(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું ઈશ્વરાદ્વયવાદી ભૂમિકાવાળું બ્રહ્મસૂત્રનું એક બંગાળી ભાષાન્તર જ લભ્ય હતું. પણ એણે બ્રહ્મસૂત્રના કે વેદાન્તના પ્રચારમાં કશો ફાળો આપ્યો નહિ. પછી કાલીવર વિદ્યા વાગીશનું આનંદગિરિની ‘ન્યાયનિર્ણય’ ટીકા સહિતનું સૂત્રોનું શાંકરભાષ્ય, સંપાદકની ભૂમિકા સાથે સને ૧૮૯૦માં બંગાળીમાં પ્રકટ થયું. એટલે સ્વામી વિવેકાનંદનાં બ્રહ્મસૂત્રવિષયક સર્વપ્રથમ મૌલિક ઉચ્ચારણોએ એવા વેદાન્તી આંદોલનનું ઉદ્ઘાટન કર્યું કે જેથી ભારતીય પ્રજાના ધાર્મિક જીવનમાં સુષુપ્ત આધ્યાત્મિક જીવનનું પુનર્જાગરણ પ્રકાશિત થઈ ઊઠયું. દેખીતી રીતે જ આખા વિશ્વના ધર્મ વિચારોને પણ તેઓ એક નવું પરિમાણ આપવા ઈચ્છતા હતા. જો કે આ માટે તેઓ ઉપનિષદો અને ભગવદ્ગીતા પર જ વધારે આધાર રાખતા, કારણ કે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં આ બન્નેનું રસાયૅન પ્રકટેલું તેમણે જોયું હતું. પણ સાથોસાથ તેમણે બ્રહ્મસૂત્રોનું પરિશીલન પણ કર્યું છે, કારણ કે તેમના મતે બ્રહ્મસૂત્રો, ઉપનિષદબોધના અર્કરૂપ સર્વપ્રથમ ગ્રંથ છે.

બ્રહ્મસૂત્રો વિશે સ્વામીજીનું પ્રથમ વિધાન, તેમણે હાર્વર્ડ યુનિ.માં, સને ૧૮૯૬ના માર્ચની ૨૫મી તારીખે આપેલા ‘વેદાન્તદર્શન’ પરના પ્રવચનમાં દેખાય છે. આ એક જ વિધાન ખરેખર બ્રહ્મસૂત્રનું પૂર્ણ વર્ણન અને પૂર્ણ મહત્ત્વ દર્શાવવા પૂરતું થઈ પડે તેવું છે. તેઓ કહે છે :

‘હિંદમાં દર્શનોની બધી શાખાઓએ વેદો પર આધારિત હોવાનો દાવો કર્યો છે, છતાં પોતપોતાની વિચારસરણીઓ અનુસાર જુદાં જુદાં નામો ધારણ કર્યાં. છેલ્લે વ્યાસની વિચારસરણીએ અગાઉની વિચારસરણીઓ કરતાં વેદસિદ્ધાંતોનો વધારે આધાર લીધો. અને સાંખ્ય તથા ન્યાય જેવાં અગાઉનાં દર્શનોનો વેદાન્તદર્શન સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો. એ કારણે જ આધુનિક ભારતમાં વ્યાસસૂત્રો બ્રહ્મસૂત્રો વેદાન્તદર્શનનો પાયો ગણાય છે. વળી, વ્યાસનાં આ સૂત્રોને જુદા જુદા ભાષ્યકારોએ જુદી જુદી રીતે વ્યાખ્યા કરીને સમજાવ્યાં છે.’

આ વિધાન, આમ તો સીધું-સાદું અને પ્રવાહી છે. પણ એની કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન દેવું જરૂરી છે. દેખીતી રીતે જ અહીં સ્વામી વિવેકાનંદે વાપરેલ ‘વેદ’ શબ્દનો અર્થ, ‘વૈદિકવાઙમયમાં પરંપરિત રીતે બીજભૂત ઉપનિષદો’ – એવો કર્યો છે. કારણ કે વેદાન્ત જ વેદનો નિષ્કર્ષ છે. પણ સ્વામીજી વેદાન્તસૂત્રો વિષે અહીં એક નવી જ વાત કહે છે કે આ સૂત્રો કંઈ કેવળ ઉપનિષદોના જ પરસ્પર વિરોધાભાસી સિદ્ધાંતોનું જ સમાધાન કરતાં નથી, પણ સાથોસાથ સાંખ્ય જેવી કેટલીક દર્શનશાખાઓ સાથે પણ સમન્વય સાધે છે. વેદાન્તદર્શન ઉત્તરમીમાંસા, ભારતનાં ષડ્દર્શનો પૈકીનું એક છે. બાકીનાં પાંચ દર્શનોમાં પૂર્વમીમાંસા (કર્મમીમાંસા), સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિક દર્શનો આવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે બ્રહ્મસૂત્રો (ઉત્તરમીમાંસા) પોતાના દર્શનની મૌલિકતાને પાયામાં રાખીને પણ સાંખ્ય આદિ અન્ય દર્શનોની કેટલીક બાબતોને પોતાનામાં સમાવે છે. સાંખ્યદર્શનના ઘણા સિદ્ધાંતોનાં મૂળ ઉપનિષદોમાં હોવાનું આપણે જાણીએ છીએ, છતાં દ્વૈતવાદી સાંખ્યદર્શનનો બાદરાયણનાં સૂત્રો સાથે મેળ બેસાડવાનું કામ ભારે કપરું છે. અને એ સમસ્યા વધુ તો ત્યારે મુંઝવે છે, કે જ્યારે બાદરાયણનાં સૂત્રો સ્પષ્ટ રીતે જ સૃષ્ટિના ઉપાદાનકારણની બાબતમાં સાંખ્યથી સાવ જુદાં પડે છે. બાદરાયણના, ‘એતેન સર્વે વ્યાખ્યાતાઃ વ્યાખ્યાતાઃ’ (૧/૪/૨૮) એ સૂત્રમાં ‘સર્વે’નો અર્થ, ‘વેદાન્તવિરોધી બધા’ એવો જ થાય છે અને એમાં સાંખ્યનોય સમાવેશ થાય છે. આ સાવ ચોખ્ખું હોવા છતાં સ્વામીજી બ્રહ્મસૂત્રોમાં ઉપનિષદો ઉપરાંત અન્ય દર્શનોમાંના પરસ્પર વિરોધાભાસનું પણ સમાધાન નિહાળે છે, ત્યારે તેઓ કોઈક અતિ મહત્ત્વની વાત કહી જાય છે. સ્વામી વિવેકાનંદનું બ્રહ્મસૂત્ર વિષયક આ વિશાલ પરિપ્રેક્ષ્ય અતિ મહત્ત્વનું એટલા માટે છે કે એમનું વેદાન્ત મધ્યયુગીન ધાર્મિક કવિઓના વિચારથી માંડીને આપણા સમગ્ર જ્ઞાનવારસાનું રસાયન હતું. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક અનુભૂતિઓમાં એમણે આ સંવાદિતાનું મૂળ શોધ્યું હતું. પણ વેદાંત સાથે વિરોધાભાસી દર્શનોની સંવાદિતા સ્વામીજીએ સાધી જ શી રીતે, એની ચર્ચા તો અહીં લાંબી થઈ પડશે. એનો અહીં અવકાશ ન હોવાથી એ જાણવા માટે તો સ્વામીજીએ સાંખ્ય, યોગ વગેરે વિશે આપેલાં પ્રવચનો જ જિજ્ઞાસુએ વાંચવાં-વિચારવાં રહ્યાં!

હાર્વર્ડ યુનિ.ના એ જ પ્રવચનમાં સ્વામીજી આગળ ઉમેરે છે : ‘જૂનાં દર્શનો વેદાન્તને જ પોતાનો પાયો માને છે…આધુનિક ભારતમાં વ્યાસસૂત્રો વેદાન્તનો પાયો લેખાય છે…આ વ્યાસસૂત્રોને જુદા જુદા ભાષ્યકા૨ોએ જુદી જુદી રીતે સમજાવ્યાં છે… વેદાન્ત પર વિવિધ વ્યાખ્યાઓ લખાઈ છે. વેદાન્ત સિદ્ધાંતનું આખરી રૂપ વ્યાસસૂત્રોમાં દેખાય છે. ઉત્તરમીમાંસાને નામે ઓળખાતાં આ સૂત્રો વેદાન્તદર્શનનો પ્રતિષ્ઠિત પ્રમાણભૂત ગ્રંથ છે, એટલું જ નહિ, પણ એ હિન્દુ શાસ્ત્રોની સૌથી વધુ પ્રમાણિત વ્યાખ્યા છે. વિરોધીમાં વિરોધી સંપ્રદાયને પણ આ વ્યાસસૂત્રોના સંદર્ભમાં જ જાણે કે પોતાની વિચારસરણી સાથે એનો મેળ બેસાડવો પડ્યો છે.’

અહીં સ્વામીજી ‘શાસ્ત્ર’ અને ‘તાત્ત્વિક ગ્રંથ’ વચ્ચે ભેદ પાડે છે. બ્રહ્મસૂત્રરૂપ ‘તાત્ત્વિક ગ્રંથ’, એ ઉપનિષદો કે ભગવદ્ગીતા જેવો ‘શાસ્ત્રગ્રંથ’ નથી, પણ એ શાસ્ત્રોમાં અભિવ્યક્ત થયેલ આધ્યાત્મિક અનુભવોની વિવિધતાને લીધે એમાં સંભાવિત ગેરસમજણોને ટાળવા સ્પષ્ટીકરણ કરતા ખૂબ જરૂરી ‘તાત્ત્વિક ગ્રંથ’ તરીકે એનું મૂલ્ય આંકવું જોઈએ. સદીઓ જૂના શાસ્ત્રોમાં જળવાયેલ મહાન ધર્મપરંપરાને માટે એનો મર્મ દર્શાવતા તાત્ત્વિક ગ્રંથનીય જરૂર હોય છે. આવા ગ્રંથો શાસ્ત્રોનું સાર તત્ત્વ સ્પષ્ટ રીતે તારવીને રજૂ કરે છે. દરેક મહાન ધર્મને તાત્ત્વિક ભૂમિકા હોવી જ જોઈએ. બ્રહ્મસૂત્રો, એ વૈદાન્તધર્મની અતિતાત્ત્વિક ભૂમિકારૂપ છે. સ્વામીજી આપણા તત્ત્વજ્ઞાનની બધી શાખાઓને માન આપતા. કારણ કે તેઓ એને આપણા જનસમાજની બુદ્ધિશક્તિની આશ્ચર્યજનક અભિવ્યક્તિ તરીકે લેખતા; પણ બૌદ્ધિક સામર્થ્ય અને પુષ્કળ વૈવિધ્યભરી આપણી ધર્મભાવનાનું મૂલ્યાંકન કરતી વખતે તેઓ આપણા આધ્યાત્મિક અને નૈતિક જીવનના વ્યવસ્થિત વલણના પ્રશ્નની પણ કાળજી રાખે છે. સ્વામીજીના દસ વરસના પયગંબરી જીવન દરમિયાન તેમના કથન કે લખાણના સાર તત્ત્વનું મનન કરતાં આપણે જાણી શકીએ છીએ કે તેમના ધાર્મિક વિચારમાં સ્વાતંત્ર્ય તો નિયમનથી વિશુદ્ધ બને છે, પણ એ નિયમન વિચારો માટે સંકુચિત કોચલું તો ન જ બની શકે. બ્રહ્મસૂત્રોમાં તેમણે પાયાના વેદાન્તજ્ઞાનનું શિસ્તબદ્ધ સ્વરૂપ જોયું. ઉપનિષદોમાં તો ૠષિઓના તીવ્રતમ અનુભવો અને લાગણીઓના સંભળાતા વિવિધ સૂરોથી આપણા વેદાન્તજ્ઞાનની આધ્યાત્મિક ભૂમિકા રચાઈ હતી; પણ પછી ખાસ કરીને વિવિધ દર્શનોના ઉદ્ભવકાળે આપણી માન્યતાઓને સુસ્પષ્ટ સ્વરૂપ આપવાની જરૂર ઊભી થઈ. વેદાન્તને જનસમાજનો આધ્યાત્મિક વારસો બનાવવાની જરૂર જણાઈ, ત્યારે આપણા ઋષિઓના અંતઃપ્રેરણાજનિત જ્ઞાનને બુદ્ધિથી બાંધી લેવાનું જરૂરી બન્યું. સ્વામી વિવેકાનંદના મતે બ્રહ્મસૂત્રોએ આ આવશ્યક્તા પૂરી કરી. તેઓ કહે છે :

‘પહેલાંની બધી દર્શનપદ્ધતિઓને પોતાનામાં પચાવનારાં હોવાને કારણે દર્શનોમાં વ્યાસસૂત્રોની સૌથી પ્રથમ ગણના થાય છે. આ બધી દર્શનપદ્ધતિઓ પરસ્પર વિરોધી નથી. પણ પરસ્પરાધારિત જ છે, અને વિષયવસ્તુનો એ બધી ક્રમિક વિકાસ કરે છે. અને એ વિકાસની ટોચે વ્યાસસૂત્રો છે.’

હવે બ્રહ્મસૂત્રકારની કક્ષા વિશે વિચારીએ : તેઓ શું ઉપનિષત્કારો જેવા ઋષિ છે? શું તેઓ સત્યશોધક છે? સ્વામીજી બ્રહ્મસૂત્રકારને આવી કોઈ કક્ષામાં મૂકતા નથી. એમને મતે એ ફક્ત ઉપનિષદોના સાર તત્ત્વને સ્પષ્ટ અને સ્મૃતિક્ષમ ભાષામાં રજૂ કરવામાં સમર્થ તત્ત્વજ્ઞાની જ હતા. વ્યાસસૂત્રોએ વેદાન્તનિરૂપિત બ્રહ્મને જનસમાજ સમક્ષ રજૂ કરવાનું પોતાનું લક્ષ્ય સ્થાયીરૂપે હાંસલ કર્યું છે અને દૃઢમૂલ કર્યું છે. તર્ક અહીં ફક્ત શ્રુત્યનુકૂલ જ છે. શંકરાચાર્યના કહેવા પ્રમાણે, ‘વ્યાસે તર્કની પરવા જ કરી નથી. બ્રહ્મસૂત્ર લખવામાં તેમનો ઈરાદો વેદાન્તપુષ્પોને એક દોરે ગૂંથીને માળા બનાવવાનો જ હતો. શ્રુત્યનુસારી તર્ક જ સ્વીકાર્ય છે, અન્ય નહિ.’ અહીં દેખીતી રીતે જ સ્વામી વિવેકાનંદ શંકરાચાર્યના કથનને યાદ કરે છે :

વેદાન્તવાક્યકુસુમગ્રથનાર્થત્વાત્સૂત્રાણામ્. બ્રહ્મસૂત્રો, ઉપનિષદો પર પૂરેપૂરાં આધારિત છે, એ વાત પર સ્વામી વિવેકાનંદ એટલો બધો ભાર મૂકતા કે તેમણે એવું ય કહી દીધું કે ‘બ્રહ્મસૂત્રનું પ્રમાણ તો ગૌણ છે, મુખ્ય પ્રમાણભૂત તો વેદો જ છે.’ બાદરાયણ પોતે જ સૂત્રમાં કહે છે કે આમાં ઉપનિષદ્ પ્રતિપાદિત વાતો જ કહી છે. ‘શ્રુતત્વાચ્ચ’- ‘કારણ કે શ્રુતિઓમાં આમ કહ્યું છે.’ આમ કહીને પછી તેઓ શ્રુતિઓ ટાંકે છે. ‘તત્તુસમન્વયાત્’- ‘પણ એ સમન્વય છે.’- આ સૂત્રમાં સ્પષ્ટ રીતે વિવિધ વિધાનો કરતાં શાસ્ત્રોમાં સંવાદિતા હોવાનું કહે છે. રાધાકૃષ્ણન્ આ સૂત્રનું વિવરણ કરતાં કહે છે કે ‘આ સૂત્ર બધાં જ શાસ્ત્રવાક્યોની બ્રહ્માત્મકતા પ્રબોધે છે. એમાં દેખાતા વિરોધો આભાસી જ છે. અને એનું સમાધાન શક્ય છે.’ સ્વામીજીનો એમાં ટેકો છે કે વેદાન્તોપદેશ માટે આવી સમાધાનદર્શક રચનાની જરૂર હતી. તેથી તેમણે કહ્યું : ‘આ બધાં સંશોધનોનું પરિપક્વ ફળ વ્યાસસૂત્રો હતાં.’ જ્યારે તેઓ વેદાન્તજ્ઞાનના ઉપદેશનો વિચાર કરતા, ત્યારે ઉપનિષદો અને વેદાન્તસૂત્રો જ એમનાં મનોગત હતાં.

આપણે જાણીએ છીએ કે બ્રહ્મસૂત્રોને વિવિધ ભાષ્યકારોએ વિવિધ રીતે મૂલવ્યાં છે. એમાં ‘દ્વૈત’ અને ‘અદ્વૈત’ એવા બે મુખ્ય પ્રવાહો છે. પણ સૂત્રાર્થો વિશે સ્વામી વિવેકાનંદનો પોતીકો મત શો હશે? સૂત્રકારને ‘અદ્વૈતવાદી’ માનતા હોવાનું તેમનું વિધાન ક્યાંય મળે છે ખરું? આ અતિ મહત્ત્વના પ્રશ્નના ઉત્તરમાં તેઓ આવું કહે છે : ‘ભગવાન ભાષ્યકાર (શંકરાચાર્ય)ના બુદ્ધિવૈભવે વ્યાસના વિચારોની અતિ અદ્ભુત અભિવ્યક્તિ કરી એ એમની કીર્તિપતાકા છે.’ આમ છતાં વેદાન્ત ફક્ત અદ્વૈતપ૨ક કે ઈશ્વરાદ્વયવાદી જ હોવાનું તેઓ વિચારતા ન હતા. જો કે તેઓ પોતે તો પ્રખર અદ્વૈતવાદી જ હતા અને વિશિષ્ટાદ્વૈત તેમજ દ્વૈતને તો અદ્વૈતની ઉચ્ચતમ ભૂમિકાએ પહોંચાડવાનાં પગથિયાં તરીકે જ માનતા. પણ પ્રશ્ન એ થાય છે કે શાસ્ત્રગ્રંથને ચૂંથી નાખીને – તોડીમરોડીને દ્વૈત કે ઈશ્વરાદ્વયવાદી ભાષ્યોની કરાયેલી રચનાઓ ૫૨ સ્વામીજી નારાજ હતા ખરા? જવાબ એ છે કે સ્વામીજી બ્રહ્મસૂત્ર પરના અદ્વૈતવાદી શાંકરભાષ્યને અવશ્ય ‘અતિઅદ્ભુત’ માનતા હોવા છતાં સૂત્રોના દ્વૈતવાદી ભાષ્યોનો નિષેધ ન કરી શકે. પણ તેમણે આ રીતે તેનું મૂલ્ય આંકતું વિધાન કર્યું છે :

‘વ્યાસનું તત્ત્વજ્ઞાન બીજા બધા કરતાં ઉપનિષદોનું વધારે છે. તેમણે તે સૂત્રરૂપે એટલે કે કર્તા-ક્રિયાપદ વગરની બીજગણિત જેવી ટૂંકી સંજ્ઞાઓમાં લખ્યું છે, તેથી એ એવું દ્વિઅર્થી બની ગયું. તેમાંથી દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત અગર ‘વેદાન્તગર્જના’ ઉત્પન્ન થયાં; અને આ જુદી જુદી વિચાર પદ્ધત્તિઓના ભાષ્યકારો પોતપોતાની તત્ત્વજ્ઞાનની પદ્ધતિને એ સૂત્રો અનુકૂળ બને એટલા માટે કોઈ કોઈ વાર ‘ઈરાદાપૂર્વક જૂઠા’ બન્યા.’ (દિવ્યવાણી, પૃ. ૩૯)

પણ આવું વિધાન તો મૂંઝવનારું અને હાસ્યાસ્પદ લાગે છે. પણ અહીં આપણે સમજવું જોઈએ કે જ્યારે સ્વામીજી બ્રહ્મસૂત્રોને એક મહાન ગ્રંથ ગણે છે, ત્યારે એને ‘ટૂંકી-દ્વિઅર્થી-સૂત્રાત્મક શૈલીવાળું’ કહીને વગોવી શકે જ નહિ. આ દ્વિઅર્થીપણું તો તેમના કહેવા મુજબ જુદી જુદી વિચાર પદ્ધતિઓના ભાષ્યકારોને પોતપોતાની તત્ત્વજ્ઞાનની પદ્ધતિને માટે અનુકૂળ બનાવે છે. એટલે સૂત્રકારે આ વૈવિધ્ય સ્વીકાર્યું છે ત્યારે એવા સ્વમતાગ્રહી ભાષ્યકારોને જ સ્વામી વિવેકાનંદે ‘ઈરાદાપૂર્વક જૂઠા’ ગણાવ્યા છે. શંકરાચાર્ય સહિતના બધા જ ભાષ્યકારોનું કંઈ આ અવમૂલ્યન નથી. સ્વામીજીને મતે શંકરે તો વ્યાસના વિચારોને અતિઅદ્ભુત અભિવ્યક્તિ આપી છે. એટલે સ્વમતાગ્રહી ભાષ્યકારોએ મૂળ ગ્રંથ સાથે લીધેલી છૂટછાટને સ્વામીજીએ ઔદાર્યથી આવકારી છે. ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોના આવા ભાષ્યકારોની તેમણે ‘ગ્રંથ ચૂંથનારા’ કહીને એક વાર ઉપેક્ષા પણ કરી જ છે! અને ઉપરના વિધાનમાં એવાઓને ‘ઈરાદાપૂર્વક જૂઠા’ ઠરાવ્યા છે. એવું લાગે છે કે જાણે આ વિધાનમાં સ્વામીજીએ બ્રહ્મસૂત્રના આવા વિવિધ મતોના ભાષ્યકા૨ોને ઉપહાસપૂર્વક જ સ્વીકાર્યા છે. ખરી રીતે તો ઉચ્ચતર સ્તરનું કોઈક ઐકય સાધે એવા વૈવિધ્યને જ તેમણે સ્વીકાર્યું છે. વેદાન્તદર્શન બ્રહ્મસૂત્રોની ગૂઢ સૂત્રાત્મક ભાષામાં ગૂંથાયેલું હોવાથી એમાં વ્યાખ્યાન વૈવિધ્યને અવકાશ છે એવા સ્વામીજીના મતની આપણે ધારણા બાંધી શકીએ. શ્રીરામકૃષ્ણના શિષ્ય તરીકે તેઓ સમજતા હતા કે આધ્યાત્મિક અનુભવોમાં સ્પષ્ટ પરિભાષા શક્ય પણ નથી અને ઈચ્છનીય પણ નથી. જ્ઞાનપ્રકાશને કોઈ ચોક્કસ રૂપરેખા કે સ્પષ્ટ સીમા નથી, કારણ કે પ્રકાશ એ પ્રકાશ છે; એ આત્માને ગળી જાય છે. રસેલ કહે છે કે આપણે જો કેટલાક અવ્યાખ્યેય વિચારોને ન સ્વીકારીએ તો આપણે દુશ્ચક્રમાં જ ફસાવાના! વિચારવમળમાંથી બચવા તર્કનો આશ્રય લેતી વખતે આપણે એ તર્કજાળમાં ફસાઈ ન પડીએ, એનીય કાળજી લેવી જોઈએ. દાખલા તરીકે ‘નિર્ગુણ બ્રહ્મ’ની વાત કરીએ. કોઈ વ્યાકરણશાસ્ત્રી દલીલ કરે કે બ્રહ્મને ‘નિર્ગુણ’ કહેવાનો મતલબ શો છે? કોઈ સંજ્ઞા વિશેષણરહિત ન હોઈ શકે. અને જેવું તમે એને વિશેષણ આપો કે તરત જ એ વ્યાખ્યેય બની ગયું! પણ તર્ક કે વ્યાકરણના આ વાંધાઓ કંઈ ‘નિર્ગુણ બ્રહ્મ’ના વિચારને નકારી શકતા નથી. કારણકે એ તો એક અનુભૂતિ છે. એ અચિન્ત્ય અને અનિર્વચનીય છે. એટલે સ્વામી વિવેકાનંદ ભાષ્યકારોને ‘ઈરાદાપૂર્વક જૂઠા’ કહે છે, અને સાથોસાથ જ શંકરને ‘ભગવાન ભાષ્યકાર’ કહીને નવાજે છે, ત્યારે તેઓ કોઈ જ સમસ્યા ખડી કરતા નથી.

સ્પષ્ટ વાત એ છે કે માનવમનની કક્ષા-એનાં રસ, રુચિ, વલણની પરવા કર્યા વગર બધાને એક લાકડીએ હાંકનારો ‘પ્રવાહ’ સ્વામીજીને પસંદ નથી. માનવમનનો મોટો શત્રુ આવો ગાડરિયો પ્રવાહ જ છે એટલે એક પ્રજ્ઞાપુરુષ તરીકે સ્વામીજી જાણતા હતા કે ‘સત્ય’ કંઈ કેવળ ચીલાચાલુ વાક્ય રચનાની વૈખરીમાં સમાઈ જતું નથી એ તો અનુભવ કર્તાની જ ભીતર હોય છે, એટલે બ્રહ્મસૂત્રોને એક મહાન તત્ત્વગ્રંથ માનતા સ્વામી વિવેકાનંદ, બ્રહ્મસૂત્રો પરના બધા ભાષ્યકારોએ પોતાની માનસિક કક્ષા પ્રમાણે આપેલી સમજુતીને માન્ય રાખે છે. અને બ્રહ્મસૂત્રોના એવા સર્વતોમુખી સામર્થ્યને પણ સ્વીકારે છે.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.