શ્રીકૃષ્ણના કૃષ્ણના ઉપદેશનો ધ્વનિ સર્વદા આ જ છે; તેણે પોતાના લોકોમાં આ ભાવ આરોપ્યો છે, તેથી જ્યારે હિંદુ કંઈ કરે છે, પછી ભલે તે પાણી પીતો હોય, તો પણ તે કહે છે: ‘જો એમાં પુણ્ય થતું હોય તો તે ઈશ્વરને સમર્પણ હો!’ બૌદ્ધો જ્યારે પણ કાંઈ સત્કાર્ય કરે છે ત્યારે તેઓ કહે છે : ‘જો આ સત્કાર્યમાં ગુણ હોય તો તે જગતને મળો; હું જે કાંઈ કરું તેમાં પુણ્ય હોય તો તે જગતને મળો, અને દુનિયાનું અનિષ્ટ મને મળો.’ હિંદુ કહે છે, ‘મને ઈશ્વરમાં પરમ શ્રદ્ધા છે.’ તે કહે છે કે ‘ઈશ્વર સર્વશક્તિમાન છે; સર્વ આત્માનો આત્મા છે,’ તે કહે છે : ‘મારાં સર્વ સત્કર્મ હું ઈશ્વરને જ અર્પણ કરું છું તે મહાનમાં મહાન યજ્ઞ છે અને તેનો લાભ આખા વિશ્વને મળશે.’

આ એક દૃષ્ટિ છે. શ્રીકૃષ્ણનો અન્ય સંદેશ શો છે? ‘જે કોઈ સંસારની અંદર રહીને કાર્ય કરે છે, પણ કર્મનાં પરિણામ ઈશ્વરને સમર્પે છે, તેને આ સંસારનાં પાપ સ્પર્શતાં નથી. જેમ કમળ પાણીમાંથી ઉત્પન્ન થઈને પાણીની બહાર ખીલે છે, તે જ પ્રમાણે જે માણસ સંસારની પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેનાં ફળ ઈશ્વરને સમર્પે છે, તેનું પણ તેમ જ બને છે.’

અવિરત પ્રવૃત્તિના ઉપદેશ તરીકે શ્રીકૃષ્ણ એક જુદો જ સૂર કાઢે છે. તેઓ અદ્ભુત સંન્યાસી હતા તેમ જ અદ્ભુતમાં અદ્ભુત ગૃહસ્થાશ્રમી હતા; એમનામાં અતિ અદ્ભુત પ્રમાણમાં રજસ્ એટલે શક્તિ હતી ને સાથોસાથ જ તેઓ અતિ અદ્ભુત ત્યાગમય જીવન જીવતા હતા. જ્યાં સુધી તમે ગીતાનો અભ્યાસ ન કરો ત્યાં સુધી શ્રીકૃષ્ણને સમજી શકશો નહીં. કારણ, તેઓ પોતે જ પોતાના ઉપદેશની મૂર્તિસમા હતા. આ અવતારોમાંના દરેકેદરેક, પોતે જેનો ઉપદેશ કરવા આવ્યા હતા તેના જીવંત ઉદાહરણરૂપ હતા. ગીતાના ઉપદેશક કૃષ્ણ પોતાના સમગ્ર જીવનમાં એ દિવ્ય ગીતાની પ્રત્યક્ષ મૂર્તિરૂપ થઈને જીવ્યા હતા. અનાસકિતના એ મહાન આદર્શ હતા. એ પોતાના રાજસિંહાસનનો ત્યાગ કરે છે; પછી એની કદી પરવા પણ કરતા નથી. ભારતનો એ નેતા જેના એક શબ્દના ઉચ્ચાર સાથે રાજાઓ પોતાનાં રાજસિંહાસન ઉપરથી ઊથલી પડતા, એ પોતે કદી પણ રાજા થવાની ઈચ્છા ધરાવતો નથી. એ સદાય એનો એ જ, ગોપીઓની સાથે ખેલતો કૃષ્ણ જ છે. ઓહ! સમજવા માટે કઠિનમાં કઠિન, સંપૂર્ણ ચારિત્ર્યશીલ અને પવિત્ર થયા સિવાય સમજવાનો પ્રયત્ન કરવાને પણ અયોગ્ય. શો અદ્ભુતમાં અદ્ભુત એમનો જીવનક્રમ! પ્રેમમાં મસ્ત થયા વિના, પ્રેમનો પ્યાલો પૂરેપૂરો પીધા વિના, કોઈથીયે કળી ન શકાય એવા, વૃંદાવનની એ સુંદર લીલાના રમણીય રૂપકમાં વર્ણવાયેલ અતિ આશ્ચર્યકારક, શો એ પ્રેમનો વિસ્તાર! જે પ્રેમ કશું પણ માગતો નથી, જે પ્રેમ સ્વર્ગની પરવા કરતો નથી, જે પ્રેમ ઇહલોકમાં કશાની પરવા કરતો નથી, તેમ જે પરલોકનીય પરવા નથી કરતો, એવા આદર્શ પ્રેમને-ગોપીઓના પ્રેમની વેદનાને – કોણ સમજી શકે?

‘હું ધન નથી ચાહતા, કીર્તિ કે નામયશ નથી ઈચ્છતો, નથી વિદ્યાની વાંછના રાખતો. ભલે મારે વારંવાર જન્મ લેવો પડે, પણ પ્રભો! તું એટલું આપ કે મારો તારામાં પ્રેમ રહે, અને તેય પ્રેમની ખાતર પ્રેમ.’ ધર્મના ઇતિહાસમાં એક જબરું સીમાચિહ્ન અહીં છે : પ્રેમની ખાતર પ્રેમ, કર્મની ખાતર કર્મ, ફરજની ખાતર ફરજ! એ આદર્શ ભારતની ભૂમિ પર અવતારશ્રેષ્ઠ શ્રીકૃષ્ણના મુખમાંથી પહેલી જ વાર અને માનવજાતના ઇતિહાસમાં પણ પહેલી જ વાર બહાર પડ્યો. ધર્મમાં ભય અને લાલચના ખ્યાલો સદાયને માટે પરવારી ચૂક્યા, નરકનો ભય તથા સ્વર્ગના ભોગની લાલચો હોવા છતાં પણ પ્રેમની ખાતર પ્રેમનો, કર્તવ્યની ખાતર કર્તવ્યનો, કર્મની ખાતર કર્મનો, ભાવ્યમાં ભવ્ય આદર્શ ઊતરી આવ્યો.

(‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ગીતા’ – સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ પૃ. ૪ થી ૬)

Total Views: 73
By Published On: October 5, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram