વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે, ટી. ક્યુ. એમ. (TQM. – Total Quality Management) અને ‘ઝીરો ડિફેક્ટ’ (Zero Defect) એ શબ્દો આધુનિકતાના – પ્રગતિના – પર્યાયવાચી બની ગયા છે. વ્યક્તિગત કાર્યક્ષમતા અને ઉત્પાદકતા આ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને મનની એકાગ્રતા કેળવ્યા વગર આ શક્ય નથી.

શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે પણ મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. વૈદિક કાળથી જ આપણા દેશમાં ગુરુકુળોમાં અને વિશ્વવિદ્યાલયોમાં એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ અનિવાર્ય હતું. આજે ‘સૅક્યુલરિઝમ’ના બહાના હેઠળ આપણી મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં એકાગ્રતાનું આ મહત્ત્વનું શિક્ષણ અપાતું નથી એ દુર્ભાગ્યની વાત છે. પણ ધીરે-ધીરે લોકોમાં હવે આ વિશે જાગૃતિ આવી રહી છે; ખાસ તો વિદેશમાં આ વિશેની ઉત્સુકતા વધી રહી છે, એ જાણ્યા પછી આપણા દેશના શિક્ષણવિદો આ વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે.

હૉલૅન્ડની એક ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આ વિશે પ્રયોગ કરવામાં આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆ (Andhare S Joah) દ્વારા એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ અપાયું અને પછી તેમણે મેળવેલ સિદ્ધિઓની તુલના અન્ય વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓની સાથે કરવામાં આવી. જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓએ એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ મેળવ્યું હતું તેઓએ પરીક્ષામાં વધુ સારા માર્કસ મેળવ્યા, ભણવામાં તેઓ આગળ રહ્યા, એટલું જ નહિ, ઇત્તર પ્રવૃત્તિઓ – ખેલકૂદ વગેરેમાં પણ તેઓ આગળ રહ્યા. ઈંગ્લૅન્ડમાં અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે શાળાઓમાં અપાઈ રહ્યું છે. અમેરિકામાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ધ્યાનના અભ્યાસથી જે લાભો મળ્યા છે તેનું વર્ણન ડૉ. હર્બર્ટ બૅન્સનના પુસ્તક ‘ધ રિલૅક્સૅશન રિસ્પૉન્સ’માં મળે છે.

આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે તો એકાગ્રતા અનિવાર્ય છે. ભક્તિમાર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટદેવ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક અને અનાસક્તિપૂર્વક સેવાકાર્યો કરવાં પડે છે, જ્ઞાનયોગીને એકાગ્રતાપૂર્વક બ્રહ્મચિંતન કરવું પડે છે, અને રાજયોગીનું તો લક્ષ્ય જ છે – સંપૂર્ણ એકાગ્રતા – ચિતવૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ. ખ્રિસ્તી, યહૂદી, હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ રહસ્યવાદીઓના જીવનનો અભ્યાસ કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે એકાગ્રતાની શક્તિના વિકાસ દ્વારા જ તેઓએ સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરી હતી.

આમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા માટે એકાગ્રતાની આવશ્યકતા છે. સફળતા મેળવવા માટે કોણે કેટલો સમય કાર્ય કર્યું એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે, કેટલી એકાગ્રતાથી કર્યું તે મહત્ત્વનું છે. એકાગ્રતાપૂર્વક કાર્ય કરવાથી ઓછામાં ઓછા સમયમાં વધુ સારું અને વધુ પરિમાણમાં ફળ મળે છે અને આવી રીતે સમયનું આયોજન (Time Management) વધુ સારી રીતે થઈ શકે છે.

ઘણા વિદ્યાર્થીઓ દરરોજ કલાકો સુધી ભણે છે તો પણ સારા માર્કસ મેળવતા નથી, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેનાથી ઓછા કલાકો ભણી વધુ સારું પરિણામ મેળવે છે. તેનું એક મુખ્ય કારણ છે – એકાગ્રતાનું અંતર. કેટલાક સાધકો દરરોજ કલાકો સુધી પૂજાપાઠ કરે છે, ધ્યાન કરે છે, પણ બેધ્યાન બનીને; તેથી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતા નથી, જ્યારે અન્ય સાધકો થોડો સમય નિયમિત સાધના કરીને પણ અદ્ભુત પ્રગતિ કરે છે તેનું કારણ છે-મનની એકાગ્રતા.

મનોવિજ્ઞાન – પ્રાચ્ય અને પાશ્ચાત્ય

ઘણાં વિદ્યાર્થી ભાઈ – બહેનોની ફરિયાદ હોય છે કે તેઓ ભણવા તો બેસે છે પણ ભણવામાં મન લાગતું નથી, ‘મૂડ’ આવતો નથી, મન એકાગ્ર થતું નથી. ઘણા સાધકો પૂછે છે – ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મનમાં આડાઅવળા કેટલાય વિચારો આવે છે, મન સ્થિર થતું જ નથી, એકાગ્ર થતું નથી, એનું શું કારણ?’ એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયોની ચર્ચા કરતાં પહેલાં આપણે આ કારણો જાણી લેવાં જોઈએ અને મન વિશેના વિજ્ઞાનની થોડી સમજણ મેળવી લેવી જોઈએ. આપણે આ ચર્ચા પાશ્ચાત્ય તેમ જ પ્રાચ્ય મનોવિજ્ઞાન – બન્નેના સંદર્ભમાં કરીશું.

આપણું મન સ્વભાવથી જ ચંચળ છે. મનની અશુદ્ધિ તેને વધુ ચંચળ બનાવે છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ચેતન મન (Conscious mind) તો મનનો નાનો અંશ છે, આની પાછળ અચેતન મન (Unconscious mind) છે. આ ભંડારઘરમાં – અચેતન મનમાં – અનેક સંસ્કારો છુપાયેલા હોય છે, જેઓ અજાણતાં એકાગ્રતાના અભ્યાસમાં વિક્ષેપ નાખતા હોય છે. સાગરમાં હિમશિલા (iceberg) તરતી હોય છે, તેનો આઠમો ભાગ જ દૃષ્ટિગોચર થાય છે, બાકીનો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી દેખાતો નથી, તેથી ‘ટિટાનિક’ જેવા વિશાળકાય જહાજો ટકરાઈને ભાંગીને ભૂક્કો થઇ જાય છે. એ જ રીતે અચેતન મનમાં ઘણી શક્તિઓ પડેલી છે જેનો સદુપયોગ કરી મહાન સિદ્ધિઓ હાંસલ થઈ શકે. હિન્દુ શાસ્ત્રોના મત પ્રમાણે આ સંસ્કારો સારા અને નરસા બન્ને પ્રકારના છે અને ફક્ત આ જન્મના જ નહિ, પૂર્વજન્મના સંસ્કારો પણ અચેતન મનમાં પડેલા છે. આધુનિક પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણ (Psycho-analysis) પદ્ધતિનો આરંભ કરનાર ડૉ. સિગમન ફ્રૉયડ એમ માને છે કે આ અચેતન મન ખરાબ વૃત્તિઓનું જ ભંડારઘર છે અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે બાળપણના અનુભવો કારણભૂત છે. માનવના અચેતન મન પર ગહન સંશોધન કરી તેમણે માનવજાતની મહાન સેવા બજાવી છે, પણ પોતાના કેટલાક ભૂલભરેલા અટપટા સિદ્ધાંતોને છેવટ સુધી છોડવાનો ઈન્કાર કરીને માનવજાતને નુકસાન પણ એટલું જ પહોંચાડ્યું છે. એટલા માટે જ તેમના પોતાના સાથીઓ – ઍડલર અને ડૉ. યંગ તેમને છોડીને ચાલ્યા ગયા હતા. ફૉયડના વિચારોની મહાનતા અને ખામીઓ વિશેના પુસ્તકમાં સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રૉમ લખે છે – ‘ફ્રૉયડ એક શિક્ષકમાંથી પોતાના જ વિશ્વાસુ પણ અયોગ્ય શિષ્યોના કેદી બની ગયા.’

ફ્રૉયડ અને ઍડલરના સિદ્ધાંત મુજબ કાં તો જાતીય વૃત્તિ અથવા તો પ્રભુત્વ વૃત્તિ જ સૌથી વધુ મૂળભૂત કે આગળ પડતી સહજવૃત્તિ છે અથવા તો તે જ માનવપ્રકૃત્તિનું મૂળભૂત સત્ય છે. આ અંગે આધુનિક મનોવૈજ્ઞાનિક ડૉ. વિલિયમ બ્રાઉન માને છે કે જાતીય વૃત્તિ કે પ્રભુત્વની વૃત્તિ માનવીનાં વર્તન અને કાર્યોને સમજાવવા પર્યાપ્ત ગણી શકાય નહીં. ‘સાયન્સ એન્ડ પર્સનાલિટી’માં અવલોકન કરતાં ડૉ. બ્રાઉન જણાવે છે કે એક મૂળભૂત સહજવૃત્તિને શોધી કાઢવાના પ્રયત્નમાં ફ્રૉયડ અને ઍડલર નિષ્ફળ નીવડ્યા છે.

સ્વામી અખિલાનંદજીએ પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા બાદ આ વિષય પર કેટલાંક મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખ્યાં, તેમાંના એક પુસ્તકમાં તેઓ લખે છે, ‘માણસ મૂળભૂત રીતે વિનાશક વૃત્તિ ધરાવે છે એવા મંતવ્ય સાથે હિન્દુ મનોવૈજ્ઞાનિકો સહમત થતા નથી. તેમના મંતવ્ય મુજબ આત્મહત્યા, લડાઈ અને અન્ય વિનાશક વૃત્તિઓ સાધારણ મનની અભિવ્યક્તિ ગણાય નહીં. ફ્રૉયડ તથા અન્ય વિશ્લેષણવાદીઓ વિકૃતિશાસ્ત્રને લગતા કિસ્સાઓના અભ્યાસને આધારે બિનજરૂરી અને અસંગત રીતે સામાન્યીકરણ કરી રહ્યા હોય એમ જણાય છે. ધાર્મિક આત્મનિષેધ કે ત્યાગની પાછળ પણ મૃત્યુ જેવી વિનાશક વૃત્તિ શોધવી હવે તદ્દન અતાર્કિક અને છીછરો પ્રયાસ જ જણાય છે. હિંદુ મનોવૈજ્ઞાનિકોનો દૃષ્ટિકોણ આથી વિરુદ્ધ છે. તેઓ એવા નિષ્કર્ષ પર આવે છે કે માનવ મનની અંદર શાશ્વત સુખ અને અનંત અસ્તિત્વની ઝંખના રહેલી છે.’

આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રૉ, વિલિયમ જૅમ્સ સ્વીકારે છે કે, ‘હિન્દુસ્તાનનું યોગદર્શન નિઃશંકપણે અત્યંત આદરણીય અને ત્યાગ વૈરાગ્ય – પ્રેરક છે. તેનાં પરિણામો અત્યંત વિપુલ પ્રાયોગિક પુરાવાઓ આપે છે.’

પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનનું તુલનાત્મક અધ્યયન કરવાથી એકાગ્રતા અને મનોનિગ્રહ વિશે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સાંપડે છે. તેમાંના થોડા સંક્ષેપમાં આ રીતે રજૂ કરી શકાય –

૧. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ હજારો વર્ષોથી એકાગ્રતાનું સંપૂર્ણ વિજ્ઞાન વિકસાવ્યું છે. મહર્ષિ પતંજલિએ પોતાના યોગસૂત્રોમાં એકાગ્રતાના વિજ્ઞાન વિશે સવિસ્તાર માહિતી આપી છે. ઉપનિષદો, ગીતા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોમાં પણ આ વિશે ઘણી માહિતી મળે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો એકાગ્રતાને સમગ્રપણે સમજી શક્યા નથી. તેઓએ પ્રયોગશાળામાં આ વિશે જે અનેક પ્રયોગો કર્યા છે તે મહત્ત્વના છે. પણ આ બધા કાળજી (Attention) વિશે છે જે એકાગ્રતા (Concentration) નું માત્ર પ્રથમ સોપાન છે.

૨. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો ચેતનાની ચાર અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય – સ્વીકારે છે. મોટા ભાગના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો તુરીય અવસ્થા અથવા પરચેતનમન(Superconscious mind) ના અભ્યાસની ઉપેક્ષા કરે છે અથવા તો તેને રોગનિદાનલક્ષી (Pathological) ગણે છે.

૩. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ પોતાનાં તારણો સામાન્ય (Normal) અથવા પ્રતિભાસંપન્ન ઉત્તમ (Supernormal) મનના અભ્યાસ દ્વારા કર્યો છે, જ્યારે ચાર્કોટ, જેનેટ, ફ્રૉયડ, ઍડલર, હ્યુંગ અને પશ્ચિમના અન્ય મનોવિશ્લેષણવાદીઓએ મોટા ભાગે માનસિક રોગોથી પીડાતા એવા અસામાન્ય (Abnormal) મનુષ્યોના મનના અભ્યાસ દ્વારા પોતાનાં તારણો મેળવ્યાં છે. આવી રીતે તારવેલા નિષ્કર્ષોને સામાન્ય (Normal) મનને લાગુ કરવાનો પ્રયાસ જોખમકારક નીવડી શકે.

૪. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો પુનર્જન્મમાં માને છે, તેથી અચેતન મનમાં પૂર્વજન્મોના સંસ્કારોના પરિબળને મહત્ત્વપૂર્ણ માને છે. મોટા ભાગના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો આ જન્મમાં મેળવેલ સંસ્કારો, વિશેષરૂપે બાળપણના અનુભવો અને સંસ્કારોને અચેતન મનમાં સંઘરાયેલા માને છે જો કે, ડૉ. હ્યુંગ જેવા કેટલાક મનોવૈજ્ઞાનિકો વંશગત અચેતન (racial unconscious) ને મહત્ત્વ આપે છે.

૫. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો ‘આત્મા’ (Self) માં માને છે જે ચેતના (Conscious) નું મુખ્ય કેન્દ્રબિન્દુ છે. ‘મન’ એ સૂક્ષ્મ જડપદાર્થ છે. પોતે ચેતનવંતુ નથી. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો મન અને ચેતનાને અભિન્ન માને છે. તેથી જ સંપૂર્ણ આત્મસંયમ (Self-Control) ને અશક્ય માને છે. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો માને છે કે મનુષ્ય પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના મનના સંસ્કારો બદલી નાખી પોતાના જીવનની દિશા બદલી નાખી શકે છે.

અહીં એ જાણવું રસપ્રદ રહેશે કે ઍરિફ ફ્રૉમ, અબ્રાહમ મૉસ્લો, કાર્લ રોજર્સ, કારેન હોર્ની જેવા કેટલાક પાશ્ચાત્ય આધુનિક મનોવૈજ્ઞાનિકો હવે ‘માનવતાવાદી મનોવિજ્ઞાન’ (‘Humanistic Psychology) માં માને છે અને પ્રાચ્ય મનોવિજ્ઞાનની મહાનતાનો સ્વીકાર કરી તેના સિદ્ધાંતો ધીરે-ધીરે અપનાવી રહ્યા છે.

મનોનિગ્રહ – કઠિન પણ શક્ય

મનને કાબૂમાં રાખવું કેટલું બધું કઠિન છે? સ્વામી વિવેકાનંદજી દ્વારા તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે, એ બરાબર જ છે. એક હતો વાંદરો – સ્વભાવે જ ચંચળ, જેમ બધા વાંદરા હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેને ખૂબ દારૂ પાયો, એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોચે પહોંચી, અને તે પછી દુઃખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી, એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે? માણસનું મન એ વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ. પછી, એ ઈચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય એટલે તેની ચંચળતાની માત્રા ખૂબ વધી જાય; ઈચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી, આવે બીજાઓની ફત્તેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે, એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું કેટલું કઠણ છે!

કઠણ હોવા છતાં આ કાર્ય અશક્ય નથી. નિરાશ થવાની જરૂર નથી. મહાન વ્યક્તિઓ માટે પણ મનને વશ કરવું કઠણ હતું, તો આપણા માટે તો, સ્વાભાવિક રીતે આ કાર્ય વધારે કઠણ હોય જ. પણ, મનને વશ કરવાના ઉપાયો જાણીને તે પ્રમાણે કરવાથી અશક્ય પણ ધીરે ધીરે શક્ય બનશે.

ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે –

चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ।।

(ગીતા : ૬/૩૪)

‘હે કૃષ્ણ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દૃઢ છે; મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું.’

અર્જુન જેવા મહારથીને મોઢેથી આ શબ્દો સાંભળીને શ્રીકૃષ્ણ તેને ઠપકો આપતા નથી પણ તેની વાતનું અનુમોદન કરીને મનને વશ કરવાનો મહામંત્ર આપે છે –

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।।

(ગીતા : ૬/૩૫)

‘હે મહાબાહો! ખરેખર, મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કૌન્તેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે.’

મનોનિગ્રહના ઉપાયો – અભ્યાસ અને વૈરાગ્ય

સાડા ત્રણ અક્ષરના એ જાદુઈ મંત્ર ‘અભ્યાસ’ દ્વારા અશક્ય લાગતાં એવાં કાર્ય પણ શક્ય બને છે.

૧૫ નવેમ્બર ૧૮૮૨ના રોજ શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે ક્લકત્તામાં વિલ્સનનું સર્કસ જોવા ગયા. સર્કસમાં કેટલીય વાર સુધી તરેહ તરેહના ખેલો તેમણે જોયા. ગોળ રીંગમાં ઘોડો દોડી રહ્યો છે. ઘોડાની પીઠ પર છોકરી એક પગે ઊભેલી છે. વળી, વચ્ચે વચ્ચે સામે મોટી મોટી લોઢાની રીંગો નીચે થઈને દોડે છે, ત્યારે એ છોકરી ઘોડાની પીઠ પરથી કૂદકો મારીને રીંગની અંદર થઈને ફરી પાછી ઘોડાની પીઠ ઉપર એક પગે ઊભી થઈ રહે છે. સર્કસ પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણદેવ મેદાનમાં ગાડીની પાસે ઊભા ઊભા વાતો કરવા લાગ્યા – ‘જોયું ને? છોકરી કેવી એક પગે ઘોડા ઉ૫૨ ઊભી હતી, અને ઘોડો જોસથી દોડ્યો જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશે ને?’ અભ્યાસ દ્વારા અશક્ય જેવાં કાર્યો પણ શક્ય બને છે. મનને વશ કરવું જાણે ઘોડા પર સવારી કરવા જેવું છે. બને તો આ ઘોડો આપણને પહેલાં તો પોતાની પીઠ પર બેસવા જ નથી દેતો, વારંવાર પછાડી દે છે. માંડ માંડ સવાર થયા તો, કાં તો નિષ્ક્રિય થઈ બેસી રહે છે અથવા ચંચળ થઈ ફગાવી દે છે. પણ, અભ્યાસ દ્વારા ધીરે ધીરે મનના આ ઘોડાની પીઠ પર એક પગે ઊભું રહેવું પણ શક્ય બને છે.

પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવી નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે ખૂબ દારૂ ઢીંચ્યો અને નાવમાં બેઠા. જલદીથી પેલે પાર પહોંચવા માટે આખી રાત હલેસા માર્યાં. છેવટે તેઓને લાગ્યું કે, હવે કિનારો આવ્યો છે. જ્યારે દારૂનો નશો થોડો ઓછો થયો ત્યારે સવારના અજવાળામાં તેઓએ આશ્ચર્યથી જોયું કે, નાવ તો જે ઘાટ પરથી તેઓ ચડ્યા હતા ત્યાં જ હતી! આમ કેમ બન્યું? છેવટે ખબર પડી કે, આટલાં બધાં હલેસાં માર્યાં છતાં નાવ તો એક તસુ પણ આગળ વધી નહોતી, કારણ કે દારૂના નશામાં તેઓ લંગર ઉઠાવવાનું જ ભૂલી ગયા હતા!

આપણા બધાની પણ આવી જ અવસ્થા છે. મનને એકાગ્ર કરવાના, વશ કરવાના પ્રયત્નો તો ખૂબ કરીએ છીએ, હલેસાં તો ખૂબ મારીએ છીએ, પણ મનની એકાગ્રતારૂપ નાવ એક તસુ પણ આગળ ચાલતી નથી. કારણ કે સાંસારિક કાર્યોના નશામાં આપણે આસક્તિનું લંગર ખોલવાનું જ ભૂલી જઈએ છીએ. જ્યાં સુધી અનિચ્છનીય વસ્તુઓ પ્રત્યેની આસક્તિનાં બંધન આપણે નહિ છોડીએ, અનાસક્તિ અને વૈરાગ્યનો ભાવ આપણા જીવનમાં નહિ આવે ત્યાં સુધી ઈચ્છનીય વસ્તુઓમાં ચિત્તને ચોટાડવાનું, મનને એકાગ્ર કરવું આપણા માટે અશક્ય બની જશે.

એક વિદ્યાર્થી દસમા ધોરણમાં ખૂબ જ સારા માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થયો. પણ બારમા ધોરણની પરીક્ષામાં વારંવાર નાપાસ થવા લાગ્યો. વાલીઓને, શિક્ષકોને, તેના મિત્રોને બધાંને આશ્ચર્ય થયું કે, આટલો તેજસ્વી વિદ્યાર્થી અચાનક આમ મનની એકાગ્રતા કેમ ગુમાવી બેઠો? પછીથી જાણવા મળ્યું કે, આ સમય દરમિયાન તેને વીડિયો ફિલ્મ જોવાની એવી આદત લાગી ગઈ હતી કે, દરરોજ ગંદી ફિલ્મો જોવામાં તેનો સારો એવો સમય જતો. બાકીનો સમય જ્યારે તે ભણવામાં લગાડતો તે પણ ફિલ્મોના ચિંતનમાં જ પસાર થતો, ભણવામાં તેનું ચિત્ત ચોટતું નહિ. આવી પરિસ્થિતિમાં તે કેવી રીતે ભણવામાં સફળ થઈ શકે? જ્યાં સુધી તે વિવેકબુદ્ધિ દ્વારા વિચાર કરી, સંક્લ્પ કરી, વીડિયો ફિલ્મો પ્રત્યે વૈરાગ્યનો ભાવ નથી કેળવતો ત્યાં સુધી તેના માટે એકાગ્રતા કેળવવી અશક્ય બની જશે.

એક ખેડૂત ખૂબ પરિશ્રમપૂર્વક પોતાના ખેતરમાં પાણી સીંચતો. દ૨૨ોજ તે કૂવામાંથી પાણી ઉલેચીને ખેતરમાં પાણી પાતો પણ ખેડૂતને આશ્ચર્ય થયું કે, તો ય પાક સુકાઈ જાય છે! છેવટે તેને કારણ જાણવા મળ્યું. ખેતરની પાળમાં ઉંદરે ઘણાં છિદ્રો કર્યાં હતાં. આ છિદ્રો વાટે બધું પાણી બહાર નીકળી જતું હતું.

આમ, એકાગ્રતા કેળવવા માટે, મનને વશ કરવા માટે, અભ્યાસની સાથે સાથે વૈરાગ્યની આવશ્યકતા છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતાની વાત કરે છે. મહર્ષિ પતંજલિ પણ ચિત્તવૃત્તિઓના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતાની વાત કરે છે – ‘अभ्यासवैराग्याभ्यम् तन्निरोध:’ (પાતંજલ યોગસૂત્ર ૧/૧૨) આ સૂત્ર પરના ભાષ્યમાં વ્યાસદેવ કહે છે કે, ચિત્તરૂપી નદી બે દિશાઓમાં વહે છે : એક, વિષયોની દિશામાં થઈને પાપની તરફ અને બીજી, વિવેકની દિશામાં થઈને કલ્યાણ તરફ. વૈરાગ્ય દ્વારા ચિત્તનદીને પાપ તરફ વહેતી અટકાવવામાં આવે છે અને અભ્યાસ દ્વારા તેને કલ્યાણ તરફ વહેવડાવવામાં આવે છે. વૈરાગ્યના અભાવમાં અભ્યાસ આંધળો છે અને અભ્યાસના અભાવમાં વૈરાગ્ય લૂલો છે. વૈરાગ્ય સાધનાને દિશા પ્રદાન કરે છે અને અભ્યાસ શક્તિ પ્રદાન કરે છે. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ વગેરે અસુરો અને હિટલર, મુસોલિની જેવી વ્યક્તિઓ આ વાતનું પ્રમાણ છે કે, વૈરાગ્ય વગરની એકાગ્રતા કેટલી ખતરનાક નીવડી શકે છે!

અભ્યાસ કોને કહેવાય? પતંજલિ કહે છે, ‘तन्न स्थितौ यत्नोऽभ्यासः’ (પાતંજલ યોગસૂત્રઃ ૧/૧૩)

મનને સતત ચિત્તવૃત્તિ નિરોધની સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરવો એ જ અભ્યાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે –

यतो यतो निश्चरति मनश्चंचलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ||

(ગીતા : ૬/૨૬)

અસ્થિર અને ચંચળ મન જે જે વિષય માટે બહાર જાય, તે તે વિષયમાંથી તેને હટાવીને, તેને વશ કરીને આત્મામાં જ સ્થાપિત કરો.’

આ પ્રકારના અભ્યાસથી શુભ ટેવો થાય છે અને ટેવોનો આ સમૂહ જ ચરિત્ર કહેવાય છે. ટેવો ઊંડી થઇને સંસ્કારોનું રૂપ ધારણ કરે છે અને તેઓ અચેતન સ્તર પરથી આપણા જીવનને સન્માર્ગે લઇ જાય છે.

અભ્યાસમાં દૃઢ થવા માટે પતંજલિ ત્રણ શરતો મૂકે છે : દીર્ઘકાળ, નૈરંતર્ય અને સત્કાર ‘दीर्घकालनैरन्तर्यसत्कारासेवितोदृढभूमिः’ (પાતંજલ યોગસૂત્ર-૧/૧૪) મનને વશ કરવા માટે નિરંતર દીર્ધકાળ સુધી આદરપૂર્વક પ્રયત્ન કરવો પડશે.

સ્વામી વિવેકાનંદજીના શિષ્ય સ્વામી વિરજાનંદજી (રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ) ‘પરમપદને પંથે’ પુસ્તકમાં મનને વશ કરવાનો અચૂક ઉપાય બતાવે છે –

‘વાતમાં કહે છે ને કે, ‘કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું!’ એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક routine દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય, અને દૃઢ સંકલ્પ રાખવો કે, ગમે તે અવસ્થામાં પડો ને, બીજું ગમે તે કામ આવી પડે ને, પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ. આહાર-વિહાર, ભણવુંગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાનભજન એટલે સુધી કે ખુશીમજા, રમતગમત એ બધાં કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડીઅવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દૃઢ ભાવે હુકમ કરીને કહેવું : અરે, બાપલા તું ઈચ્છે કે ન ઈચ્છે, તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે.’ થોડાક દિવસ મન વાંકું થઈને બેસશે, કોઈ રીતે અંકુશમાં આવવાનું નહિ, આમતેમ નાસભાગ કરવાનું, પરંતુ ત્યારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવું. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું. અસીમ ધૈર્ય, ખંત અને ઈચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન જોશે કે, અરે બાપરે! કોઈ રીતે બંધન તૂટે એમ નથી, ત્યારે પછી એ પોતાનું અક્કડપણું છોડવાનું, ને ડાહ્યુંડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસયોગ. એના વિના મનને વશ ફરવાનો બીજો કોઈ ઉપાય નથી એમ નક્કી જાણજો.’ (ક્રમશઃ)

સંદર્ભ સૂચિ :

  1. Eric Fromm – ‘Greatness and Limitations of Freud’s Thought’ (Abaass Books, London) P. 132
  2. સ્વામી અખિલાનંદ – ‘હિન્દુ મનોવિજ્ઞાન – પશ્ચિમને માટે તેનો અર્થ’ – ભાષાંતર : ડૉ. ભાવનાબહેન ત્રિવેદી (યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ) પૃ.૬
  3. William James – ‘The Energies of Men. Memories and Studies’ (London – Longman) P. 251
  4. સ્વામી વિવેકાનંદ – ‘ધ્યાનઃ તેની પદ્ધતિ’ – (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) પૃ.૧૯
  5. સ્વામી વિરજાનંદ – ‘પરમપદને પંથે’ (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૯૮૩) પૃ. ૬૩-૬૪
Total Views: 22
By Published On: October 4, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram