પ્રાર્થના એટલે આપણાં દુ:ખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમતત્ત્વ સાથે ઐક્ય સાધવાની વાત છે. શ્રીઠાકુરે કથામૃતમાં કહ્યું છે, એમ જો કોઈ વ્યક્તિ ત્રણ દિવસ પૂરી શ્રદ્ધાથી એકાગ્રચિત્તે અને અંતરનાં ઊંડાણથી ભગવાનને પ્રાર્થે, તો ખુદ ભગવાનનાં દર્શન થાય….આ શક્તિ છે, પ્રાર્થનામાં…!
પ્રાર્થના એટલે શ્રદ્ધાપૂર્વકનું આંતર-મનનું સમર્પણ!
પ્રાર્થના એટલે તો પરમતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા અને જાત પરત્વે વિશ્વાસનો સંગમ કરીને સાધવામાં આવતો સંવાદ!
પ્રાર્થના તો છે અંતરની આસ્થાને ટકાવી રાખનાર પ્રાણ!
પ્રાર્થના છે દ્રોપદીનો પોકાર!
પ્રાર્થના એટલે ગજરાજની ગુહાર….! (ગજેન્દ્ર મોક્ષ યાદ છે ને?)
પ્રાર્થના કોઈ કાર્ય નથી, પરંતુ એક આંતરીક ગુણ છે.
પ્રાર્થનાનો એક અર્થ ઉપાસના પણ થાય છે.
ઉપાસના એટલે ઉપ+આસન (સહાયક+આસન)
કોઈને મોટા બનાવીને, પોતે નાના થઈને બેસવું એટલે ઉપાસના. પ્રાર્થના કરવાની નથી હોતી…બસ, પ્રાર્થનામય થઈ જવાનું હોય છે.
પ્રાર્થના એટલે સંસ્કૃત-ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષામાં લખેલ કોઈ સ્તુતિ નહીં, પરંતુ મન:સ્થિતિની વાત છે. ઉછીના ઉદાહરણો કે અવતરણોનો આધાર લીધા વગર કહું તો- મનની તમામ અવધારણાઓ, અવગુણો, અવરોધોથી પોતાની જાતને ઉપર ઉઠાવવાની, જો કોઈ રીત હોય તો તે પ્રાર્થનામય બની જવું એ છે!
‘પ્રાર્થના આત્માનો ખોરાક છે’- એવું આપણે વાંચ્યું-સાંભળ્યું છે.. તો પ્રશ્ન થાય કે, આત્મા તો અદ્રશ્ય છે એને વળી ખોરાકની શી જરૂર ? પરંતુ પ્રાર્થના પણ ક્યાં સ્પર્શી શકાય એવાં રૂપમાં હોય છે!
જે રીતે શરીર ખોરાકથી બનેલું છે…. પંચ પ્રાણકોષની વાત કરીએ તો એમાંહેનો એક કોષ ‘અન્નમય કોષ’ છે, એટલે કે માનવ-શરીર અને મનને ટકાવવા માટે અન્નની જરૂર છે, એ જ રીતે ચિદાનંદરૂપ આત્માને માટે પ્રાર્થનાની જરૂર છે.
સામાન્ય માણસોની દુનિયામાં પ્રાર્થનાનો અર્થ કોઈ દેવી-દેવતા સામે ધૂપ-દીપ-અગરબત્તી કરી, હાથ જોડી, આરતી કરવી કે આંખો મીંચીને હોઠ ફફડાવીને પોતાને પીડતી પીડાઓનું બયાન કરવું, કોઈ ભૌતિક વસ્તુની યાચના કરવી અથવા તો પછી અમૂક સ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે પોતાની જે સ્વરૂપમાં શ્રદ્ધા હોય, એને સંબોધીને કરેલ વિનંતી! શું પ્રાર્થનાની આ વ્યાખ્યા બરાબર લેખાશે ?
જી, ના….! આ પ્રાર્થના નથી. પ્રાર્થના અંતરથી ઊઠતી એક આરત છે કે જે સમસ્ત સૃષ્ટિના કર્તાહર્તા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે!
‘ફળે પ્રાર્થના
હોય જો શુદ્ધ માના
ધાવણ જેવી’
પ્રાર્થના અને કર્મકાંડને કોઈ સંબંધ નથી!
પૂજા-પાઠ, સ્તુતિ, સ્તવન એ બધું કર્મકાંડ છે. પરંતુ પ્રાર્થના એનાથી સાવ જુદી છે. પ્રાર્થના આધ્યાત્મિક માણસોનો સ્વાભાવિક ગુણ છે કે જે સકારાત્મકતાનાં તાર વડે માણસને ચૈતન્ય સાથે જોડે છે.
‘પ્રાર્થના ભીતર કો માંઝતી હૈ’ – વ્યગ્રતા, દુ:ખ અને નકારાત્મક ભાવનાના વાયરસને સાફ કરતું ‘સેલ્ફમેડ સેનિટાઈઝર’ છે!
પ્રાર્થના વિશે અંગત રીતે એમ કહીશ કે, આપણાં દુ:ખ, મનની પીડા કે વ્યથા પ્રાર્થના કરવાથી દૂર થાય છે, એમ કહેવું અતિશયોક્તિ ભર્યું લેખાશે. હા, એટલું જરૂર કહી શકાય કે પ્રાર્થનાથી માણસની તકલીફ-દુ:ખ કે પીડા દૂર નથી થતાં, પરંતુ એના પ્રત્યે જોવાની માણસની દૃષ્ટિ જરૂર બદલાય છે! અને એ બદલાયેલી મન:સ્થિતિથી પરિસ્થિતિને જોવાનું આખું વલણ જ બદલાય જાય છે. મનને શાંતિ અને હળવાશની અનુભૂતિ થાય છે. જેનાથી મુશ્કેલીમાં માર્ગ શોધવા માટે મનને મદદ મળી રહે છે!
મહાભારતનો એક પ્રસંગ છે….. યુદ્ધની સમાપ્તિ પછી શ્રીકૃષ્ણ જ્યારે પાંડવોની વિદાય માગે છે, ત્યારે પોતાનાં ફૈબા કુંતાજી શ્રીકૃષ્ણને પરબ્રહ્મ સ્વરૂપે ઓળખીને અનોખું વરદાન માગતા કહે છે, ‘હે, કૃષ્ણ! અમે જ્યાં સુધી જીવતાં રહીએ, ત્યાં સુધી અમને અપરંપાર વિપદાઓ આપો!’- કૃષ્ણ સહિત સૌ કોઈને નવાઈ લાગે એવી એ વાત ખરેખર તો કુંતાજીની અંતરની આરતભરી પ્રાર્થના હતી કે, જેમાં ભગવાન પાસે દુ:ખ માગ્યા છે. કારણ બહુ ગૂઢ છે પણ મજાનું છે કે પોતાના જીવનમાં લગાતાર દુ:ખ આવ્યા, પરંતુ એ દુ:ખના દિવસોમાં પણ સાક્ષાત્ પ્રભુ એમનો પડછાયો થઈને રહ્યાં, એટલા માટે તો કુંતાજી ભગવાન પાસે દુ:ખની માગણી કરે છે, સુખની નહીં! કારણ કે સુખમાં ભગવાન ભૂલાઈ જાય, એવું શક્ય છે, પરંતુ દુ:ખમાં તો ઈશ્વરનું સ્મરણ સહજ જ બની રહે છે!
કબીરજીએ પણ કહ્યું છે:
‘દુ:ખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ
જો સુખમે સુમિરન કરે,ફીર કાહે કો દુ:ખ હોઈ’
અંતત: અંગત રીતે પ્રાર્થના એટલે શ્વાસોચ્છવાસની આવ-જા માં અવિરત ચાલતું ઇષ્ટદેવનું નામ-સ્મરણ! જે કોઈ ભાષાનું મોહતાજ નથી…..
‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.
3 Comments
Leave A Comment
Your Content Goes Here
ખૂબ જ હદય સ્પર્શી વાત કરી છે. ખૂબ ખૂબ સરસ 👍
ખુબ જ સરસ દિલ ને sprshi😊gai😊
બહુજ અર્થસભર,સ-રસ લેખ.
ઉપ+આસન એટલે નજીક (ઈશ્વરની) આસન. જેમ ઉપ+વાસ = ઈશ્વરની નજીક વાસ. એમ પણ અર્થ કરાય છે.