(૨૬) અંતિમ દિવસો

(ગૌરીમાના જીવન પ્રસંગો)

ગૌરીમાનું શરીર હવે તેના ગુણધર્મો પ્રમાણે વૃદ્ધ થવા લાગ્યું હતું. પરંતુ તેમનું મન તો હજુ ય એવું ને એવું જ તાજગીભર્યું ને ઉત્સાહથી છલકાતું હતું. આથી તેઓ વૃદ્ધ થયાં હોવા છતાં તેમનાં કાર્યો તો પૂર્વવત્ ચાલુ જ હતાં. શ્રીરામકૃષ્ણનો શતાબ્દી મહોત્સવ શારદેશ્વરી આશ્રમે ખૂબ ઉમંગથી ઉજવ્યો અને તેની પાછળની પ્રેરણા ગૌરીમા પોતે જ હતાં. કલકત્તા યુનિવર્સિટીએ આ પ્રસંગે યોજેલા મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. શ્રીરામકૃષ્ણ પરનો તેમનો સંદેશ કલકત્તાના આકાશવાણી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યો.

વયોવૃદ્ધ હોવા છતાં પણ તેઓ આશ્રમની સઘળી પ્રવૃત્તિઓમાં પહેલાં જેટલો જ રસ લેતાં હતાં. આશ્રમના કાર્યોમાં એમને શરીરની ઉંમર અવરોધ કરતી ન હતી. ઈ. સ. ૧૯૩૦માં આશ્રમનો વિસ્તાર કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમણે નવી જમીન ખરીદી. આ જમીન પર તેમણે જાતે પૂજા કરી. આમ જિંદગીના અંતિમ દિવસો સુધી તેઓ આશ્રમની પ્રવૃત્તિઓના વિસ્તારની યોજનાઓમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. પરંતુ એમનું શરીર હવે અવસ્થાનો પ્રભાવ દર્શાવવા લાગ્યું હતું. આમ તો તેમને ખાસ કોઈ પ્રકારની એવી ગંભીર માંદગી આવી નહોતી. સામાન્ય કફ અને શરદી થઈ ગયાં હતાં અને શરીરે નબળાઈ અનુભવાતી હતી. પરંતુ તેમના ચહેરા ઉપર કોઈને ય માંદગીના કે નબળાઈનાં કોઈ જ ચિહ્નો જોવા મળતાં ન હતાં. ઉત્સાહ, આનંદ અને પ્રેમથી છલકાતા મધુર ચહેરાના દર્શન કરતાં કોઈને એવું લાગતું નહીં કે તેઓ શારીરિક રીતે અસ્વસ્થ છે. મુલાકાતીઓ અને ભક્તો સાથે એમના વાર્તાલાપો પણ ચાલુ જ હતા. શારીરિક નબળાઈને કારણે ડૉક્ટરોએ તેમને નીચે આવવાની અને વધુ વાર્તાલાપ કરવાની મનાઈ કરી હતી. છતાં પણ તેઓ ભક્તો તરફના અપાર પ્રેમ અને કરુણાને લઈને કષ્ટ સહીને નીચે આવતાં અને અસંખ્ય ભક્તોને આશીર્વાદ આપી તેમના અંતરને આનંદથી ભરી દેતાં.

એક દિવસ બપોરનો સમય હતો. તે સમયે બે વયોવૃદ્ધ સ્ત્રીઓ આશ્રમમાં આવી અને કહેવા લાગી, ‘અમે શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક પુત્રીનાં દર્શન કરવા માટે ઘણે દૂરથી આવ્યાં છીએ.’ ‘પણ તમને અત્યારે તેમનાં દર્શન નહીં થાય’ પરિચારિકાએ તેમને કહ્યું. ‘અમે તેમની ચરણરજ લઈને ચાલ્યા જઇશું. એમને જરા પણ ખલેલ નહીં પહોંચાડીએ, અમને ફક્ત એમનાં દર્શન કરવા દો.’ એક સ્ત્રીએ આજીજીપૂર્વક પરિચારિકાને કહ્યું. ‘પણ તેઓ ઉપલા માળે સૂઈ ગયાં છે. એટલે હમણાં એમનાં દર્શન તમે નહીં કરી શકો. તમે અહીં રાહ જુઓ’ ‘અરેરે, અમે આટલા દૂરથી ખાસ એમનાં દર્શન માટે જ આવ્યાં છીએ. તમને ખબર નથી અમે ખૂબ જ મુશ્કેલી વેઠીને અહીં પહોંચ્યા છીએ. વળી મારા શરીરમાં તો તાવ ભરાયો છે. વધારે લાંબો સમય હું અહીં રોકાઈ શકું તેમ પણ નથી, કૃપા કરીને તમે મને એકવાર તેમનાં દર્શન કરાવો.’ તાવથી ધ્રુજી રહેલી એ આધેડ વયની સ્ત્રીએ આજીજીપૂર્વક પરિચારિકાને વિનંતી કરી પણ પરિચારિકાને તો નિયમનું ચુસ્ત પાલન કરવાની જ આશા હતી, એટલે તે તેમને ઉપર લઈ જઈ શકે તેમ ન હતી. પરંતુ આશ્રમના સૅક્રૅટરી આ વાર્તાલાપ સાંભળતા હતા, તેઓ તે સ્ત્રીઓની સમીપ આવ્યા ને તેમણે કહ્યું : ‘ચાલો મા, હું તમને એમનાં દર્શને લઈ જાઉં છું.’ આમ તે બંને સ્ત્રીઓની ઉત્કટ ભક્તિભાવના તેમને ગૌરીમાની સમીપ લઈ આવી. તેમણે બંનેએ દૂરથી જ ગૌરીમાનાં દર્શન કર્યા, પણ તેમાંની એક તો પોતાના હૃદયને કાબુમાં રાખી શકી નહીં. તેની આંખમાં આંસુ ઊમટી આવ્યાં ને તે ભાવના આવેગથી ડૂસકાં ભરવા લાગી અને દૂર રહીને જ પ્રાર્થના કરતી બોલવા લાગી કે ‘મા, આશીર્વાદ આપો કે અમને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય.’ સાચા હૃદયની આ પ્રાર્થના ગૌરીમાએ સાંભળી. તેઓ સૂતાં હતાં ત્યાંથી ઊભાં થઈ ગયાં અને ઝરુખામાં ઊભીને પ્રણામ કરી રહેલી બંને સ્ત્રીઓ પાસે આવ્યાં ને તેમને આશીર્વાદ આપતાં કહ્યું : ‘વાહ મારી દીકરી, કેટલા લોકોને શુદ્ધ ભક્તિ જોઈએ છીએ? મોટે ભાગે તો લોકો અહીં કોઈ ને કોઈ હેતુથી જ આવતાં હોય છે. રોગમાંથી મુક્તિ, ધનસંપત્તિ વગેરે માટે જ આશીર્વાદ માગતા હોય છે. બહુ જ ઓછા લોકો શુદ્ધ ભકિતના ખજાનાની સંભાળ લેતા હોય છે.’ ‘આવ મારી વહાલી દીકરી આવ’ એમ કહીને ગૌરીમાએ પોતાના બંને હાથ લંબાવ્યા ને તેને છાતી સરસી ચાંપીને કહ્યું, ‘બેટા, હું ઘણા લાંબા સમયથી તારી જ રાહ જોઈ રહી હતી.’ આમ તે સ્ત્રીઓનું ત્યાં આવવાનું સાર્થક બની ગયું.

૧૭મી ડિસેમ્બર ૧૯૩૭નો દિવસ પૂર્ણિમાનો દિવસ હતો. તેમની તબિયત ઘણી જ નાજૂક હતી. તેમણે ભક્તો અને શિષ્યોને મળવા નીચે ઊતરવાની ઈચ્છા કરી. પરંતુ તેમના સેવકોએ તેમની શારીરિક સ્થિતિ જોતાં કહ્યું : ‘મા, આવી તબિયતે નીચે જવું ને બધાંને મળવું શક્ય નહીં બને.’ પણ ગૌરીમાએ કોઈને વાત સાંભળી જ નહીં અને તેઓ બધાંને મળવા નીચે આવ્યાં જ. પોતાના સર્વ ભક્તો અને શિષ્યોને તેમણે બોલાવ્યા. તેમની સાથે વાતો કરી, બધાંને જે કહેવાનું હતું તે બધું સ્વસ્થતાપૂર્વક કહી દીધું અને પછી પોતાના સ્વહસ્તે સર્વને પ્રસાદ પણ આપ્યો. આથી ભક્તો આનંદમાં આવી ગયા અને તેમને થયું કે માતાજીની તબિયત હવે ખૂબ જ સારી થતી જાય છે. પણ આ બધી તો અનંતની યાત્રાએ નીકળવા પહેલાંની પૂર્વતૈયારી હતી, તે કોઈ જ જાણી શક્યું નહીં.

૨૨મી ડિસેમ્બરે મા શારદામણિનો જન્મદિવસ આવ્યો. આશ્રમમાં તેની ઉજવણી કરવામાં આવી. ગૌરીમાએ ત્યારે પોતાની સ્ત્રી શિષ્યાઓને અને અનુયાયીઓને પોતાની પાસે બોલાવીને આશીર્વાદ આપતાં કહ્યું, ‘સાધુ, સંન્યાસીઓ અને અવતાર સમયે સમયે પૃથ્વી પર આવે છે. પણ તેઓને પૃથ્વી પર જન્મ તો માતા જ આપે છે. મા મૂલ્યવાન છે. તમે માતાઓ છો. સમાજ અને ધર્મનું ઉત્થાન તમારા હાથમાં છે. તમે શ્રદ્ધા ભક્તિમાં વધુ પ્રબળ છો. એટલે તમે ઈશ્વરની વધુ નજીક પહોંચી શકો છો.’ આમ તેમણે સ્ત્રીઓને માતાનું મહાત્મ્ય સમજાવી સમાજ અને ધર્મના ઉત્થાન માટે સ્ત્રીઓની જાગૃતિ અત્યંત જરૂરી છે તે બાબત જણાવી દીધી. પોતાના જીવનના આખરી દિવસોમાં પણ તેઓ શ્રીરામકૃષ્ણે એમને સોંપેલા સ્ત્રી-જાગૃતિના કર્તવ્યને ભૂલ્યાં ન હતાં.

૩૦મી જાન્યુઆરી ૧૯૩૮ની રાત્રે ગૌરીમાએ એક સ્વપ્ન જોયું. ઊર્ધ્વમાંથી શક્તિ રેલાવતા એક દેવ નીચે આવ્યા ને તેમને કહ્યું, કે માર્ગદર્શન આપવાનું તેમનું કાર્ય હવે પૂરું થઈ ગયું છે. ગૌરીમા એ દેવ સાથે કંઈ વાત કરી રહ્યાં હતાં ત્યાં આશ્રમનો કોઈ અંતેવાસી આવ્યો ને કંઈક જરૂરી કામ હોવાથી તેમને જગાડ્યાં ને પોતાની સાથે આવવા કહ્યું. પણ ગૌરીમા તેની સાથે ગયાં નહીં. તેઓ તો આ સ્વપ્નાનુભૂતિમાં ડૂબેલાં જ રહ્યાં. તે દેવ તો ચાલ્યા ગયા પણ પછી ભગવાન શિવ આવ્યા. તેમનો શાંત તેજોમય પ્રકાશ સર્વત્ર રેલાઈ રહ્યો હતો. શિવની સાથે દેવી દુર્ગા પણ હતાં. તેમણે તેમને કહ્યું કે તેમની સાધનાથી ભગવાન પ્રસન્ન છે અને હવે તેમણે જીવનનો ત્યાગ કરવો જોઈએ. આ અલૌકિક સ્વપ્નદૃશ્ય પૂરું થયા પછી પણ ગૌરીમાએ જાણે આ શિવ અને દુર્ગાના પ્રત્યક્ષ દર્શન કર્યાં હોય તેવું અનુભવ્યું. તેમણે દુર્ગાની આજ્ઞાને સ્વીકારીને હવે આ લૌકિક જીવનનો ત્યાગ કરવાનું નક્કી કરી લીધું ને તે અંગેની તૈયારીઓ પણ કરી લીધી.

૧૨મી ફેબ્રુઆરી ૧૯૩૮, ગૌરીમાનો જન્મદિવસ. આ દિવસે તેમણે પોતાના સેવકોને ધાર્મિક ઉત્સવ યોજવા કહ્યું. તેમની સૂચના મુજબ આ દિવસે ધર્મગ્રંથોમાંથી વિશિષ્ટ વાંચન, કાલીઘાટના મંદિરે કાલીપૂજા અને અન્ય મંદિરોમાં પણ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી. તેમણે પોતે પચ્ચીસ કુમારિકાઓને અને પચ્ચીસ સોભાગ્યવંતી સ્ત્રીઓને ભેટો આપી. કેટલાય સાધુ સંતો ને પંડિતોને પ્રસાદ અને વસ્ત્રો આપ્યાં. ગરીબોને ભોજન કરાવવામાં આવ્યું. શ્રીરામકૃષ્ણ મઠના કેટલાય સંન્યાસીઓ પણ આ ઉત્સવમાં હાજર રહ્યા હતા. ગૌરીમા આ ધાર્મિક ઉત્સવની સફળતાથી ખૂબ જ સંતુષ્ટ થયાં.

હવે ગૌરીમા અપૂર્વ આનંદમાં રહેવા લાગ્યાં. તેઓ હવે કોઈ પણ બાબત માટે શિષ્યો કે અનુયાયીઓને કોઈ પણ જાતનો ઠપકો આપતાં નહીં. બહારથી તેઓ ખૂબ જ સ્વસ્થ અને આનંદી જણાતા હતાં. આથી તેમના નજીકના શિષ્યો જાણી શક્યા નહીં કે આ તો મહાપ્રયાણની તૈયારીના ભાગ રૂપે છે. શિયાળો પૂરો થવા આવ્યો. ભક્તો-શિષ્યોએ માની લીધું કે હવે તો વસંતઋતુ આવી છે. આ ઋતુમાં તેઓ પોતાનું સ્વાસ્થ્ય જરૂર પાછું મેળવી લેશે. આ આશા એટલી પ્રબળ હતી કે તેમણે પોતાની ચિરવિદાયના અનેક ઇંગિતો આપ્યાં હોવા છતાં ભક્તોએ તેને ગંભીરતાથી લીધાં નહીં. એક દિવસ તેમણે પોતાના શિષ્યોને કહ્યું : ‘બેટા, હવે હું વૃંદાવનમાં જઈ રહી છું. આથી મારા માટે કોઈએ બિલકુલ દુ:ખી થવાનું નથી.’ મા, આ શું કહી રહ્યા છે, તેની ભક્તે ગંભીરતાથી નોંધ લીધી નહીં. કેમ કે ગૌરીમા, ત્યારે પણ ખૂબ જ સ્વસ્થ અને પ્રફુલ્લિત જણાતાં હતાં. આથી તેમની આવી વાત કોઈ સ્વીકારી શકે તેમ જ ન હતું.

પરંતુ જો કોઈ તેમનું નજીકથી ઊંડું અવલોકન કરે તો તેમની આંતરિક સ્થિતિમાં અને બાહ્ય વર્તનમાં આવેલું પરિવર્તન જરૂર જોઈ શકે. હવે તેમને બીજા લોકોની હાજરીનું ભાન રહેતું ન હતું. તેઓ અદૃષ્ટ હાજરીનો સતત અનુભવ કરી રહ્યાં હતાં અને તેની સાથે વાર્તાલાપ પણ કરતાં રહેતાં. એક દિવસ સુંદર સાડી પહેરીને તેઓ અદૃશ્ય મૂર્તિ પર પુષ્પવૃષ્ટિ કરતાં રહ્યાં. એક બાલિકાએ તેમને પૂછ્યું, ‘મા, આપ કોના પર આ પુષ્પવૃષ્ટિ કરી રહ્યાં છો?’ ત્યારે અર્ધતંદ્રાવસ્થામાં તેમણે જવાબ આપ્યો ; ‘હું રાધારાણી સાથે ૨મી રહી છું.’ તેઓ આ જ રીતે નારાયણ, શિવ, રામ અને સીતા સાથે પણ વાતો કરતાં ને ભજનો ગાતાં. આમ હવે તેઓ ભાવપ્રદેશમાં અદૃષ્ટ શક્તિઓ અને દેવતાઓ સાથે સંપર્કમાં રહેવા લાગ્યાં. દુન્યવી બાબતો હવે તેમને સ્પર્શી શકતી નહોતી. તેમના મુખમાંથી હવે ભગવદીય વાણી જ પ્રગટવા લાગી. એક સ્વર્ગીય આભા એમના મુખ પર છવાઈ રહેલી જોવા મળતી.

૨૮મી ફેબ્રુઆરીએ શિવરાત્રિ હતી. આ દિવસે ઉપવાસ હતો. વિશિષ્ટ પુજાનો એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. ગૌરીમાના દીર્ઘાયુ માટે ને સ્વાસ્થ્ય લાભ માટે આ પૂજાના કાર્યક્રમને બીજા દિવસ સુધી લંબાવવામાં આવ્યો. શિષ્યોએ તેમના આરોગ્ય માટે પ્રાર્થનાઓ પણ કરી. પરંતુ હવે ગૌરીમા બધી જ બાબતો પ્રત્યે ઉદાસીન બની ગયાં હતાં. તેમનું મન હવે કોઈ જ દુન્યવી બાબતોમાં લાગતું ન હતું. જીવન પ્રત્યે પણ તેઓ હવે વિરક્ત બની ગયાં હતાં. મૃત્યુના ભયથી પણ તેઓ મુક્ત હતાં. પોતે જ મહામહેનતે સર્જેલો આ આશ્રમ અને તેમાં વસતાં પોતાનાં પ્રિય બાળકોને છોડીને હંમેશ માટે ચાલ્યા જવાનું છે તે તેઓ જાણતાં હતાં. પરંતુ આવું કોઈ પણ પ્રકારનું દુઃખ ન સ્પર્શી શકે તેવી ઉચ્ચ ભૂમિકામાં તેઓ હવે વસી રહ્યાં હતાં.

એ દિવસે જ બપોરે શાંતિનું આવરણ ચીરાયું અને તેમના અંતરમાંથી વાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. તેઓ હવે બીજા જ જગતની વાતો કરવા લાગ્યાં. કોઈએ તેમને આ વાતો કરતાં તે દિવસે રોક્યાં નહીં. તેમણે કહ્યું, ‘ઠાકુર બોલાવી રહ્યા છે. એમનો પોકાર સંભળાય છે.’ પછી કહે, ‘મને ઉત્તમ વસ્ત્રો પહેરાવો.’ સંન્યાસિની હોવાને નાતે તેમણે કદી સુંદર વસ્ત્રો ધારણ કર્યાં ન હતાં. પણ તે દિવસે તેમણે એ ઈચ્છા વ્યક્ત કરતાં તેમને સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં. આ વસ્ત્રો ધારણ કરીને એમણે આનંદ વ્યક્ત કર્યો. પછી કહેવા લાગ્યાં, ‘જુઓ, જુઓ, એક સુવર્ણમય રથ મને લેવા આવી રહ્યો છે. જાઓ, જલદી મારા દામોદરને લઈ આવો.’ દામોદરશીલા – એમના જીવંત અને જાગૃત જીવનસ્વામીને – ત્યાં લાવવામાં આવ્યા. તેમણે તેમને પોતાના વક્ષઃ સ્થળ પર મૂક્યા ને છાતી સરસા ચાંપીને મનોમન કશું કહ્યું. તે પછી આ શીલાને દુર્ગાદેવી – પોતાનો પટ્ટશિષ્યા – ના હાથમાં સોંપતાં કહ્યું : ‘આનું જીવની જેમ જતન કરજે. મારા સ્વામીની પૂરેપૂરી સંભાળ રાખજે.’ આમ દામોદર સાથેનું એક માત્ર બંધન હતું તે પણ તેમણે હવે તોડી નાંખ્યું અને તેમના આત્માએ દેહના પિંજરને છોડીને સુવર્ણમય રથ પર ચઢવાની હવે સમગ્ર તૈયારી કરી લીધી.

બીજા દિવસે સવારે તેઓ ઘણાં સ્વસ્થ હતાં, શાંત હતાં. ભાવાવેગ શમી ગયો હતો. અને તેઓ સ્થિર થઈ ગયાં હતાં. તેમણે દાળભાત વગેરેનો દામોદરને ભોગ ધરાવ્યો અને પોતે પણ થોડો પ્રસાદ લીધો. બપોરે દુર્ગાદેવીને પોતાના વતી કાલી પૂજા કરવા કાલીઘાટે મોકલ્યાં. તેમણે મા કાલીની આ અંતિમ પૂજા કરાવી. ભલે તેઓ જીવન પર્યંત કૃષ્ણના ભક્ત હતાં. પણ છતાં મા કાલી પ્રત્યે પણ તેમને ભક્તિભાવના હતી. કૃષ્ણનો પ્રેમ અને કાલીની શક્તિ બંનેનો તેમનામાં સમન્વય થયેલો જોવા મળે છે. તે આખો દિવસ તેમણે ઠાકુરની અને આધ્યાત્મિક જગતની વાતો કર્યા કરી. આખો દિવસ પૂરી સ્વસ્થતામાં અને આનંદમય રીતે પસાર થયો. આથી આશ્રમમાં કોઈ અંતેવાસિની જાણી ન શકી કે આ દિવસ શ્રી માતાજીના જીવનનો અંતિમ દિવસ બની રહેશે.

સાંજ પડી. તેઓ આનંદભરી સ્વસ્થતામાં હતાં. તેમણે શિષ્યને કહ્યું : ‘હવે હું જપ કરું છું. તેમાં મને ખલલ કરશો નહીં.’ તેઓ ભગવન્નનામમાં સંપૂર્ણ ડૂબી ગયાં. પછી તો એકાએક એમની આંખો પ્રકાશથી ચમકી ઊઠી. હોઠો પર દિવ્ય સ્મિત પથરાઈ ગયું. અને દેહના પીંજરમાંથી એ મહાન આત્મા ધીરેથી નીકળીને એમણે જોયેલા સુવર્ણ રથ પર આરૂઢ થઈને પોતાના દિવ્ય ધામમાં પહોંચી ગયો. બધા ત્યાં એકત્ર થઈ ગયા હતા.. અંતેવાસિનીઓ સ્તોત્રપાઠ કરી રહી હતી. એમની છાતી સાથે એમના પ્રિય સ્વામી દામોદરશીલા જડાયેલી હતી. અને આંખ સામે હતી શ્રી રામકૃષ્ણની છબિ. એ પવિત્ર વાતાવરણમાં મંગળવારે પહેલી માર્ચ રાત્રે સવા આઠ વાગે પૃથ્વી પર ભગવાનનું કાર્ય કરવા ઊતરી આવેલ એ મહાન આત્માએ વિદાય લીધી. અને હવે જીર્ણ વૃદ્ધ શરીરનું પીંજર ખાલી થઈ ગયું! હવે એ પવિત્ર દેહને કેસર, ચંદનના લેપ અને પુષ્પ માળાઓથી સજાવવામાં આવ્યો.

બીજે દિવસે તેમને કાશીપુરના સ્મશાનઘાટે લઈ જવામાં આવ્યો. તેમના અસંખ્ય શિષ્યોએ આંસુભરી આંખે તેમને અંતિમ વિદાય આપી! આ એ જ ઘાટ હતો કે જ્યાં વરસો પહેલાં એમના આરાધ્ય દેવતા સ્વરૂપ શ્રીરામકૃષ્ણના દેહને અગ્નિને સમર્પિત કરવામાં આવ્યો હતો. અને આજે ફરી એક પવિત્ર અને સાધનાથી સંપન્ન દેહને અગ્નિદેવે પંચ મહાભૂતમાં ઓગાળી નાખ્યો. અને એ દેહમાં રહેલું સ્વર્ણિમ આત્મપંખી પોતાના દિવ્યધામ પ્રત્યે ઊડી ગયું. જાણે શ્રીરામકૃષ્ણના અવતાર કાર્યમાં નારીજાતના ઉદ્ધાર માટે દિવ્યલોકમાંથી ઊતરી આવેલી એ સોનેરી ચકલી પૃથ્વી લોકમાં દિવ્યતા રેલાવવાનું પોતાનું કાર્ય કરીને અમરધામ પ્રત્યે ઊડી ગઈ.

સમાપ્ત

Total Views: 209

One Comment

  1. Rasendra Adhvaryu May 25, 2023 at 4:22 pm - Reply

    અદ્વિતીય લેખ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.