મંગલ મંદિર ખોલો

(રાગ : ભૈરવી – તીન તાલ)

મંગલ મંદિર ખોલો

દયામય! મંગલ મંદિર ખોલો. ધ્રુ.

જીવન-વન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો,

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લ્યો લ્યો – દયામય. ૧

નામ મધુર તવ રટયો નિરંતર,

શિશુ સહ પ્રેમે બોલો,

દિવ્યાતૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ-અમીરસ ઢોળો. – દયામય. ૨

– કવિ નરસિંહરાવ દિવેટિયા

 

જીવન અને મરણ ભગવાનનાં જ બે રૂપો છે, પરમાત્માની બે વિભૂતિઓ છે. એમાં જીવન એ માણસની આકરી સાધના અને કઠોર કસોટી છે, મરણ એ ક્ષમાવાન અને પરમ કારુણિક દયા છે. મૃત્યુ સમયે માણસને જે વેદના થાય છે, તે મૃત્યુને લીધે નહીં. મૃત્યુમાં તો ઊંઘ જેટલી મીઠાશ જ છે. જે વેદના થાય છે તે જીવનને લીધે થાય છે. જીવન પોતાનો કબજો છોડવા માગતું નથી, અને એ લોભની તાણાતાણીમાં વેદના પેદા થાય છે. મૃત્યુ પાસે ધીરજ છે. તેથી એ જીવનને પોતાનાથી બનતું કરવા દે છે. જ્યારે જીવન હારે છે અને પોતાનો આગ્રહ છોડે છે ત્યારે જ મરણ પોતાની પાંખો ફેલાવીને પોતાની છત્રછાયા તળે પ્રાણીને લે છે.

લોકો જીવનને સુખસ્વરૂપ માને છે, અને મરણને મહાસંકટરૂપે જુએ છે. પણ દિવસ પછી જેમ રાત્રિને સ્થાન છે, એની ઉપયોગિતા અને સૌન્દર્ય છે, એટલું જ નહીં પણ વૈભવ પણ છે, એ જ રીતે મરણમાં પણ ઉપયોગિતા, સૌંદર્ય અને વૈભવ છે. વખતે એની ઉપયોગિતા આપણે તરત ન સમજી શકતાં હોઈએ. પણ મરણની ભવ્યતા અને એની તૃપ્તિકા૨ક સુંદરતા તો જરૂર ધ્યાનમાં આવવી જોઈએ. આકળો માણસ એ કળી શકતો નથી, એ કંઈ મરણનો દોષ નથી.

થાકેલો મજૂર વિશ્રામ માર્ગ, નાચીકૂદીને લોથપોથ થયેલું બાળક ઊંઘની સોડમાં ભરાઈ જાય, પાકેલું ફળ જમીનમાં વવાઈને નવી યાત્રા શરૂ કરવા માટે વૃક્ષમાતાનો સંબંધ છોડી દે, એ પ્રમાણે જ માણસે જીવન પૂરું કરી અનાસક્તભાવે એનો ત્યાગ કરતાં શીખવું જોઈએ, અને નવી તક મેળવવાના પરવાનારૂપે મરણને વધાવી લેવું જોઈએ.

જો માણસ પાસે ધીરજ અને પ્રસન્નતા હોય તો એને આ રીતે જીવતાં આવડે, શાન્તિ અને શોભા સાથે જીવન પૂરું કરતાં આવડે, અને બહાદૂરીને અંતે માણસને જેમ બહુમાનનો ઇલકાબ કે ચંદ્રક મળે છે એવી જ રીતે મરણની કૃતાર્થતા મેળવવા માટે એ તૈયાર રહે.

આ ભજન પાછળ એનો ઇતિહાસ છે. કવિ નરસિંહરાવ દિવેટિયાએ પોતાનો દીકરો ગુજરી ગયાના સમાચાર સાંભળ્યા ત્યારે પિતાનું હૃદય ઘવાયું હશે જ. પણ જીવન-મરણનું રહસ્ય જાણનાર ભક્ત-હૃદય દુ:ખમાં ડૂબી જવાને બદલે ગંભીર બને છે. જીવન અને મરણના દયામય સ્વામી ભગવાનનું ચિંતન કરતાં કરતાં એનું દર્શન મેળવે છે. અને પછી અંધકારને ઠેકાણે પ્રકાશ અને વેદનાને ઠેકાણે ગંભીર-પ્રસન્ન સંગીત સાંભળવા લાગે છે, અને જીવન મરણના સ્વામી પાસેથી ભક્તિનું અમૃત માગી લે છે.

જીવન સુખમય હોય કે સંકટમય હોય, મરણ તો વિસામો આપતું દયામય દર્શન જ હોય છે. આવી ગંભીર ભક્તિના વાતાવરણમાં ભક્તકવિને આ ભજન ઊતરી આવ્યું છે. એમાં દુઃખ, નિરાશા, વેદનાનો લવલેશ નથી, પણ મરણના દર્શન પછી ભગવાનના દર્શનની, અને ચિરશાંતિની પ્રસન્નતા છે. મધ્યરાત્રિના અંધારા પછી ઉષાએ પ્રગટ કરેલો પ્રકાશ છે.

એવા પ્રસન્ન ગંભીર વાતાવરણમાં ભક્ત ભગવાનના હૃદયમાં પ્રવેશ કરવા માગે છે.

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.