શ્રદ્ધા અને ભક્તિ જોઈએ

શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ વસ્તુ કપડાને છેડે બાંધી રાખો; એના પ્રભાવથી તમે સહીસલામત ચાલ્યા જશો; પાણી ઉપર થઈને જઈ શકશો. પરંતુ ઉઘાડીને જોશો નહિ; ઉઘાડીને જોવા જતાં જ ડૂબી જવાના.’

એ માણસ સમુદ્રની ઉપર થઈને મજાનો ચાલ્યો જતો હતો. શ્રદ્ધાનું એટલું જોર. થોડોક રસ્તો ચાલ્યા પછી તેને વિચાર આવ્યો કે વિભીષણે એવી તે શી ચીજ બાંધી દીધી છે કે જેથી પાણી ઉપર થઈને ચાલી જઈ શકું છું? એમ વિચાર કરીને લૂગડાની ગાંઠ છોડીને જોયું તો તુલસીના પાંદડા પર માત્ર ‘રામ’ નામ લખેલું. ત્યારે એને થયું કે અરે, આ જ ચીજ! એ વિચાર આવતાંની સાથે જ ડૂબી ગયો!

કહેવાય છે કે હનુમાનને ‘રામ’ નામમાં એટલી શ્રદ્ધા કે તેના જોરે એ સાગર ઓળંગી ગયા! પણ સ્વયં રામને તો સેતુ બાંધવો પડ્યો!

જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો ભલે પાપ કરે કે મહાપાતક કરે, પણ તેને કશાથીયે ભય નહિ.

માણસ જગત ઉપર ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે

શ્રીરામકૃષ્ણઃ પૂજા, હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મો ની વધારે જરૂર નહિ.

જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર; જો પશ્ચિમનો પવન એની મેળે આવવા માંડે તો પંખો મૂકી દેવાય. પછી પંખાની શી જરૂર?

તમે જે બધાં કર્મ કરો છો, એ બધાં સત્કર્મ. જો ‘હું કર્તા’ એ અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કરી શકો, તો બહુ સારું. એ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરમાં પ્રેમભક્તિ આવે. એમ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરપ્રાપ્તિ થાય.

પરંતુ જેમ જેમ ઈશ્વર ઉપર ભક્તિ આવશે, તેમ તેમ કર્મો ઓછાં થશે.

ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસુ તેનાં કામ ઓછાં કરી નાખે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ સાસુ તેનાં કામ ઓછાં કરતી જાય. દસ માસ થયે જરાય કામ કરવા દે નહિ; વખતે ગર્ભને કાંઈ હાનિ પહોંચે કે પ્રસવમાં તકલીફ આવે તો? (હાસ્ય.)

તમે જે બધાં કર્મ કરો છો એથી તમારું પોતાનું કલ્યાણ. નિષ્કામભાવે કર્મ કરી શકો તો ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વર ઉપર પ્રેમ આવે. પ્રેમ આવે એટલે પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

માણસ જગત ઉપર ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય બનાવ્યા છે, જેણે માબાપમાં સ્નેહ મૂક્યો છે, જેણે મહાપુરુષોમાં દયા મૂકી છે, જેણે સાધુભક્તોની અંદર ભક્તિ આપી છે. જે માણસ કામના રહિત થઈને કર્મ કરે તે પોતાનું કલ્યાણ કરે.

એક ઈશ્વર—તેનાં અનેક નામ

ઉસ્તાદ: મહાશય, શા ઉપાયે ઈશ્વરને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: ભક્તિ જ સાર. ઈશ્વર તો સર્વભૂતોમાં છે; તો પછી ભક્ત કોને કહેવો? જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને. અને અહંકાર, અભિમાન હોય તો (ઈશ્વર-દર્શન) થાય નહિ. અહંરૂપી ટોચ ઉપર ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહિ; નીચે ઢળી જાય. હું યંત્ર માત્ર.

બધા માર્ગોથી ઈશ્વર પાસે પહોંચી શકાય. બધા ધર્મો સાચા. મૂળ વસ્તુ છે, અગાસીએ ચડવું એ. તે તમે પાકાં પગથિયાં પર થઈને ચડી શકો, લાકડાના દાદરાથી પણ ચડી શકાય, વાંસની નિસરણી વડે પણ ચડી શકાય, અને દોરડું પકડીનેય ચડી શકાય, તેમ એક વગર છોલેલા વાંસ વડે ય ચડી શકો.

જો કહો કે બીજાના ધર્મમાં કેટલીયે ભૂલો, કુસંસ્કાર છે; તો હું કહું છું કે ભલે રહ્યા. ભૂલો બધા ધર્મોમાં છે. સૌ એમ માને છે કે પોતાની ઘડિયાળ બરાબર ચાલે છે. ઈશ્વર માટેની આતુરતા હોય એટલે થયું. ઈશ્વર ઉપર સ્નેહ, તેના ઉપર પ્રેમ હોય તો બસ. એ તો અંતર્યામી છે. અંતરનું ખેંચાણ, વ્યાકુળતા એ જોઈ શકે.

ખ્યાલ કરો કે એક બાપને કેટલાંય છોકરાં છે; મોટાં છોકરાં કોઈ ‘બાપા’, કોઈ ‘બાપુજી’, એમ ચોખ્ખા શબ્દોમાં તેને બોલાવે. તેમ વળી સાવ નાનાં શિશુ વધુમાં વધુ ‘બા’ કે ‘પા’ એટલું જ કહીને બોલાવે. ત્યારે હવે જેઓ ‘બા’ કે ‘પા’ એટલું જ બોલી શકે, તેમના ઉપર બાપ શું ગુસ્સે થાય? બાપ જાણે છે કે તેઓ મને જ બોલાવે છે, પરંતુ સારી રીતે ઉચ્ચાર કરી શકતા નથી. બાપની પાસે બધાંય છોકરાં સરખાં.

તેમજ ભક્તો એક જ ઈશ્વરને જુદાં જુદાં નામે બોલાવે છે, એક વ્યક્તિને જ બોલાવે છે. એક તળાવને ચાર ઘાટ હોય. હિંદુઓ પાણી પીએ છે એક ઘાટે; તેઓ કહે છે જળ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે, તેઓ કહે છે પાની; અંગ્રેજો ત્રીજા એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘વૉટર’; તેમ વળી બીજા લોકો એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘એક્વા’.

એક ઈશ્વર, તેનાં અનેક નામ.

Total Views: 341

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.