(ગૌરીમાના જીવન પ્રસંગો)

(ગતાંકથી આગળ)

પ્રેરણાસ્રોત-૨૫

ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ આમંત્રણો હવે આવતાં હતાં. સમય અને અનુકૂળતા હોય તો તેઓ ભક્તોના આગ્રહથી તે સ્થળોએ જતાં. દરેક જગ્યાએ તેઓ સ્ત્રીઓના આદર્શની વાતો કરતાં. ઘણી જગ્યાએ તો તેઓ જાહેર વ્યાખ્યાનો પણ આપતાં. આ સંન્યાસિની માતાની અમૃતવાણી સાંભળવા અસંખ્ય લોકો એકત્ર થતા. તેમના વ્યક્તિત્વથી, તેમની અનુભૂત વાણીથી તેઓ પ્રભાવિત થતા ને પ્રેરણા મેળવતા.

શ્રીરામકૃષ્ણ જયંતીના મહોત્સવમાં એક વખત તેમને કૂચબિહારમાં બોલાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગ વિષે ત્યાં હાજર રહેલા પ્રૉ. વાણીભૂષણ ચેટરજીએ નોંધ્યું છે; ‘પૂજા, કીર્તન, ધાર્મિક વાર્તાલાપ, પ્રસાદ વિતરણ, આ તો તે દિવસના રાબેતા મુજબના કાર્યો હતાં. કેટલાંય ઘરો તેમનાં ચરણોથી પાવન થયાં હતાં. માતાઓ તેમની પ્રેરક વાણીથી આનંદિત અને પ્રોત્સાહિત બની. ત્યાં કૉલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ બૅન્ડ સાથે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને તેમનાં ચરણોમાં બેસીને તેમની આશા ને ઉત્સાહ પ્રેરતી વાણી સાંભળવાની તક મળી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું ; ‘તમે મનુષ્ય તરીકે જન્મ્યા છો. એવું ; વર્તન ન કરશો કે તમે ઊંધી દિશામાં વળી જાઓ. આ સમય આત્મસંયમ શીખવાનો છે. જો એ નહીં હોય તો કોઈ પણ શિક્ષણ તમારું ભલું કરી શકશે નહીં. તમે દેશના પાયા છો. જો તમે યોગ્ય પાત્ર નહીં બનો તો પછી દેશ માટે કઈ આશા રહેશે? સ્ત્રીઓ પ્રત્યે માનભરી દૃષ્ટિથી જુઓ અને તેમના ઉત્થાન માટે તમારાથી શક્ય તેટલું કરો. જો તમે તેને રૂંધી નાખશો તો પછી તમે કેવી રીતે આગળ વધી શકશો! યાદ રાખો, સ્ત્રી એ દિવ્યતાનો ભાગ છે. જો તેને સારી શક્તિઓમાં નહીં ફેરવી નાંખવામાં આવે તો તે દુષ્ટ શક્તિઓમાં ફેરવાઈ જશે અને તે દેશ માટે અનિષ્ટ બનશે…’

બપોરે કીર્તન અને ભજન થતાં. માતાજી (ગૌરીમા) તેમાં જોડાતાં અને પોતાનો પ્રેમ સર્વ પર પૂરતી પેઠે વહાવતાં. આ રીતે તેમના દિવસો અવિરત પ્રવૃત્તિમાં જ પસાર થતા હતા. થાક કે ચિંતા તેમનામાં બિલકુલ જોવા મળતાં નહીં. ક્યારેક ઠાકુરની વાતો, ક્યારેક કીર્તન, તો ક્યારેક ધર્મગ્રંથોમાંથી વાચન અને લોકોની મુલાકાતોમાં સમય ક્યાં પસાર થઈ જતો તેની ખબર પણ પડતી નહીં. ‘એક હાથે કામ કરો અને બીજા હાથે તેને (ઇશ્વરને) દૃઢતાથી પકડી રાખો’ ઠાકુરનું આ વાક્ય ગૌરીમાના જીવનમાં ચરિતાર્થ થયેલું જોઈ શકાતું હતું. આથી હું એમ પણ સમજી શક્યો કે મહાન પુરુષોએ કહેલાં સત્યને જ્યારે આપણે સંતોના જીવનના સંપર્કમાં આવીએ છીએ ત્યારે મૂર્તિમંત થતું જોઈ શકીએ છીએ. પોતાના પ્રત્યક્ષ જીવનના ઉદાહરણ દ્વારા જ આ રીતે ગૌરીમા કેટલાય ઉચ્ચવર્ગના લોકોને ભગવદીય જીવન કેવું હોય તે બોલ્યા વગર જ સમજાવી દેતાં.

જમશેદપુરમાં તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું વર્કશૉપ છે. ત્યાં પણ ગૌરીમા એક વખત ગયાં હતાં. આ શહેરના જુદા જુદા ભાગોમાં તેમણે સ્ત્રીઓની બે સભાઓ પણ યોજી હતી. ત્યાં શ્રી વિવેકાનંદ સોસાયટીના કેટલાક કાર્યકરોએ તેમને કહ્યું; ‘મા, અમે ઠાકુરના શિષ્યો પાસેથી સાંભળ્યું છે કે આપના હાથે રાંધેલી વાનગી ઠાકુરને બહુ જ ભાવતી હતી. તો એ દિવસોની કોઈ વાનગીનો આપને હાથે બનાવેલો પ્રસાદ લેવાની ઈચ્છા છે.’ ગૌરીમાએ ભક્તોની આ ઈચ્છા પણ પૂરી કરી. તેમણે પોતાની જાતેજ ખીચડી બનાવી અને બધાંને તેનો પ્રસાદ વહેંચ્યો. જમશેદપુર તો આધુનિક શહેર હતું અને ત્યાં પાશ્ચાત્ય કેળવણી પામેલા ઘણા લોકો વસતા હતા. ગૌરીમા ત્યાંની એક સભામાં સાત્ત્વિક આહાર ઉપર બોલ્યાં હતાં. તેમણે કહ્યું, ‘શાસ્ત્રોક્ત આહાર સાત્ત્વિક છે. તેનાથી શરીરને પોષણ મળે છે. બીજી બાજુ બીજી કેટલીક વાનગીઓ સ્વાદિષ્ટ ભલે જણાય પણ તેનાથી શરીરને નુકસાન થતું હોય છે. તેથી જ આપણી આચારસંહિતા ઘડનારા નીતિજ્ઞોએ ક્યા પ્રકારનો આહર લેવો, ક્યો આહાર નિષિદ્ધ છે, તેના નિયમો ઘડ્યા છે. તે નિયમો આપણા દેશ માટે ખૂબ જરૂરી છે.’

ગૌરીમાને એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવ્યો હતો કે, ‘શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓ વિષે શું કહેતા?’ આના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું : ‘સામાન્ય માણસ માટે ઠાકુરના ઉપદેશનું હાર્દ હતું, ‘કામિની અને કાંચન છોડો.’ આથી ઘણા લોકો એવું માને છે કે શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓ પ્રત્યે ઊતરતી દૃષ્ટિએ જોતા હતા. પણ આ સદંતર ખોટું છે. વાસ્તવમાં આધુનિક સમયમાં ભારતની પડતીનું કારણ સંયમનો અભાવ છે અને તેથી જ સ્ત્રી પુરુષોના ચારિત્ર્યમાં વીરતાભર્યા શૌર્યની ખામી જણાય છે. એટલે જ ઠાકુરે કામ અને કાંચનની સામે, જીવનની વિલાસિતાની સામે ચેતવણી આપતાં આ કહ્યું હતું. સ્ત્રીઓની સામે નહીં. સાધનાપંથે જનાર વ્યક્તિઓને જે રીતે સ્ત્રીઓના આકર્ષણથી દૂર રહેવા કહ્યું હતું, એ જ રીતે તેમણે પવિત્ર સ્ત્રીઓને પુરુષોના સંગથી દૂર રહેવા પણ કહ્યું હતું. ઠાકુરનું સમગ્ર જીવન એ વાતની પ્રતીતિ કરાવી આપે છે કે તેમને સ્ત્રીઓ પ્રત્યે લેશમાત્ર પણ ઉતરતો ભાવ ન હતો. ઊલટું તેમને સ્ત્રીઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને આદર હતાં. તેઓ દિવ્ય મા ભગવતીના ઉપાસક હતા અને પોતાની પત્નીને પણ મા જગદંબા સ્વરૂપે જ જોતા હતા. સ્ત્રીઓ માટેનો આથી ઊંચો બીજો ક્યો ભાવ હોઈ શકે?’ આમ કહીને તેમણે પ્રશ્ન પૂછનારના મનનું સમાધાન કરાવી દીધું.

ગૌરીમા શિલોંગ પણ ગયાં હતાં. ત્યાં ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયાના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ રાય સાહેબ પ્રસન્નચંદ્ર ભટ્ટાચાર્યજી તેમના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ ગૌરીમા વિષે લખે છે; માતાજી (ગૌરીમા)ની મુલાકાતે સ્ત્રીઓ અને પુરુષો આવતા. સામાન્ય રીતે પુરુષ ભક્તો માટે વાર્તાલાપનો સમય સાંજનો રહેતો. તેમની સાથે રાત્રે અગિયાર વાગ્યા સુધી વાર્તાલાપ ચાલતો. પછી તેઓ સૂવા જતાં. જ્યારે અમે જાગતા ત્યારે તેમને જાગેલાં જ જોતા. તેઓ રાત્રે સૂતા હશે કે કેમ તે હું કહી શકતો નથી.’

‘સાંજે તેઓ થોડા ભક્તોની સાથે ચાલવા જતાં. અને શ્રીરામકૃષ્ણનો જય હો, શ્રી શારદામાનો જય હો એમ મોટેથી બોલતાં. રસ્તામાં જે કોઈ મળે તેમને જય શ્રીરામકૃષ્ણ કહેતાં. તેમને જોઈને સ્ત્રીઓ ને છોકરીઓ હસતી. પણ તેઓ તેમના હસવાને ધ્યાનમાં લીધા વગર જ ફરી ફરીને મોટે મોટેથી જયશ્રી રામકૃષ્ણ, જયશ્રી મા શારદેશ્વરી એમ બોલતાં રહેતાં.

ગૌરીમા ઘણી વખત જગન્નાથપુરી ગયાં હતાં. ત્યાંના સંત વાસુદેવ મહારાજને તેઓ ઘણી વખત મળ્યાં હતાં. આ સંતને ગૌરીમા પ્રત્યે ઊંડો આદરભાવ હતો. તેઓ પોતાના શિષ્યોને ગૌરીમાની આધ્યાત્મિકતાની ઘણી વાતો કરતા. જગન્નાથ મંદિરમાંથી જાતજાતનો પ્રસાદ પણ તેઓ ગૌરીમાને મોકલાવતા. જ્યારે છેલ્લી વખત ગૌરીમા પુરીમાં બે મહિના રોકાયાં ત્યારે પણ તેમને સંત સાથે અવારનવાર સત્સંગ થતો. તે સમયે પટણા હાઈકૉર્ટના ન્યાયાધીશ શ્રી ચટ્ટોપાધ્યાય પણ ત્યાં હતા. તેઓ ગૌરીમાને અવારનવાર પોતાને ત્યાં બોલાવતા અને આધ્યાત્મિક ચર્ચા કરતા. બંને દક્ષિણેશ્વરની શ્રીરામકૃષ્ણની લીલાને યાદ કરતા અને શ્રીરામકૃષ્ણને પ્રિય એવાં કીર્તનો ગાતાં. એ બે મહિના ગૌરીમાએ પુરીમાં ભગવાન જગન્નાથના સાંનિધ્યમાં વીતાવ્યા. એ પછી તેઓ પુરી જઈ શક્યા નહીં.

નવદ્વીપ પણ તેમનું પ્રિય સ્થળ હતું. તેમને તેઓ બીજું વૃંદાવન કહેતાં. તેઓ ત્યાં પણ અવારનવાર ઘણો સમય વીતાવતાં. તેમના કોઈ ભક્તે ત્યાં તેમના માટે મકાન બંધાવી આપ્યું હતું. કલકત્તાના ધમાલિયા વાતાવરણથી દૂર તેઓ ત્યાં ચાલ્યા જતાં અને એકાંતમાં સાધના ભજન કરતાં.

એક વાર તેઓ નવદ્વીપથી પાછા આવતાં હતાં ત્યારે ટ્રેનમાં પોતાના ડબ્બામાં બેઠેલી સ્ત્રીઓ સાથે તેમણે ધર્મચર્ચા શરૂ કરી. બીજા ડબ્બામાં ધર્માનુરાગી કોઈ અમલદાર બેઠા હતા. તેઓ આ ચર્ચા સાંભળતા હતા. તેમણે ગૌરીમાને પોતાના ડબ્બામાં આવવા વિનંતી કરી એટલે પછી ગૌરીમા ત્યાં ગયાં. થોડી વાતચીત પછી તે અમલદારે ગૌરીમાને પૂછ્યું : ‘મા, શું ઇશ્વરને ખરેખર જોઈ શકાય છે?’ તેમણે કહ્યું, ‘હા મારા પુત્ર, જરૂર. પણ જો તેમને મેળવવા ઈચ્છતા હો તો. જો તમે તેમને પૂર્ણપણે ચાહતા હો તો તમે જેમ મનુષ્યને જોઈ શકો તેમ તમે ઈશ્વરને જોઈ શકો.’

પછી થોડું અચકાતાં અમલદારે કહ્યું : ‘મા, મારે એક પ્રશ્ન પૂછવો છે, તેનો જવાબ આપશો?’

‘હા, જો તેમાં કંઈ વાંધો નહીં હોય તો!’

‘તમે ક્યારેય ભગવાનને જોયા છે?’

આ પ્રશ્ન સાંભળીને ગૌરીમા હસ્યાં ને કહ્યું, ‘તમે મુશ્કેલ પ્રશ્ન પૂછ્યો છે. હું શું કહું! મારે હા કહેવી ન જોઈએ અને હું ના પણ કહી શકતી નથી.’ પછી તેઓ આગળ બોલ્યાં, ‘જો ભક્ત તીવ્રપણે ભગવાનને બોલાવે અને તેના પ્રત્યે એક ડગલું ભરે તો ભગવાન તેના માટે દસ ડગલાં આગળ ચાલીને મળવા આવશે. એમ વિચારતા નહીં કે ભગવાનને મેળવવા એ મુશ્કેલ ને અશક્ય છે. જેઓ પોતાની જાતને સંપૂર્ણપણે ભૂલી જાય છે અને તેમને પૂર્ણ સમર્પણ કરે છે, તેમની આગળ ભગવાન જરૂર પ્રગટ થાય છે.’ આમ તે અમલદારની યાત્રા ગૌરીમાના સત્સંગથી ભગવાન પ્રત્યેની યાત્રાનો પ્રારંભ બની રહી. પોતાના વ્યક્તિત્વથી, વર્તનથી, વાણીથી ગૌરીમા સર્વના જીવનને પ્રભુ પ્રત્યેની દિશામાં વાળતાં રહ્યાં અને એ જ તો ઠાકુરે સોંપેલું એમનું ‘ગારો બનાવવાનું’ કાર્ય હતું! (ક્રમશ:)

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.