- ચુપચાપ ઇશ્વરનું નામ લેવું, શ્રીરામકૃષ્ણના નામનો જાપ કરવો એ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સહેલામાં સહેલો અને ઉતમોત્તમ રસ્તો છે.
- શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુઃખોમાંથી તમને ઉગારી લેશે અને તમને માનસિક શાન્તિ આપશે. ભગવાનના નામનો ઉચ્ચાર કરો અને બીજાનાં દુષ્કર્મોનો ભાર પોતાના ઉપર લેવાથી શ્રીરામકૃષ્ણને કેવાં દુઃખ ભોગવવાં પડ્યાં હતાં, તેનો વિચાર કરો. તેમ કરવાથી તમારા શરીર અને મન પવિત્ર થતાં જાય છે એમ તમને માલૂમ પડશે. ઇશ્વરાવતાર અને તદ્દન પવિત્ર હોવા છતાં બીજાઓને માટે શ્રીરામકૃષ્ણે કેટલું બધું દુઃખ ભોગવ્યું હતું! અને તેમ છતાં એક ક્ષણ પણ મહાભાવથી કે આદ્યાશક્તિના મંગલમય ચિંતનમાંથી તેઓ વિચલિત થયા ન હતા, તે વાતનું સ્મરણ કરશો, તો તમારો શોક અને તમારાં દુઃખ વિસાત વગરનાં લાગશે.
- ઠાકુર તમારું રક્ષણ ક૨શે. તેના ઉપર આધાર રાખીને તમારે જીવન ગાળવું. તેમની ઈચ્છા હોય તો તમારું ભલું કરે અથવા તેમને ગમે તો તમને ડુબાડે, પરંતુ તમારે જે ધર્મસંગત હોય તે જ કરવું અને તે પણ તેમણે તમને આપેલી શક્તિ અનુસાર.
- જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભુંસાઇ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે છે.
- તમારા મનનો બોજો શ્રીરામકૃષ્ણ સમક્ષ ધરી દો. આંસુ સારતાં સારતાં તમારી તકલીફની વાતો તેમને કરો. તો તમારી ઈચ્છિત વસ્તુ તેઓ તમારા હાથમાં મૂકે છે, એવું તમને માલૂમ પડશે.
- જે લોકોની જવાબદારી મેં લીધી છે, તેમાંનો દરેક બંધનથી મુક્ત થાય નહીં, ત્યાં સુધી આ શરીર ચાલ્યા ગયા છતાં પણ હું નિરાંત કરું એમ તમે ધારો છો? મારે કાયમ એ લોકોની સાથે રહેવું જ પડશે. તેમના સારાનરસાનો પૂરેપૂરો ભાર મેં લઈ લીધો છે. મારા પોતાના તરીકે જેમને મેં સ્વીકાર્યું છે તેમને હું દૂર કરી શકું નહીં.
Total Views: 29
Your Content Goes Here