શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે.

માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય

પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક દહાડો, કલકત્તામાં બલરામ બાબુના મકાનમાં પોતાના શિષ્ય શરત્ ચન્દ્ર ચક્રવર્તી સાથે સ્વામી વિવેકાનંદ બેઠા હતા. ગિરીશચન્દ્ર ઘોષ એ ઓરડામાં પ્રવેશ્યા અને વાતનો વિષય ભારતીય સમાજની દરિદ્ર દશા ભણી વળ્યો. રંક લોકો જે અવદશાને પામ્યા હતા તેની વાત એ મહાન લેખક અને અભિનેતા (૧. શ્રી ગિરીશચંદ્ર ઘોષ ૧૯મી સદીના બંગાળના મહાન નાટ્યલેખક અને અભિનેતા હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમનાં કોઇ કોઇ નાટક, જોવા જતા. પછીથી એ શ્રીરામકૃષ્ણદેવના ભક્ત બન્યા હતા.) કરવા લાગ્યા. આ વાતથી વિચલિત થઈને સ્વામીજી સ્થિર અને મૌન બેસી રહ્યા. એમની અશ્રુધારા વહેવા લાગી. પોતાની લાગણી સંતાડવાના હેતુથી ઊભા થઈ સ્વામીજી એ ખંડમાંથી ચાલ્યા ગયા. શરત્ ચંદ્ર તરફ ફરી ગિરીશબાબુ બોલ્યા : ‘તમે જોયું ને, બાંગાલ? કેટલું વિશાળ પ્રેમસભર હૃદય! તમારા સ્વામીજી વેદોના જ્ઞાતા છે માટે જ હું તેમને માન આપું છું. એટલું જ નહીં પણ પોતાના દેશબાંધવોના દુઃખે એમની આંખોમાં આવેલા આંસુને કારણે એમને અહીંથી જવું પડ્યું તે કારણે પણ.’

પારકાનું દુઃખ જોઈ રડી પડવાના આના જેવા બીજા કિસ્સાઓ એ જગદ્ગુરુ અને પયગમ્બરના જીવનમાં ઘણા બન્યા છે. ૧૮૯૩માં, શિકાગોની વિશ્વધર્મ પરિષદના ઉદ્ઘાટનને દહાડે, સ્વામી વિવેકાનંદ એક સમૃદ્ધિવાન ગૃહસ્થના અતિથિ હતા. ખ્યાતનામ બની ગયેલા સ્વામીજીને સાધનસમૃદ્ધ શયનકક્ષ આપવામાં આવ્યો હતો. પણ એ સુંવાળી શય્યા પર સ્વામીજી સૂઈ શક્યા નહીં. ભારતનાં કોટિ ગરીબો અને દલિતોની યાદ તેમને સતાવતી રહી. ઓરડાની ભોમ પર પડી રડતાં રડતાં એ બોલી ઊઠ્યા હતા : ‘મા, મારી માતૃભૂમિ અસહ્ય ગરીબીમાં સબડે છે ત્યારે, આ નામ અને કીર્તિને હું શું કરું? મૂઠ્ઠી ધાન માટે લાખ લાખ લોકો મરે છે એ કેવી અવદશાને અમે પામ્યાં છીએ? ભારતની પ્રજાનો ઉદ્ધાર કોણ કરશે? મા, હું એમની શી સેવા કરી શકું?’

પારકાંના દુઃખે દુઃખી થવાની સ્વામીજીની આ વૃત્તિ માત્ર લાગણીનો ઊભરો ન હતી. માનવજાત સાથેના એમના તાદાત્મ્યથી અને, સમસ્ત માનવજાતની એકતાના એમના ભાનમાંથી એ જન્મી હતી. પ્રેમ એટલે અન્ય સાથે તાદાત્મ્ય અનુભવવાની શક્તિ. જેટલો તમારો પ્રેમ મહાન, એટલું વધારે લોકો સાથેનું તમારું તાદાત્મ્ય. એક સામાન્ય જન પોતાનાં કુટુંબીઓ સાથે જ તાદાત્મ્ય અનુભવી શકે. કોઈ સામાજિક નેતા કેટલાક વધારે લોકો સાથે તાદાત્મ્ય અનુભવે. પણ, સ્વામી વિવેકાનંદ જેવા જગદ્ગુરુ સમસ્ત માનવજાત સાથે તાદાત્મ્ય અનુભવી શકે.

આધ્યાત્મિક પાયો

માનવજાતિની પાયાની એકતાના ઊંડેરા જ્ઞાનમાંથી સ્વામી વિવેકાનંદનું માનવજાત સાથેનું તાદાત્મ્ય જન્મ્યું હતું. સામાન્ય લોકોને બધે ભેદ જ દેખાય છે. એ લોકો માનવજાતનું વિભાજન અમુક જાતિઓમાં, અમુક ધર્મોમાં અને આટલી ભિન્ન ભાષા બોલનારાઓમાં કરે છે. સ્વામીજીનું દર્શન આ બધા ભેદોને છેદે છે. એમને સર્વત્ર એકતા દૃષ્ટિએ પડી. દીવાલો તોડીને, સેતુઓ બાંધીને, ગેરસમજો અને શંકાનાં વાદળોને દૂર કરીને, સ્નેહ અને વિશ્વાસના દોર દૃઢ કરીને, એકતા ઉત્પન્ન કરવા તેઓ મથ્યા હતા.

સ્વામીજી માનવ શક્યતાઓની સર્વોત્તમતાનું પ્રતિનિધિત્વ કરતા હતા. ઊર્ધ્વ ચેતનાની સર્વોચ્ચ કક્ષાએ નાની વયે પહોંચ્યા પછી, પોતાના શેષ જીવનમાં દૈવી ચેતનાની ઉચ્ચ સપાટીએ તેઓ સામાન્યપણે રહેતા. પરંતુ, એકાંતમાં રહેતા અવધૂત કે ગુણાવાસી તેઓ બન્યા ન હતા. જીવનની રણભૂમિને છોડી જવાનો યત્ન તેમણે કર્યો ન હતો. એ જન્મજાત યોદ્ધા હતા. પશ્ચિમમાં એ ‘વીર સંન્યાસી’ તરીકે અકારણ નહોતા ઓળખાતા. પિતાના મૃત્યુ પછીનું એમનું જીવન જિંદગીના કપરા સંજોગો સામે સતત સંઘર્ષનું હતું. એમની સિદ્ધિઓ, ખરે જ, લોકોત્તર હતી. એક તાંબિયા વિના તેઓ આખો ભારતવર્ષ ઘૂમ્યા હતા, લોકોના જીવનનો અભ્યાસ કરતા રહ્યા અને કદીક રાજાના મહેલમાં તો, કદીક કોઈ રંકની ઝૂંપડીએ એક જ ભાવે, રહેતા રહ્યા. પોતાના ગુરુનો સંદેશ સાગરો અને ખંડોની પાર તેઓ લઈ ગયા અને શિકાગોની પરિષદમાં, વિશ્વના તખ્તા પર આંધીની માફક ઊતર્યા, શિકાગોની એ ધર્મ પરિષદમાં સ્વામીજીએ કેવળ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું ન હતું. ભગિની નિવેદિતાએ કહ્યા પ્રમાણે, સ્વામીજી ઊભા થયા હતા હિંદુ ધર્મ વિશે બોલવાને, પણ એમણે વક્તવ્ય પૂરું કર્યું ત્યારે, હિંદુ ધર્મનું પુનર્નિર્માણ થઈ ચૂક્યું હતું. અમુક જાતિના, જ્ઞાતિબદ્ધ ધર્મને, પોતાની જાદુઈ વાણી વડે, વિશ્વધર્મમાં પરિવર્તિત કરી દીધો. જે ધર્માંધો એમના ધર્મને અને એમની જન્મભૂમિને ઉતારી પાડતા હતા તે સર્વની સામે તેઓ એકલે હાથે લડ્યા. જગતનાં રાષ્ટ્રોના સમુદાયમાં પોતાની જન્મભૂમિ માટે તેમણે માનભરી જગ્યા ઊભી કરી લીધી.

અધ્યાત્મ અને સેવા

ભારતમાં પોતાના દેશબાંધવોના ચિત્તમાં સ્વામી વિવેકાનંદે દેશના પ્રાચીન આધ્યાત્મિક વારસાનું ભાન જાગ્રત કર્યું અને, પોતાના ગરીબ અને પતિત દેશબાંધવો પ્રત્યેની ફ૨જનું ભાન જગાડ્યું. સમાજસેવાને રાષ્ટ્રીય આદર્શની ભૂમિકાએ એ લઈ ગયા અને, તેમાં પૂજાભાવનનું તથા આધ્યાત્મિક પ્રવૃત્તિની શક્તિનું આરોપણ કર્યું. એમણે નવો સંન્યાસી આદર્શ સ્થાપ્યો અને નવો સંન્યાસીધર્મ જગવ્યો; આ બંને જૂના સાધુતાના આદર્શોને ઝડપથી હડસેલી રહ્યા છે. પોતાની માભોમ માટેનો તેમનો પ્રેમ અને પોતાના દેશબંધુઓને કરેલા અનુરોધો સ્વદેશપ્રીતિની ભાવના અને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરણાસ્રોતો બન્યા. આટલી ટૂંકી આવરદામાં આટલી બધી સિદ્ધિઓ હાંસલ કરનાર બીજું કોઈ હશે કે કેમ એ શંકાસ્પદ છે.

પોતાના સમકાલીનોના કરતાં જ સ્વામી વિવેકાનંદ વધારે અર્વાચીન અને પ્રગતિશીલ હતા એટલું જ નહીં પણ, આજની દુનિયાના લોકો કરતાંયે તેઓ આગળ હતા. વધતા જતા ભૌતિકવાદ અને ઈન્દ્રિયભોગોના આ વર્તમાન જગતમાં, સ્વામીજીની મૂર્તિ દીવાદાંડી સમી ઊભી છે. આજે લોકો સમક્ષ ખાસ કરીને યુવાનો સમક્ષ, બીજો મોટેરો આદર્શ નથી. એ સંન્યાસી જ હતા. પણ એમનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે, એમના વૈશ્વિક મહત્ત્વને એમનો સંન્યાસ ઊણું કરતો નથી. આખા જગતમાં, જે ઉમદા મૂલ્યો અને ઉદાત્ત આદર્શોનું સેવન કરવામાં આવ્યું છે તે બધાની પરિપૂર્તિ તેમનામાં આપણને જોવા મળશે. માનવ પ્રગતિ અને ચિરકાલીન સિદ્ધિ માટેની કોઈ વાતને તેમણે નકારી નથી. વળી, માણસની હલકી વૃત્તિઓને પંપાળવા જેટલા એ કદી નીચે ન ઊતર્યા. એમનાં જીવન અને બોધનો કોઈ અભ્યાસી ખાલી હાથે જશે નહીં. પોતાના જીવનને સાર્થક અને બીજાઓના જીવનને આશીર્વાદરૂપ બધું નહીં તો કંઈ ને કંઈ દરેકને અવશ્ય મળશે.

સ્વામીજીનું મુખ્ય લક્ષ્ય માણસ હતો. પૂર્વમાં કે પશ્ચિમમાં, સર્વત્ર, મનુષ્ય તેમને બંધનમાં પડેલો દેખાયો. આજનો યુગ માનવતાવાદમાં ગર્વ લે છે અને બધી વસ્તુઓ કરતાં માનવીને ઊંચો ચડાવે છે. પ્રકૃતિનાં રહસ્યો ખુલ્લાં કરીને માણસ અતુલ સામર્થ્યવાન બન્યો છે. આમ છતાં, આ બધા સામર્થ્યે નથી માણસના સુખમાં વધારો કર્યો કે નથી એના ચિત્તને શાંતિ બક્ષી. ઊલટું, વિવિધ માનસિક રોગો, અનીતિ, હિંસા વગેરે ભયંકર વેગે વધી રહ્યાં છે. મનુષ્યજાતિના મોટા ભાગ માટે માનવજીવનનાં પવિત્રતા અને મૂલ્ય મરી પરવાર્યાં છે.

માનવીની દિવ્યતા

આ બધી સમસ્યાઓનું મૂળ કારણ છે માણસની સત્ય પ્રકૃતિનું અને એના અંતિમ ભવિતવ્યનું અજ્ઞાન. સ્વામી વિવેકાનંદે જગતને મનુષ્ય વિશેનો નવો જ ખ્યાલ આપ્યો. સ્વામીજીને મતે મનુષ્યની મૂળ પ્રકૃતિ દૈવી છે. અલબત્ત, આ કાંઈ નવો વિચાર નથી. ઈસુથી શતાબ્દીઓ પૂર્વે, ભારતના ઋષિઓને લાધ્યું હતું કે, માણસ દેહ કે મન નથી પણ આત્મા છે, વિશેષમાં એ કે, બધા વ્યક્તિગત આત્માઓ પરમાત્માના અંશરૂપ કે પ્રતિબિંબરૂપ છે. અર્થાત, એ એક પરમાત્મા જ બધાં ભૂતોમાં વ્યક્તિગત આત્મા તરીકે વસે છે, આમ, પ્રત્યેક આત્મા ઈશ્વરીય છે. પણ અજ્ઞાનને કારણે, મોટા ભાગના લોકો આ જાણતા નથી, વેદાન્તને નામે ઓળખાતા પ્રાચીન દર્શનનો આ અદ્ભુત મધ્યવર્તી વિચાર છે. પણ સદીઓ સુધી ભારતવર્ષમાં નાનકડા અધિકારી વર્ગ પાસે એ સચવાઈ રહ્યો હતો. આ સિદ્ધાંતની અદ્ભુત વ્યાવહારિક અગત્યને સ્વામી વિવેકાનંદ સમજી શક્યા. આજની પરિભાષામાં એમણે તે સિદ્ધાંતને રજૂ કર્યો અને સાધારણ જનતા સમક્ષ તેને રજૂ કર્યો.

‘દરેક આત્મામાં દૈવી શક્તિ રહેલી છે. ભીતર રહેલી આ દિવ્યતાનો સાક્ષાત્કાર કરવો એ ધ્યેય છે.’ સ્વામી વિવેકાનંદની વિચારણાનો પાયો આ સિદ્ધાંત છે. અંદરના સત્ત્વના પ્રાકટ્યને મનુષ્યની ઉત્ક્રાંતિ અને પ્રગતિ તરીકે એમણે જોયું. પોતાની ફિલસૂફીને, થોડાક શબ્દોમાં સ્વામીજીએ જ સારરૂપે મૂકી આપી છે. એમને જ ટાંકીએ : ‘ખરે જ, મારો આદર્શ થોડા શબ્દોમાં મૂકી શકાય તેમ છે, અને, એ છે : માનવજાતને પોતાની દિવ્યતાનો અને જીવનની પ્રત્યેક પળમાં તેના આવિષ્કારનો બોધ આપવો.’

માનવીની ભીતરી દિવ્યતાના આવિષ્કારને સ્વામીજી ધર્મ કહેતા. સામાન્ય સમજ પ્રમાણે, ધર્મ માન્યતાઓ, વિધિઓ, પ્રથાઓ અને તહેવારો વગેરે સાથે સંકળાયેલો છે. પરંતુ આ બધી બાબતોને સ્વામીજી ધર્મની ગૌણ-બાબતો- કહેતા. ધર્મનો સાર, ધર્મનું તત્ત્વ માણસમાં રહેલી દિવ્યતાનો સાક્ષાત્કાર છે. ઉપનિષદોનો મુખ્ય સિદ્ધાંત આ છે. આ પ્રાચીન સિદ્ધાંતને નવો વળાંક અને નવીન અગત્ય આપ્યાં.

પૂજા તરીકે સેવા

સ્વામીજીના કહેવા પ્રમાણે, ઊંચામાં ઊંચી દૃષ્ટિએ જોતાં, આત્મસાક્ષાત્કાર એ જ આત્મપ્રાકટ્ય છે. એક ઝીણા છિદ્રવાળા પડ વડે ઢંકાયેલા તેજસ્વી પ્રકાશનું તેઓ ઉદાહરણ આપે છે. છિદ્ર જેમ મોટું થતું જાય તેમ પ્રકાશ વધારે પ્રગટે. એ જ રીતે અજ્ઞાનનું આવરણ જેમ જેમ હટતું જાય તેમ તેમ આત્મા પ્રકટ થતો જાય. અજ્ઞાનને ઓછું કરતો અને આત્મપ્રાકટ્યને સહાય કરતો દરેક મનુષ્ય યત્ન ધર્મ છે. આધ્યાત્મિક પ્રવૃત્તિ એ કંઈ અમુક નિર્દિષ્ટ સમયે જ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ નથી. માનવજીવન આખુંયે આધ્યાત્મિક છે. ભગિની નિવેદિતાએ કહ્યા પ્રમાણે : ‘હવેથી ધાર્મિક અને ધર્મનિરપેક્ષના ભેદ મટી જાય છે. પરિશ્રમ પ્રાર્થના છે, વિજય ત્યાગ છે. જીવન પોતે જ ધર્મ છે.’

આજની દુનિયાને સ્વામી વિવેકાનંદે આપેલો નવો ધર્મ તે આ છે- જે દરેક મનુષ્યપ્રવૃત્તિનું આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રૂપાન્તર કરે છે. રાંકમાં રાંક અને પતિતમાં પતિતને પણ વેદાંત સરળતાથી ઉપલબ્ધ થાય એમ સ્વામીજી ઇચ્છતા હતા. માણસ ગમે તે સ્થિતિમાં હોય, એની જરૂરતો ધર્મે પૂરી પાડવી જ જોઈએ. માણસ જ્યાં હોય ત્યાંથી એને વધારે ઊંચે ધર્મ લઇ જાય. કારણ સ્વામીજી કહે છે કે, ‘માણસ જ્યાં ઊભો છે ત્યાં ધર્મ એને મદદ ન કરી શકે તો એ બહુ ખપનો નથી. એ થોડાક ગણતર લોકો માટે માત્ર સિદ્ધાંત બની રહેશે. મુક્તિની કે ગુલામીની અવગતિની ઊંડી ગર્તામાં કે પવિત્રતાને શિખરે, ગમે તે સ્થિતિમાં માણસ હોય, એને સહાય કરવા માટે, ધર્મે સદા તત્પર રહેવું જોઈએ અને, તેને સહાયરૂપ થવા દોડી જવું જોઈએ.

દુનિયાના, ખાસ કરીને ભારતના કલ્યાણનો સ્વામી વિવેકાનંદને સર્વાંગી ખ્યાલ હતો. લોકોના આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસની એમની નેમ હતી. તેઓ માનતા હતા કે, બરાબર સમજીને વેદાંતના સિદ્ધાંતો જીવનમાં અપનાવાય તો, માણસજાતનો સર્વાંગી વિકાસ થાય.

પૂજાના પ્રકારો

ભારતના આર્થિક વિકાસ પર સ્વામીજીએ ખાસ ધ્યાન આપ્યું હતું. એ વાત જાણીતી છે કે પશ્ચિમમાં જવાનું એમનું એક મુખ્ય કારણ લોકોદ્ધારની પોતાની યોજના માટે આર્થિક સહાય માગવા જવાનું હતું. પશ્ચિમમાં, જુદી જુદી સંસ્થાઓના વહીવટનો તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યાં એમણે શાળાઓની, ઔદ્યાગિક સંસ્થાઓની, જેલોની મુલાકાત લીધી હતી અને, પાશ્ચાત્ય પ્રજાએ સમર્પિત, સહકારયુક્ત કાર્યથી અને વ્યવસ્થાશક્તિની સહાયથી આર્થિક પ્રગતિ અને સામાજિક સ્વાસ્થ્ય કેવી રીતે સાધ્યાં હતાં તેનું અવલોકન કર્યું હતું. પોતે ભારત પાછા આવ્યા ત્યારે, ભારતના પ્રજાજનો પાશ્ચાત્ય વિજ્ઞાન, ટૅકનૉલૉજી અને વેપારમાં પટુતાનો અભ્યાસ કરે તેમ ઈચ્છતા હતા. રામકૃષ્ણ મિશનની સ્થાપનાનો એમનો એક મુખ્ય હેતુ એ હતો કે લોકોમાં આધ્યાત્મિક અને ધર્મનિરપેક્ષ શિક્ષણનો પ્રચાર કરવો અને ઉદ્યોગોને ઉત્તેજન આપવું.

ભારતની તાતી જરૂર હતી અને છે તે અન્નની. સ્વામીજીના ભારતભ્રમણ દરમિયાન પણ, નિત્યભૂખ્યાં કરોડો લોકોને પૂરતું અન્ન શી રીતે મળે તે સમસ્યા તેમને મૂંઝવતી હતી. લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનું નિરાકરણ ધર્મ કરી શકે ખરો? એ કહેતાઃ ‘વિધવાનાં આંસુ લૂછી ન શકે તથા એક નિરાધારના મોઢામાં અનાજનો કોળિયો મૂકી ન શકે તેવા ધર્મમાં હું માનતો નથી.’ સ્વામીજીએ જોયું કે સદીઓની પરદેશી ધૂંસરીએ, સામાજિક ત્રાસે અને પુરોહિતવાદે રંક લોકોની આત્મશ્રદ્ધા હણી લીધી હતી અને પોતાની દશાના સુધાર માટેની ધગશનો નાશ કર્યો હતો. પ્રત્યેક આત્મામાં રહેલી દિવ્યતાની શક્તિનો વેદાન્ત સિદ્ધાન્ત લોકોને કચડતાં એમનાં વલણોમાં પરિવર્તન લાવી શકશે અને એમની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરશે એમ સ્વામીજી માનતા હતા.

નૈતિક વિકાસના ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદનો ફાળો અમૂલ્ય છે. નિઃસ્વાર્થવૃત્તિ અને બલ – આ બે નૈતિક સિદ્ધાંતો પર તેઓ ભાર મૂકતા. એમના કહેવા પ્રમાણે જે સ્વાર્થી છે તે અનૈતિક છે અને જે નિઃસ્વાર્થ છે તે નૈતિક છે, એ એક જ વ્યાખ્યા નૈતિકતાની આપી શકાય છે.’ ‘મનુષ્યજાતિ અને ઈશ્વરનું ઐક્ય છે’ એ ખ્યાલ ઉપર નિઃસ્વાર્થતાનો ખ્યાલ આધારિત છે.

ઈશ્વર તરીકે મનુષ્યની સેવાનો ખ્યાલ આમાંથી જન્મ્યો, ‘શિવ જ્ઞાને જીવ સેવા’. સમાજસેવાના સાવ સાધારણ સ્વરૂપોને સ્વામીજીએ પૂજાનું રૂપ આપ્યું.

‘અમે એ ભગવાનના સેવકો છીએ જેને અજ્ઞાનીજનો માણસ કહે છે!’ એમ સ્વામીજીએ પોકાર કર્યો હતો. રામકૃષ્ણ મિશનની તમામ પ્રવૃત્તિઓના પાયામાં આ વિચાર રહેલો છે કે, માણસની સેવા એ પ્રભુની સેવા છે.

આ પ્રકારની સેવાનાં બે લક્ષણો છે. પહેલું એ કે, કામના પ્રકારોમાં એ કશો ભેદ જોતી નથી. બંગાળી કહેવત પ્રમાણે ‘જોડા સાંધવાથી માંડીને ચંડીપાઠ સુધીની તમામ પ્રવૃત્તિઓ પવિત્ર છે. કામ નહીં પણ, કામ કરવાની આપણી રીત આપણને ઊંચે ચડાવે છે. બીજી એ છે કે, સેવા કરતા માણસો વચ્ચે એ કશો ભેદ રાખતી નથી. આપણે લોકોની સેવા કરીએ છીએ ત્યારે, આપણે એમના જાતપાત કે એમનો ધર્મ પૂછતા નથી. એ માણસો છે એટલું જ અગત્યનું છે કારણ, સ્વામીજીએ કહ્યા પ્રમાણે, ‘માણસમાં જોવા મળતી મહત્તાને કોઇ વિજ્ઞાન, કોઇ ગ્રંથ કે કોઇ શાસ્ત્ર કલ્પી શકશે નહીં;’ રામકૃષ્ણ મિશન તરફથી થતાં બધાં સેવાકાર્યની પાછળ આ બે સિદ્ધાંતો રહેલા છે.

આપણી ચારે કોર આપણને લાંચરુશ્વત, અનૈતિકતા, ગુનો, હિંસા, ત્રાસવાદ વગેરેનો ફેલાવો જોઇએ છીએ ત્યારે, માણસમાંની આપણી શ્રદ્ધા ડગી જાય છે. સ્વામી વિવેકાનંદના સમયમાં પણ સમાજમાં આ અનિષ્ટો ફેલાયેલાં હતાં જ. પણ, માણસની પાયાની સારપમાંનો તેમનો વિશ્વાસ ડગ્યો ન હતો. માણસની નબળાઇઓ જોવાને બદલે તેનામાં રહેલી અનંત શક્યતાઓ તેમણે જોઇ હતી. માણસને ‘જન્મથી જ પાપી’ જોવાનો વિચાર તેમને ગમતો ન હતો. કહેવાતું પાપ એમને મન માત્ર અજ્ઞાન છે, તેઓ વળી એ પણ સમજતા હતા કે સારું અને ખરાબ સાપેક્ષ પદો છે. તે એમનો અર્થ સંસ્કૃતિએ સંસ્કૃતિએ બદલાય છે.

માણસ પ્રત્યેના પોતાના પ્રેમ આડે એમણે આવી બાબતોને આવવા દીધી ન હતી. સંતને તેમજ પાપીને, રાયને તેમજ રંકને, પશ્ચિમવાસીને તેમજ પૂર્વવાસીને – સૌને તેમનાં પ્રેમ અને કરુણાનો લાભ મળતો. અંતઃકરણની સાચી નિષ્ઠા અને વેદના સાથે, એમના અંતરમાંથી આ પ્રાર્થના ઊઠતી : જે એક જ ઇશ્વરનું અસ્તિત્વ છે, જે એક જ ઇશ્વરમાં હું માનું છું, જે બધા – આત્માઓનો સરવાળો છે – અને વિશેષ તો, મારો દુષ્ટ નારાયણ છે, મારો દરિદ્ર નારાયણ છે, બધી જાતિઓનો રાંકમાં જે રાંક છે ને જેની હું પૂજા કરું છું, તેને ભજવા માટે, લાખો મુસીબત સહેવા માટે હું ફરી ફરી ભલે પુનર્જન્મ પામું.’

પૂજાનાં મૂળ તત્ત્વો

સેવા ઉપરાંત જે ગુણ ઉપર સ્વામી વિવેકાનંદે ભાર મૂક્યો તે બલ અને અભયનો હતો. દરેક માનવીને જીવનની દરેક પળે બલની આવશ્યકતા રહે છે. સ્વામીજીએ બલ પર શા કાજે આટલો ભાર દીધો? કારણ કે, તેના વિના બીજા કોઇ ગુણ પ્રમાણે બરાબર વર્તી શકાતું નથી, સારા અને ગુણવાન થવાની આટલી પ્રતિજ્ઞાઓ આપણે લઇએ છીએ. પરંતુ, એમના પાલનમાં નિષ્ફળ જઇએ છીએ. શા માટે? કારણ, જરૂરી સંકલ્પબળ આપણી પાસે નથી. એટલે તો સ્વામીજી કહે છે : ‘બલ સદ્ગુણ પુણ્ય છે, નિર્બળતા પાપ છે.’ આ ખરે જ નૈતિક મૂલ્યશિક્ષણની નવી રીત છે. બલ સર્વગુણોનું મૂળ છે, બીજા બધા ગુણો ડાળીઓ, પાંદડાં, ફૂલો અને ફળો છે. બલની અગત્ય સમજાવતાં સ્વામીજી કહે છે : ‘વેદાંતના કહ્યા અનુસાર જગતનાં સર્વ દુઃખોનું મૂળ નિર્બળતા છે. બધી યાતનાઓનું કારણ એક નિર્બળતા જ છે. નબળા હોવાને કારણે આપણે પીડા ભોગવીએ છીએ. આપણે નબળા છીએ માટે જ, આપણે જૂઠું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ અને બીજા ગુનાઓ કરીએ છીએ. નબળા છીએ માટે આપણે મૃત્યુ પામીએ છીએ. જ્યાં આપણને નિર્બળ કરનાર કશું નથી ત્યાં મૃત્યુ નથી, પીડા નથી.’

શરીર બળને અને નૈતિક બળને સ્વામીજીએ ખૂબ અગત્ય આપ્યા છતાં, એમને મન, મનુષ્યના આત્મમાંથી પ્રગટે છે તે જ સાચું બળ છે. આત્માની દિવ્યતામાં દૃઢ શ્રદ્ધા આપણામાં ઘણું બળ પ્રેરે છે. એટલે તો સ્વામી વિવેકાનંદનું મુખ્ય ધ્યેય માણસના આધ્યાત્મિક વિકાસમાં હતું. આપણે એ ન ભૂલવું જોઇએ કે સૌ પ્રથમ સ્વામીજી આધ્યાત્મિક જ્યોતિર્ધર હતા. એમના ગુરુ શ્રીરામકૃષ્ણે કહ્યા પ્રમાણે એ જન્મજાત યોગી હતા. ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓનાં શિખરો સર કર્યા પછી, ઉચ્ચ આત્મ પ્રદેશમાં વિહાર કરવાનું એમના મનનું વલણ હતું. એ પરમાત્માનંદમાં જ રત રહી શક્યા હોત પણ, માણસ જાતની સેવા કરવાની એમના ગુરુની આજ્ઞા હતી.

યોગો સાથે ભક્તિમય સેવાનો સમન્વય

બહારથી સ્વામીજી જ્ઞાની દેખાતા હોવા છતાં, ભીતરમાં એઓ ઊંડા પ્રભુભક્ત હતા. વાસ્તવિક રીતે તો, એમણે ચારેય યોગમાં ઉચ્ચતમ વિકાસ સાધ્યો હતો અને એ ચારેય યોગોના સમન્વયનું તેઓ ઉમદા દૃષ્ટાંત હતા. સંતુલિત વ્યક્તિત્વવાળી આવી બહુમુખી આધ્યાત્મિક પ્રતિભા જગતે ભાગ્યે જ ભાળી હતી. રૉમાં રૉલાં જેવી વિભૂતિએ આ વાત દર્શાવી છે. એ ફ્રેંચ વિદ્વાન લખે છે : સ્વામી વિવેકાનંદની રચનાત્મક પ્રતિભાને બે શબ્દોમાં વ્યક્ત કરી શકાય – સંતુલન અને સમન્વય. આત્માના બધા માર્ગે તેઓ ગમન કરતા; ચારેય યોગમાર્ગે સંપૂર્ણપણે, ત્યાગ અને સેવાને માર્ગે, કલાને, વિજ્ઞાનને, ધર્મને અને આધ્યાત્મિકથી સંપૂર્ણપણે વ્યાવહારિક કર્મને માર્ગે…બધી માનવ ઊર્જાનું તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતા.’

સ્વામી વિવેકાનંદને મન, દરેક યોગમાર્ગ મનની એક શક્તિનો વિકાસ દર્શાવે છે – બુદ્ધિ, ભાવના કે સંકલ્પની શક્તિનો સ્વામીજી વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ ચાહતા હતા. એટલે, ચારેય યોગના સમન્વય પર તેમણે ભાર મૂક્યો હતો, એમણે કહ્યા પ્રમાણે, ‘ભગવાન કરે ને બધા માણસોનું ઘડતર એવું થાય કે, દરેકમાં ફિલસૂફી, રહસ્યવાદ, ભાવના અને કર્મ પૂર્ણપણે સ૨ખી રીતે પ્રગટ થાય. આ ચારેય બાબતોમાં સમન્વિત સંતુલન સાધવું એ ધર્મનો મારો આદર્શ છે.’

પ્રત્યેક યોગમાર્ગનું અંતિમ ધ્યેય પરમાત્માના સાક્ષાત્કારનું છે અને પ્રત્યેક યોગ એના અનુયાયીને એ ધ્યેયે પહોંચાડી શકે તેમ છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીએ, બંનેએ આ વાત સ્થાપિત કરી છે. વિશેષમાં સ્વામીજીનો એ અભિપ્રાય છે કે, આજના યુગમાં એ ચારેય યોગનો સમન્વય ઉત્તમ માર્ગ છે. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સમક્ષ તેમણે આ આદર્શ રાખ્યો હતો અને પોતે જે જાણીતું પ્રતીક બનાવ્યું હતું તેમાં તે મૂર્તિમંત થયું છે.

સમન્વય દ્વારા સંપૂર્ણ માનવ

અત્યાર સુધી આપણે જે સર્વાંગીણ મનુષ્ય વિકાસની વાત કરી તેને સ્વામીજીએ માનવ ઘડતર’ કહેલ છે. માણસનાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પરિમાણો પૂર્ણતયા વિકસે ત્યારે એણે સંપૂર્ણ માનવતા પ્રાપ્ત કરી કહેવાય. સ્વામીજી પોતે જ પૂર્ણ વિકસિત માનવીનું એક ઉત્તમ દૃષ્ટાંત હતા. એ આધ્યાત્મિક શક્તિ અનેક લોકોમાં સુષુપ્તપણે રહેલી છે અને, એને બરાબર જાગ્રત કરીને એનો વિકાસ ન સાધ્યો તો, કોઈ વ્યક્તિ પૂર્ણ માનવતાને પામ્યાનો દાવો કરી શકે નહીં. સ્વામીજી માનતા હતા કે, માણસજાતની ઉત્ક્રાંતિ અને એના વિકાસનું બીજું પગથિયું માણસમાં રહેલી દિવ્યતાના વિકાસનું થશે. એમના જ શબ્દો ટાંકીએ : ‘માનવ આત્મામાં એ અનંત શક્તિ એવી જ રહેલી છે, ભલે એને ખબર હોય કે ન હોય. એનાથી જ્ઞાત થવાના પ્રશ્ન પર એનું પ્રાકટ્ય આધારિત છે. આ વિરાટ રાક્ષસ, જાણે કે, ધીમે ધીમે ઊઠે છે, પોતાની શક્તિથી જ્ઞાત થાય છે અને જાગ્રત થાય છે. એની ચેતનાના વિકાસ સાથે એનાં વધારે ને વધારે બંધનો છેદાય છે અને, એવો દિવસ જરૂર આવશે, જે દી‘, પોતાનાં અનંત બલ અને જ્ઞાનના ભાન સાથે એ વિરાટ પોતાના પગ પર ખડો થશે અને ટટ્ટાર ઊભો રહેશે. આ દિવ્ય ઘડી તુરત આવે એ માટે આપણે સૌ એને સહાય કરવા ચાલો.’

બોધના અર્થને ખુલ્લો કરવો

ભારતના અને જગતના ઇતિહાસને અણીને તબક્કે સ્વામી વિવેકાનંદ એક વિરલ ઘટના તરીકે આવ્યા હતા. આ ઘટનાનું વર્ણન સ્વામી અભેદાનંદે નીચેના શબ્દોમાં કર્યું છે : ‘સત્યનો આવો પ્રચારક ક્ષિતિજ ૫૨ કોઇ વિરાટ ધૂમકેતુ માફક કોઇક વાર ઝળુંબે છે, સામાન્ય માનવીઓની આંખોને આંજી એમના હૃદયને ભરી દે છે અને શાંતિથી પાછો વિશ્વના અદીઠ અને અજ્ઞાન આકાશમાં સરી પડે છે. સેંકડો સદીઓ પછી, કદાચ, દેખાયેલા આધ્યાત્મિક આકાશમાં સ્વામી વિવેકાનંદ એવા એક ધૂમકેતુ હતા.’

આવી ઐતિહાસિક ઘટનાનું પૂર્ણ મહત્ત્વ થોડાં વર્ષોના ગાળામાં સમજી શકાય નહીં. એમના સંદેશને બીજા કોઇ કરતાં વધારે જાણનાર ભગિની નિવેદિતાએ કહ્યું છે : ‘…એમણે જે સંદેશ કહ્યો તેની મહત્તાને અને અગત્યને સમજવાનું ગજું આપણને પ્રાપ્ત નથી થયું.’ સ્વામીજીએ પોતે જ કહ્યું છે કે, ‘મેં પંદરસો વર્ષ ચાલે તેટલું આપ્યું છે.’ આટલા વિશાળ પાયાવાળો, આટલા વિશાળ અર્થવાળો અને આટલા અસંખ્ય લોક માટે નિર્મિત એવા સંદેશને ગળે ઉતારતાં એક કરતાં વધારે સૈકાંઓ લાગવાના જ. સ્વામીજીનો સંદેશ સૌ માટે છે, અને કોઇ સમૂહ કે કોઇ રાષ્ટ્ર, કોઇ જ તેને પોતાનો સુવાંગ માની બેસે નહીં. બધી મુશ્કેલીઓ દૂર કરીને, માનવ મન અને સમાજે લાદેલી બધી મર્યાદાઓ ઓળંગીને, ઇન્દ્રિયો અને બુદ્ધિની મર્યાદાઓથી પર, લોકોના સંકુચિત સ્વાર્થથી ૫૨, બધા માનવકલહની લઘુતાથી પર, જ્ઞાનનો, પ્રેમનો, શક્તિનો સ્વામી વિવેકાનંદનો સંદેશ સાગરો અને ભૂમિખંડોની ઉપર સૈકાંઓ સુધી વહેતો રહેશે અને અસંખ્ય લોકોને જ્ઞાન, પ્રેરણા, માર્ગદર્શન આપતો રહેશે અને એમના જીવનમાં શાંતિ, સંતોષ તથા, અજ્ઞાનતાના બંધનમાંથી કાયમ મુક્તિ આણતો રહેશે.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

(પ્રબુદ્ધ ભારત શતાબ્દી ગ્રંથ,‘જાન્યુઆરી, ૧૯૯૫’માંથી સાભાર)

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.