લેખક : શ્રી રતુભાઈ દેસાઈ,

પ્રકાશક : પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન (૧૯૯૪)

પાર્વતી હનુમાન રોડ, વિલે પારલે, મુંબઇ-૪૦૦ ૦૫૭

મૂલ્ય રૂ. ૮૦/

છ્યાસી વર્ષે પણ જુવાનને શરમાવે તેવી છટાથી ચાલતા ગાંધી યુગીન કવિ શ્રી રતુભાઈ દેસાઈનો આ વિશિષ્ટ પ્રકારનો કાવ્યસંગ્રહ છે. કાવ્યસંગ્રહની વિશિષ્ટતા છે એમાંના બેતાળીસે બેતાળીસ કાવ્યોનો કોઈએ ને કોઈએ કરાવેલો મધુર આસ્વાદ. આ ‘કોઈ’માં સાંસ્કૃતિક ક્ષેત્રે સમુજ્જવલ સવિતાબહેન છે, કવિ વિવેચક મનસુખલાલ ઝવેરી છે, સુપ્રસિદ્ધ વાર્તાકાર ગુલાબદાસ બ્રોકર છે, ખ્યાતનામ કવિ ઉશનસ્ છે, ભગવતીકુમાર છે, પ્રા. બકુલ રાવળ છે અને બીજી એવી જ પ્રસિદ્ધ વ્યક્તિઓ છે.

શ્રી રતુભાઈની કવિતાનું વિશિષ્ટ લક્ષણ છે એની બાનીની સરળતા અને પ્રાસાદિકતા. આ સંગ્રહમાંનાં બેતાળીસેય કાવ્યો પરથી પ્રતીત થશે કે શ્રી રતુભાઈના પગ નક્કર ધરતી પર છે. ‘ચાડિયો’, ‘પાવન પ્લૅટફૉર્મ’, ‘ઝુમ્મર અને દીવો’, ‘માથેરાનના ઈકો પૉઇંટ પર’, ‘હોડી’, ‘જેવો છું તેવો’, ‘એક વૃક્ષ’, જેવું એમનું કોઈ પણ કાવ્ય લો. શ્રી રતુભાઈ ગગનવિહારી કલ્પનાના કવિ નથી. ‘સરસ્વતી સ્તવન’ પણ કવિ માગે છે.

‘દેવી! પારમિતા પ્રદીપ પ્રકટો! અજ્ઞાન જાળાં ટળે!’

‘કોણ?’ કાવ્યમાં કવિ કલ્પનાનો આશ્રય લે છે પણ તે ભૂતકાળને સજીવ કરવા પૂરતો. ‘ચાડિયો’માં કલ્પના સૂક્ષ્મ રૂપ ધારણ કરી ખેતરને ચાડિયેથી મનને ચાડિયે લઈ જાય છે. રેલવે સ્ટેશનનું પ્લૅટફૉર્મ ને ગંદી, ગોબરી, ઘોંઘાટની, વિરહ અને મિલનની તેમજ ટંટા ફિસાદની જગ્યા. પણ ગાડી ગયા પછી, બધો કોલાહલ શાંત પડ્યા પછી, રતુભાઈનું ધ્યાન પ્લૅટફૉર્મને છાપરે જાય છે. ત્યાં ‘ઘૂઘૂ કબૂતર યુગ્મ પ્રીતિગાનથી ઘૂઘવી જાય છે.’ અને એ ‘પ્લૅટફૉર્મ પાવન થાય છે’. ગુરુદેવ રવીન્દ્રનાથનું એક સુંદર કાવ્ય છે : ‘ઓહે આમાર ગાન! કેઈ ખાનિ તોર સ્થાન?’ (હે મારા ગીત તારું સ્થાન કઈ જગ્યાએ છે?) જગતમાં ઘણાં બધાં સ્થળોએ ઘૂમ્યા પછી ને બધેથી પાછું વળ્યા પછી, પ્રીત કરતા એક યુગલ પર આવી ઠરીઠામ થાય છે તેમ, રતુભાઈનું આ કબૂતર યુગ્મ પોતાની પ્રણયલીલાથી એ ક્ષણે ક્ષણે બદલાતા પણ ઘોંઘાટિયા અને ક્ષણિક ભાવોને સ્થાને પ્રણયના ચિરંજીવી અને પાવનકારી ભાવથી પ્લૅટફૉર્મ પ્રત્યેની કવિની અને કાવ્યવાચકની દૃષ્ટિ બદલી નાખે છે.

પ્રાસાદિકતા, ચોટદાર પ્રાસ, છંદ કૌશલ ઇત્યાદિ ગુણોથી રતુભાઈની કવિતા શોભે છે. વયે વૃદ્ધ પણ અંતરે સદા યુવાન રતુભાઈ પાસેથી ગુજરાતને હજી વધારે કાવ્યપ્રસાદી સાંપડતી રહે એ પ્રાર્થના છે.

-દુષ્યંત પંડ્યા

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.