શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

ભગવાનના પરમ ભક્ત નારદજી વીણા વગાડતા અને હરિગુણ ગાતા ત્રણેય લોકમાં ફર્યા કરે છે. સૌ કોઈ નારદજીને આદરભાવથી જૂએ છે.

એક વખત આવી ભક્તિફેરી કરતાં કરતાં ‘નારાયણ નારાયણ’ જપતાં જપતાં વૈકુંઠધામમાં આવી ચડ્યા. ભગવાન વિષ્ણુએ તેમનું સ્વાગત કરીને આદરથી પોતાની પાસે બેસાડ્યા. પૃથ્વી, પાતાળ, સ્વર્ગલોકની વાતો કરતાં કરતાં ભગવાન વિષ્ણુએ નારદજીને પૂછ્યું : ‘તમે તો આ માનવધરતી પર ફર્યા કરો છો, સ્વર્ગમાં વિહરો છો, અને પાતાળમાંય જાઓ છો. એમાં કોઈ વિશિષ્ટ વાત જોવા મળી હોય તો જણાવો.’ નારદજીએ વિષ્ણુની નજીક આવીને કહ્યું, ‘પ્રભુ, એવું કંઈ અવનવું નથી એટલે તમને શું કહું? દરેક સ્થળે લોકો ભૌતિકવાદી અને સ્વાર્થી બનતા જાય છે, ભૌતિક સુખોમાં જ રચ્યાપચ્યા રહે છે. આપનું નામસ્મરણ કરવાનોય કોઈને સમય નથી. આપે આ બાબતમાં કંઈક કરવું જોઈએ. નહિતર આપને જ આ લોકો ભૂલી જશે. આ લોકમાં-આ સૃષ્ટિના સર્જનહાર-આપનું સ્થાન પણ ભયમાં પડી જશે.’

વિશાળ હૃદયના પ્રભુ વિષ્ણુ જરા મલક્યા. સર્વના અંતર્યામી વિષ્ણુ સર્વ જીવોનાં વાણી વર્તન – વિચારને જાણતા હતા. તેઓ તરત જ કળી ગયા કે, નારદજી આવું આવું બોલે છે, તેની પાછળનો હેતુ એ છે કે, તેઓ જ સર્વશ્રેષ્ઠ ભક્ત છે એમ તે મનાવવા માગે છે. ભગવાન વિષ્ણુને નારદ પ્રત્યે આદરભાવ હતો. એટલે નારદના હૃદયમાં ઊગતા અહંકારના વિષમય અંકુરને દૂર કરવા ઇચ્છતા હતા. તેમણે નારદજીને કહ્યું : ‘નારદજી! આપ તો સર્વ સ્થળે મારું નામ જપતાં જપતાં જાઓ છો. આપને સાંભળીને કોઈનેય જરાય પ્રેરણા ન મળી? તમને સાંભળીનેય મારું નામસ્મરણ કરતાં નથી?’ આ સાંભળીને નારદજીનું અભિમાન અદકેરું થયું. તેમણે કહ્યું : ‘પ્રભુ, શ્રદ્ધા-ભક્તિ એટલાં સરળ નથી. એ વાત સાચી કે, હું દિન-રાત આપનું જ નામસ્મરણ કર્યા કરું છું. પણ સામાન્ય માણસ માટે આમ કરવું શક્ય જ નથી.’

હવે ભગવાન વિષ્ણુને લાગ્યું કે, નારદજીને એકાદ બોધપાઠ આપવો જોઈએ. તેમણે કહ્યું, ‘નારદજી! એવાય થોડા ભક્તો હશે કે, તમારા સમોવડિયા બની શકે. આપને મારી વિનંતી છે કે, આપ શાલાગ્રામમાં રહેતા એક અદના ખેડૂત ગોવિંદને જઈને મળો. કદાચ સાચી શ્રદ્ધા-ભક્તિ વિશે આપને એમની પાસેથી વિશેષ જાણવા મળશે.’ નારદના ગર્વ પર આ એક ઘા જેવું થયું. તેમણે વિચાર્યું, ‘મારા કરતાંય શ્રદ્ધા-ભક્તિમાં ચડિયાતો આ ગોવિંદ વળી કોણ હશે? હું ચોક્કસ તેને મળીશ.’

નારદજી તો આવી પડ્યા મૃત્યુલોકમાં. ફરતાં ફરતાં શાલાગ્રામના ગોવિંદના ઘરે આવી પહોંચ્યા. જોયું તો ગોવિંદ એક ગરીબ ખેડૂત હતો અને નાનકડી ઝૂંપડીમાં રહેતો હતો. તેઓ છાનાછાના ગોવિંદના વર્તનને જોવા લાગ્યા. આ ગરીબ ખેડૂત સવારમાં વહેલો ઊઠતો. હાથ-મોં ધોઈને ભગવાન વિષ્ણુની છબી સામે ઊભો રહીને પ્રણામ કરીને હરિનામનું સ્મરણ પણ કરતો. ‘નારાયણ’, ‘નારાયણ’, ‘નારાયણ’ એમ ત્રણ વાર હરિનામ જપતો. ભગવાનને પ્રણામ કરીને પોતાનું સાંતીહળ લઈને પોતાને ખેતરે જતો. આખો દિવસ ખેતર ખેડતો કે મોલથી ભરેલાં ખેતરોમાં પાણી પાયા કરતો અને સાંજ ઢળતાં ઘરે પાછો ફરતો. નાહી-ધોઈને વળી પાછો રામની છબી સામે ઊભો રહેતો. ત્રણ વખત નારાયણનું નામ રટતો. ભોજન કરીને સૂઈ જતો. નારદજી તો આ બધું જોઈને અચંબામાં પડ્યા. આ ગોવિંદ મારાથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે? કદાચ ભગવાન વિષ્ણુ મારી હાંસી ઉડાડવા માંગતા હશે. આમ વિચારતાં વિચારતાં તેઓ સીધા વૈકુંઠમાં આવી ગયા. નારદને આવેલા જોઈને વિષ્ણુએ પૂછ્યું : ‘કેમ નારદજી! ગોવિંદને મળી આવ્યા?’ નારદજીએ કહ્યું : ‘હા પ્રભુ, હું તમારા ગોવિંદને મળી આવ્યો. પણ આપે મને કહ્યું નહીં કે આપ મારી મશ્કરી કરો છો. આપનો આ ગોવિંદ તો દિવસમાં બે જ વખત પ્રભુનું નામ લે છે. બાકીનો બધો વખત તો ખેતરના કામમાં જ રચ્યોપચ્યો રહે છે અને અહીં હું તો આપનું નામ નિરંતર જપ્યા કરું છું અને આપ મારી સરખામણી આવા ગોવિંદ સાથે કરો છો!’ ભગવાન વિષ્ણુ મરકતાં મરકતાં બોલ્યા : ‘નારદજી, તમે એક કામ કરી શકો? તેલથી છલોછલ ભરેલો એક પ્યાલો લાવો.’ નારદજી તો તેલથી ભરેલો પ્યાલો લઈને આવ્યા. હવે વિષ્ણુ ભગવાને કહ્યું, ‘હવે હાથમાં આ પ્યાલો લઈ આ સભાખંડની ત્રણ પ્રદક્ષિણા કરી આવો. પણ જો જો એમાંથી એક ટીપુંય તેલ નીચે ન પડી જાય.’ પ્રભુની આજ્ઞા પ્રમાણે નારદજી હાથમાં તેલથી છલોછલ ભરેલો પ્યાલો કાળજીપૂર્વક હાથમાં લઈને ત્રણ પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા અને ગ્લાસમાંથી તેલનું એક ટીપુંય નીચે ન પડ્યું. ગર્વપૂર્વક મરકતાં મરકતાં ભગવાનને કહ્યું, ‘પ્રભુજી, તમારી કસોટીમાંથી પાર ઊતર્યો છું. પણ પ્રભુ, આમ કરવાનું કહેવા પાછળ આપનો આશય શો હતો?’ ભગવાને નારદજીને કહ્યું : ‘નારદજી, તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે મારું નામસ્મરણ કેટલુંક કર્યું?’ નારદજીએ વ્યગ્રતાથી કહ્યું : ‘પ્રભુજી, આ કેવો પ્રશ્ન પૂછો છો? તમે જ કહ્યું હતું કે, પ્રદક્ષિણા કરતાં કરતાં તેલનું ટીપુંય ન ઢોળાય અને એનું ધ્યાન રાખવા જતાં હું આપનું નામસ્મરણ કઈ રીતે લઈ શકું?’

આ સાંભળીને વિષ્ણુ ભગવાન ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા : ‘નારદજી, આ કપનું ધ્યાન રાખવામાં તમે પ્રદક્ષિણા કરતાં કરતાં એક વખત પણ મારું નામ ન લઈ શક્યા અને પેલા ગોવિંદ તરફ નજર કરો. પોતાના કુટુંબનું ભરણપોષણ કરવામાં આખો દિવસ સતત કામ કરતાં કરતાંય પોતાનું કામ શરૂ કરતાં પહેલાં અને કામ પૂરું કરીને મારું નામ જપે છે. આનો અર્થ એ થયો કે, દુન્યવી-સાંસારિક કાર્યો કરતાં કરતાંય તે હંમેશાં મારો જ વિચાર કરે છે. મારામાં જ એનું મન રહે છે.’

હવે નારદજીનો ગર્વ ગળી ગયો. તમે કેટલી વખત પ્રભુનું નામ જપો છો એ અગત્યનું નથી. પણ દરેક કાર્યને પ્રભુનું કાર્ય ગણો છો કે નહિ તે અગત્યનું છે. ગમે તે પળે પણ તમારું મન પ્રભુમાં જ રહે છે કે નહીં – પ્રભુમય રહે છે કે નહીં, તે મહત્ત્વનું છે અને એ જ સાચી પ્રભુશ્રદ્ધા છે. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, આખો દિવસ કાર્ય કરતાં કરતાં એમને યાદ કરતા રહો, એ જ સાચી ભક્તિ, સાચી શ્રદ્ધા. જે વ્યક્તિ દરેક કાર્ય પ્રભુનું છે એમ સમજીને કાર્યની વચ્ચે પણ શક્ય એટલું ભગવાનનું નામ લે છે તે જ સાચો ભક્ત છે.

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.