને તેઓ કદી દુઃખી થતી નથી; વાત સાચી છે; પણ તે કદી વિકાસ પણ કરતી નથી. ખુરશીને કોઈ ઈચ્છા નથી, તે કદી પણ દુ:ખી થતી નથી, પણ તે કાયમને માટે ખુરશી જ રહે છે. સુખમાં પણ મહત્તા છે, દુઃખમાં પણ મહત્તા છે. જો હું ધારું તો એમ પણ કહું કે દુ:ખોની પણ ઉપયોગિતા છે. દુઃખમાં જે મહાન પાઠ છે તે આપણે સહુ જાણીએ છીએ. આપણા જીવનમાં એવાં સેંકડો કાર્યો આપણે કર્યાં હોય છે, કે જે ન કર્યાં હોત તો સારું એમ આપણે ઈચ્છીએ છીએ. અને છતાં તેઓ આપણા મહાન શિક્ષકરૂપ હતાં. મારે માટે કહું તો મેં થોડાંક સારાં અને ઘણાં ખરાબ કાર્યો કર્યાં છે. તેથી હું ખુશી છું કે મેં સારું થોડું કર્યું છે; અને ભૂલો ઘણી કરી છે, કારણ કે તેમાંની દરેક ભૂલ મને મહાન બોધપાઠ સમાન થઈ છે. હું આજે જે છું, તે મેં કાંઈ કર્યું છે તથા સઘળું વિચાર્યું છે તેના પરિણામરૂપ છું. પ્રત્યેક વિચાર અને કાર્યની અસર થઈ છે, અને આ બધી અસરોનું પરિણામ મારી પ્રગતિ છે.

ઈચ્છાઓ, તૃષ્ણાઓ ખોટી છે તે આપણે બધા સમજી શકીએ છીએ; પણ તેમનો ત્યાગ કરવો તેનો અર્થ શો? એમ જીવન કેમ ચાલી શકે? તે ઉપદેશ પણ પહેલાંના જેવો જ આત્મઘાતી બનશે. ઈચ્છાના નાશ સાથે માનવીનો પણ નાશ થશે. તમારી પાસે મિલકત ન હોવી જોઈએ કે આવશ્યક ચીજો અથવા મોજશોખની ચીજો પણ ન હોવી જોઈએ એવું નથી. તમારે જોઈએ તે લો અને વધારે પણ લો; માત્ર સત્યને જાણો અને અનુભવો. સંપત્તિ કોઈની માલિકીની નથી; માલિકીની, કબજાની ભાવના ન રાખો. તમે કોઈ નથી, હું પણ કોઈ નથી, બીજા પણ કોઈ નથી, બધું ઈશ્વરની માલિકીનું છે, કારણ કે ઈશોપનિષદના આરંભના મંત્રમાં આપણને કહ્યું છે કે બધામાં ઈશ્વરને જુઓ. જે લક્ષ્મીનો તમે ઉપયોગ કરો છો તેમાં ઈશ્વર છે. તમારા મનમાં ઉત્પન્ન થતી ઈચ્છામાં પણ ઈશ્વર જ છે. તમારી ઈચ્છાને સંતોષવા તમે જે વસ્તુઓ ખરીદો છો તેમાં પણ તે જ છે; તમારાં સુંદર કપડાંમાં તે છે, તમારાં સુંદર આભૂષણોમાં પણ તે જ છે. વિચારસરણી આ છે. આ દૃષ્ટિથી તમે વસ્તુઓને જોવા માંડશો કે બધું સદંતર બદલાઈ જશે. જો તમે તમારા પ્રત્યેક હલનચલનમાં, વાતચીતમાં, દેહમાં, સર્વ વસ્તુમાં ઈશ્વરને જોશો તો આખુંય દૃશ્ય બદલાઈ જશે અને આ જગત દુઃખમય લાગવાને બદલે સ્વર્ગસમું બની જશે.

જિસસ કહે છે: ‘‘સ્વર્ગનું સામ્રાજ્ય તમારા અંતરમાં છે.’’ વેદાંત અને પ્રત્યેક મહાન ધર્મગુરુ પણ આમ જ કહે: ‘‘જેને જોવા માટે આંખ છે તે જુએ, જેને સાંભળવા માટે કાન છે તે સાંભળે.’’ વેદાંત એ સિદ્ધ કરે છે કે જે સત્યની આપણે બધો વખત શોધ કર્યા કરીએ છીએ તે અહીં જ છે, બધો જ વખત આપણી પાસે જ હતું. અજ્ઞાનમાં આપણે એમ માનતા હતા કે આપણે ગુમાવ્યું છે; અને રોતાં કકળતાં સત્યની શોધ માટે આપણે જગતમાં ભટકતા હતા, જ્યારે બધો વખત એ આપણા હૃદયમાં જ રહેલું હતું. આપણે તેને માત્ર ત્યાં જ જોઈ શકીએ.

જો આપણે જગતના ત્યાગને તેના જૂના અણઘડ અર્થમાં ઘટાવીએ તો તેનો અર્થ એવો થાય કે આપણે કામ ન કરવું; આપણે આળસુ બની બેસી રહેવું, માટીના ઢેફાની માફક પડ્યા રહેવું, -નહિ કશો વિચાર કે નહિ કશું કર્તવ્ય! -માત્ર પ્રારબ્ધવાદી બની રહેવું, અને પ્રત્યેક સંજોગોમાં એક સ્થળેથી બીજે સ્થળે પ્રકૃતિના નિયમો અનુસાર ઘસડાયા કરવું. પરિણામ આ જ આવે. પણ ખરો અર્થ એવો કદી નથી. આપણે કર્મ કરવું જ જોઈએ. જૂઠી તૃષ્ણાથી ચોમેર ઘસડાતી સામાન્ય જનતા કર્મ વિશે શું જાણે? પોતાની ઊર્મિઓ અને પોતાની ઈન્દ્રિયોથી પ્રેરાતો માનવી કર્મને શું સમજે? જે પોતાની તૃષ્ણાથી ઘસડાતો નથી, જે કોઈ સ્વાર્થથી પ્રેરાતો નથી, તે જ ખરેખર કર્મ કરે છે; કર્મમાંથી જેને કોઈ ફળપ્રાપ્તિનો ઈરાદો નથી તે જ કર્મ કરે છે; કર્મમાંથી જેને કંઈ મેળવવાનું નથી તે જ સાચું કર્મ કરે છે.

ચિત્રના આનંદનો ઉપભોગ કોણ કરે છે? વેચનારો કે જોનારો? ચિત્ર વેચનારો તો પોતાના હિસાબમાં રોકાયેલો હોય છે; ચિત્ર ઉપર કેટલો નફો થશે, તેની ગણતરી, તેનો વિચાર તે કરતો હોય છે; તેનું મગજ તે વિચારોથી જ ભરેલું હોય છે; હરાજીના ભાવો સાંભળવામાં જ તે મગ્ન હોય છે, અને માગણી કેમ વધે છે તે તે જોયા કરતો હોય છે; કેટલી ઝડપથી માગણીઓ વધતી જાય છે તે સાંભળવાને આતુર હોય છે. પણ જે માણસ ખરીદવાના કે વેચવાના કોઈ ઈરાદા વિના ત્યાં ગયો હોય છે, તે માણસ ચિત્રનો ખરો ઉપભોગ કરે છે. તે ચિત્રને જુએ છે અને તેનો આનંદ માણે છે. આમ આ આખુંય વિશ્વ એક ચિત્ર છે; જ્યારે આ વાસનાઓ અદૃશ્ય થશે ત્યારે માણસ જગતનો આનંદ માણી શકશે, ત્યારે આ ખરીદવેચાણ અને માલિકીના મૂર્ખાઈભર્યા વિચારોનો અંત આવશે. નાણાં ધીરનારનો, ખરીદનારનો અને વેચનારનો ખ્યાલ નીકળી જતાં આ જગત એક ચિત્રરૂપે રહે છે. નીચેના વાક્યમાં દર્શાવેલી છે તેવી ઈશ્વર વિશેની સુંદર કલ્પના મેં બીજે ક્યાંય વાંચી નથી. “તે એક મહાન કવિ છે, પ્રાચીન કવિ છે. આ સમગ્ર વિશ્વ પ્રાસબદ્ધ પંક્તિઓમાં અને અનંત આનંદથી લખાયેલું તેનું કાવ્ય છે.” જ્યારે આપણે તૃષ્ણાઓનો ત્યાગ કર્યો હશે ત્યારે જ આપણે ઈશ્વરના આ જગતને વાંચી શકીશું અને તેનો આનંદ માણી શકીશું. ત્યારે જ બધું દિવ્ય બની જશે. ખૂણા ખાંચરાઓ, નાની ગલીઓ અંધારી શેરીઓ – જેમને આપણે અંધારી અને અપવિત્ર લેખતા હતા તે બધી દિવ્ય બનશે. તે બધી જ પોતાને સત્ય સ્વરૂપે દેખાશે. આપણે આપણી જાત પ્રત્યે હસીશું. અને આ બધાં રોદણાં, આ બધાં બળાપાઓ એક બાળકના ખેલ જેવું હતું, અને આપણે માત્ર બાજુ પર ઊભા રહીને (પ્રેક્ષક તરીકે) તે જોતા હતા, એવો ખ્યાલ આવશે.

માટે વેદાંત કહે છે તમારું કામ કર્યે જાઓ. કામ કેમ કરવું તેનો પ્રથમ તે ઉપદેશ આપે છે: એટલે કે આ દેખાતા ભ્રામક જગતનો ત્યાગ કરવાનો. તેનો અર્થ શો છે? ઈશ્વરને સર્વમાં જોવો તે. તમે આ રીતે કામ કરો. તમારી મરજી હોય તો સો વર્ષ જીવવાની ઈચ્છા રાખો, તમામ પાર્થિવ વસ્તુઓ પ્રાપ્ત કરો; માત્ર તેમને દિવ્ય બનાવો, તેમને સ્વર્ગમય બનાવો. બીજાને સહાયભૂત થઈને આનંદમય રહીને અને પ્રવૃત્તિમય રહીને આ જગતમાં દીર્ઘ જીવન જીવવાની ઈચ્છા રાખો. આમ કરવાથી તમને છૂટવાનો રસ્તો મળશે; આ સિવાય બીજો માર્ગ નથી. સત્યને જાણ્યા સિવાય માનવી જો આ જગતમાં મુર્ખાઈભર્યા મોજશોખમાં અવિચારીપણે પડશે તો તે પોતાનો આધાર ગુમાવશે અને લક્ષ્યને નહીં પહોંચે. તેમજ જે માણસ આ દુનિયાને ભાંડીને જંગલમાં ચાલ્યો જાય છે, જે પોતાના દેહને કષ્ટ આપે છે અને અજ્ઞાતવાસથી ધીરે ધીરે પોતાનું મૃત્યુ આણે છે, હૃદયને શુષ્ક વેરાન જેવું બનાવે છે, બધી ઊર્મિઓને રહેંસી નાખે છે તથા કઠોર, કડક અને શુષ્ક બની જાય છે, તે માણસ પણ પોતાનો માર્ગ ભૂલ્યો છે. આ બન્ને છેડાઓ છે, અને બન્ને છેડાઓ ભૂલભરેલા છે. બન્ને જણા માર્ગ ભૂલ્યા છે, બન્ને જણા લક્ષ્ય ચૂક્યા છે.

મહાન સરિતાને કિનારે વસીને આપણે તરસે મરીએ છીએ; અન્નના ઢગલાઓ સામે બેસીને આપણે ભૂખે મરીએ છીએ. સામે આનંદમય વિશ્વ પડ્યું છે છતાં આપણને તે હાથ આવતું નથી. આપણે સર્વદા તેમાં જ છીએ. છતાંયે આપણે તેને ભૂલીએ છીએ. ધર્મ આપણને આ માર્ગ શોધી આપવા માગે છે. આવા આનંદમય જગત માટેની તૃષ્ણા દરેકના હૃદયમાં હોય છે. બધી પ્રજાઓ તેને શોધી રહી છે; ધર્મનું તે એક માત્ર ધ્યેય છે, અને જુદા જુદા ધર્મોમાં તથા વિવિધ ભાષાઓમાં આ આદર્શ વ્યક્ત કરાયો છે. માત્ર ભાષાના ભેદ આ બધા ભાસમાન ભેદભાવો ઉત્પન્ન કરે છે. એક જણ વિચારને એક રીતે વ્યક્ત કરે છે, બીજો બીજી રીતે; છતાં કદાચ બન્ને એક જ સત્ય કહેવા માગે છે, ભાષા જ ફક્ત જુદી વાપરે છે.

(તા. ૨૭ ઑક્ટોબર, ૧૮૯૬ના રોજ લંડનમાં અપાયેલ ભાષણમાંથી સંકલિત, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૧૯૬૩) ભાગ- ૭, પૃ. સં. ૧૫૫-૧૫૯)

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.