સત્પ્રસંગ – એક સુંદર ઉપનિષદ

લે. સ્વામી વિશુદ્ધાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ (૧૯૯૧), મૂલ્ય રૂ. ૩૦

શ્રી. ‘મ.’ લિખિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એક બૃહદ ઉપનિષદ છે તેમ, સ્વામી વિશુદ્ધાનંદજી લિખિત આ ‘સત્ પ્રસંગ’ પણ એક એવું જ મનોહારી અને ભવ્ય ઉપનિષદ છે. એક પ્રાચીન શ્લોકમાં કહેવાયેલી ત્રણે બાબતો- મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને, એ બે કરતાં ક્યાંય વધારે ચડિયાતું, મહાપુરુષ સંશ્રય, – સ્વામી વિશુદ્ધાનંદને સાંપડી હતી.

ઠાકુરની મહાસમાધિ પછીના વર્ષમાં (સને ૧૮૮૭માં) જન્મેલા જિતેન્દ્રનાથસિંહ રાવ બાલ્યાવસ્થામાં જ પોતાને જન્મ આપનાર માતાપિતા ગુમાવ્યાં હતાં તો ભાગ્ય એમને જગજ્જનની શારદામાને ચરણે લઈ ગયું હતું. ઓગણીસ વીસના ફાંફાં મારતા યુવકના હાથમાં અચાનક મૅક્સમૂલર કૃત શ્રીરામકૃષ્ણ ચરિત્ર આવી પડે છે ને એ તરત જ દક્ષિણેશ્વર દોડે છે. ત્યાં ઠાકુરના ભત્રીજા રામલાલ પાસેથી એ ‘મા’નો ઉલ્લેખ સાંભળી, સીધો માને મળવા જયરામવાટી જાય છે, બર્દવાનથી જયરામવાટી તાપમાં ચાલીને ધુળ ફાકતા આવતા એ યુવકને જોઈને મા પૂછે છે ‘બેટા, રસ્તામાં કંઈ તકલીફ તો પડી નથી ને?’ બાળપણમાં જનેતા ગુમાવનાર આમ જગજ્જનનીનો સ્નેહ પામે છે. પૂજ્ય મા પાસે જ એ દીક્ષા લે છે અને કઠોર તપસ્યા કરી, અનેક સેવાકાર્યો કરી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના તેઓ આઠમા અધ્યક્ષ બને છે. દૂર પૂર્વનાં શિલોંગ, કટિહાર, બંગાળના માલદહ, ઉત્તર પ્રદેશના લખનૌ વગેરે વિવિધ શહેરોમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠ મિશનનાં કેન્દ્રોમાં સ્વામી વિશુદ્ધાનંદજીએ જે પ્રવચનો આપ્યાં છે તેવાં ૪૬ પ્રવચનોનો આ અદ્ભુત સંગ્રહ વાચકને આદિથી અંત સુધી જકડી રાખે છે અને પોતાની વિશિષ્ટ રીતે તેને આધ્યાત્મિક પંથે કદમ ઉપર કદમ ભરાવે છે.

ઉપનિષદો, ભગવદ્ગીતા, પુરાણો જેવા આપણા પ્રાચીન અમર આધ્યાત્મિક સાહિત્યમાંથી સ્વામી વિશુદ્ધાનંદજી જેટલું તારણ કરે છે એટલું જ, કે એથી વધારે, સ્વામી વિશુદ્ધાનંદજી શ્રીરામકૃષ્ણ પરમહંસના અને પૂજ્ય શ્રી શારદામાના જીવનમાંથી દોહન કરી. અતિશય નમ્રતાપૂર્વક, આપણાં ચિત્ત પ્રસાદથી ભરે તેવી ભાષામાં, આપણાં મનનો મેલ વિશુદ્ધ થાય તેવી શુચિતાથી પોતાની વાત માંડે છે. ઠાકુરે આપેલા કાકિંડાના, એક જ કૂંડામાંથી ગમે તે રંગે કપડું રંગી દેતા રંગારાના અને એવાં બીજાં અનેક લોકભોગ્ય દૃષ્ટાન્તો સ્વામી વિશુદ્ધાનંદજી પોતાનાં પ્રવચનોમાં આપે છે ને એમ કરી સાધનાની, અનુભૂતિની, ઉપલબ્ધિની વાત પર ભાર દીધા વિના વાચકનું ધ્યાન દોરે છે.

ઠાકુરે જેના જીવનનો સમગ્ર રાહ ઉલટાવી નાખ્યો હતો તે ગિરીશ ઘોષના એક નાટકમાંની પંક્તિઓ ટાંકી સ્વામી વિશુદ્ધાનંદજી ઠાકુરનો, જ ઉપદેશ આપે છે.

‘એક માયા દૂઈ સૂત્રે કરે આકર્ષણ.’ માયા કામિની અને કાંચનનાં બે (દૂઈ) સૂત્રોથી આપણને બાંધી રાખે છે તેમાંથી છૂટવાની વાત છે. પોતાના કથનની પુષ્ટિ ઠાકુરના પ્રિય ભક્ત કવિ રામપ્રસાદની, બ્રાહ્મસમાજી ત્રૈલોક્યનાથ સંન્યાલની પંક્તિઓ ટાંકી સ્વામી વિશુદ્ધાનંદજી આમ કહે છે.

પુસ્તક નવલકથાની માફક વાંચવાનું નથી. દોઢ પાનાંનું હોય કે દસ બાર પાનાંનું હોય, સ્વામી વિશુદ્ધાનંદનું દરેક પ્રવચન મનનીય છે. દરેક પ્રવચનને સમજણપૂર્વક અંતરમાં ઉતારવાનું છે અને પ્રવચનમાં જે માર્ગ ચીંધવામાં આવ્યો છે એ માર્ગે જવાનો પ્રયત્ન કરવાનો છે.

ઠાકુરનું કે પૂજ્ય માનું જીવનચરિત્ર વાંચ્યા પછી, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ કે ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ વાંચ્યા પછી થાય છે તેમ સ્વામી વિશુદ્ધાનંદજીનું આ ‘સત્ પ્રસંગ’ વાંચ્યા પછી આપણા મનમાં એક જ વિચાર પેદા થાય છે : આના સિવાય બીજો કોઈ પંથ નથી. તો ચાલો, સ્વામી વિશુદ્ધાનંદજીની આંગળી પકડી એ પરમ પંથે ચાલવા પ્રયત્ન કરીએ.

આવું પ્રેરક પુસ્તક બીજી આવૃત્તિ પામે છે એનું કશું આશ્ચર્ય નથી.

 

– દુષ્યંત પંડ્યા

Total Views: 28
By Published On: October 3, 2022Categories: Visuddhananda Swam0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram