(માર્ચ ’૯૬થી આગળ)

(૨૪) એક અનોખું વ્યક્તિત્વ

‘મા, હું તમારે શરણે છું. મારું કોઈ નથી. આ પુત્ર ઘણો નાનો છે, ને તેના પિતા અમને અસહાય છોડીને સ્વર્ગ સીધાવ્યા છે.’ આંસુભરી આંખે એક વિધવાએ ગૌરીમાના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું. ગૌરીમાએ તેને આશ્વાસન આપ્યું. તે સ્ત્રી અને પુત્રને તો તેઓ આશ્રમમાં રાખી શકે તેમ ન હતાં. વળી તે સમયે તો તેમને જ પૈસાની તીવ્રતમ ખેંચ હતી. એટલે પૈસાથી મદદ કરી શકે તેમ પણ ન હતાં. પરંતુ તે સ્ત્રીની અસહાય સ્થિતિ જોઈને આ કરુણામયીનું હૃદય આર્દ્ર બની ગયું. ‘દીકરી તું રડ નહીં, મા ભવાની જરૂ૨ તને સહાય કરશે ને તારો માર્ગ સરળ બનશે.’ આમ કહીને તેમણે તે સ્ત્રીને આશ્વાસન આપ્યું, હિંમત આપી અને પછી તેમણે તેને કહ્યું; ‘તું મારી સાથે ચાલ. તેઓ તને જરૂર સહાય કરશે.’ તેઓ તે સ્ત્રીને રાજા મહેન્દ્રચન્દ્ર પાસે લઈ ગયા અને તેની તેમને વાત કરી. ખુદ ગૌરીમા પોતે આવ્યાં હતાં! રાજા મહેન્દ્ર માટે આટલું પૂરતું હતું. તેમણે તે સ્ત્રીના કાયમ માટેના ભરણપોષણની તો વ્યવસ્થા કરી આપી પણ તેમના પુત્રના શિક્ષણની પણ સઘળી જવાબદારી તેમણે ઉઠાવી લીધી! આમ તે સ્ત્રીની જિંદગી સુધરી ગઈ. આ હતી ગૌરીમાની નિરાધાર સ્ત્રીઓ પ્રત્યે વહેતી કરુણા.

કોઈ પણ સ્ત્રી ક્યારેય મુશ્કેલીમાં હોય અને ગૌરીમાની સહાય માગે તો ગૌરીમા ગમે તે ભોગે તેને સહાય આપીને ઉગારી લેતાં. તે વખતે તેમનું તીર્થાટન ચાલુ હતું. તેઓ એક વખત ત્રિવેણીમાં સ્નાન કરતાં હતાં ત્યારે એક સુંદર સ્ત્રી એમની પાસે આવીને રડવા લાગી. ગૌરીમાએ એને પ્રેમથી પૂછ્યું : ‘દીકરી શા માટે રડે છે? કહે, તને શું દુઃખ છે?’ આ સાંભળીને તે સ્ત્રી વધારે જોરથી રડવા લાગી ને પછી રડતાં રડતાં કહે ‘મા, મારા માટે બચવાની કોઈ આશા છે?’ ‘કેમ એમ પૂછે છે? તને થયું છે શું? તું કેમ ઉદાસ છે?’ ગૌરીમાએ ફરીથી પૂછ્યું. એટલે તે સ્ત્રીએ રડતાં રડતાં પોતાના જીવનની કરુણ કહાની અને અધઃપતનની વાત ગૌરીમાને કરી અને પૂછ્યું, ‘મા, મને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય?’ આ સ્ત્રી પતિત હતી. પણ ગૌરીમાના શરણમાં આવીને શાંતિ ઝંખતી હતી. ગૌરીમાના અંતરની કરુણા આ પતિત પર પણ એ જ ભાવે વરસવા લાગી જે રીતે અન્ય સર્વ પર વરસતી રહેતી. તેમણે કહ્યું : ‘દીકરી, શાંતિનો માર્ગ ખૂબ જ મુશ્કેલ છે. ભૌતિક સુખો ને દુન્યવી ઇચ્છાઓના ત્યાગ વગર એ માર્ગ મળી શકે નહીં. જો તું ખરેખર શાંતિ અને આનંદ ઝંખતી હોય તો તું ઇશ્વરને બોલાવ. પાછું વળીને જો નહીં. જે થઈ ગયું તે થઈ ગયું. તેને ભૂલી જા. ને નવું જીવન શરૂ કર.’ ગૌરીમાની વાણીએ તે સ્ત્રીનું અંતર ખોલી દીધું. પછી તેણે ગૌરીમા પાસે થોડું આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું ને પોતાના ઘરેણાં ત્રિવેણીમાં ફેંકી દીધાં. લાંબા સુંદર વાળ કાપી નાખ્યા, કિંમતી વસ્ત્રો ઉતારી નાખ્યાં, સાદાં વસ્ત્રો પહેરી લીધાં ને તપશ્ચર્યા માટે તે ઋષિકેશ ચાાલી ગઈ, ઘણા વર્ષો પછી ત્યાં ગૌરીમા તેને મળ્યાં હતાં અને તેનું સાધ્વી જીવન જોઈને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. ગૌરીમાના સ્પર્શે પતિતાને પવિત્રા બનાવી દીધી! સર્વ પ્રત્યે સમાન પ્રેમ ને કરુણા હંમેશાં તેમના અંતરમાંથી પ્રગટતાં રહેતાં અને એ જ તો એમના આધ્યાત્મિક જીવનની ફલશ્રુતિ હતી.

જે અંતર સર્વ પ્રત્યે સમાન પ્રેમ ને કરુણા વહાવે એ જ અંતર આગ પણ વરસાવી શકે. એ પણ આધ્યાત્મિક જીવનનું લક્ષણ છે, કે જ્યાં અસત્ય, અન્યાય અને આસુરી શક્તિઓનો પ્રભાવ વિસ્તરેલો હોય ત્યાં રણચંડીનો પુણ્યપ્રકોપ પણ વરસતો જોવા મળે. ગૌરીમાના વ્યક્તિત્વમાંથી આવા પુણ્યપ્રકોપનાં દર્શન થતાં. તે વખતે તેઓ ગામમાં હતાં. કોઈ સ્ત્રીએ આવીને તેમને કહ્યું : ‘મા, તમે સાંભળ્યું? પંડાઓએ જાત્રા કરવા આવેલી થોડી સ્ત્રીઓને ઓરડામાં પૂરી દીધી છે ને ધમકી આપી કે જો તમે આટલા પૈસા નહીં આપો તો તમને અહીંથી જવા નહીં દઈએ. બિચારી અજાણી સ્ત્રીઓને હવે કોણ છોડાવશે?’ આ સાંભળીને માએ કહ્યું ‘કોણ વળી? આપણે જ છોડાવવી પડશે?’ ‘અરે જોજો એવું કરતાં, અહીંના પંડાઓ એવા લાલચુ છે ને વળી ખંધા, તે તમને પણ ફસાવી દેશે.’ તે સ્ત્રી તો માને સલાહ આપીને ચાલી ગઈ. પણ ગૌરીમાના અંતરમાં જંપ નહોતો. તેમણે વિચાર્યું – ‘એ પંડાઓને બરાબર પાઠ ભણાવવા જોઈએ જેથી ભવિષ્યમાં પણ આવી નિર્દોષ સ્ત્રીઓને પૈસા ખાતર હેરાન ન કરે.’ ગૌરીમા તો એ પંડાઓ પાસે પહોંચી ગયા ને તેમને કહ્યું : ‘એ સ્ત્રીઓને હું સમજાવી દઈશ અને તમારે તેમની પાસેથી પૈસા જોઈએ છીએ ને? તો હું સ્ત્રીઓને સમજાવીને પૈસા અપાવી દઈશ ને તમારી સમસ્યાનું સમાધાન કરાવી દઈશ. પણ તમે લોકો મને એક વાર એ સ્ત્રીઓને મળી લેવા દો પછી તમારું કામ થઈ જશે.’

પંડાઓ ગૌરીમાની વાત માની ગયા. વધારે વખત સ્ત્રીઓને રાખે તો નાહકની બદનામી થાય. એના કરતાં આ રીતે કોઈ વચ્ચે પડીને પૈસા અપાવીને સમાધાન કરાવી દેતું હોય તો વધારે સારું. એમ માનીને પંડાઓ ગૌરીમાને તે સ્ત્રીઓની પાસે લઈ ગયા. ગૌરીમાએ પંડાઓને કહ્યું, ‘તમે બધા હાજર હશો તો સ્ત્રીઓ વધારે ઉશ્કેરાશે ને સમજાવટ થઈ શકશે નહીં. એટલે તમે બધા જતા રહો હું એમને મારી રીતે એકાંતમાં સમજાવી દઈશ.’ પંડાઓ ગયા ને પછી ગૌરીમાએ એ સ્ત્રીઓને બધી વાત કરી ત્યારે તેમાંની એક સ્ત્રીએ તેમને કહ્યું. ‘મા તમે પણ સ્ત્રી છો, અને એ લોકો જો તમને પણ પકડી લેશે તો તમે અમને કેવી રીતે છોડાવશો?’ ત્યારે તેમણે હસીને તે સ્ત્રીઓને કહ્યું : ‘મને કોણ પકડી શકશે? ભગવાન મારી સાથે છે. ચિંતા ન કરો, તેઓ જ તમને છોડાવશે.’ એમ કહીને તેઓ ત્યાંથી ચાલ્યાં ગયાં. પંડાઓને તેમણે કહ્યું, ‘સ્ત્રીઓ માની ગઈ છે. પણ એમની પાસે પૂરતા પૈસા નથી. મારી પાસે થોડા પૈસા પડ્યા છે, તે હું લઈ આવું. તમે અહીં રાહ જોજો.’ એમ કહીને તેઓ ત્યાંથી ગયાં ને પાછા આવ્યાં ત્યારે પૈસાની પોટલીને બદલે સાથે હતો એક પોલીસ ઓફિસ૨, જેને તેઓ સારી રીતે ઓળખતાં હતાં. પોલીસ ઑફિસરને જોતાં જ પંડાઓ ધ્રુજવા મંડ્યા. તે સ્ત્રીઓને તેમણે એક પણ પૈસો લીધા વગર છોડી દીધી અને એ પછીથી તેઓ આવી રીતે સ્ત્રીઓને હેરાન કરવાની ખો ભૂલી ગયા. આવી હતી તેમની હિમ્મત અને વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કરવાની આંતરસૂઝ!

તેમની હિંમત અને પ્રબળ આંતરિક તાકાતનો એક બીજો પ્રસંગ પણ નોંધપાત્ર છે. એક સાંજે તેઓ બેલુરમઠથી પાછા આવી રહ્યાં હતાં. ઘાટ પર તેઓ તો ઊતરી ગયાં. પણ તેમના શિષ્યોને બીજે ઘાટે ઊતરવું હતું. આથી તેઓ હોડીમાં બેઠા રહ્યા. હોડીવાળાએ ઉદ્ધત ભાષા વાપરીને એક શિષ્યનું અપમાન કર્યું. પણ શિષ્ય ચૂપ જ રહ્યો. તેને થયું કે નાહકનો હોડીવાળા સાથે ઝઘડો ક્યાં કરવો? એટલે શક્તિશાળી હોવા છતાં તેણે કોઈ જ પ્રતિકાર ન કર્યો. પરંતુ ઘાટે ઊતરી ગયેલાં ગૌરીમાએ હોડીવાળાના ઉદ્ધત શબ્દો સાંભળી લીધા હતા. અને હવે શિષ્ય તેનો કેવો પ્રતિકાર કરે છે, તે તેઓ જોઈ રહ્યાં હતાં. પણ શિષ્ય તો કંઈ જ ન કર્યું. તેને હોડીમાં ચૂપચાપ બેસી રહેલો જોઈને હવે તેમનાથી રહેવાયું નહીં. તેઓ પાછાં વળ્યાં ને કૂદકો મારીને હોડી પર ચઢી ગયાં. તેઓ તો સીધાં એ હોડીવાળાની સામે જઈને ઊભાં રહી ગયાં અને તેને બરાબર ખખડાવ્યો ને કહ્યું : વગર વાંકે મારા દીકરાનું તે આ રીતે અપમાન કર્યું? હવે તું તેની માફી માંગ. તારાથી આવા શબ્દો બોલાય જ કેમ?’ પોતાની સામે એકાએક ધસી આવેલી આ સંન્યાસિનીને આ રીતે જોઈને હોડીવાળો તો ડઘાઈ જ ગયો અને પરિસ્થિતિ જોઈને તેણે ગૌરીમાની અને તેના શિષ્યની માફી માગી ત્યારે જ ગૌરીમાએ નિરાંત અનુભવી. એ પછી તેમણે શિષ્યને કહ્યું : ‘તું આવો હૃષ્ટપુષ્ટ યુવાન માણસ છો. આવા અપમાનને તેં કેમ ચૂપચાપ સહી લીધું! તમને લોકોને આત્મસન્માન છે કે નહીં?’ તે યુવાનને તે દિવસે ગૌરીમાએ આત્મસન્માનનો પાઠ બરાબર શીખવી દીધો. ગૌરીમા અસત્ય, અન્યાય, શોષણ સહી શકતાં નહીં. જ્યાં આ તત્ત્વો દેખાય ત્યાં તેઓ અગ્નિશિખાની જેમ પ્રચંડ બની જતાં. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં તેઓ હિંમત દાખવવામાં પણ પાછાં પડતાં નહીં. શ્રીમાશારદા દેવીએ એમના વિષે કહ્યું હતું : શું તમે ગૌરીદાસીને સ્ત્રી માનો છો? તે તો પુરુષ જેવી શક્તિશાળી છે. કેટલા પુરુષો તેના જેવા સમર્થ હશે?’

હિંમત, નિર્ભયતા અને કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની આંતરસૂઝ તો તેમનામાં નાનપણથી જ હતી. અને એટલે જ તેઓ નાની વયમાં એકલા હિમાલય સુધીનું પરિભ્રમણ કરી શક્યાં હતાં. આ સંદર્ભમાં બેલુરમઠમાં એક વખત વાર્તાલાપ દરમિયાન એક સાધુએ એમને પ્રશ્ન પૂછ્યો : ‘મા, અમે સાંભળ્યું છે કે જ્યારે તમે ઘર છોડ્યું ત્યારે તમે એક નાની કન્યા હતાં. ત્યારે તમે એકલાં મુસાફરી કરતાં હતાં તો તમને કોઈનોય ડર નહોતો લાગતો? અને વળી ત્યારે તો તમારી પાસે કંઈ પૈસા પણ નહોતા.’ તેના જવાબમાં ગૌરીમાએ કહ્યું : ‘વત્સ, બધો જ ભય શરીરનો છે. મારી પાસે અહીં મારી અંદર કંઈક એવું છે કે જેથી મને કોઈ નુકસાન કરી શકે નહીં.’ અને પછી તેમણે દૃઢ અવાજે કહ્યું, ‘ઠાકુરની કૃપાથી હું વિષયી લોકોને જંતુની જેમ ઓળખી કાઢું છું અને તેમનું સ્થાન હંમેશાં ચરણોની નીચે છે.’ નાની વયમાં જ અંતસ્થ ભગવત્શક્તિની હાજરીનું જ્ઞાન અને મનુષ્યની પરખ કરવાની દૃષ્ટિ તેમને પ્રભુકૃપાએ મળ્યાં હતાં, આથી જ તેઓ બધામાં નિરાળાં હતાં.

એમ છતાં પણ નાની વયમાં પરિભ્રમણ કરતી વખતે જો પોતાનાં સ્ત્રી શરીરને લઈને કોઈ આપત્તિ સર્જાવાની શક્યતા જણાય તો તેઓ પુરુષ વેશ પણ ધારણ કરી લેતાં. આશ્રમની અંતેવાસિનીઓએ આ બાબતમાં એક દિવસ ગૌરીમાને કહ્યું : ‘મા, અમે તમને એકવાર પુરુષ વેશમાં જોવા ઈચ્છીએ છીએ. નાનાં હતાં ત્યારે યાત્રાઓમાં તમે જેવો વેશ ધારણ કરતાં હતાં તેવો વેશ ધારણ કરો ને! ‘જો જો હોં, તમે મને ઓળખી નહીં શકો!’- ગૌરીમાએ તેમને ચેતવણી આપતાં કહ્યું. ‘અરે એવું તે કેમ બને! પુરુષ વેશમાં કે સ્ત્રીના વેશમાં અમે તમને ન ઓળખી શકીએ એવું બને જ નહીં!’ ‘એમ, તો પછી જોઈ લો. જોજો ડરી ન જતાં.’ પછી તો થોડા દિવસો એમ જ વીતી ગયા. અને વાત વિસારે પડી ગઈ.

એક બપોરે આશ્રમ સેવિકાઓએ આશ્રમના અંદરના ભાગમાં ભગવાં વસ્ત્ર પહેરેલા અને હાથમાં લાઠી પકડીને ચાલતા એક સાધુને જોયો. ‘અરે, આ કોણ બાવો અંદર સુધી ઘૂસી આવ્યો છે, ને પાછો નિર્ભય થઇને આ બાજુ આવે છે! કોઈને બોલાવો ને તેને આશ્રમની બહાર હાંકી કાઢો.’

આશ્રમવાસિનીઓએ તો બૂમાબૂમ કરી મૂકી, તેઓ ભયભીત બની ગઈ અને ત્યારે લાઠી પછાડતાં ને હૂંકાર કરતાં ગૌરીમા તેમની નજીક આવ્યાં ને કહ્યું: ‘કેમ ડરી ગયાં ને? ઓળખી ન શક્યાં ને?’ અને પછી તો બધાં આનંદથી તાળીઓ પાડવાં લાગ્યાં. પરંતુ ગૌરીમાએ એમને સજાગ કરતાં કહ્યું, : ‘પણ આ તે કેવું? તમે પુરુષોથી આટલા બધા કેમ ડરો છો? આશ્રમના અંતરવાસમાં તમે કોઈ પુરુષને જુઓ તો ભયથી ફફડો છો શા માટે? શું તમે ત્રણ ચાર સ્ત્રીઓ થઈને એક પુરુષને આશ્રમની બહાર કાઢી ન શકો કે તમારે આટલી બધી બૂમાબૂમ કરવી પડે! સ્ત્રીઓએ ફક્ત સારી ગૃહિણી જ બનવું પૂરતું નથી. પણ તેમણે સશક્ત અને પોતાની જાતનું રક્ષણ કરવા સમર્થ પણ બનવું જોઈએ.’ આમ તેમની શિષ્યાઓ પણ તેમના જેવી જ નિર્ભય બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં.

ગૌરીમામાં હિંમત, સાહસ, શક્તિ, સેવા ને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય હતો. પણ તેમનું વ્યક્તિત્વ ભારેખમ પણ ન હતું. તેઓ વિનોદી હતાં. રમૂજભરી મજાક પણ કરતાં રહેતાં. એક વાર સ્વામી શારદાનંદે તેમને શ્રીમા શારદામણિને લેવા માટે જયરામવાટી મોકલ્યાં. તેઓ તો સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાં ગયાં. માથે પાઘડી, ભગવો લાંબો ઝભ્ભો ને નીચે ભગવી લૂંગી ને હાથમાં મોટીમસ લાઠી. તેઓ તો સીધાં અંતઃપુરમાં જ શ્રીમા શારદામણિ હતાં ત્યાં દોડી ગયાં. ‘અરેરે, અજાણ્યા સાધુની આ તે કેવી ધૃષ્ટતા! કે આમ અંતઃપુરમાં સીધો દોડ્યો આવે છે? સ્ત્રીઓના આવાસમાં આમ ઘૂસી જવાય? શિષ્ટાચારનું આટલુંય ભાન નથી?’ શ્રીમાની સાથે રહેલી સ્ત્રીઓ બબડાટ કરવા લાગી. પણ સાધુ તો પહોંચી ગયો શ્રીમા પાસે ને શ્રીમાના ચરણોમાં પ્રણામ કરવા તેણે પોતાની ભગવી પાઘડી નીચે ઊતારી ને શ્રીમાની ચરણ રજ લેવા ઝૂક્યો. શ્રીમા આનંદથી બોલી ઊઠ્યા : ‘અરે, ગૌરીદાસી, અત્યારે આવા વેશે?’ પછી તો સર્વત્ર હાસ્યનું મોજું ઊમટી આવ્યું.! ખુદ શ્રીમા પણ એક ક્ષણ તો એમને આ વેશમાં ઓળખી શક્યાં ન હતાં.!

ગૌરીમાનું જીવનકાર્ય સ્ત્રીઓ માટેની એક સંસ્થાના નિર્માણ પૂરતું સીમિત નહોતું. થોડી વિદ્યાર્થિનીઓને શિક્ષિત કરવી, કે શરણે આવેલી સ્ત્રીઓને આશ્રય આપવો કે થોડી સ્ત્રીઓને ત્યાગમાં દીક્ષિત કરવી, એટલાથી એમનું કાર્ય પૂરું થઈ શકે તેમ ન હતું. તેમના કાર્યનો ફલક તો સમગ્ર સ્ત્રી જાતિના ઉત્થાન સુધી વિસ્તરેલો હતો. ભારતવર્ષની પ્રત્યેક નારી પોતાની મહત્તાને પિછાણે ને પોતાની શક્તિઓનો વિકાસ સાધી આધ્યાત્મિક જીવન પ્રત્યે વળે એ એમનું લક્ષ્ય હતું. સત્યને ઝંખતી સાધિકાઓ, પતિની પાછળ વિલાપ કરતી વિધવાઓ, અસહાય નિરાધાર માતાનો અને દુન્યવી ચિંતાઓથી ઘેરાયેલી ને બીજાઓથી લદાયેલી અસંખ્ય સ્ત્રીઓ પ્રત્યે તેમનો પ્રેમ અને તેમની કરુણા સતત વહેતાં રહેતાં. તેઓ તેમને સહાય કરતાં. સલાહ આપતાં, આશ્વાસન અને હૂંફ આપતાં અને તેમના નિરાશ જીવનને આશાઓથી ભરી દેતાં હતાં. ફક્ત સ્ત્રીઓ જ નહીં, પણ પુરુષો અને યુવાનો પણ તેમની સલાહ અને માર્ગદર્શન માટે આવતા. તેમના આધ્યાત્મિક માર્ગદર્શન અને આશીર્વાદથી ઘણાનું જીવનપરિવર્તન થઈ ગયું હતું અને તેઓ આધ્યાત્મિક જીવન જીવતા થઈ ગયા હતા. ગૌરીમાં ભક્તોના પવિત્ર મન અને હૃદય જોતાં, તેમની સંપત્તિ, મોભો કે વયનું તેમને કોઈ મહત્ત્વ ન હતું.

કેટલાક યુરોપિયનો પણ તેમની પાસે જ્ઞાન લેવા આવતા હતા. ગૌરીમાં તેઓને શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશ વિષે કહેતાં. અલબત્ત તેઓ બંગાળીમાં બોલતાં અને અંગ્રેજી જાણકાર વ્યક્તિ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરી તેમને તે સમજાવતી. ક્યારેક તેઓ થોડા અંગ્રેજી શબ્દો પણ બોલી લેતાં : ‘હાઉ?’–‘નાઉ?’ ‘ઈઝ ધેટ રાઈટ?’ વગેરે. આ યુરોપિયનો ઉપર તેમના વ્યક્તિત્વની ઘણી ઊંડી અસર પડી હતી. એક વખત બે યુરોપિયન મહિલાઓ તેમને મળવા આશ્રમમાં આવી હતી. ગૌરીમાએ તેમને પોતાની પાસે બેસાડી ત્યારે તેમણે કહ્યું, ‘મા, આપ તો ગુરુ છો, પૂજ્ય છો. આપની સામે સમાન આસને બેસવું ઉચિત નથી.’ આમ કહીને ગૌરીમાને પ્રણામ કરીને તેઓ તેમના ચરણ પાસે નીચે બેસી ગઈ અને બંને હાથ જોડીને એકાગ્રતાપૂર્વક ગૌરીમાની વાણી સાંભળતી રહી.

એમની આવી શ્રદ્ધાભક્તિ જોઈને ગૌરીમાએ પોતાની શિષ્યાઓને કહ્યું, ‘કેટલે દૂરથી આવ્યાં છે! તેમની ભક્તિ ભાવના તો જુઓ, કેટલી ગાઢ છે! તેઓ ઠાકુરના શિષ્યોને મળવા અને તેમના મુખેથી બે ચાર શબ્દો સાંભળવા કેટલા બધા આતુર હોય છે!’ ગૌરીમા ચુસ્ત હિંદુ સંન્યાસિની હતાં. પણ છૂતાછૂતના કોઈ બંધનો એમને નડતાં નહોતાં. ‘ભક્તોને કોઈ જાત હોતી નથી.’ શ્રીમા શારદામણિના આ ઉપદેશને તેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. આથી વિદેશીઓ પણ તેમની સાથે આત્મીયતાનો અનુભવ કરી શકતા હતા.

તેઓ ભક્તો ને શિષ્યોને તેમની સ્થિતિ ને આંતરિક કક્ષા અનુસાર સલાહ ને માર્ગદર્શન આપતાં. જો તેમને કોઈ વ્યક્તિમાં દંભ અને સંકુચિતતા જણાય તો તેઓ તેને કહેતાં, ‘જીવનમાં સત્યપાલન, સાદગી, સરળતા અને વિનમ્રતાની જરૂર છે.’ તેમની વાણી સાદ, સરળ ને અસરકારક હતી કેમ કે તે તેમના હૃદયની પૂર્ણતાથી સભર રહેતી અને સાંભળનારના હૃદયમાં ઊતરી જતો.

તેમણે ઘણાંને પ્રાણાયામ ને યોગાસનો પણ શીખવ્યાં હતાં, પરંતુ મોટે ભાગે તો તેઓ પોતાના શિષ્યોને નિયમિત જપ અને પૂજા કરવાનું કહેતાં. તેઓ વારંવાર ભારપૂર્વક સહુને કહેતાં કે માનવજીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રભુની પ્રાપ્તિ કરવામાં જ રહેલું છે. તેઓ એમ પણ કહેતાં : ‘તમે સાધુ છો કે ગૃહસ્થ છો એ મહત્ત્વનું નથી પણ તમારું મન કેવું છે એ જ મહત્ત્વનું છે. જો મન પવિત્ર હશે તો બધું જ સાચ દિશામાં વળશે. ઈશ્વર પવિત્ર મન ધરાવનારને આશીર્વાદ આપે છે. ઠાકુર કહેતા કે જેઓ પવિત્ર મન અને સાચા હૃદયથી ભગવાનને પોકારે છે, તે દરેકને ભગવાન મળે છે. ભગવાન વગર માણસનું જીવન ભાર રૂપ છે. એટલે તમે તમારા કાર્યોમાં ઈશ્વરનું સ્મરણ કરવાનું ચૂકશો નહીં.’

સ્ત્રીઓને તેઓ વારંવાર કહેતાં : ‘માતાઓ શાંતિ અને પવિત્રતાની રક્ષક છે. સમાજની રૂઢિઓ અને પ્રણાલિકાઓની નિરીક્ષક છે. આ તમારા હસ્તક છે, એ તમે ભૂલશો નહીં. એ કહેવત યાદ રાખજો કે જેઓ સુંદર કાર્યો કરે છે તેઓ જ સુંદર છે. સ્ત્રીઓની બાબતમાં આનાથી વધારે બીજું સારું નથી. મન અને શરીરની પવિત્રતા એ જ સ્ત્રી સૌંદર્યનું સાચું મૂળ છે.’ વ્યક્તિગત સ્વાર્થને પરિણામે સંયુક્ત કુટુંબની ભાવનાઓને લુપ્ત થતી જોઈને તેમને દુઃખ થતું અને તેમણે સ્ત્રીઓને આ બાબતમાં કહ્યું હતું: ‘તમારી અંગત વ્યક્તિગત સુખ સગવડો શોધવામાં તમારી ફરજ નથી. પણ પરિવારના અન્ય સભ્યોની જરૂરિયાતો તમારે સંતોષવી જોઈએ અને તેમનાં કાર્યો તમારાં પોતાનાં જ છે, એમ માનીને કરવાં જોઈએ.’

ત્યાગી અને વૈરાગીને અધ્યાત્મનો ઉપદેશ, ગૃહસ્થીને ગૃહસ્થ ધર્મની ફરજો બજાવવાનો ઉપદેશ, સ્ત્રીઓને સ્વાવલંબી અને નિર્ભયતાના પાઠો, આમ, ગૌરીમા દરેકને તેની જરૂરિયાત મુજબનું પથ્ય આપતાં હતાં. ઠાકુરના ઉપદેશને તેમણે પોતાના જીવનમાં પૂર્ણપણે ચરિતાર્થ કર્યો હતો કે ‘જેવો રોગ તેવી દવા ને જેવી પાચન શક્તિ તેવું પથ્ય.’ (ક્રમશઃ)

Total Views: 30
By Published On: October 3, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram