ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન, ઈન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ જગદમ્બાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહિ કે ભારતનો નીચે પડેલો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી ભારતનો ચમાર અને ભંગી સુધ્ધાં – તારા લોહીનાં સગાંઓ છે, બંધુઓ છે, હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને ગૌરવ લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું ઘોષણા કર કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાળ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી – એ દરેક મારો ભાઈ છે.’ તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ, મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે અને મારી વૃદ્ધાવસ્થાનું પુણ્ય સ્વર્ગ અને વારાણસી છે.’ હે ભાઈ! પોકારી ઊઠ કે, ‘ભારતની ધરતી એ મારું સર્વોત્તમ સ્વર્ગ છે, ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે! હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ. હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ અને મને મર્દ બનાવ!’

– સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘રાષ્ટ્રને સંબોધન’માંથી, પૃ.૫૩)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.