સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ. – સં.

(ગતાંકથી આગળ)

૧૮. સ્વામી વિવેકાનંદ : યુવશક્તિ ઘડતરના શ્રેષ્ઠ માર્ગદર્શક

મેં આરંભમાં કહ્યું હતું તે પ્રમાણે, પુરાણા ઈતિહાસ સાથેનું યુવાન રાષ્ટ્ર આપણે છીએ. આ યૌવનમય રાષ્ટ્ર પોતાની યુવા ઊર્જાનું ઘડતર કરે તે આવશ્યક છે; અને આવા ઘડતર અને શુદ્ધીકરણ માટેના વિજ્ઞાન અને ટૅકનિક માટે આપણને સ્વામી વિવેકાનંદ પાસેથી ઉત્તમ માર્ગદર્શન મળે છે. એમનું સાહિત્ય ઓજસ્વી વિચારો, ઉજ્જવળ પવિત્રતા, સામર્થ્ય, પ્રેમ અને સેવાનું સાહિત્ય છે. એમનો બોધ મનુષ્ય ભણી અને ઈશ્વર ભણી જવાની શક્તિ આપશે. ઑકટૉબર ૧૯૭૭માં, મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીએ મારા વ્યાખ્યાન માટે મને સૂચવેલો વિષય હતો : ‘સ્વામી વિવેકાનંદ : એમનો માનવતાવાદ’, શ્રોતાજનોના સૂચનથી અપાયેલા સરળ અંગ્રેજીમાં એનો રશિયન અનુવાદ કરવાની જરૂર ન હતી – અપાયેલા એ વ્યાખ્યાનનો અવસર આકર્ષક હતો. વ્યાખ્યાનને અંતે એ વિષય પર ચેતનવંતા પ્રશ્નો પૂછાયા હતા જેના ઉત્તર વાળવામાં આવ્યા હતા. પાશ્ચાત્ય દેશોમાં તેમ જ બીજા વિદેશોમાં, અનેક લોકો સ્વામી વિવેકાનંદનું આ બલપ્રદ, વિશુદ્ધિકર સાહિત્ય વાંચે છે – એ છે રશિયનો, જર્મનો, વલંદાઓ, ઑસ્ટ્રેલિયનો, અમેરિકનો અને દક્ષિણ અમેરિકનો. એ વાંચનારા સર્વ જનો એની શૈલી, એમાં વ્યક્ત થતાં ચિંતન અને એની સુષ્ઠુ ભાષાથી અભિભૂત થાય છે. સ્વામી વિવેકાનંદના બોધ અને એમના વ્યક્તિત્વની અસર વિશે, મહાન ફ્રેંચ ચિંતક અને સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા રોમાં રોલાં કહે છે (‘લાઈફ ઑફ વિવેકાનંદ’ પૃ.૧૪૬ અને પૃ.૩૧૦):

‘વિવેકાનંદના શબ્દો મહાન સંગીત છે, બિથોવનની શૈલીના શબ્દખંડો અને હેણ્ડેલના સમૂહ ગાનોની કૂચની એ યાદ આપે છે. ત્રીસ વર્ષને અંતરેથી, અનેક પુસ્તકોમાં વેરવિખેર પડેલી એમની ઉક્તિઓને હું હાથ લગાડું છું ત્યારે વિદ્યુતના આંચકાની ધ્રુજારી અનુભવ્યા વગર હું રહી શકતો નથી અને એ મહાવીરને શ્રીમુખેથી એ સરી હશે ત્યારે એમણે કેવા આંચકાઓ આપ્યા હશે, સાંભળનારને કેવા આનંદમાં ડુબાડ્યાં હશે!’

‘સ્વામી વિવેકાનંદની રચનાત્મક પ્રતિભાને સંતુલન અને સમન્વય, એ બે શબ્દોમાં સંક્ષેપમાં વર્ણવી શકાય. આત્માના બધા ગ્રંથો એમણે અપનાવ્યા હતા; સંપૂર્ણતઃ ચારેય યોગ, ત્યાગ અને સેવા, કલા અને વિજ્ઞાન, પૂર્ણ આધ્યાત્મિક કક્ષાથી પૂર્ણ વ્યાવહારિક કક્ષા સુધીનાં ધર્મ અને કર્મ – આ બધું એમણે અપનાવ્યું હતું….. બધી માનવશક્તિના સંવાદનું મૂર્તિમંત સ્વરૂપ તેઓ હતા!’

અગાઉ જેમનો ઉલ્લેખ કર્યો છે તે પ્રૉફેસર જૉન કૅનૅથ ગાલબ્રેથ હૈદરાબાદ આવ્યા હતા ત્યારે તેમને મેં રોમાં રોલાંનાં આ બે પુસ્તકો -‘શ્રીરામકૃષ્ણનું જીવન ચરિત્ર’ અને ‘સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર’નો સંપુટ ભેટ આપ્યો હતો. આપણી રાજકીય બાબતો વિશે સંપૂર્ણ માહિતી ધરાવતા મને એ જણાયા હતા પરંતુ, ભારતના દાર્શનિક અને આધ્યાત્મિક વારસાથી એ બહુ પરિચિત જણાયા ન હતા; તેમને ભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે. અર્થશાસ્ત્ર પરનું એમનું વિખ્યાત પુસ્તક, ‘ધ ઍફલુઅંટ સોસાયટી’ (સમૃદ્ધ સમાજ) અમેરિકાના સમૃદ્ધ સમાજ વિશે છે અને સમૃદ્ધિ પ્રત્યેનો એમનો અણગમો એ અછતો રાખતા નથી. એ અણગમાએ જ એમની પાસે એ પુસ્તક લખાવ્યું હતું.

અમેરિકામાં ઘણા લોકો ગરીબ છે, ત્યાંની વસ્તીના લગભગ ૧૦ ટકા જેટલા, અને તે છતાંયે, એ વિપુલ સમૃદ્ધિનો દેશ છે. ગાલબ્રેથે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો ‘આ તવંગર દેશમાં શા માટે આટલા લોકો ગરીબ છે?’ પોતાનાં ગૃહીતોને અને પોતાની સમાજવ્યવસ્થાને વિશે પ્રશ્ન પૂછીને મુક્ત સમાજ પોતાની ચેતના કેવી રીતે ધારણ કરે છે અને ગતિશીલતા કેમ પ્રગટ કરે છે તે જુઓ. અમેરિકી પ્રજાનું આ વિશિષ્ટ લક્ષણ છે. અમેરિકાનો એક પનોતો પુત્ર ઊભો થઈ રાષ્ટ્રના મોં સામે જોઈ આ પ્રશ્ન કરે છે : ‘શા માટે આ અનિષ્ટો અહીં છે?’ પસાર થતા દરેક દિવસ સાથે આ પ્રશ્ન વધારે મોટેથી બોલાતો અને વધારે શક્તિથી પૂછાતો જાય છે અને, આ અસમાનતાઓ દૂર કરીને જ તેનો ઉત્તર વહેલો કે મોડો મેળવવો પડશે. માનવીના વિકાસ અને એના સંતોષની સરખી ફિલસૂફી દ્વારા એનો ઉત્તર આપી શકાય. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ આવા સંશયોથી જ થઈ શકે.

રાજકીય અર્થશાસ્ત્ર પરનું પહેલું પુસ્તક ઈંગ્લેન્ડમાં અઢારમી સદીમાં ઍડમ સ્મિથે પ્રકાશિત કર્યું હતું – ‘ધ વૅલ્થ ઑફ નૅશન્સ’ (રાષ્ટ્રોની સંપત્તિ). ઍડમ સ્મિથનું એ પુસ્તક જગતમાં ચારેકોર ખૂબ વંચાય છે. પછી ડૅવિડ રિકાર્ડો, માલ્થસ વગેરે બીજાઓ આવ્યા. એ લોકો જી.એન.પી. (‘ગ્રૉસ નૅશનલ પ્રૉડકટ’) – (કુલ ઉત્પાદન)ની અને બીજી બાબતોની વાતો કરે છે. માલ્થસ, રિકાર્ડો બાબતના કાર્લાઈલના વિધાનનું પોતાના પુસ્તકમાં ગાલબ્રેથ અવતરણ ટાંકે છે :

‘૧૮૫૦માં, ‘નિસ્તેજ શાસ્ત્રના માનવંતા અધ્યાપકો’ તરીકે કાર્લાઈલે રિકાર્ડો અને માલ્થસનો ગર્ભિત ઉલ્લેખ કર્યો હતો અને, અર્થશાસ્ત્રને એવું નામ આપ્યું જેમાંથી એ કદીય છટકી શક્યું નથી કારણ, એ કદીય સર્વથા અયોગ્ય ન હતું.’

કેવી બોલકી ઉક્તિ છે એ – ‘નિસ્તેજ શાસ્ત્રના માનવંતા અધ્યાપકો!’ જી.એન.પી. અર્થશાસ્ત્રને ‘નિસ્તેજ’ વિશેષણ લગાડાયેલું આપણે અહીં પ્રથમ વાર જોઈએ છીએ અને ગાલબ્રેથ ટિપ્પણ ક૨ી કહે છે કે ‘એ કદીય સર્વથા યોગ્ય ન હતું.’ કશાં ઉચ્ચતર મૂલ્યો વગરનું, માત્ર ઉત્પાદન અને વપરાશનું અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રને નિસ્તેજ શાસ્ત્ર જરૂર બનાવી શકે છે. અને ગાલબ્રેથ આગળ સમજાવે છે. (એજન, પૃ.૨૭૮)

‘એક ખાલી ઓરડામાં રાચરચીલું મૂકવું એ એક બાબત છે અને એ ઓરડાના પાયા હલબલી ઊઠે એટલું રાચરચીલુ’ એમાં ખડકવું એ બીજી બાબત છે. ઉત્પાદનની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ જવું એ માનવીને એના પુરાણા અને અતિ ત્રાસદાયક દુઃખમાં સબડતો રાખવા બરાબર હતું. પણ આપણે એ સમસ્યા હલ કરી છે. એ જોવામાં નિષ્ફળ જવું, અને ત્યાંથી બીજાં કાર્યો ભણી આગળ વધવામાં નિષ્ફળ જવું એ વધારે કરુણ છે.’

ઍડમ સ્મિથના પુસ્તક પછી, આ સદીમાં, સ્વીડનના ગન્નર મિડૉલનું પુસ્તક ‘ઍશિયન ડ્રામા ઍન ઈન્કવાયરી ઈન્ટુ ધ પૉવર્ટી ઑફ નૅશન્સ’ બહાર પડ્યું. ઍડમ સ્મિથે કર્યું ન હતું તે, રાષ્ટ્રોની ગરીબાઈની ચર્ચાનું કામ તેમણે કર્યું. ઇંડોનેશિયા, ભારત અને બીજા કેટલાક દેશો ગરીબ છે. શા માટે તે દેશો ગરીબ છે? એમ પ્રશ્ન કર્યા પછી, પોતાના પુસ્તકમાં એ સમસ્યાની તેઓ છણાવટ કરે છે. પછી ‘ધ ઍફલુઅંટ સોસાયટી’ના ચોટદાર શીર્ષક સાથે ગાલબ્રેથ આવ્યા. આ અજબ અમેરિકામાં અઢળક સંપત્તિ છે અને વળી તેજહીન દારિદ્ર પણ છે. શા માટે એમ છે? પછી શ્રી ગાલબ્રેથ એક વિશિષ્ટ દિશા દાખવે છે, જેમાં આપણા કેટલાક આધ્યાત્મિક વિચારોના પડઘા સાંભળવા મળે છે; શ્રી ગાલબ્રેથ સૂચવે છે કે અર્થશાસ્ત્ર જીવનનાં ઉચ્ચતર મૂલ્યો લક્ષમાં લેવાં જ પડશે. પુસ્તકને પહેલે પાને જ એ, પ્રખ્યાત અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલના શબ્દોને ભારપૂર્વક ટાંકે છે :

‘બીજી દરેક વ્યક્તિની માફક, અર્થશાસ્ત્રીએ પણ મનુષ્યના અંતિમ ધ્યેયનો વિચાર કરવો જોઈએ.’

એ ગ્રંથમાં આવાં કેટલાંય અવતરણો છે. માનવીય મુખવટાવાળા અર્થશાસ્ત્રમાં, આ પ્રકારની વિચારણામાં, એમના રસે મને આનંદિત કર્યો હતો. ‘સ્મૉલ ઈઝ બ્યૂટિફુલ : ઍન ઍકસ્પોઝિશન ઑફ ઈકનૉમિક્સ ઍઝ ઈફ પીપલ મેટર’ (નાનું સુંદર છે : લોકો અગત્યના છે તે માન્યતાવાળા અર્થશાસ્ત્રનું વિવરણ) નામના, પછીથી ખૂબ પ્રસિદ્ધ થનાર નાના પુસ્તકના કર્તા ઈ.એફ. શુમેકર ૧૯૭૭માં અવસાન પામ્યા. માનવતાવાદી અર્થશાસ્ત્રનું સાધન બને તેવી ટૅકનૉલૉજીની આવશ્યક્તાને તેઓ તેમાં નિર્દેશે છે. આ સમગ્ર ચિંતનમાં, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રને આધ્યાત્મિક દિશા આપતા ચિંતનની ઝાંખી આપણને થાય છે. પણ એ લેખકો મનુષ્ય વિશેના દર્શનશાસ્ત્રને એટલી ઊંડાણથી જાણે છે કે એ નવી દિશા તરફની પ્રગતિ જળવાઈ રહે તેવી છાપ તમને નહીં પડે. શ્રી ગાલબ્રેથને મેં પેલાં બે પુસ્તકો આપ્યાં ત્યારે, તેમણે મને કહ્યું કે, ‘હું અમેરિકા પાછો ગયા પછી એ જરૂર વાંચી જઈશ;’ અને ફરીવાર બૉસ્ટન જાઉં ત્યારે, મને એમણે મૅસૅચ્યૂસૅટ્સમાં કૅમ્બ્રિજમાં આવેલા પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું.

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકારના સંદર્ભમાં, સમગ્ર માનવજાતને માટે સુખી, ફલપ્રદ અને સંતોષપૂર્ણ જીવન મળે તે હેતુથી, દુનિયાના વિવિધ દેશોના લોકો, આમ, માનવ ભવિતવ્ય અંગે આર્થિક મૂલ્યોની સાથો સાથ નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં વિચારે છે. આ માટે, મૂલ્યોના ઊંડા દર્શન પર મનુષ્યનું જીવન આધારિત રહેવું જોઈએ, માત્ર ભૌતિક પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર નહીં. માનવ વ્યક્તિત્વના આધ્યાત્મિક પરિમાણની સમજ અને ખીલવણીમાંથી જ આવું દર્શન પ્રગટી શકે.

૧૯. તારતમ્ય

વેદાન્તમાં કહ્યા પ્રમાણે દરેક મનુષ્યમાં દૈવી સ્ફુલ્લિંગ છે. એ પર આધારિત સ્વામી વિવેકાનંદનો સંદેશ અહીં કામનો તથા અગત્યનો છે. મૉસ્કો યુનિવર્સિટીમાંના મારા વ્યાખ્યાનના પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ : એમનો માનવતાવાદ’માં પ્રશ્નોત્તરી વિભાગમાં એક રશિયન પ્રૉફેસરે પૂછેલો એક અગત્યનો પ્રશ્ન તમને જોવા મળશેઃ

‘સ્વામીજી, આપના વ્યાખ્યાનમાં, મનુષ્ય હૃદયમાંની દિવ્યતા વિશેના સ્વામી વિવેકાનંદના બોધની વાત આપે કરી. મારામાં એવું દિવ્ય કેન્દ્ર છે. ખરું? આ વિચારમાં મને ઘણો રસ પડ્યો છે. કૃપા કરી એ વિશે મને વધારે કહો.’

એ પ્રશ્નના ઉત્તરમાં (દિવ્યતાનો એ ખ્યાલ સમજાવવામાં) મેં થોડી મિનિટ લીધી. એથી સ્પષ્ટ થતાં (દિવ્યતાનું) સત્ય લોકોને, ખાસ તો યુવાનોને, સ્પર્શી ગયું. માનવીના ભીતરની આ ફિલસુફી યુવાનોને પોતાની દિવ્યતાની શક્યતાઓ ખીલવવામાં અને માનવતાવાદી સંવેદન તેમનામાં જગાડવામાં અને, બધાં કર્મોને માનવ સેવામાં પલટવામાં સહાયરૂપ થશે. પછી એમની યુવા ઊર્જાઓ માનવવિકાસ માટેની ગતિશીલ થાપણ બનશે. આ રીતે જ યૌવન, આદર્શવાદ અને યુવા ઊર્જા, સાથે મળીને, માનવ હેતુઓને સિદ્ધ કરી શકશે અને સમગ્ર જગતની પરિપાટી ઉપર માનવ ભવિતવ્યને પ્રાપ્ત કરી શકશે. આજે રાષ્ટ્રીય કક્ષાએ કશું કરી શકાતું નથી; આજે દરેક વસ્તુ એના વિસ્તારમાં ને વ્યાપમાં જાગતિક બને છે. ભારતમાં આપણે માટે, યુવાવસ્થા અને માનવ ભવિતવ્યની આ બાબત ખુબ અગત્યની છે. માનવ વિકાસના વિરાટ પડકારોને પહોંચી વળવાનું સામર્થ્ય તે આપશે. ૫૦૦૦ વર્ષોના ઈતિહાસનું આપણને પીઠબળ છે અને આપણી સન્મુખ કેટલાં વર્ષો પડ્યાં છે! આજના યુગના મહાન સ્રોતો, વિજ્ઞાન, ટૅકનૉલૉજી અને ગણતંત્રે આપેલી મહાન તક પકડી લઈને આપણે આગળ ચાલીએ અને આપણા પોતાના તર્કબદ્ધ, દાર્શનિક અને આધ્યાત્મિક વારસા સાથે વણી લઈને, મહાન રાષ્ટ્રનું નિર્માણ કરીએ, જેમાં ખૂબ મહાન લોકો હોય, ને તે એવા કે જેમણે ભિન્ન ભિન્ન અંશે પોતાનામાં રહેલી નિગૂઢ દિવ્યતાને પ્રગટ કરી હોય. આપ સૌનો આભાર.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.