વર્ણો વચ્ચેના ૫રસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને આપણી વધુ અધોગિત થશે. સમસ્યાનો ઉકેલ ઊંચી કક્ષાનાને નીચા પાડવામાં નથી, પણ નીચી કક્ષાનાને ઊંચી કક્ષાએ લઈ જવામાં છે. આપણાં શાસ્ત્રોમાં આ જ માર્ગ સૂચવાયો છે… એ યોજના શી છે? આદર્શની પરમોચ્ચ કોટિએ બ્રાહ્મણ છે ને નિકૃષ્ટ કોટિએ ચાંડાલ છે. ચાંડાલને બ્રાહ્મણની કોટિએ પહોંચાડવો એ જ આપણું મુખ્ય કર્તવ્ય છે. પછી ધીમે ધીમે તેમને પણ વિશેષ અધિકારો પ્રાપ્ત થતા જશે…..

બ્રાહ્મણો, ચેતો, આ જ તો મૃત્યુનાં લક્ષણો છે! જાગૃત થાઓ અને તમારી આસપાસના અબ્રાહ્મણોને બ્રાહ્મણની કક્ષાએ લઈ જઈને – એક સ્વામીની અદાથી નહીં, વહેમથી, પૂર્વપશ્ચિમની ધૂર્તવિદ્યાથી વીંટળાયેલા અભિમાનના કીડાથી નહીં, પણ એક સેવકની અદાથી બ્રાહ્મણની કક્ષાએ લઈ જઈને – તમારાં પુરુષાતન તથા બ્રાહ્મણત્વની પ્રતીતિ કરાવો…..

બ્રાહ્મણેતર વર્ણોને હું કહું છું : થોભો, અધીરા ન થાઓ. બ્રાહ્મણો સામે લડવાની જે કાંઈ તક મળે છે તેને ઝડપી નહીં લો, કારણ કે, તમે પણ તમારા દોષોથી ક્યાં નથી પીડાતા? આધ્યાત્મિકતા અને સંસ્કૃતના અભ્યાસની ઉપેક્ષા કરવાનું તમને કોણે કહ્યું હતું? આટલા બધા સમય સુધી તમે શું કરતા હતા? તમે શા માટે સાવ ઉદાસીન રહ્યા? બીજા કોઈમાં તમારા કરતાં વધારે બુદ્ધિ, વધારે શક્તિ, વધારે ચપળતા અને કાર્યસાધતા હોય તો તેમાં તમે શાના ધૂવાંફૂવાં થાઓ છો? વર્તમાનપત્રોમાં મિથ્યા વાદવિવાદ અને વિતંડા કરવામાં તમારી શક્તિનો દુર્વ્યય કરવા કરતાં, તમારા ઘરમાં જ લડવાઝઘડવા કરતાં – એ તો પાપ જ છે – બ્રાહ્મણોના જે સંસ્કાર છે તે પ્રાપ્ત કરવામાં તમારી શક્તિ ખરચો તો જ ધાર્યું કાર્ય સિદ્ધ થશે. તમે સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિતો શા માટે નથી થતા? ભારતના સર્વ વર્ણો માટે સંસ્કૃતનું શિક્ષણ સુલભ બનાવવામાં તમે શા માટે કરોડો રૂપિયા નથી ખરચી નાખતા? મુખ્ય સવાલ આ જ છે. જે ઘડીએ તમે આ બધું કરશો તે ઘડીએ તમે બ્રાહ્મણની કક્ષાએ પહોંચશો! ભારતમાં વર્ચસ્ પામવાની આ જ ચાવી છે.

(આપણા હાથમાં ભારતનું ભાવિ, ચતુર્થ સંસ્કરણ, પૃ. ૬૮થી ૭૨)

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.